મનોરમા દેવી (પબ્લીશર વર્ઝન)

 



પ્રસ્તાવના: રાજકારણના કાવાદાવામાં એણે બે જણાંને ધારિયા વડે ચીરી નાખ્યા...૨૫થી વધારે લોકોએ એના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાન ગુમાવ્યો. એક જ દિવસે ગામની ૧૦ સ્ત્રીઓ વિધવા થઇ. છતાં, પ્રશ્ન એમ નો એમ રહ્યો કોણ હતી તે? એક કન્યા, એક સ્ત્રી, એક ગુનેગાર કે પછી એક દેવી? એક કન્યા સામાન્ય વ્યક્તિમાંથી કેવી રીતે દેવી બને છે, એની આ વાત છે.

 

ઇ.સ.૧૯૩૧

                                  એ દિવસે સાકેતમાં એવી ઘટના બની કે આખું ગામ ચોંકી ઉઠ્યુ. તસ્કરોએ માધવરાવની હવેલીમાં ધાડ પાડી. તસ્કરોના હાથમાં થોડાક આભૂષણો અને રેશમના પટ્ટા સિવાય કીમતી કઈ હાથમાં આવ્યું નહીં. તસ્કરોએ માધવરાવ અને તેમના પત્ની સૂઈ રહ્યા હતા. એ અવસ્થામાં ચપ્પાથી બંનેના ગળા કાપી નાખ્યા. મુખદ્વારના ચોકિયાતને માથા પર કોસ મારી તેનું માથુ ફાડી નાખ્યુ. પછીતે રખેવાળી કરતાં ચોકિયાતને ચપ્પાના ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યો. તસ્કરો સામાન ઉઠાવી ભાગી ગયા.

 

                                  બીજા દિવસે ઢળતી સાંજે એક ગોવાળિયો ઢોર ચરાવી પાછો આવી રહ્યો હતો ત્યારે હવેલીમાં કોઈ હલનચલન ન લાગતા જાળીમાંથી ડોકાચિયુ કરી જોયુ. પરિસ્થિતી અસામાન્ય લાગતા તે પ્રાંગણમાં પ્રવેશ્યો. મુખદ્વારના કઠેડાએ મૃત પડેલા ચોકિયાત પર તેની નજર પડી. ભયભીત થઈ મોટી ચીસ પાડી દોડતો ગામ તરફ ભાગ્યો અને બધાને જાણ કરી.

 

                                  સૂર્યાસ્ત થયો ત્યારે પોલીસ આવી, તપાસ આદરી. તપાસમાં બાદ પોલીસે જણાવ્યુ માધવરાવ અને તેમની પત્નીને મારી નાખી ઘરમાં ચોરી કરવામાં આવી છે અને આગળ અને પાછળ ચોકી કરી રહેલા બંને ચોકિયાતોને પણ રહેંસી નાખવામાં આવ્યા છે. તસ્કરોનું પગેરું પોલીસ શોધી રહી છે.

 

*

 

                                  હરજીવનદાસ વ્યવસાયે ખેડૂત હતા, વર્ષો પહેલા બાપ-દાદાઓએ ઠાકોરો પાસેથી જમીનો ખરીદી રાખી મૂકી હતી. સમય પસાર થતા બનતું એવું આવ્યું કે ઠાકોરોની પેઢી પાયમાલ થતી ગઈ. પૂર્વજોએ જમીન વેચી જે પૈસા ભેગા કર્યા હતા એ પૂરા થઈ ગયા. હરજીવનદાસ અને એમના ભાઈઓએ દરમિયાન બીજી ઘણી ફળદ્રુપ અને બિનફળદ્રૂપ જમીનો ખરીદી લીધી. બાજુના ગામમાં પણ જમીનદારીની વાત આવે ત્યારે હરજીવનદાસનો જોટો ન જડે. ત્યાં પણ તેઓએ ઠીક ઠીક જમીનો ખરીદી હતી અને ભાડાપેટે ખેતી હેતું જમીન આપી દીધેલી. ઠાકોરોએ વખત આવતા પોતાના પૂર્વજોએ વેચેલી જમીન ભાડે લઈ ગુજરાન ચલાવાનો વારો આવ્યો.

 

                                  ગામને પાદરે સ્મશાન હતું. ડાબે કોર રસ્તો તળાવ તરફ જતો, એનાથી ૧૫૦ મીટર છેટેથી હરજીવનદસની જમીન શરૂ થતી, ત્યાં તેમણે હવેલી ઊભી કરી. સત્યનારાયણની પુજા રાખી, નામકરણ કરાવી હવેલીનું નામ રાખ્યુ સાકેત. પોતે ગામની વચોવચ રાજાઓને લાજે એવા ગઢમાં રહેતા હતા અને સાકેત ગામથી અળગુ પડતું હતું માટે ૪ માસ પશ્ચાત હવેલી ભાડે આપવા નક્કી કર્યું.

 

                                  કચ્છ નજીક રાપરથી માધવરાવ સલાટ અહીં વ્યાપાર હેતું આવ્યા હતા. તેઓ ગામમાં જીતેશ્વરીના ચોકમાં કુટુંબ સાથે રહેતા. સાકેતના વેચાણ અંગે જાણ થતા પહેલો પ્રસ્તાવ મૂકી, સહકુટુંબ હવેલી રહેવા આવી ગયા. માધવરાવ ધંધે રેશમ અને કપાસના વેપારી હતા. તેમનો-તેમના પરિવારનો સ્વભાવ, દેખાવ અને વર્તણૂક નિર્મળ અને સાદગીભર્યુ હતું. તેમનો ધંધો પરગામે અને પૂંજી પણ પરગામે પોતાની મિલમાં રાખતા. તેમ છતાં સાકેતમાં એમનો ઠાઠ ઇન્દ્રપ્રસ્થના વૈભવને માત આપે એવો હતો. ગામ વચ્ચે રહેવુ અગવડભર્યુ ન હતું પણ તેમને મિલ જવા માટે ત્યાંથી માર્ગ સરળ પડતો અને પોતેય તે કેટલાક કાળા-ધોળા કામો કરવાના રહેતા માટે ગામના ભાગોળે મકાન લેવું સગવડ ભર્યું લાગ્યુ.

 

                                  ભૂતનું ઘર પીપળે. એમ મવાલી અને દારૂડિયાઓનો અડ્ડો ગામના પાદરે. સ્મશાન પાસે ઘણા દારૂડિયા અને ચરશીઓ નશા કરતાં. સાકેતની આજુબાજુના ૨૦૦મીટરમાં સ્મશાન, બાવળીયા અને જાડી-ઝાંખરા તેમના પાડોશી હતા. મવાલીઓની આવજા એ તરફ વધવા લાગી હતી. માધવરાવ સમજી ચૂક્યા હતા પોતે ભયાનક વિસ્તારમાં રહેતા હતા. ગામના નામદાર અને માથાભારે દરબારોની મૈત્રીના ડરે ગામનો એકેય મવાલી માધવરાવની સંપતિ કે આબરૂ પર નજર નાખતા નહીં. તેમ છતાં, સુરક્ષાના ભાગે તેમણે મુખદ્વાર અને પછીતેની ડેલીએ એક-એક ચોકિયાત રાખેલા. સાકેતમાં આવ્યાના ત્રણ મહિના બાદ દીકરી કુસુમના લગ્ન લેવડાવી લીધા. જેથી પાદરે રહેવાનું એક જોખમ ઓછુ થઈ ગયું. હવે આખી હવેલીમાં માધવરાવ અને તેમના પત્ની એકલા રહેતા. માધવરાવ અઠવાડિયામાં બે વાર પરગામ જતાં મિલમાં કામ બરાબર ચાલી રહ્યું છે કે નહીં તેનું નિરીક્ષણ કરતાં અને ઉત્પાદન અહેવાલ મેળવતા.

 

                                  છ માસ બાદ તસ્કરોએ આખા ગામને ફફડાવી મૂક્યું. સાકેત પર તાળુ મારી દેવામાં આવ્યું. અંધશ્રદ્ધાનો અંધકાર ગામ આખામાં સર્વવ્યાપી હતો માટે સાકેત અંગે ભયજનક અફવાઓ ઉડવા લાગી. માધવરાવ અને તેમની પત્નીની આત્મા હવેલીમાં ફરતી હોવાના લોકો દાવા કરતાં. ક્યારેક ઉપરના મજલે આવેલા ઓરડાની બારી ખૂલતી અને બંને પતિ-પત્ની દીવાના અજવાળે વાતો કરતાં હોય એવા અહેવાલ લોકો આપતા. એક દારૂડિયો સાંજે ૭ વાગતા સ્મશાન બાજુથી ભાગતો ગામમાં આવ્યો અને નિવેદન આપ્યુ હવેલીમાં મૃત પામેલા ચોકિયાતે તેની પાસે પાણી માંગ્યુ.

“તો તારી પાંહે પોણી નતું?” ભેગા થયેલા લોકોમાંથી એકે પૂછ્યું.

“હું તરાવેહી પ્યાલો ભરી લાવ્યોતો. મુ મારી દારૂની બાટલી કાઢી પોણી મેરવવા જતોતો. ત્યાં રામ ભા (ચોકિયાત) મારી પાસર ઊભા રહી મન કે “ગલા... મને પોણી પીવડાયન... મન બોવ તરસ લાગી હ...” કહી રામ ભા રોવા લાગ્યા, ઇમના માંથામાંહી લોય નેકરતુંતું અન ઇમને રોતાતા. મેં એન પોણી પીવા પ્યાલો આલ્યો પણ મેં જોયું તો બેય પ્યાલા ખાલી હતા.” બોલી તે મૂક થઈ ગયો.

“પસી?

“હાં, પસી હું થ્યુ?” એકઠા થયેલામાંથી કેટલાકે પૂછ્યું.

મેં કીધુ: “રામ ભા પોણી તો નહીં, રો લેતો આવુ. મું એટલું બોલી ઊભો થઈ રયોતો તાં રામ ભાએ મારો ખાલી પ્યાલો હોઠે લગાવ્યો, પસી ઇ પ્યાલો લઈ જતાં રયા.”

 

                                  આવી બધી વાતોથી ગામ આખામાં ડરનો માહોલ પ્રસરી ગયો હતો. માધવરાવની દીકરી કુસુમે અણબનાવ બન્યાના થોડા દિવસ બાદ ઘરનો સામાન સ્થળાંતર કરાવ્યો. બાદ હરજીવનદાસે હવેલી બંધ કરાવી દીધી. છતાં, ભૂત અને આત્મા દેખાવાની વાતોનો અંત થયો નહીં.

 

*

 

૭ વર્ષ અને ૭ માસ બાદ,

 

                                             "અરજણ... એ... અરજણ (થોડીવાર પછી) ઘડી આ પા' આય ભઈ, આ દેતવા તપવ, 'ને હોકો બનાવ." ચારપાઈ પર બે ઓશીકાની બેડી વાળતા શમાજી બોલ્યા. જવાબ ન આવતા તે ફરીથી બોલ્યા: "એલા પભા!" ઓશીકા પર કોણીનો ટેકો દઈ પગ પર પગ ચઢાવી શમાજી ચારપાઈ પર બિરાજમાન થયા.

"એલા કોઈ હાંભ્ર? કે કોનમાં પૂમડા ઘાલ્યા સ?" ઘડીવાર શાંતિ જળવાઈ રહી. થોડીવાર રહી એક અસવાર ડેલીમાં પેસ્યો, ઘોડા પરથી નીચે ઉતર્યો. લગામ પકડી તબેલામાં પેંઠો. એ પભો હતો. ઘોડાને ખૂંટે બાંધી, ધોતી પરથી માટી ખંખેરતો આંગણામાં આવ્યો. શમાજી તેને જોઈ રહ્યા હતા. તે શમાજી પાસે આવ્યો. "જે મા બાપુ!" કે'તા તેણે શમાજીને પ્રણામ કર્યા.

"એલા, હવારનો ગ્યો તો, છેક અત્યાર તૈણ વાગે ચારો લઈને આવ સ. ચ્યાં જયો તો?"

"અરે બાપુ, ધારોડી હી આગર નદીનું પોણી ઉભરાયું'તુંને તે રોડ નરો કાદવ કાદવ થઈ ગ્યો સ. તે છેક આમ ઘૂમીને આવવું પડયુ."

"બે ઘેલા, તારો ડોહો માહ(મેહ) મહિનામાં ચમનો કાદવ થઈ જયો?"

"અરે બાપુ, (જમીન પર ઉભડક બેશી) તઈ પેલા સરકારી હોફિસરો કેનાલનું કોમ કર સ એટલે રોડ કાદવ વારો થ્યો સ."

"ઇમ?"

"હોવ, રાઘજીને મેં ત્યાં જોયો'તો, હોફિસરોની હારે વાતો કરતો'તો. જાણે ઇમનો વેવાઈ નો હોય!"

"તું દેતવા તપવ, હોકો ઠરી પડ્યો સ. બનાઈ જલ્દી."

"હો બાપુ." કહેતા તે અંદર દેતવા તપવવા ગયો.

 

                                             શમાજી મનમાં વિચારવા લાગ્યા: “કાલ રાતે બેઠા હતા રાઘજી હાચુ બોલ્યો કે કેનાલનું કોમ ચાલુ કરશે. બે વરહ જ બાકી સ ચૂંટણીને, એની ચૂંટાવાની તક જાજી સ, આ ફેરી તો ના જીતવા દઉં, ગમે તે થાય મારે જ બનવું સ સરપંચ!” પભો ગરમ દેતવા લઈ બ્હાર આવ્યો અને હુક્કો બનાવા લાગ્યો.

"એલા પભા ત્યાં બીજું શું જોયું તે?"

"પાસરના વાહના બધા આદમીઓને ત્યાં મજૂરીએ રાખ્યા સ, શકરો ત્યાં કોમ કરતો'તો મેં પૂસ્યું ચેટલી દાડી(પગાર) આલ સ તો કે' દા'ડાના પોંચ રૂપિયા." પભો બોલ્યો. એ ફૂંકરણી વડે દેતવા તપવવામાં મશગુલ થઈ ગયો અને શમાજી વિચારવામાં મશગુલ થઈ ગયા: “કેનાલનું કોમ, ગામના માણસોને દાડીએ રાખી બધાને પોતાની બાજુ કરવાની હારી ચાલ રમ્યો સ રાઘજી.” હુક્કો લઈ પભો આંગણામાં પ્રવેશ્યો. શમાજી મૂછોને મરકાવતા એકી ટશે જાડ પરની લીંબોડિયું તરફ જોઈ રહ્યા હતા.

"લો બાપુ, લગાવો!" કહેતા તેણે શમાજી આગળ હુક્કો ધર્યો.

"તું એક-બે દમ માર." કહેતા શમાજી ચારપાઈ પર આડા થયા.

"પભા, રાઘજી હારી રમત રમ્યો સ આ ફેરી. કઈક વિચારવુ પડશે, હુ કરું કાંય હમજણ નય પડતી." પભાએ શમાજીને હુક્કાની પાઇપ આપી અને પોતે તમાકુ બનાવા લાગ્યો.

"હાચી વાત, ગયા વરહથી ણે વાહના શોકરાઓને બાજુના ગોમ નેહાર ભણતા કરી દીધા, એ પસી વાહના આદમીઓને દાડિએ રાખીને તો બધાના મનમાં તો વખણાઇ ગયો હશે ." તમાકુ પર જાડો ચૂનો લગાવતા પભો બોલ્યો. હુક્કાનો બડ-બડ અવાજ ચાલતો રહ્યો. શમાજીના વિચારોમાં નશો ચઢવા લાગ્યો. પભાએ મોઢામાં તમાકુ ભરાવી. ઘરની પાછળ વાસણ માંજતી મનુ ભજન ગાઈ રહી હતી (પંક્તિ):

"ગુરુજીના નામની હો...

માડા સે ઘટમાં, સોહમ નામની હો... માડા સે ઘટમાં..."

 

                                             શમાજી અને પભો તે સાંભળી શકતા હતા. તેમનુ ધ્યાન બે ઘડી એ તરફ ગયુ. ત્યારબાદ શમાજી બોલ્યા: "પભા, હું કરુ કાઇ ખબર નય પડતી." હાથ ખંખેરતા પભો બોલ્યો: "બાપુ ઇક ઉપાય સ ઇનો, તમે થોડુ પૈસા હોમું ના જોવો અન હું કવ મ કરો તો લોકોમાં પાસા આવી કાય."

"ઇમ? બોલ જોય તારો ઉપાય." કહેતા શમાજીએ હુક્કો ગગડાવ્યો.

"પાસા કુંવર બની જાવ." પભો ઊભો થયો.

"હેં?"

"વાર-હાંજ ગોમમાં જમીનદારની જેમ લટાર મારવા નેકરો, ગોમમાં હાલતા-સાલતા પૂસો બધાને હું તકલીફ સ. (તમાકુ થૂકી) મદદ કરો લોકોની 'ને જેને જરૂર હોય એને વગર વ્યાજવા પૈસા આલો. આવું કાઇક કરો તો લોકોમાં પાસા આવી કાય. થોડાક રૂપીયા જાહે પણ તમારૂ મોન વધી જાહે."

"વો. (સારુ)" કહી શમાજી પાછા વિચારોમાં પરોવાયા. વાંસણ માંજીને મનુ ભજન ગાતાં-ગાતાં ઓસરીએ આવી. શમાજીને જોતા તેનો અવાજ માખીઓના ગણગણાટમાં ફેરવાઈ ગયો. શમાજીની લાજ કાઢી તે પોતાના ઘર તરફ ચાલવા લાગી.

 

"મનુડી..."હુક્કાનો દમ ખેંચી શમાજી બોલ્યા.

"જી બાપુ." મનુ પાછી વળી.

"આંય આય મનુડી (મનુ શમાજી બેઠા હતા એ તરફ આવી, થોડે દૂર ઊભી રહી) શું કરે સ દેવો?"

"એ ખેતરે શિવાભાઈ હારે ગીયો સ, ઇમને ત્યાં દાડિયાની જરૂર હતી તે."

"હારું. કાઇ કોમ પડે તો આવજે મારી પાંહે, કા જોતું કરતું હોય તો."

"વો બાપુ, એકાદ તપેલી મગ આલ્યા હોત તો બે-ત્રણ દા'ડા ખિચડી થાત."

"હા, હા મ ન? વોવને કે' ઇ આલશે, જા અંદર."

 "વો બાપુ." કહી મનુ ઘરમાં ગઈ.

"વા બાપુ, ઘેરેથી જ શરૂવાત! ખરુ ખરુ હોં!" પભો બોલ્યો. શમાજીએ કૃત્રિમ સ્મિત આપ્યુ.

 

*

 

                                  સાકેત બંધ કરાવે સાત વર્ષ વીતી ગયા હતા. હરજીવનદાસને એક પુત્ર હતો મોહન. મોહન ૨૨ વર્ષનો યુવાન હતો. તે દેખાવડો હતો. ઘરમાં બધાનો લાડકવાયો હતો. દેખાવની સાથે-સાથે કુબુદ્ધિ પણ તેનામાં અવતરી હતી. મોહનના જીવનનું ફક્ત એક જ લક્ષ્ય હતું સ્ત્રીને પામવી. ના, ના તેના જીવનનું લક્ષ્ય હતું સ્ત્રીઓને પામવી. તેને મિત્રો પણ સરખી અભિરુચિ ધરાવતા મળ્યા હતા.

 

                                  મોહનના રૂપ અને પૈસાના જાળમાં ઘણી છોકરીઓ ફસાઈ ચૂકી હતી. મોહન એમને છૂટી પણ એ રીતે કરતો કે છોકરીઓ માંઠુ ન લગાડતી. આ બહુ અજબની તેનામાં કળા હતી. ખંડેર બની ચૂકેલો સાકેત આજે મોહનના કામમાં આવી રહ્યો હતો. સાકેતનો ઉપયોગ મોહન અને તેના મિત્રો ભોગવિલાસ અને નશાના સેવન માટે કરતાં. મોહનના ભાઈબંધો સાકેત પરથી ચીલમ અને ગાંજાનું વેચાણ કરતાં. મોહન તેની પ્રેમીકાને સાકેત પર બોલાવી સંભોગ કરતો. ઘણીવાર તેના ભાઈબંધોને પણ સોંપી દેતો. એ પછી પણ મોહન એ રીતે એમને મનાવતો કે છોકરીઓ એ વાતનું ખોટુ ન લગાડતી અને ચૂપ થઈ જતી. જે છોકરીઓને આ બધુ ન ફાવતું તે એને મળવાનું અથવા બોલાવાનું ઓછુ કરી દેતી પણ ક્યારેય કોઈ જાતનો ભવાડો કરતી નહીં.

 

                                  આ ગાળામાં એક જુવાનજોધ વિધવા બનેલી સ્ત્રી તેના પિયરમાં પાછી આવી. ગામમાં જુવાનજોધ છોકરી વિધવા થઈ પાછી આવે તે અત્યંત શોકની વાત હતી. તે તેના મા-બાપ અને ભાઈ-ભાભી સાથે રહેતી. તેના પરિવારે તેને સહજ સ્વીકારી. તે જીવી રહી હતી. તેણીના પિતાએ સંપૂર્ણ માન સાથે તેને મનપસંદ કપડા પહેરવાની છૂટ પણ આપી હતી. છતાં, તે ગુમ રહ્યા કરતી, અંદરો-અંદર પીડાતી. પોતાના સુહાગને ગુમાવાનું કષ્ટ તે સાંખી શક્તી ન હતી. આ દુખ તે ક્યાંય લઈ જઈ શકે એમ ન હતી. આ એકલતા, આ પીડા તેના રૂપને અણછાજતું. એ કારણથી તેનામાંથી નકારાત્મકતા પ્રસરતી.

 

                                  આ સંદર્ભમાં વિચારી જોવો કુદરતે ઘડેલી એક સુંદર રચના, જેનું લાવણ્ય સ્વર્ગની રૂપાંગનાઓને મળતું આવતું હોય. જેને જોવાની, જેને પામવાની ઈચ્છા દરેકને થતી હોય એ માણસમાંથી જ્યારે નકારાત્મકતા આવે ત્યારે વિધાતા કે કુદરત જાણે ભાવશૂન્ય બની ગઈ હોય એમ લાગવા લાગે કે નહીં? તેના ભાઈ-ભાભી અને મા-બાપ તેને પૂરતો સહકાર આપતા. તેને તેના દુખમાંથી બ્હાર લાવવાનો પ્રયત્ન કરતાં પણ તે ગુમસુમ રહ્યા કરતી. હા, તેણે રંગીન કપડા પહેરવાના શરૂ કર્યા હતા, તે વ્યવહારુ જીવન જીવી રહી હતી, નવી બહેનપણીઓ બનાવી હતી પણ તેના મનમાં, તેના મગજમાં એકાંત ઘર કરી ગયુ હતું. એ એકાંત ઘણી નિરાશાઓ લાવતું. આ એકાંત અને નિરાશાની આદત પડી ચૂકી હતી. છતાં, પોતાનાથી બનતું એ કરતી. એ જાણતી હતી એના ભાઈ-ભાભી અને મમ્મી-પપ્પા એને લઈને ચિંતિત છે, માટે ઘરના કામ કરતી, લોકોમાં હળવા-મળવા લાગી, એની બહેનપણીઓ સાથે બજાર જતી. એ વ્યક્તિનું નામ હતું રાધા.

 

*

 

                                              શમાજી સાંજે લટાર મારવા માટે જમીનદારની જેમ તૈયાર થયા. ભૂખરા રંગની શાલ ઓઢી, એક હાથમાં ચીલમની પાઇપ લીધી અને બીજા હાથમાં લાકડી પકડી, મોગરાના અત્તરની ખુશ્બુ મહેકાવતાં શમાજી ગામની ગલીઓમાં ટહેલવા લાગ્યા. ગ્રામજનો અચંબિત અને હળવા ગભરાટથી તેમની સામે જોતા. કો'ક બે જણ ખાલી "જે મા બાપુ!" કહી બનાવટી આવકાર આપ્તા તો બીજા કો'ક બે જણ બેઠા-બેઠા અનુંમાન લગાવતા કે શમાજી કેમ આ બાજુ આવ્યા. પીપળાની નીચે ૪-૫ ભાભા બેઠા હતા. શમાજી એ તરફ ગયા.

"એ આવો આવો બાપુ, બોવ દા'ડે દેખાણા આ બાજુ." એક ભાભા રામ-રામ કરતાં બોલ્યા.

"હા ભઈ, મને થયુ હાલો બધા ડેલામાં થતો જાવ, બધે હાજુ-હુંજુ સે કે ન જો આવુ."

" હારુ કર્યું બાપા. બેહો આયાં." ભાભાએ ઓટલા પર જગા કરી આપી.

 

                                             વૃદ્ધો સાથે શમાજી ૨૦-૨૫ મિનટ બેઠા, એમને બધાને પૂછી જોયુ કે કોઇ તકલીફ, કશું જોઈતું કરતું હોય તો. શમાજી પહેલી વાર આવ્યા હતા. કોઈ કઈ પ્રશ્ન કે સમસ્યા લાવ્યુ નહીં. એમના એમ શમાજી ઘરે પાછા આવ્યા. ઘરે જતાં વચ્ચે અરજણનું ઘર આવતું. તેના ઘરની બ્હાર ઊભા રહી જોયુ. અંદર ઘરમાં ખૂબ જ અંધારુ હતું. સૂર્યાસ્ત થઈ ગયો હતો માટે કઈ દેખાતું ન હતું. શમાજી ઘરે પાછા ગયા.

 

                                             બીજે દિવસે સવારે શમાજી ફરીથી લટાર મારવા નીકળી પડ્યા. આગળના વાસની પહેલી ડેલીએ ઊભા રહ્યા: "લખી વહુ, ઑ લખી વહુ!" જવાબ ન આવતા લાકડી વડે ડેલીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો: "એ કુણ સ?" કહેતા એક સ્ત્રી તેના છ વર્ષના બાળક સાથે બ્હાર આવી. શમાજીને જોતા એણે લાજ કાઢી: "જે મા બાપુ."કહી દૂરથી પગે લાગવાની ચેષ્ટા કરી.

"વો વહુ, કાલ હાંજે ચૂલો કેમ ન'તો થયો?"

"મારા એ, બીજા ગોમ ગયા સ, લીંપણ કરવા. આજે આવશે એટલે હાંજે થશે."

"અરજણ તો કે'તોય નથી બીજે ગોમ કોમ કરવા જાય સ, આજે આવવાનું કીધુ સ?"

"ના, પણ આવી જશે ને કાલ વારના ગ્યા સ તે."

"એવું ના હોય વહુ, બીજા ગોમ જયો હોય તો એ ચાર દા'ડેવે. આ લો આ પાંચ આના સે, શાકભાજી લઈ આવજો, લાકડા લેવા જાવાનો સો ને?"

"હા."

"હારુ. ઘાંસતેલ આપણા ઘેરેથી લેતા આવજો."

"એ ઘણી ખમ્મા બાપુ." કહી તેણે તેના બાળકને શમાજી પાસે મોકલ્યો: "જા, બાપુ પૈસા આલે."

 

                                             છ વર્ષનો છોકરો ડગમગ પગે શમાજી પાસે આવ્યો. શમાજીએ બાળકના હાથમાં પૈસા મુકયા. પાંચ આના લઈ એણે એની માને આપ્યા. શમાજી આગળ ચાલતા થયા. આવી રીતે બીજા ત્રણ દિવસ વિત્યા પરંતું ગામવાળા હરફ ન બોલ્યા. લોકો શમાજીને આવકારતા, જોડે બેશતા, ચા-પાણીનું પૂછતા પણ કોઈ સમસ્યા કે પ્રશ્ન લાવતું નહીં. કંટાળીને શમાજીએ આંટા મારવાનું બંધ કર્યું.

 

*

 

                                  રાધા જેમ-તેમ કરી પોતાના અસ્તિત્વને ટકાવવાનો પ્રયત્ન કરી રહી હતી. જીવવા માટે સંઘર્ષ કરી રહી હતી. તેના મગજે સેવેલી આદતો તેને લાગણીઓના વિક્ષેપમાંથી બ્હાર આવવા દેતી ન હતી. આ મનોસંઘર્ષને દૂર કરવાના પ્રયાસ હેતું તેની ભાભીએ પગપાળા અંબાજી જવાનો પ્રવાસ ગોઠવ્યો. આમ પણ દર વૈશાખી બીજે તેઓ પગપાળા અંબાજી જતાં. ગામના સંઘ સાથે તેઓ નીકળ્યા. અંબે માની પ્રતિમા લઈ જય અંબેના નાદ સાથે ભક્તોએ ગઢ તરફ પ્રયાણ કર્યું.

 

                                  મોહન અને તેના મિત્રો પણ સંઘમાં જોડાયા હતા. મોહન મા દુર્ગાનો ભક્ત હતો. મા ભવાનીના દરેક કાર્યોમાં તે જોડાતો અને દરેક પાવન અવસરમાં માની ભક્તિ કરતો. ફક્ત આ જ સમયગાળા દરમિયાન તે પરસ્ત્રી અને વ્યસન પર નજર નાખતો નહીં. મા અંબાના દર્શન માટે પગપાળા આવતા દરેક શ્રદ્ધાળુઓનું તે ધ્યાન રાખતો. તેની આ નિખાલસતા પર છોકરીઓ વારી જતી પણ તે માની ભક્તિમાં તલ્લીન રહેતો.

 

                                  આ સફરની સકારાત્મક અસર રાધા પર થઈ રહી હતી. હવામાન બદલાતા તેના વિચારો પણ બદલાયા. એવું મનાય છે કે વ્યક્તિની ભાવનાઓ ગતિ સાથે બદલાયા કરે છે. રાધાના ભાવો પણ ગતિ સાથે બદલાયા. તેના ચહેરા પર એક નવી જ ઉર્મિ જોવા મળી રહી હતી. રસ્તામાં ધીમા પડતા અથવા થાકી જતાં લોકોને તે “જય અંબે”ના નારા લગાવી પ્રોત્સાહન પૂરુ પાડતી. આ સમયે તે ખુશ હતી. આજે ઘણા સમયે તેના હોઠ પર સ્મિત આવ્યું હતું. તેની ભાભીનો હેતું પાર પડી રહ્યો હતો. તે એની નણંદને જોઈને ખુશ હતી.

 

                                  એક અઠવાડીયા બાદ તેઓ મા વૈષ્ણવીના ધામ અંબાજી પહોંચ્યા. બપોરના ૨,૩વાગતા સંઘના મોટાભાગના લોકો ગઢ સુધી આવી ગયા. સાંજની આરતીમાં હાજર રહેવાની તક મળી હતી. બપોરે અંતિમ વિસામાએ સૌ આરામ કરવા રોકાયા. રાધાને જલ્દી સ્નાન કરવાની તક મળી હતી. તૈયાર થઈ રાધા તેની ભાભી જોડે સંઘની પ્રતિમા પાસે હજાર થઈ ગઈ.

 

                                  સંઘમાંના ઘણા હજુ સૂઈ રહ્યા હતા અને અરધા નાહવાનું કરી રહ્યા હતા. સાંજના ૬ વાગી ગયા હતા. મોહન મુર્તિ પ્રતિમા લઈ તૈયાર ઊભો હતો. તેની સાથે તેના મિત્રો જસવંત, પ્રત્યુસ અને ગિરિધર પણ તૈયાર થઈ બીજાની રાહ જોઈ રહ્યા હતા. ત્રણ ૧૫-૧૫ વર્ષની છોકરીઓ, બીજા બે આધેડ વયના પુરુષ અને ત્રણ સ્ત્રીઓ તૈયાર બેઠા હતા. હજુ અરધા ઉપરના માણસો તૈયાર ન હતા. મોહનને ગુસ્સો આવ્યો. માતાના કામમાં કોઈ મોડુ કરે એ તેને જરાય ગમે એવી વાત ન હતી.

“બે ચેટલી વાર હોય? આ લોકો તો મોણસ સ કે ફોનસ!“ તેણે તેના મિત્રોને કહ્યું.

“આવતા હશે, આપણા વારાની એ તો તકલીફ સ. ટેમસર જિંદગીમાં ચ્યારેય ચ્યાંય હાજર જ નો રેયને.” જસવંત બોલ્યો.

“ઇમના ડોહાન મોહણીયામાંય તોતો મોડુ કરશેન?” ગુસ્સાથી ઉશ્કેરાયેલો તે બોલ્યો. તેના ભાઈબંધ બધા હસવા લાગ્યા પણ તે ન હસ્યો અને ગંભીરતાથી હાજર ઉભેલા બધા પર નજર ફેરવી. થોડીવાર બાદ તે બોલ્યો: “આ જેટલા હજી હાજર નય થ્યાન,એમન પાસા આપણી હારે નહીં લઈ જાવાના જસુ.” તેણે જસવંતને કહ્યું. જસવંતે સંમતિ દર્શાવાની સજ્ઞા દેખાડી. થોડીવાર રાહ જોયા બાદ પણ કોઈ આવ્યું નહીં.

“માય ગ્યું, હાલો આપણે.” કહી તેણે માની પ્રતિમા ઉપાડી.

 

                                  તેના મિત્રો ઊભા થઈ ગયા. આરતી શરૂ થવામાં થોડી જ મિનટો બાકી હતી. માની આરતી, સાડલો, ચુંદડી અને હાર એક થેલામાં હતો. એ થેલો જસવંતે ઉપાડયો. હાજર ઉભેલા સૌ ગઢ પર જવા નીકળ્યા. સૌથી આગળ મોહન, જસવંત અને સંઘની છોકરીઓ ચાલી રહ્યા હતા. સંઘના બીજા પુરુષો-સ્ત્રીઓ, અને રાધા તેમની પાછળ આવી રહ્યા હતા. બહુ બધુ માણાં ઉપર ભેગુ થયુ હતું. તેઓ ઉપર પહોંચ્યા એવા તરત આરતીનો ઘંટનાદ અને શંખ વાગ્યો. આરતી શરૂ થઈ એમ સંઘની કન્યાઓ અને રાધા-તેની ભાભી આરતીની થાળી તૈયાર કરવા લાગી, દરમિયાન મોહન અને બીજી સ્ત્રીઓ મુર્તિ પ્રતિમાને પ્રતિષ્ઠા માટે તૈયાર કરવા લાગ્યા.

 

                                  મા સિંહવાહીની સમક્ષ મુર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરી, પુજા કરી. માની આરતી ગાઈ સૌ કોઈ ભક્તિના સર્વોત્તમ સ્થાન પર પહોંચી ગયા. પુજા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સંઘના દરેક માણસો આવી ચૂક્યા હતા. માની પ્રતિમા લઈ સૌ નીચે ઉતર્યા. રાતવાસો કરી. વહેલા પરોઢે સંઘ પાછો ઘર તરફ ભણ્યો. મા ભગવતીને મળ્યાનો આનંદ અને ભક્તિના મહિમાથી બધા તેજોમય બની ગયા હતા. બળદગાડાઓ બદલતા-બદલતા બે દિવસે સંઘ માની પ્રતિમા સાથે પાછુ ફર્યુ. ગામના તળાવ નજીક મંદિર સ્થાપવામાં આવ્યું અને ત્યાં પ્રતિમા બિરાજમાન કરાવામાં આવી.

 

*

 

                                             એક દિવસ મનુ શમાજીના ત્યાં વાસણ ઘસી પોતાના ઘરે જઇ રહી હતી ત્યાં શમાજીએ તેને બોલાવી:

"જી બાપુ, બોલો." મનુ બોલી.

"રોજ કોના કોના ઘેર વાહણ ગહવા(ઘસવા) જાશ?"

"જોવો ની પાસરના ડેલામાં મંગળાભાઈના ત્યાં, એમની બાજુમાં સઘીબુનના ત્યાં, તમારા ત્યાં અને રાઘજીબાપુના ત્યાં." નીચે જમીન પર ઊભા પગે બેશતા મનુ બોલી. રાઘજી નામ સાંભળતા શમાજીના લોહીમાં ઉકળાટ મચી ગયો પણ ચહેરા પર ઉચાટ વર્તાવા દીધો નહીં.

"એમ. ખાલી વાહણ જ કરે સે કે કચરા-પોતું પણ?"

"ખાલી રાઘજીબાપુના ન્યાં કચરા-પોતું હોય, ક્યારેક કપડા ધોઈ આવુ."

"ક્યાં હુધી આમ ને આમ હાલશે? ક્યાં હુધી તું આવુ બધુ કરીશ મનુડી? તારી તો ઉંમર પણ જતી ર પઈણવાની, આખી જિંદગી બસ આ જ કર્યા કરીશ?"

મનુ સહેજ ભોંઠી પડી: "જી બાપુ, મારા ભાઈ માટે કરુ સુ હું, એક વાર દેવો પગ ભર થઈ જાય પસી મારે નિરાંત."

"દેવો મોટો થશે ત્યારે તન હાચવશે કે એના બૈરી સોકરાન? (થોડીવાર રહી) એક કોમ કર, એક બરદ ખરીદી લે, તારે એનું ગાડુ બનાવુ હોય તો એ બનાવીને તું ગુજરાન કરી હકે, એના પોદરામાંહી તું સાણા થાપીને વેચે તોયે ય ઘણુ કમાઈ હકે અથવા તો ખેતર ખેડવા આલી દેવાનો દાડિયાઓને, જે બે-પાંચ આના આયા ઇ હાચા."

"વાત તો હાચી તમારી પણ મારી પાંહે ચ્યોંહી હોય એટલા પૈસા?"

"લે ગોંડી, પૈસા હોમું નો જો અત્યાર એકવાર બરદ લઈ લે, પસી કમાણી જ કમાણી."

"પણ બાપુ મારી પાંહે ચ્યાંહી હોય એટલા બધા પૈસા?" સંકોચ સાથે મનુ બોલી. થોડીવાર પછી શમાજી બોલ્યા: "એમાં હુ વરી, હુ તન લોન કરાઇ આલુ, તું મારી ભેગુ મોટા શે'ર આવજે."

 

                                             મનુ વિચારવા લાગી. શમાજી હુક્કો ગગડાવતા લાગ્યા: "બોવ વેચારે નય, આવી તક બીજી વાર નય મડે, ૫૫૦૦ રૂપિયાની લોન કરાવી આપુ, તું એ પસી બરદ લઈન, કમાઈને હપ્તા ભર્યા કરજે. (થોડીવાર પછી) હપ્તા ભરાઈ જાય પસી તાર કોઈ ચિંતા ખરી? નરી કમાણી જ કમાણી સ આમાં." મનુ ચુપચાપ વિચારતી રહી. શમાજી ફરી હુક્કો ગગડાવતા બોલ્યા:"બોલ હવે, હું કરવું સ?"

"હો બાપુ. તમે ક્યો ઇમ, કરી આલો લોન, હું ભરીશ હપ્તા."

 

                                             શમાજી ચારપાઈ પર બેઠા થયા:"જો મનુડી, દર મહિને ટેમ સર હપ્તા ભરવા પડશે, નહીં ભરુ તો પોલીસ વારા તન ઉપાડી જશે. તું ભરી હકે હપ્તા?" બે ઘડી મનુ વિચાર્યા બાદ બોલી:"હવ બાપુ, મું ભરી દઇશ." શમાજી મરક મરક હસવા લાગ્યા:"હારુ, મુ પરમ દા'ડે શે'જાવાનો સુ, તું આવજે મારી ભેગુ."

 

                                             ત્યારબાદ શમાજી મનુને શહેર લઈ ગયા. તેને બળદ માટેની લોન અપાવી. ૫૦૦રૂ. ડિપોઝિટ શમાજીએ પોતાના પૈસે ભરી. લોન લીધાના ત્રણ દિવસ પછી શમાજીએ મનુને બળદ લઈ આપ્યો.

 

*

 

                                  અંબાજીથી પાછા વળતી વખતે મોહને રાધાનો પરિચય મેળવ્યો હતો. તે રાધાથી મોહી ગયો હતો. હા એ જ મોહન જેનું સ્વાગત ગામની દરેક કન્યા ખુલા હાથથી કરતી, તેને બાહોમાં સમાવી લેવા. જેને મેળવવાની આકાંક્ષા ગામની ઘણી કન્યાઓ કરતી, એ મોહનનું મન હચમચી ગયુ હતું રાધાના કારણે. અઘરૂ ઘણુ બધુ હતું. વાત ચાલી રહી છે આ ૧૯૩૧ની. પહેલા તો રાધાને મનાવવી જ. કારણ જે પરિસ્થિતિમાં રાધા હતી એ કદી ક્યારેય તેની થવાની જ ન હતી. તે જાણતો હતો રાધા જેવી સ્ત્રી એને ક્યારેય અપનાવશે નહીં. એ સમયે પોતે જે કોઈ છોકરી સાથે સંબંધમાં હતો એ બધામાંથી છૂટો થઈ ગયો. જાણે તેને એક જ વ્યક્તિ જોઈતી હોય રાધા.

 

                                  સાકેતમાં તે પડયો રહેતો. ચિલમો ફૂંકયા કરતો. તેના હોઠ પર એક જ નામ અને આંખોમાં એક જ દ્રશ્ય: રાધા. તેને આખી સૃષ્ટિમાં બીજુ કઈ ન હતું જોઈતું બસ એક રાધા સિવાય. તેની દરેક ઈચ્છા, દરેક દવા, દરેક દર્દનો એક જ ઉપાય જણાતો હતો રાધા. આ જુવાનિયાના મનની મંચ્છા તેના મિત્રો પામી ચૂક્યા હતા. વાત હવે ગામ સુધી પહોંચી ગઈ. લોકોને ખબર પડવા લાગી. એક વિધવાના પ્રેમમાં ગામનો રૂપાળો-નકટો જુવાન અટવાયો હતો. રાધા પણ સામે એટલી મુસ્તાક હતી કે તે એમ એના હાથમાં આવવાથી રહી.

 

                                  મોહને બીજાના વતી રાધાને સંદેશ મોકલાવ્યો હતો પણ રાધાની ના જ હતી. છતાં, મોહને તેને જોવાનું, તેને ઝંખવાનું છોડયુ નહીં. તેની કલ્પના કરવાનું મુક્યુ નહીં. મોહનના ભાઈબંધ જસવંત અને ગિરિધર રાધાના દૂરના સગા થતા હતા. તેમણે મોહન-રાધાને એક કરવાનો પ્રયત્ન કરી જોયો પણ રાધાએ પોતાનો જવાબ બદલ્યો નહીં. તે એકની બે ન થઈ. મોહનને લાગ્યુ તેની કુટેવોના કારણે એ ના પાડી રહી હશે. માટે તેણે સાકેત બંધ કરાવ્યો. જેનો ફટકો તેના મિત્રોને પડયો. તેના મિત્રો મોહનના ખર્ચે ખંડેરમાં બેશી નશા કરતાં અને સાકેત પરથી દારૂ, ચીલમ અને અફીણની દાણચોરી કરતાં.

 

                                  સાકેતને તાળુ વાગતા તેના ભાઈબંધોનો નશાનો પુરવઠો બંધ થઈ ગયો. હવે, મોહનનું નવુ ઠેકાણુ જીતેશ્વરી માતાનો ચોક બની ગયુ. જ્યાં બજાર હતું, તેની નજીક રાધાનું ઘર હતું. મોહન વિલા મોઢે ત્યાં પડયો અને પાંથરયો રહેતો. રાધા જાણતી હતી આ બધુ કોના માટે થઈ રહ્યું છે. લોકો પણ જોતા કે શું આ ગાંડપણ ચાલી રહ્યું છે. ગામના બીજા લોકોએ પણ રાધાને એ નજરથી જોવાનો પ્રયત્ન કર્યો પણ બીજાને એવું કઈ ખાસ રાધામાં દેખાયુ નહીં. બસ, આ જ તો સંવેદન છે પ્રિય વ્યક્તિ માટેનું. જે ફક્ત એક સાચી અને યોગ્ય વ્યક્તિ જ જોઈ શકે. માટે જ પ્રેમ એ ઈશ્વરની પરિભાષા છે. જો તમે માનો તો ઈશ્વર છે બાકી એક પત્થરથી વધુ કઈ નહીં.

 

                                  રાધા માટેની લાગણીએ મોહનને આંતરી લીધો હતો. મોહનની લાગણી રાધા માટે એટલી દ્રઢ થઈ ચૂકી હતી કે ગામની અન્ય કન્યાઓ તે બંને એક થઈ જાય એ માટે માનતા રાખવા લાગી. જે છોકરીઓ મોહનની ઝંખના કરતી હતી એ કન્યાઓ આ બંને માટે ભગવાનને પુજા કરવા લાગી કે ગમે તે કરી આ બંને એકબીજાને મળી જાય. તેમના માટે ઉપવાસ કરવા લાગી, તેમના માટે શ્રીફળ વધેરવા લાગી. તે બંને માટે મહાદેવના પાઠો જપવા લાગી. એમના માટે પૂજાઓ કરાવા લાગી. તે કન્યાઓ પણ મોહનના પ્રેમમાં ઘેલી બની ચૂકી હતી. કેટલી નિર્દોષતા અને નિર્મળતા અને આ કન્યાઓને જોઈતું હતું તો શું? મોહનનું સુખ. ભલે એ સુખ તેને બીજી કોઈ સ્ત્રી પાસેથી મળતું.

        

                                  મોહનના ચહેરા પર જે ખુમાર હતો, એ મટી ગયો હતો. તેની આંખોની નિખાલસતા ઉતરી ગઈ હતી. આ કન્યાઓને એ નિખાલસતા-એ ખુમારી પાછી જોઈતી હતી. ભલે એ નિખાલસતા-ખુમારી તેને રાધા પાસેથી મળતી. બસ, એટલુ જ એમને જોઈતું હતું. નશો કરતાં જે તેજ તેના ચહેરા પરથી હટી ગયુ હતું, એ હવે નશો છોડ્યા બાદ પણ પાછુ આવ્યું નહીં. એની માનસિકતા બદલાઈ રહી હતી, એનું માનસ બદલાઈ રહ્યું હતું. તે અંદરથી તૂટી રહ્યો હતો, તલસી રહ્યો હતો, તડપી રહ્યો હતો રાધા માટે. તે બેબાકળો થઈ ચૂક્યો હતો રાધા માટે.

 

                                  રાધાને કોઈનાથી કશું જોઈતું ન હતું. તેને તેના એકાંતથી દિવાનગી થઈ ચુકી હતી. તે બંધાઈ ગઈ હતી લોકો-કુટુંબ અને સમાજની ખોખલી લઘુ માનસિકતાની સાંકળે. તેના મા-બાપે તેને આ સાંકળમાંથી મુક્ત કરી દીધી હતી. છતાં, સમાજ-લોકોનો ડર તેને ઉપર ઉઠવા દેતો ન હતો. તેને પણ એ જોઈતું ન હતું. લાગણીના સંબંધે તેને માત આપી દીધી હતી. એ ગલીમાં જવાનું તેણે હંમેશને માટે બંધ કરી દીધુ હતું. જે તેની બહુ મોટી ભૂલ સાબિત થવાની હતી.

 

*

 

                                             મનુનો બળદ તેને સારી કમાણી કરી આપતો હતો. મનુ છાણાં વેચતી અને સવાર-સાંજ બળદગાડુ ફેરવતી. મનુના ભાઈ દેવાને છાણાં થાપવુ ખૂબ ગમતું, છાણાં થાપવાનો સમય થાય એટલે તરત તે મનુને મદદ કરવા આવી જતો. ઘણીવાર માનું આની કામમાં હોય છતાં, દેવો તેને છાણાં થાપવાનું યાદ અપાવતો: “હાલ મનુડી છાણાં થાપીએ!” મનુ અન્ય કામ મૂકી તેના ભાઈ સાથે છાણાં થાપતી. તેના ભાઈને ખુશ જોઈ મનુ પણ હરખાતી. તે સાથે મનુ લોકોના ત્યાં વાસણ ઘસવા અને કપડાં-પોતું કરવા પણ જતી. એમાંથી તેનું ગુજરાન ચાલી જતું. તદઉપરાંત તે પૈસા ભેગા કરતી અને લોન પણ ભરતી.

 

                                             મનુની પરિસ્થિતી સુધરી હતી. તેણે નવેસરથી ઘરને લીંપણ કરાવ્યુ. ભીંત પર માટી રંગાવી કચ્છી ભાત પાડી. તેણે ઘરની ઉપર પાકા નળિયા નખાવ્યા. દર મહિને મનુ શમાજીને તેમના ઘરે લોનના હપ્તાના પૈસા આપી આવતી. શમાજી શહેર જાય ત્યારે હપ્તો ભરી આવતા. આવી રીતે દિવસો વિતતા ગયા.

 

                                             એક દિવસ હરરોજની જેમ મનુ સવારે ૭ વાગતા તેના બળદને ચારો નાખતી આવી. ખુશનુંમા વાતાવરણ હતું. તેનો બળદ સૂઈ રહ્યો હતો. આજે શમાજીના ઘરે મનુએ હપ્તાના પૈસા આપવા જવાનું હતું. સવારના ૧૧ વાગ્યા. મનુ નાહી ધોઈને ગાડુ બાંધવાની તૈયારી કરી રહી હતી. મનુનો બળદ હજુ પણ સૂઈ રહ્યો હતો. તેના મોઢામાંથી લાળ નીકળી રહી હતી. મનુએ તેને ઢંઢોળયો, તેના પર પાણી છાંટ્યુ પરંતું તે ઊભો ન થયો. મનુને થયુ આજે ગાડુ નથી બાંધવુ, એક દિવસ આરામ. તેના બળદે ચારો ન ખાધો. એ દિવસે મનુનો બળદ જેમ હતો એમનો એમ આખો દિવસ પડ્યો રહ્યો. રાત્રે દેવો તેને ચારો નાખી આવ્યો.

 

                                             બીજે દિવસે સવારે મનુ બળદ માટે ચારો લઈ ગઈ. તેણીએ જોયુ કે ગઈ કાલનો ચારો હજુ એમનો એમ જ હતો, બળદે ખાધો ન હતો. એની આંખો હજુ બંધ હતી. મનુએ તેને પંપાળયો. તેના મોઢામાંથી લાળ નીકળીને સુકાઈ ગઇ હતી. મનુએ તેના મોઢા પર પાણી છાંટ્યુ પરંતું તે ન ઊભો થયો. તેનો બળદ મરી ગયો હતો. મનુ તેના બળદને બથ ભરીને રડવા લાગી. એના રુદનની કિકિયારીથી વાડો આખો ગાજી ઉઠયો. અરસપરસના લોકો ભેગા થઈ ગયા, શું થયુ છે તે જોવા આવી ગયા. મનુના ભાઈએ તેને છાની રાખી, તેને ઊભી કરી ઓસરીમાં લઈ આવ્યો. મનુને પ્યાલામાં પાણી આપ્યુ. ધીમે ધીમે લોકો આશ્વાસન આપી છૂટા થવા લાગ્યા.

 

*

 

                                             મનુ તેના બળદ અંગે વાત કરવા, હાથ-મો ધોઈ શમાજીના ઘરે ગઈ. શમાજીના ઘરેથી જાણવા મળ્યુ કે તેમણે શહેર ગયા છે. મનુ શમાજીને મળવા શહેર જવાનું નક્કી કર્યું. તે ત્યાંથી ધોરીમાર્ગ સુધીના પાકા રોડ સુધી ચાલતી ગઈ અને ત્યારબાદ છકડામાં બેશી શહેર જવા માટે નીકળી. રસ્તામાં યાદ કરવા લાગી, અત્યાર સુધીમાં ૨૫૦૦રૂ. તેણે લોનના ભર્યા હતા. બીજા ૨૫૦૦ લોનના અને ૫૦૦રૂ. શમાજીને ડિપોઝિટના આપવાના નીકળતા હતા. મનુ વ્યાકુળ બની ગઈ હતી.

 

                                             રસ્તામાં એક જગ્યાએ ચા-પાણી કરવા છકડો ઊભો રહ્યો. છકડાવાળાને ઓચિંતું કઈક કામ આવી જતાં તે હોટલ પરથી જ પાછો વળ્યો. મનુ વિચારવા લાગી કેવી રીતે હવે શહેર જવુ? કોઈ વાહન શહેર તરફ જતું દેખાયું નહીં. તેથી તેણે શહેર તરફ ચાલવાનું શરૂ કર્યું. ત્રણ-ચાર કી.મી. કાપતા શહેર તરફથી એક બળદગાડુ આવતું દેખાયુ. તેમાં શમાજી બેઠા હતા. મનુને જોતા તેમણે ગાડુ ઊભુ રખાવ્યુ. મનુએ સમગ્ર વાત તેમને જણાવી. તે રડવા લાગી. શમાજીએ તેને છાની રાખી. મનુએ શમાજી પાસે પૈસા માંગ્યા. "મનુડી એટલા પૈસા મારી પાંહે નથી. તારે હપ્તા ભરવા જ પડશે." શમાજી બોલ્યા. "હા, હાલ ગામ જઈએ, ત્યાં જઈન કઈક વિચારીએ." મનુને શાંત રાખતા શમાજી બોલ્યા. મનુ ચોધાર રડવા લાગી, તે ગામ પાછી ન ગઈ.

 

                                             તે આંસુ લૂછતા શહેર તરફ ચાલવા લાગી. શમાજીએ તેને ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો પરંતું તે ન ઊભી રહી. થાકીને શમાજી ગાડામાં બેશી જતાં રહ્યા. થોડું અંતર કાપી મનુ થાકી ગઈ. હજુ ૨૦ કી.મી. શહેર દૂર હતું. રોડની બાજુમાં એક પાકી ઇમારત હતી. એ ઇમારત મનુને વિચિત્ર લાગી. કોઈ બારી નહીં, ધાબુ નહીં. ત્રણ માળ જેટલી ઊંચી અને લાંબી દીવાલ છેક સુધી પથરાયેલી હતી. દીવાલ પર તાર અને કાચની વાડ કરાવેલી હતી. રોડના છેડે મનુ હતાશ થઈ બેશી ગઈ. મોઢું નીચે નાખી તે રડી રહી હતી.

 

                                             તે ઇમારતના મોટા લોખંડના દરવાજાના ઝાંપામાંથી કાળો કોટ પહેરેલો એક માણસ બ્હાર આવ્યો. ઝાંપો ઊઘડવાનો અવાજ આવતા મનુ પાછળ ફરી એ તરફ જોયુ. તે માણસ ઝાંપાએ ઊભો રહી અંદર કોઈકની સાથે વાત કરી રહ્યો હતો. થોડીવાર પછી એ કોટવાળો માણસ ત્યાંથી તેની ગાડી ઊભી હતી એ તરફ જવા લાગ્યો. મનુ નિરાંશ થઈ હજુ રડી રહી હતી. તે કોટવાળા માણસનું તેના પર ધ્યાન ગયુ. તે મનુ બેઠી હતી એ તરફ આવ્યો:"એ લડકી કોન હૈ તું?" કોટવાળો માણસ બોલ્યો.

 

                                             મનુએ તેની સામે જોયુ. મનુની આંખોમાં આંસુ અને ચહેરા પર મદદની લાગણી સાફ દેખાઈ રહી હતી. "રો ક્યું રહી હૈ લડકી?" મનુ કશું બોલી ન શકી. કોટવાળા માણસે હવાલદારને બૂમ મારી: "હવાલદાર, એક પાની કી બોતલ દેના..." પ્રતિઉત્તર આવ્યો: "જી સા'બ." હવાલદાર પાણીની બોટલ લઈને આવ્યો. કોટવાળા માણસે મનુને પાણીની બોટલ આપતા પૂછ્યું:"રો ક્યુ રહી હે લડકી,  કુછ બતાયેગી ભી યા નહીં?" મનુના ગળામાં ડચૂરો બંધાયો. પાણી પી ને તે બોલી:"મુજે હિન્દી નથી આવડતા હે."

 

                                             આ સાંભળીને કોટવાળો માણસ અને હવાલદાર બન્ને હસવા લાગ્યા. એ માણસ બોલ્યો: "ગુજરાતી તો આવડતા હે ના, ગુજરાતી મેં બોલ, મેં ગુજરાતી સમજુ છુ." મનુને આ નવા માણસ પર વિશ્વાસ ન હતો બેશ્તો પરંતું એને વાત જણાવ્યા સીવાય બીજો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ લાગ્યો નહીં માટે મનુએ સમગ્ર વાત તે વ્યક્તિને કરી.

"અચ્છા...અચ્છા, બહોત તકલીફ મેં હો લડકી, મેં તેરી મદદ કર શકતા હું, લેકીન ઉશકે બદલે મેં તુંજે મેરા એક કામ કરના પડેગા." કોટવાળા માણસે ગજવામાંથી સિગારેટનું પાકીટ નિકાળ્યું.

"સાહેબ તમે ક્યો ઇ બધુ કરવા હું તૈયાર છુ, બસ મારી લોન ચૂકવી આપોને."

"ઠીક હૈ, તેરે લીયે મેરે પાસ એક કામ હૈ, તું થોડી દેર ઇધર બેઠ મેં અભી આતા હું પાંચ મિનિટમેં..." એક સિગારેટ કાઢી મોઢામાં મુક્તા કહ્યું. કોટવાળો માણસ તેની ગાડીમાં આગળ તેનો ટાઈપિસ્ટ બેઠો હતો, તેને લઈને ઇમારતની અંદર ગયો.

 

                                             મનુને એમ લાગતું હતું કે જો એ લોનનો હપ્તો નહીં ભરે તો પોલીસ તેને લઈ જશે. આ કોટવાળા માણસ પાસે તેના માટે કઈક કામ છે તે જાણી મનુની આશા જીવંત થઈ, તેને લાગ્યુ કે હવે તેની લોન ભરાઈ જશે, તે રાજી થઈ ગઈ. થોડીવાર પછી કોટવાળો માણસ પાછો આવ્યો. એ માણસ વકીલ હતો. તેણે હવાલદારને દૂર જવા કહ્યું. એ પછી તેણે મનુને ઓફર આપતા કહ્યું:

"સુન લડકી, મેરા એક દોસ્ત હૈ સલીમ. વો થોડી દૈર બ્હાર ઘૂમના ચાહતા હૈ, તું થોડે દિન ઉસકી જગહ પે ઇસ જેલ મેં રહેગી તો તેરી લોન કે પૈસે વો ભર દેગા."

"પણ સાહેબ હુ તો છોકરી છુ. કેવી રીતે હુ એની જગ્યા લઉં?

"લડકી યહાં પે કોઈ દેખને નહીં આતા હૈ, તુંજે સીર્ફ રજીસ્ટર મેં હર હફ્તે અંગુઠા લગાના હૈ, બાકી કુછ નહીં કરના હૈ, તુંજે ખાના-પીના સબકુછ અંદર મીલ જાયેગા. ટેંસન કી કોઈ બાત નહીં હૈ, અબ તું ડિસાઈડ કર તુંજે ક્યા કરના હૈ."

"પણ સા'બ મારો એક નાનો ભાઈ છે ગામડે, મારા સીવાય કોઈ નથી એનું, હુ એને એકલો ના મૂકી શકુ."

"તેરે ભાઈ કો મેં સંભાલ લૂંગા, તું ઉસકી ચિંતા મત કર." મનુ વિચારવા લાગી, થોડીવાર બાદ તે બોલી: "કેટલા દિવસ મારે જેલમાં રહેવું પડશે?"

"૩૦, ૨૫ દીન મેં મે તુંજે બ્હાર નિકલવા દૂંગા." આ સાંભળી મનુ ખૂબ જ ગંભીર થઈ ગઈ.

"વિશ્વાસ કર મેરી બાત પે, તુંજે જલ્દી સે જલ્દી મે છૂડવા દૂંગા ઓર તેરી લોન મે ભરવા દૂંગા." મનુ મૂંઝાઇ ગઈ હતી. શું કરવુ તેને સમજ ન પડી. એક તરફ લોનનો બોજ હતો તો બીજી તરફ જેલ. આ અજાણ્યા માણસની વાતનો વિશ્વાસ કરવો કે કેમ? લોન ભરવાનો બીજો કોઈ ઉપાય તેની પાસે ન હતો. વકીલને લાગ્યુ મનુ તેની વાત નહીં માને માટે તે મનુ આગળ પૈસાની ઓફર મુકવાનું વિચાર્યુ. વકીલ ઓફર મૂકવા જ જતો હતો તે પહેલા:

"સારુ સા', રહી લઇશ હું જેલમાં પણ મારા ભાઈને સાચવશોને?"

વકીલને થોડી નિરાંત થઈ તે બોલ્યો: "હા."

"અને મારી લોન...?"

"વો મે દેખ લુંગા, ચિંતા મત કર."

"સારું." મનુ બોલી.

 

                                             વકીલે હવાલદારને બોલાવ્યો. તેણે હવાલદાર સાથે મનુથી થોડે દૂર ઊભા રહી વાત કરી: "ઇસ લડકી કો આજ કે દિન જેલર કી કેબિન કે બ્હાર બીઠા, પુને સે નયા જેલર આને વાલા હે, હી વિલ કમ બિફોર ધી ડોન (એ વહેલા પરોઢ પહેલા આવી જશે) મેં શામ તક વાપીશ આતા હું."

"ઓકે સાહેબ." કહી હવાલદાર મનુને અંદર લઈ ગયો.

 

*

 

                                  બીજા ત્રણ મહિના મોહનના અવઢવમાં પસાર થયા. છેલ્લા ત્રણ મહિનાથી ગામ આખુ મોહનનું ગાંડપણ જોતું હતું. ગામ લોકો માટે રાધા-મોહન ચર્ચાનો વિષય બની ગયા હતા અને મોહન માટે રાધા એક ગહન પ્રશ્ન. દર સાંજે તે તળાવે રાધાને જતાં જોઈ રહેતો. નામ ન લેતો, ચેડા ન કરતો, કઈ જ નહીં. ફક્ત ચૂપચાપ તેને જોયા કરતો. રાધાને સામે ચાલી બોલાવાની હિમ્મત તેનામાં ન હતી. અંબાજીથી પાછા આવતા જે પરિચય મેળવ્યો એટલો જ બાકી સામે મોઢે તે આજ સુધી રાધા આગળ કઈ બોલી શક્યો ન હતો.

 

                                  આટલા સમય બાદ તેણે એક નિર્ણય કર્યો કે જે કઈ હોય તે પૂછી લઉં, સ્પષ્ટ જવાબ મેળવી લઉં અને આગળ વધી જાઉં. સાંજે રાધા તેની પડોશણ સાથે પાણી ભરવા તળાવ તરફ ગઈ. તળાવ નજીક મોહન મા દુર્ગાના મંદિરે રાહ જોઈ રહ્યો હતો. રાધા આવી એને શું કહેવુ એ વિચારતા મોહન મનમાં શબ્દો ગોઠવવા લાગ્યો. સરસ મજાના વાક્યો તેણે ગોઠવ્યા અને એ આવી એટલે વાત શરૂ કરી.

 

                                  તે એક હરફ પણ ઉચ્ચારે એ પહેલા રાધા ઘણી આગળ પસાર થઈ ચૂકી હતી. તે પસાર થઈ રહી હતી દરમિયાન મોહન કશું બોલી શક્યો નહીં. હવે, તે પાણી લઈ આવે ત્યાં સુધી તેની રાહ જોવા લાગ્યો. રાધાએ માથે બેડુ મૂક્યુ હતું. તે ચાલતી આવી. મોહને તેણીનો માર્ગ રોક્યો, સામે ઊભો રહ્યો. રાધા અને તેની પડોશણ બંને ઊભા રહી ગયા. રાધા મોહનની આંખમાં આંખ મિલાવી તે જોઈ રહી. જે વિચારો સાથે મોહન તેની પાસે ગયો હતો, શું બનશે તેની કલ્પના કરી હતી તેનાથી જુદુ જ દ્રશ્ય તેની નજરો સમક્ષ ખડુ થયુ હતું. મોહન વાસ્તવિકતા અનુંભવી રહ્યો હતો. તેની સામે તેણે વિચારેલી કલ્પના ન હતી. રાધા આબેહૂબ સામે ઊભી હતી. અંબાજીના પ્રવાસ પછી લગભગ ૪ મહિના પછી આજે તે એને આટલી નજીકથી જોઈ રહ્યો હતો. સરસ મજાના વાક્યો તેના મગજે ગોઠવેલા પણ રાધાના આવતા તેની જીભે મગજ સાથે અબોલા કરી લીધા.

 

                                  રાધાની આંખોએ તેને પ્રશ્ન પૂછી લીધો હતો કેમ તેણે એનો રસ્તો રોક્યો? તેની આંખોમાં જે જીવંત હતું, જે વાસ્તવિક હતું, તેની નાડીના, તેના શ્વાસના ધબકારા પુરાવો આપી રહ્યું હતું કે આ પળ જીવંત છે. મોહન આગળ કઈ બોલે એ પહેલા તેના મનમાં આ 3 મહિનાની જે પીડાઓ હતી એનું મનોમંથન થવા લાગ્યૂ. આ ઘડી, આ પળે, આ ક્ષણે જે ઘટના ઘટી રહી હતી એનાથી તેને સમજાણુ કે કેટલુ કઠિન છે આને સમજાવુ. એક લાંબુ મૌન છવાઈ રહ્યું, આગળ બીજા કોઈ શબ્દોની ગોઠવણી ન આવડતા, તે એના રસ્તામાંથી ખસી ગયો. રાધા પણ ચાલવા લાગી. એક આશા સાથે મોહન જોઈ રહ્યો કે તે એકવાર પાછુ વળી એની સામે જોશે. જો એટલુ પણ એને મળી જાત તો તેના હ્રદય પરના ઉઝરડા થોડા ઓછા થાત પણ એ રાધા હતી, ન જોયુ એણે પાછા વળી.

 

                                  મોહન તૂટી ગયો. જાણે એની છાતી બળી રહી હોય એમ તેને અંદર કળતર થવા લાગી. તેણે પણ સંકલ્પ લીધો હતો આર યા પાર. બીજા દિવસે તે રાધાના ઘરે ગયો. તેના કુટુંબજનો સાથે એની વાત કરવા કે એ રાધાને ચાહે છે. આમ, તેના મા-બાપને કોઈ તકલીફ હતી નહીં પણ આમ આ રીતે દીકરી સોંપવામાં તકલીફ હતી. રાધાના મમ્મી-પપ્પાએ વાંધોવચકો ઉઠાવ્યો કે આ શક્ય નથી. આજે રાધા ગુસ્સામાં બ્હાર આવી.

“તું હુ હમજે સે તારી જાતને? મને ફેરવીશ તું? જેમ બીજી સોડીયુને ફેરવે સે એમ? (બે ક્ષણ બાદ) હુ તું કરવા માંગે સે, મારી હારે રાત નિકારવી સ તાર?” રાધાના છેલ્લા વાક્યથી તેને આઘાત લાગ્યો. કેવી હલકી વાત રાધાએ કહી દીધી. આજે મોહન બોલ્યો:

 “રાધા... ખબર નહીં મુ શું અનુંભવી રહ્યો સુ. બસ, હુ બંધાઈ ગયો સુ તારાહી. તન એમ લાગ સ સેલ્લા ચાર મહિનાથી તારી હારે રાત ગારવા હુ આ બધુ કરી રયો સુ? જગત આખાના વૈભવ મારા બાપાએ મને આલ્યાસ છતા, હુ અંદરથી ખાલીપણુ અનુંભવી રહ્યો સુ. બધુય હોવા છતાં મને એમ લાગ સે કઈ જ નથી મારી પાહે. જ્યારથી મેં તન જોઈ, તારી આંખો જોઈ. તારુ દુખ જાણ્યુ મેં, ‘ને વિચાર્યુ ચમ આ જગતમાં દુખ સ? એકલતાનો ભાવ મને તારી આંખોમાં દેખાયો. તારા શુંષ્ક થઈ ગયેલા ગાલ, તારા શુંષ્ક થયેલા હોઠમાં મન તારી અંદરનું ખાલીપણુ દેખાયુ. એ ખાલીપણાએ મને હચમચાવી મૂક્યો સ. હુ બધુ કરવા તૈયાર સુ...(ચાર ક્ષણ બાદ) રાધા, તારા માટે. મને બસ તું જોઈએ સે.”

સટાક! કરતો અવાજ આવ્યો. ફેરવીને લાફો માર્યો રાધાએ અને બોલી: “હાલતો થા... નેકર આયાંથી.”

“રાધા હું કમી સ મારા માં? હું નય કરી હક્તો હુ તારા માટે? કહી દે મને.” મોહન કરગરયો.

રાધા પાછળ ફરી ચાલવા લાગી. રાધાનો ભાઈ દલસુખ આવ્યો અને તેના મમ્મી-પપ્પાને બોલવા લાગ્યો.

“હું ગોડા થઈ ગયા સો તમે? આ વિધવાને પાહી વરાવી સ? મગજ બગજ હાલે સે કે નહીં. (રાધા ઊભી રહી ગઈ) હાલ એય.. નેકર આયાંહી...” તેણે મોહનને કહ્યું.

“રાધાને મારી બનાયા વગર તો હુ નહીં જવાનો અહીંથી.” મોહને એના ભાઈને કહ્યું. આ સાંભળી રાધા છક થઈ ગઈ. કેમ મોહન તેને આટલું ચાહે છે? વિચારવા લાગી. તેના ઘરમાં, તેના પરિવાર સામે મારો હાથ માંગવાની હિમ્મત કરનાર આ છોકરો શું વિચારે છે? રાધા વિચારવા લાગી. હવે, તો એને પણ મોહન પ્રત્યે હળવો લગાવ જાગ્યો. આજે તેને મોહનની આંખોમાં એ સ્નેહ દેખાયો જે ક્યારેક તેને તેના પૂર્વપતિની આંખોમાં દેખાયો હતો. રાધાને ઊભેલી જોઈ દલસુખ બોલ્યો:

“એ... અંદર ઉપડ!” રાધા ચાલવા લાગી. મોહન બોલ્યો: “રાધા, તને વિનતી કરુ સુ.” આ સાંભળી રાધા પાછળ ફરી અને મોહન તરફ જોઈ રહી. હવે, રાધાનું મન દ્રવી ઉઠ્યુ. તે ભારે નયને લાચાર બની તેને જોઈ રહી.

 

                                  દલસુખનો પિત્તો ગયો. તેણે મેજ પર પડેલો તાંબાનો લોટો ઉઠાવ્યો અને મોહનના કપાળ પર દઈ દીધો. મોહનના ચહેરા પર સ્મિત આવ્યું. તેના ઘરે આવતા પહેલા આવુ જ કઈક દ્રશ્ય વિચાર્યુ હતું. રાધાને ઊભેલી જોઈ દલસુખ ગુસ્સાથી રાડ પાડી બોલ્યો: “ઊભી હુ રહીસુ, અંદર જા!” રાધા અંદર જતી રહી અને દરવાજાની આડસે રડવા લાગી. દલસુખની પત્ની રાધાને સાંત્વના આપી રહી.

 

                                  મોહન આગળ કઈ બોલે એ પહેલા તેના ભાઈએ એને ઢીબવાનું ચાલુ કરી દીધુ. લોટેને લોટે તેણે મોહનને મૂઢ માર માર્યો. મોહનના ગાલ અને આંખ નીચે ગંભીર ઇજાઓ થઈ. તેને માથામાં અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યુ. તેને તમ્મર આવવા લાગ્યા. તેને બોલવુ હતું.

 

                                  “એય બંધ કરો.” રાધાના પપ્પાએ એના ભાઈને કહ્યું. “તમે બેહી રો!’” કહી દલસુખ મોહનની ફેંટ ઝાલી એને ઓસરીની બ્હાર ખેંચી ગયો. મોહન બોલવા માંગતો હતો કે તે રાધાને લીધા વગર જવા માંગતો ન હતો. બસ આ શબ્દો હોઠ સુધી આવે એ પહેલા ફરી એના ભાઈએ લોટો નાક પર માર્યો. ઠંગ! કરતો અવાજ આવ્યો. નાકમાંથી લોહી નિકળ્યુ, દાંત હલ્યા, હોઠ ચિરાયો, આંખોમાં લોહી ઊભરી આવ્યું. હવે તેને ચક્કર આવ્યા. દલસુખે મોહનને ઘરની બ્હાર રસ્તા પર ફેંક્યો. તે નીચે ઢળી પડ્યો. આડોશ-પડોશના લોકો ભેગા થઈ ગયા. મોહન બેભાન થઈ ગયો એ પછી પણ ધરાઇને દલસુખે એને માર્યો. બરાબરનો માર્યા બાદ પાડોશના ત્રણ-ચાર આદમી જોડે આવ્યા. દલસુખે તેમને કહ્યું: “નાખ્યાવો લ્યા આને ઉકરડે.” કહી તે અંદર ચાલ્યો ગયો. ચાર જણા ઊચકીને તેને ચોક નીચે લઈ આવ્યા, ત્યાં સુવડાયો.

 

                                  બે જણા મોહનના ઘા રોકવા મથવા લાગ્યા. લોહી અટકાવવા કપડું મૂક્યું અને તેને હોશમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યા. અરધા કલાક બાદ પ્રત્યુસ અને મોહનના કાકા-બાપાના ત્રણ દીકરા આવ્યા. તેને ગાડામાં બેસાડી દવાખાન લઈ ગયા.

 

*

 

                                             તે દિવસ આખી બપોર મનુને જેલરની કેબિનની બ્હાર બેસાડવામાં આવી. જેલનું આખુ તંત્ર (ખાલી નામ પુરતું) એલન પેટ્રિક જેલરની નિગરાની હેઠળ ચાલતું. બાકી, હવાલદાર તેજસ ઉપાધ્યાય અને વકીલ ફીરોઝ ઇબ્રાહિમ સંભાળતા. હવાલદાર ઉપાધ્યાય અને ઇબ્રાહિમ વકીલ જેલની અંદર સજા કાપી રહેલા ક્રાંતિકારીઓને જરૂરી માહિતી અને જોઈતી સામગ્રી પૂરી પાડતા. એલન પેટ્રિકની બદલી પૂણેની યેરવડા જેલમાં થઈ હતી. તે પુણે જવા માટે નીકળી ગયા હતા. આજનો દિવસ વડોદરા સેંટ્રલ જેલમાં કોઈ જેલર કે અધિકારી હતું નહીં. આવતીકાલ સવારે જોસેફ વીંકલર જેલરનો હોદ્દો સંભાળવાના હતા. આજે સાંજે લાહોર જેલથી ૧૬ કેદીઓ વડોદરા સેંટ્રલ જેલ આવવાના હતા. જેમાંનો એક કેદી સલીમ મોમીન હતો.

 

                                             સલીમ મોમીને ૧૯૨૯માં વિધાનસભામાં થયેલા બોમ્બ-બ્લાસ્ટ અને અંગ્રેજ અફસર જ્હોન સોંડર્સનના ખૂનમાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત સાથે વિશેષ ભૂમિકા ભજવી હતી. પેશાથી સલીમ લુહાર હતો. તે સાઈકલના સ્પેરપાર્ટસ અને ધાતુંની નળીમાંથી બંદૂક બનાવી શકતો. તદુપરાંત, તેને ઘરેલુ વપરાશની ચીજોમાંથી ગ્રીનેડ અને સ્મોક બોમ્બ બનાવતા પણ આવડતું. સાબુ, ગ્લીશરીન, સેનિટાઇઝર જેવી ચીજોમાંથી તે વિસ્ફોટક પદાર્થ બનાવતો. વિધાનસભાના બોમ્બ ધડાકામાં જે બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે બોમ્બ સલીમે બનાવ્યો હતો. જ્હોન સોંડર્સનની ખુલેઆમ હત્યા, એ પછી વિધાનસભામાં થયેલા ધડાકા બાદ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ થઈ હતી. બોમ્બ બનાવનારનું પગેરુ અંગ્રેજોને ઝડપી પાડતા વધુ સમય ન લાગ્યો. ત્રણ વર્ષ પછી આજે છેક તે કેસનો ચુકાદો આવ્યો હતો.

 

                                             ૨૩ માર્ચ ૧૯૩૧: બટુકેશ્વર દત્ત, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી થઈ, સલીમ મોમીનને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી. લાહોર જેલથી સલીમ મોમીનને વડોદરા સેંટ્રલ જેલ લઈ જવામાં આવ્યો. છ અઠવાડીયા સુધી સલીમને વડોદરા જેલમાં રાખવામાં આવવાનો હતો; ત્યારબાદ તેને કાયમ માટે અંદમાન જેલમાં ખસેડવામાં આવવાનો હતો. આજે સૌ ક્રાંતિકારીઓને સલીમ મોમીનની આગેવાનીની જરૂર ઊભી થઈ હતી. ઇબ્રાહિમ વકીલ સલીમને છોડાવા મથામણ કરી રહ્યા હતા પરંતું તે એવી રીતે સલીમને બ્હાર નીકાળાવા માંગતા હતા કે કાનો-કાન અંગ્રેજ સરકારને ખબર ન પડે.

 

                                             આ જ સમયે મનુ ઇબ્રાહિમ વકીલને મળી. વકીલે વિચાર્યુ ૧૬ કેદીઓની ફાઇલમાંથી સલીમની ફાઇલ ગાયબ કરી, મનુની ખોટા કેસની ફાઇલ બનાવી તેને ૧૬મી કેદી બનાવી દેવામાં આવે તો કોઈને ખબર નહીં પડે કે સલીમ જેલમાંથી ફરાર છે. એ સમયે જેલમાં અંગ્રેજો કે કોઈ ચકાસણી કરવા આવતું નહીં. ફક્ત રજીસ્ટરમાં લાગેલ નોંધ તપાસતા.

 

                                             આવી તક બીજીવાર નહીં મળે, એવું વિચારી વકીલે મનુના ખોટા કેસની ફાઇલ બનાવી, રજીસ્ટરમાં જે ૧૬ કેદીઓના નામ લખવાના હતા એમાં સલીમનુ નામ હટાવી મનુનું નામ દાખલ કરી દીધુ. સાંજે લાહોરથી કેદીઓને વડોદરા જેલ લાવી દીધા. દરેક કેદીને પોતપોતાની કોટડીમાં પૂરી દેવામાં આવ્યા. હવાલદાર ઉપાધ્યાય સલીમને કેબિન આગળ લઈ આવ્યો. ત્યાંથી વકીલ સલીમને જેલની બ્હાર લઈ ગયો. તે બન્ને ગાડીમાં બેશી જતાં રહ્યા.

 

                                              હવલદારે મનુને તેની કોટડી બતાવી. જેલની પરસાળમાં તીવ્ર અંધારુ હતું. તે મનુને ટોર્ચલાઇટના અજવાળે તેના કેદખાના સુધી લઈ ગયો. મનુને અંદર પૂરી તાળુ મારી હવાલદાર જતો રહ્યો. જેલનો પહેલો દિવસ મનુ માટે અસાધારણ રહ્યો. સ્વાભાવિક રીતે પહેલા દિવસે ઊંઘ આવવી થોડી મુશ્કેલ હતી. બીજે દિવસે સવારે જોસેફ વીંકલર આવ્યા. સમગ્ર જેલમાં મનુ એક જ સ્ત્રી કેદી હતી. તેને જોવાની ઈચ્છા વીંકલર જેલરને થઈ. તે ઉપાધ્યાય અને બીજા હવાલદાર સાથે મનુને જે વિંગમાં રાખવામાં આવી હતી ત્યાં ગયા.

 

                                             મનુની કોટડી આગળ ઊભા રહી વીંકલર અને અન્ય ચર્ચા કરવા લાગ્યા. મનુ ચૂપચાપ ઊભી ઊભી જોતી રહી. તે સૌ અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા. એક હવાલદાર જે અંગ્રેજ હતો. તે મનુની ફાઇલ સાથે લાવ્યો હતો. તેણે વીંકલરને ફાઇલ આપી. જેલરે ફાઇલ જોઈ અને તેઓ ત્યાંથી વાતો કરતાં જતાં રહ્યા. જે અંગ્રેજ હવાલદાર મનુના વિંગની દેખરેખ રાખતો હતો; તે ખુન્નસ ખાતો બીજા કેદીઓ સામે જોઈ રહ્યો હતો. તે વીંકલર સાથે બ્હારની તરફ ગયો અને પોતાના ટેબલ આગળ બેઠો.

 

                                             મનુની સામેની કોટડીમાં જે કેદી હતો, તેને અંગ્રેજી આવડતું હતું. જેલર શું વાત કરી રહ્યા હતા, તે એણે સાંભળી હતી. એણે મનુને કહ્યું: "એ છોકરી તે કોનું મર્ડર કર્યું છે?"

"એ ભાઈ મે કાઇ નથી કર્યું (થોડીવાર બાદ) મર્ડર એટલે શું?"

 

                                             આ સાંભળી એ કેદી જોર જોરથી હસવા લાગ્યો: "મર્ડર એટલે હત્યા કરવી, ખૂન કરવું." કહી મોટેથી તે હસવા લાગ્યો. આ તરફ પેલો અંગ્રેજ હવાલદાર ઊંચેથી બોટલથી પાણી પી રહ્યો હતો; એનાથી બોટલ વધારે ઊંચી થઈ ગઈ જેથી પાણી તેના કપડા પર અને નાકમાં પડ્યું, તે ખાંસવા લાગ્યો. એ જ ક્ષણે પેલો કેદી જોરથી હસ્યો હતો. હવાલદારને ગુસ્સો આવ્યો. તે દંડો લઈ એ બાજુ આવ્યો. "સો યુ ફાઇંડ ફની ઇન ધેટ? (તને એમાં હસવા જેવુ લાગે છે?)" કહી તેણે કેદીના મોઢા પર જોરથી દંડો માર્યો. એ કેદી બરાડી ઉઠ્યો. તેનો હોઠ સોજાઈ ગયો, નાકમાંથી લોહી ટપકવા લાગ્યુ, બે ઘડી તેને આંખે અંધારા આવી ગયા. તેનું માથુ તમ તમ થવા લાગ્યુ. આ જોઈ મનુ હેબતાઈ ગઈ. એના શર્ટ પર લોહીના એક-બે રેલા ઉતર્યા હતા. એના ગાલની અંદર એને દુખતું હતું; પીડાના કારણે તેણે મોટી ચીસ પાડી. તેની ચીસના પડઘા પડ્યા. ચીસ સાંભળી મનુ ગભરાઈ ગઈ. તે રડવા લાગી. એ રીતે બીજો દિવસ પૂરો થયો.

 

                                             આગલા દિવસે સવારે વકીલ આવ્યો. એને આવતા જોઈ મનુ જેલના સળિયા પકડી ઊભી રહી. તે વકીલને ઉપરા છાપરી સવાલો કરવા લાગી: "હેં સાહેબ મારા પર ખૂનનો આરોપ છે? આખી જિંદગી મારે અહીં રહેવુ પડશે? બોલોને સાહેબ, હેં સાહેબ, બોલોને કૈંક!" વકીલ તેમની બેગમાંથી કાગળિયા નિકાળી રહ્યા હતા: "અરે, શાંત રેહ લડકી કુછ નહીં હોગા, યે જેલર બદલ ગયા હે ઇસલીએ તુંજે છુડાને મેં થોડા વક્ત લગેગા." કહેતા તેમણે મનુને એક ચબરખી આપી.

"કેટલા દિવસ લાગસે સાહેબ?"

"મેં તુંજે ૩ મહિને મેં બ્હાર નિકલવા દુંગા! તેરે ઘર કા અડ્રેસ દે મુજે."

 

                                             મનુએ સરનામુ લખાવ્યુ. સરનામુ લઈ વકીલ તરત ચાલતો થયો. "સાહેબ મારો ભાઈ ઘરે એકલો છે સાહેબ, એ ભૂખ્યો થયો હશે સાહેબ (મનુ રડવા લાગી) એનું મારા સીવાય કોઈ નથી, એનું ધ્યાન રાખજો સાહેબ... ઑ સાહેબ (તે રડવા લાગી) દેવા... ઑ દેવા..." કહેતા દીવાલે લસરતી મનુ બેશી અને રડતી રહી.

 

*

 

                                                            દલસુખની કરિયાણાની દુકાન હતી. તે દુકાને બેઠો હતો. પ્રત્યુસ અને મોહનના પિતરાઇ ભાઈઓએ દવાખાને મોહનની સારવાર ચાલુ કરાવી. બાદ ત્યાં ચારેય પાછા ફર્યા, તેઓ દલસુખની દુકાને આવ્યા અને તેના પર હલ્લો કરી દીધો. બ્હાર મૂકેલી ઘઉં-ચોખાની બોરીઓ ઊંધી કરી દીધી. તેલ, હળદર અને મરચાના ડબલાને લાત મારી. દલસુખ અને તેની દુકાને કામ કરતો બીજો એક માણસ બેઉ બ્હાર આવ્યા. બ્હાર આવી તે કઈ સામી પ્રતિક્રિયા આપે એ પહેલા પ્રત્યુસે એના માથે લાકડી મારી એને જમીનદોસ્ત કરી દીધો. દલસુખની દુકાનમાં કામ કરતો છોકરો ભાગી ગયો. ઊંધું ઘાલી ચારેયે દલસુખ પર લાઠીઓનો ધોધમાર વરસાદ વર્ષાવી મૂક્યો. તેના શરીરનું એક પણ અંગ મારથી બાકી ન રાખ્યુ. દલસુખ મરણતોલ હાલતમાં આવી ગયો. હવે, એનું શરીર માર ખમી શકે એમ ન હતું. છતાં, ચારેય જડ બની દેવા વાળી કરી રહ્યા હતા. થોડીવાર બાદ ગામના બીજા લોકોએ દલસુખને છોડાવ્યો. ચારેયે દલસુખને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો.

 

                                                            દલસુખની પત્નીએ તો જાણે બંગડીઓ તોડવાનો વારો આવવાનો હોય એમ ચારેયે ઢીબયો હતો. દુકાનના એ લોકોએ ગાભા કાઢી નાખ્યા હતા. ચારેય સારી પેટે દલસુખને માર્યા પછી ત્યાંથી નીકળી ગયા. દલસુખને મારવાનું શરૂ કર્યું ત્યાં સુધીમાં દુકાને કામ કરતો છોકરો ઘરે સમાચાર આપી આવ્યો. દલસુખના કુટુંબજનો વ્યાકુળભાવે દુકાને આવ્યા અને તેને સારવાર હેતું લઈ ગયા.

 

                                                            હવે, આ માથાકૂટે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. હવે આ ઝઘડો બે જ્ઞાતિનો બની ચૂક્યો હતો. એ પછી દલસુખની નાતના લોકોએ મોહનના ભાઈબંધ પ્રત્યુસ અને જસવંત પર સીમમાં હુમલો કર્યો. જેમાંથી પ્રત્યુસને દાતરડાથી મારી નાખ્યો. જસવંત ગમે તેમ કરી ભાગવામાં સફળ રહ્યો અને માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો. છતાં, તેણે પોતાનો જમણો પગ ગુમાવવો પડયો. તે હંમેશ માટે અપંગ થઈ ગયો. એના દસ દિવસ બાદ ફરી તળાવ આગળ કોમી ઝઘડાએ બંને પક્ષના એક-એક માણસનો જીવ લીધો. બીજી નાની મોટી તકરારો અને બોલાચાલી થતી રહેતી. આનાથી વધારે હેરાન ગામવાળા થઈ જતાં. એ લોકોએ ડરમાં જીવવાનો વખત આવ્યો. દલસુખને સાજા થતા ત્રણ મહિના થયા. છતા તે સ્વ-નિર્ભર ન હતો. તેને દરેક કામ માટે એક માણસ રોકી રાખવો પડતો.

 

                                                            ત્રણ મહિના બાદ પણ ઝઘડો શમ્યો ન હતો. ગામની બે મોટી કોમ એકબીજાની સામ-સામે આવી ગઈ હતી. હવે વાત પંચાયત સુધી પહોંચી ગઈ. અંતે હરજીવનદાસ સમાધાન માટે રાજી થયા. તેમણે પણ દીકરાના સુખ માટે આગળ વાત લંબાવા માગતા ન હતા. તેમણે રાધાના પિતા ગોવર્ધનરામ સાથે સમાધાન કર્યું. મોહન હજુ પણ પથારીવશ હતો. તેને સાજા થતા હજુ વાર લાગવાની હતી. રાજીખુશીથી બંને કોમના વડવાઓએ હાર પહેરાવી એકબીજાનું સન્માન કર્યું અને હરજીવનદાસે શરત મૂકી દીકરી રાધાને પોતાના ઘરે વળાવાની. દલસુખ તો જોકે, તેની બેનને બીજી વાર પરણાવાના મતનો ન હતો પણ વડવાઓના માન ખાતર અને જે માર પડ્યો હતો એને ધ્યાનમાં રાખી તે મૂંગો રહ્યો. ગોવર્ધનરામે કહ્યું: “મારે મારી દીકરીને પુસવુ પડશે, ચમકે મોંડ એક વરહ થયુ સ એન પાસા આયે.”

હં...ઈસ્સા હોય તો જ હારુ સ.” હરજીવનદાસ કટાક્ષમાં બોલ્યા અને ફિક્કું હસ્યાં. પરંતું ગોવર્ધનરામ તેમનો ભાવાર્થ પામી ચૂક્યા હતા.

 

                          રાધાના પિતા અને દલસુખ ઘરે આવ્યા. બંનેએ હાથ મો ધોયા અને પલંગ પર બેઠા. રાધાની માએ પાણી આપ્યું અને જાણવાની આતુંરતા પણ દેખાડી. પાણી પીય ગોવર્ધનરામ આમ-તેમ જોઈ રહ્યા. દલસુખ નાખુશ લાગી રહ્યો હતો. ગોવર્ધનરામ વિચારોના તાણાવાણા જોડી રહ્યા હતા.

તો હુ થ્યુ?” રાધાની માતાએ પૂછ્યું.

થઈ જ્યુ સમાધાન.” નિરસભાવે ગોવર્ધનરામ બોલ્યા. રાધાની માતા ગોવર્ધનરામનો ભાવ પામી ન શક્યા. જો સમાધાન થઈ ગયું તો ગોવર્ધનરામ આટલા વ્યાકુળ કેમ છે?

તો કઈ વાંધો પડ્યો?” માએ પૂછ્યું.

મારી દીકરી ક્યાં સે?” ગોવર્ધનરામે પૂછ્યું.

એ રઈ.”

 

                          રાધા અંદરના કક્ષના દરવાજે ટેકો દઈ બેઠી હતી. તેણે સફેદ સાડી પહેરી હતી અને માથે ઘુંઘટ રાખ્યો હતો. બે આંગળીથી ઘુંઘટ ઊંચો કરી રાખ્યો હતો. બ્હારના કક્ષમાં ચાલી રહેલો સંવાદ સાંભળી રહી હતી. પોતાનું નામ સાંભળતા તે સજાગ બની અને તરત બોલી:”જી, બાપુ.” ગોવર્ધનરામે પરિસ્થિતી જણાવી.

બાપુ, શું હુ તમારા મોથે બોજ સુ?” કમાડના ટેકે બેસેલી રાધાએ પૂછ્યું.

બ્હારથી જવાબ આવ્યો:ના...ના મારા દીકરા. તને આ ઘરમાં જોવસુ તો મારી આંખોને ટાઢક મલ સ. પણ બેટા, મારેય એક બાપની ફરજ પુરી કરવી કે નહીં? આ બધી મોથાકૂટોનો અંત તું જ લાવી હકુ એમ સુ. ‘ને જો તારે એ ઘેર ના જવુ હોય તોય કોય વાંધો નહી દીકરા. આપણે ના પાડી દઈશું.”

 

                                                            રાધા મૌન બેસી રહી. રાત્રે એ વિચારમાં રાત ગાળી કે શું જવાબ આપવો.

 

*

 

                                             બપોરે ઉપાધ્યાય આવ્યો એટલે મનુએ તેને વકીલે આપેલી ચબરખી આપી. ચબરખી લઈ ઉપાધ્યાય જતો રહ્યો અને અરધો કલાક પછી મનુ માટે પાણીનું માટલુ, ચાદર અને ઓશીકુ લઈ આવ્યો અને મનુને કહ્યું: "જો ઇબ્રાહિમ સાહેબે તારા માટે સ્પેશિયલ ટિફિનની વ્યવસ્થા કરવાનું કીધુ છે એટલે અમારા માટે જે ખાવાનું બને છે એ ખાવાનું તને મળશે, બીજા કેદીઓને જે આપવામાં આવે છે એ નહીં." કહી હવાલદાર ચાલ્યો ગયો. મનુ વ્યાકુળ બની ગઈ. તે ન સમજી શકી શું ચાલી રહ્યું હતું. સાંજના પાંચ-છ વાગતા જેલમાં અંધારુ છવાઈ જતું. સંપૂર્ણ શાંત વાતાવરણમાં ક્યારેક કોયલ કે ચકલીનો અવાજ સંભળાતો. વાતાવરણમાં એટલી શાંતિ પ્રસરી રહેતી કે પવનના વાયરાનો અવાજ પણ સંભળાઈ શકતો. મનુ ગભરાતા, ચિંતામાં મૂંગી બની દિવસો વિતાવતી.

 

*

 

                                             ૧ મહિનો આવી રીતે વીતી ગયો. મનુની આંખો પર કુંડાળા આવી ગયા. તે દૂબળી થઈ ગઈ. ધીમે ધીમે એ એકાંત, આછા પ્રકાશ અને સંપૂર્ણ અંધકારની તેને આદત પડી ગઈ. મૌન એવું છવાઈ રહેતું જાણે શ્વાસના હુંકારનો કકળાટ લાગતો. તેના મનમાં એક જ પ્રશ્ન અને એક જ આશ હતી ક્યારે ત્રણ મહિના પૂરા થાય? અને ક્યારે તે બ્હાર નીકળે. આ એક જ વિચાર તેને જીવાડી રહ્યો હતો. બાકી, બધુ શાંત પડી રહેતું.

 

                                             આમ, બીજા ૨ મહિના વીતી ગયા. મનુના ચહેરા પર આજે જેલમાંથી છૂટવાની, આઝાદ થવાની આશા અને ઉમંગ દેખાઈ રહ્યો હતો. આજે ત્રણ મહિના બાદ ઇબ્રાહિમ વકીલ તેને છોડાવા આવવાના હતો. સવારથી મનુ ખુશ દેખાઈ રહી હતી. મનુની સામે જે કેદી હતો તેણે મનુને પૂછ્યું: "આજે તો બોવ ખુશ લાગો છો તમે, શું વાત છે?" મનુએ વાત જણાવી. તે આખો દિવસ વકીલની રાહ જોઈ રહી પણ તેને છોડાવા કોઈ આવ્યું નહીં. તેને થયુ કે બીજા દિવસે વકીલ આવશે પરંતું બીજા દિવસે પણ કોઈ આવ્યું નહીં. અઠવાડિયુ આવુ ચાલ્યુ, ઊગતા સુરજ સાથે મનુની મુક્ત થવાની આશા જીવંત થતી અને સાંજે આથમતા સુરજ સાથે આશા મરી પરવારતી.

 

                                             એક સાંજ તે બારીની બ્હાર આથમતા સૂર્ય અને આઝાદ ઉડતા પંખીઓને જોઈ રહી હતી. કેશરી રંગના સૂર્યનો ગોળો તેના ચહેરાને કેશરી રંગ પીવડાવતો હતો. ઢળતી ક્ષિતિજ સામે મનુએ મીટ માંડી. એની આંખોમાં તેજ હતું. એક પવનનો લહેરકો તેના સુષ્ક થઈ ગયેલા હોઠને અડયો. તેના તેજ ગુલાબી ચહેરા પર વાળની એક લટ આવી પડી, જે વારે ઘડીએ તેની ગરદનને ટકરાતી હતી. મનુએ ગુલાબી આકાશ સામે જોયુ અને એક માનસિક ચિત્ર આકાશમાં ખડુ કર્યું. એ સાથે જ એક અવાજ ગુંજવાયો: "મનુડી...એ મનુડી હાલ છાણાં થાપવા !" દેવો એની બેનને છાણાં થાપવા બોલાવી રહ્યો હતો. આ દ્રશ્યની કરુણતાને તેની પલકોનું પાણી ખમી ન શક્યુ અને કેટલાક અશ્રુઓએ રજા લીધી. ઢળતી સાંજ સાથે મનુની મુક્ત થવાની એ દિવસની આશા પણ સૂર્ય સાથે અસ્ત થઈ.

 

*

 

                                  હરજીવનદાસના ઘર આગળ રોકકળ ચાલતી હતી. ગામ આખુ ધોળા કપડામાં સજ્જ એમની હવેલી આગળ ઉભુ હતું. બૈરાઓ છાતી પીટતા હતા, રાધાના પિતા ગોવર્ધનરામ પણ ત્યાં ઊભા ઊભા આંસુ સારી રહ્યા હતા. તેની માતા પણ સ્ત્રીઓના પક્ષમાં બેઠી હતી. તેમણે રાધાને આવતી જોઈ. ગોવર્ધનરામ દીકરીને વળગી રોઈ રહ્યા. હરજીવનદાસ કે મોહન એટલામાં ક્યાંય દેખાયા નહીં. રાધા અજાણ હતી કોણ ગુજરી ગયુ હતું. તેને શબ પાસે જવું હતું. ગોવર્ધનરામે દીકરીનો હાથ પકડી આગળ જતાં રોકી. તેનું હ્રદય જોરથી થડકી ઉઠ્યુ. નિષેધક એંધાણ તેના મગજમાં આવી રહ્યા હતા.

 

                                  રાધા આગળ ચાલી. શબની કોર ટોળુ વળી લોકો ઊભા હતા. તેને આવતી જોઈ લોકોએ જગા કરી આપી. શબ નજીક હરજીવનદાસ હૈયાફાટ રડી રહ્યા હતા. આ જોઈ આપોઆપ રાધા રુદન સાથે ચીસ પાડી ઉઠી, આંખોમાંથી ટપોટપ અશ્રુઓની હાર નીકળી ઉઠી. તે ધ્રૂજતાં, રડતા અને લથડતા પાસે આવી. નનામી પાસે બેશી અને...

 

                                  તેની આંખો ખૂલી ગઈ. સવારના ૧૦ વાગી જવા આવ્યા હતા. હમણા નીંદરમાં જે દ્રશ્ય તેણે જોયુ હતું, એ યાદ કરતાં તેનું હ્રદય ફફડી ઉઠ્યુ અને પોતાને કોસવા લાગી. આવો વિચાર કરવા માટે. એની આંખો પરથી લાગતું હતું કે ઊંઘમાં પણ એ વિચારથી તે રડી હશે. તેણે મોહનને દેખે ઘણો સમય થઈ ગયો હતો. તે એને મળવા માંગતી હતી. નાહી-ધોઈ તૈયાર થઈ.

 

                                  આજે એક વર્ષ પછી તે શૃંગાર કરી રહી હતી. પહેલા એના પૂર્વપતિ માટે અને આજે મોહન માટે. એક વર્ષ બાદ તેણે ચાંદલો કર્યો હતો અને તેને તેના સાજનની યાદ આવી ગઈ. કેવુ તે ટીકો કરતી ત્યારે એ તેને તેડી લેતો અને ચહેરા પર ચુંબનોનો વરસાદ કરી મૂકતો. તેના ચહેરા પર જે ચમક આવી હતી, આંખોમાં જે તેજ હતું, મોઢા પર પાછુ ફરેલુ એ સ્મિત જે પહેલા એના પતિના કારણે આવતું હતું, એ આજે આવ્યું હતું પણ આજે એની યાદ આવતા એ સ્મિત અદ્રશ્ય થઈ ગયુ. આયના સામે ઊભેલી એની કાયા પાછળ જાણે એનો પતિ તેને તેડીને વ્હાલ વરસાવતો હોય એમ તે એકી ટશે જોઈ રહી અને જયંતીનું(પૂર્વપતિનું) સ્મરણ કરી રહી. એણે કરેલો ટીકો, લાલી, કાજળ આંજી જે રૂપ નિખર્યુ હતું, એની મનોહરતા એની દ્રષ્ટિએ ઓછી થઈ ગઈ પણ તે પહેલા કરતાં વધારે મનમોહક લાગી રહી હતી. મનમાં આવતા વિચારોને ખાળી તે મોહનના ઘર તરફ ભણી.

 

                                  રાધા મળવા આવી છે, એ સમાચાર મળતા મોહન ખુશ થઈ ગયો. રાધા ઉંબરે આવી છે, આ વાતથી બધા અચંબિત થઈ ગયા. હરજીવનદાસ મુખખંડમાં ત્રણ આદમીઓ સાથે બેઠા હતા. ખંડના બીજા છેડે દિવાળી બા બે સેવકો સાથે ઘરકામનો વાર્તાલાપ કરી રહ્યા હતા. સૌનું ધ્યાન ઘરના પ્રવેશદ્વાર પર ગયું. ત્રણ મહિનાથી મોહન પોતાના ઓરડા-પરસાળની બ્હાર ન હતો આવ્યો. આજે તે નીચા મજલે આવ્યો રાધાને મળવા. તેની આંખે હજુ પણ સોજો ઉતર્યો ન હતો. ક્યારેક સોજો ઉતરી જતો તો ક્યારેક પાછો ચઢી જતો. તેના હોઠ સરખા થઈ ગયા હતા, તેનું નાક થોડુ આડુ લાગી રહ્યું હતું અને કપાળે હજુ પાટો બાંધ્યો હતો. તે પગથિયાં ઉતરી રાધાની પાસે આવ્યો. બંનેને તળાવ પાસે થયેલો મેળાપ યાદ આવી ગયો. કેવા ગંભીરભાવે એકબીજા સામે અસમંજસમાં ઊભા હતા અને આજે તેમની વચ્ચેકોઈ બાધા ન હતી. તેણે રાધાને જોઈ તેના ચહેરા પર સ્મિત આવ્યું. રાધા મોહનને જોઈ રાજી થઈ. ઘરના બધા માણસો આ મેળાપ જોઈ રહ્યા હતા કે જે માણસ છેલ્લા ત્રણ મહિનાથી પથારી નીચે પગ ન હતો મૂકતો. એ આજ ચાલતો રાધાને મળવા આવ્યો છે. માટે જ તે બંને વાત શરૂ કરે એ પહેલા મોહનના બા બોલ્યા:

“અરે વાહ...આ સોડીમાં તો ગજબનો જાદુ સે, ઘરમાં પગ મેલયો એ ભેગા જ મારા કીકાને હાજો કરી દીધો.” કહી દિવાળીબા હસવા લાગ્યા. ઘરના નોકર-ચાકર, હરજીવનદાસ અને બીજા માણસો પણ આ સાંભળી હસ્યાં.

“બા...” હળવી નારાજગી દાખવી તે બોલ્યો.

“હા ભઈ હવે, નૈ બોલતી બસ પણ મારી દીકરીને પાંહે તો લાવ મારી, એને અંદર બોલાવ.” બાએ કહ્યું.

“આવ અંદર.” વ્હાલથી રાધા સામે જોઈ તે બોલ્યો.

 

                                  રાધા બધાને મળી. થોડીવાર વાત કરી. તે જેને મળવા આવી હતી, એને પણ તેને મળવુ હતું પણ અહીં નહીં. થોડીવાર બાદ બંને મોહનના ઓરડામાં ગયા અને વાત કરી. મોહને આજે પૂછી લીધુ કે તે એની સાથે લગ્ન કરવા રાજી છે કે નહીં? રાધાએ તેનો સ્વીકાર કર્યો. બસ, હવે તે લોકો રાહ જોઈ રહ્યા હતા મોહનના સાજા થવાની. એ પછી બંને એક થઈ જવાના હતા.

 

*

 

(શ્રાવણ ચોથ-૧૯૩૧)

(સાત માસ બાદ)

 

                                                                                          એ દિવસોમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ ઘણી બધી ચળવળો ચાલતી હતી. એ ઉદ્દેશને પૂર્ણ કરવા હેતુંસર ઘણા નવ્ય અને યુવા ક્રાંતિકારીઓ ઉત્તર-પશ્ચિમના પ્રદેશોમાંથી આવ્યા હતા, જેમાંના ઘણા ચળવળ બાદ ઝારખંડ ભાગી જવામાં સફળ રહ્યા હતા. (એ સમયે બિહાર ઝારખંડમાં ગણાતું) ત્યાં એક અલગ જ પાગલ રાષ્ટ્રવાદીઓની સેના ઊભી થઈ રહી હતી. જેમનુ ઉદ્દેશ્ય હતું લૂંટફાટ અને અંગ્રેજોના લોહીની હોળી. સલિમ આ સેનાનો એક આગેવાન હતો. જ્યારે સેનાને ખબર પડી કે સલિમને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી છોડાવામાં આવ્યો છે ત્યારે સેનાના ૧૨૦ જેટલા ક્રાંતિકારીઓ ગુજરાતમાં તેના માટે હાજર થઈ ગયા.

 

                                                                                          સેના શસ્ત્રો-સરંજામ જાતે બનાવતી. આ નિપુણતા દરેક ક્રાંતિકારીને શીખવવામાં આવતી. સેનાને સામાન અને ભંડોળની અછત ઊભી થઈ હતી. એ વાતથી સલિમ વાકેફ હતો જ. માટે ઝારખંડ પાછા ફરતા પહેલા તેને એની વ્યવસ્થા કરવાની હતી. મુંબઈથી અમદાવાદ આવતી અંગ્રેજોની આગગાડીઓ અને અમદાવાદથી દિલ્હી જતી રેલ્વે-કાર્ગોના ડબા તેમણે લૂંટયા હતા. છતાં શસ્ત્રો બનાવી શકાય એવો પૂરતો માલ મળ્યો નહીં પણ કીમતી ઘણી એવી વસ્તુઓ હાથ આવી હતી જેને વેચીને શસ્ત્રો માટેનો ઉપયોગી સામાન મેળવી શકાય.

 

                                                                                          નવ ખટારા ભરાય એટલો ચોરીનો માલ ભેગો થયો હતો. બધા ખટારાઓ એક સાથે જવા ન જ દેવામાં આવે, સ્વાભાવિક છે. દર અઠવાડિયે બે ટ્રક વિભિન્ન સમય-માર્ગ અનુંસાર ઝારખંડ મોકલવામાં આવ્યા, સામાન અને ક્રાંતિકારીઓની બે-બે ટોળકી સલામત રીતે પહોંચી ગઈ છે, એ સમાચાર મળતા તરત જ બીજા બે ટ્રક રવાના કરી દેવામાં આવતા. બીજી વખતના ફેરામાં સલિમ મેમણ સાથે નીકળ્યો. કારણ ઝારખંડ પહોંચી ઉતારેલ માલને ઠેકાણે પાડી શસ્ત્રો બનાવાની ક્રિયા ચાલુ કરવા માટે યોગ્ય આગેવાનની દેખરેખની જરૂરી હતી.

 

                                                                                          ભાદરવાના પહેલા અઠવાડિયે છેલ્લા બે ખટારા નીકળ્યા, જેમાં ૪૦ જેટલા સેનાના ક્રાંતિકારીઓ હતા. બીજા દિવસે દાહોદ વટાવતા સારજંટ બ્લૂમ અને અંગ્રેજ અફસર રિચર્ડ હેંડર્સન અને ફોજે બન્ને ટ્રક પકડી પાડ્યા. બે ક્રાંતિકારીઓએ જંગલ તરફ નાસી જવાનો પ્રયત્ન કર્યો, બંનેને બ્રિટિશ અફસરોએ પકડી પાડી ત્યાં જ ગોળી મારી દેહ છૂટા કરી દીધા. બાકીના તમામને વડોદરા સેન્ટ્રલ જેલ ખોસી દેવામાં આવ્યા.

 

*

 

                                                                                          મનુએ કેદી તરીકેનું જીવન સ્વીકારી લીધુ હતું. સમગ્ર જેલમાં ફક્ત તે એક જ સ્ત્રી કેદી હતી. જેથી, રસોઈ, સિલાઈ કામ, સફાઈકામ જેવા કાર્યોમાં તે આગેવાની ધરાવતી થઈ હતી. મહિને બે-મહિને હવાલદાર ઉપાધ્યાય પાસેથી તેના ભાઈની માહિતી મેળવતી. ઉપાધ્યાય જણાવતો કે “તારા ભાઈને ડી.કે ઊંચડીવાળા નિશાળમાં ભણવા મૂક્યો છે, તે છાત્રાલયમાં રહે છે. તારા ઘરને તાળું મારી દેવામાં આવ્યું છે. ‘ને તારી લોનના હપ્તા પણ ઇબ્રાહિમ સાહેબ ભરી રહ્યા છે.” આ સાંભળી મનુને બે ઘડી નિરાંત થતી.

 

                                                                                          ઉપાધ્યાય જે કઈ મનુને જણાવતો એ શબ્દો વકીલના ગોખવેલા હતા. મનુ ક્યારેક ઇબ્રાહિમ વકીલને મળવાની માંગ કરતી. મનુના આ સવાલનો જવાબ હવાલદાર પાસે હોતો નહીં. વકીલ પોતે પણ સલિમને છોડાવ્યા બાદ સેન્ટ્રલ જેલ આવ્યા ન હતા.

 

                                                                                          જ્યારે કારાવાસમાં જેલર વીંકલર ન હોય એ દિવસે ક્રાંતિકારીઓ કુસ્તી અને હથિયારોનો મહાવરો કરતાં. હથિયારમાં રાઇફલ, ગ્લોક-૨૭, પંજા-ગુપ્તી-લાઠીનો અભ્યાસ કરતાં અને નવીન યુક્તિઓની તાલીમ એકબીજા પાસેથી મેળવતા. સાથે-સાથે છૂટા હાથે સ્વ-બચાવ અને આક્રમણની તાલીમ મેળવતા. શસ્ત્રોની અને મહાવરા માટેની વ્યવસ્થા ઉપાધ્યાય અને અન્ય બે-ત્રણ હવાલદારો કરી આપતા.

 

                                                                                          આ બધુ મનુ એક અઠવાડિયાથી જોતી હતી. એક દિવસ કંટાળાથી કંટાળી તેણે સ્વ-બચાવ શીખવાનો નિર્ણય કર્યો. સેનામાં સહદેવ નામનો એક પ્રતિનિધિ હતો. તેણે મનુને તાલીમ આપવાની હા પાડી. જે સમયે વીંકલર હાજર હોય ત્યારે ક્રાંતિકારીઓ વ્યાયામ-પ્રાણાયામની કસરત કરતાં, મનુ પણ તેમાં જોડાતી. આવી રીતે બીજા બે મહિના વીતી ગયા. તાલીમની પ્રવૃતિઓ અને જેલમાં સોંપેલા તેના કાર્યોના લીધે તેનો દિવસ નીકળી જતો પણ રાત્રે તો અંધાર...

 

                                                                                          એ અંધાર જે તેના મસ્તીષ્ક્માં તેના ભાઈની યાદોને ઉજાગર કરતું, જો એ દિવસે ઇબ્રાહિમ વકીલની વાત અવગણી પાછી ચાલી ગઈ હોત તો કદાચ આજે તેનો ભાઈ તેની સાથે હોત. આટલા સમય પછી પણ વકીલ તેને મળવા ન આવ્યા, એ પરથી તેને ઉપાધ્યાયની વાતો પર પૂરતો વિશ્વાસ બેસતો ન હતો. જ્યારે વકીલ તેને ખોટુ વચન આપી ચાલ્યા ગયા એ પછી વધારે ગુસ્સો તેને પોતાના પર આવ્યો. કેમ તે આવા અજાણ્યા માણસની વાતમાં આવી ગઈ? વકીલનો વિશ્વાસ કરવા જેવો જ ન હતો. બધો મારો જ વાંક છે. શું કરતો હશે દેવો?

 

                                                                                          આવી અસંખ્ય ચર્ચા સ્વ સાથે કરી, પોતે લીધેલા નિર્ણયને સંતાપતી અને વ્યગ્રમય બની રાત પસાર કરતી. દરરોજની આવી સ્વ સાથેની ચર્ચાથી તેના માનસ પર નકારાત્મકતા વર્તાવવા લાગી. તેની વાણી કઠોર અને ઉગ્ર બની ગઈ. આવેશ તો જાણે એના વ્યક્તિત્વનું પાસુ થઈ ગયુ હોય. આ આવેશ સતત તેની તાલીમમાં વધતો જતો હતો. તાલીમ દરમિયાન પોતે ક્યારેક ઇજા પામતી તો ક્યારેક તાલીમ આપનાર ને ઇજા પહોંચાડતી. સામાન્યપણે ઇજા તાલીમ આપનારને પહોંચતી. મનુ રાઇફલ અને આત્મ-રક્ષણની યુક્તિમાં પારંગત થતી ગઈ.

 

                                                                                          સહદેવ આ બધુ જોતો. સહદેવનું સેનામાં મુખ્ય કામ યુવાનોને આઝાદીની લડત માટે એકઠા કરવાનું અને આવશ્યક પળે પ્રોત્સાહન પૂરું પાડી સેનાને પ્રવૃત્તિમય રાખવાનું હતું. મનુને આવેશમાં જોઈ ઘણીવાર તેને એનામાં એક આક્રમક નાયિકા દેખાતી. જાણે અંગ્રેજોનો સંહાર કરતી રાણી લક્ષ્મીબાઈ જોઈ લો. તે મનુને ધૂની ક્રાંતિકારી તરીકે જોવા લાગ્યો. એક સાંજે પોત-પોતાની ઓરડીમાં જતાં પહેલા:

“મનુ...” કોઇકે પાછળથી અવાજ લગાવ્યો. પરસાળમાં બધા કેદીઓ સીધી હરોળમાં જઈ રહ્યા હતા. એમની વચ્ચેથી સહદેવ તેની પાસે આવ્યો.

બોલો.” બોદા થઈ ગયેલા સ્વરમાં તે બોલી.

તું ઝડપથી શીખી રહી છું. તારી શસ્ત્રો પર નિપુણતા આવી રહી છે...” મનમાં શબ્દોની ગોઠવણી કરતાં તે બોલ્યો.

આભાર.” મનુ બોલી, તે થાકી ગઈ હતી.

તેના વિંગ તરફનો વળાંક આવ્યો, તે એ તરફ વળી. સહદેવ તેની પાછળ બે ડગલાં ગયો: “મનુ...”

 

                                                                                          તે અટકી, પોતાની કોટડી તરફ જતાં અટકાવતા તેને થોડી અકળામણ થઈ. અદબ વાળી તે ઊભી રહી. સહદેવે વાત શરૂ કરી: “તારો ઝાઝો સમય નહીં લઉં, મારે બસ એટલુ કહેવું છે કે આપણા લોકોને, આપણી સ્ત્રીઓને તારી જેવી વ્યક્તિની જરૂર છે. તારુ વ્યક્તિત્વ સ્ત્રીઓને પ્રોત્સાહન પૂરુ પાડી શકે છે.”

શું બોલે છે?” વાતમાં ગતાગમ ન પડતા તે બોલી.

અત્યારે દરેક ભારતીયની પરિસ્થિતી આર્થિક રીતે ભાંગી પડી છે. આપણા મોટા ભાગના નાણાં બ્રિટિશ ફોજદારો અને એમની બેન્કોમાં જપ્ત થયેલ છે. અત્યારે એવી પરિસ્થિતી ઊભી થઈ છે કે આપણા જ નાણાં આપણે બ્રિટિશરો પાસેથી લૂંટવા પડે છે, ચોરી કરવી પડે છે. ‘ને બાપુ આ હરકતોની અવગણના કરી રહ્યા છે, તે ખરેખર અસહ્ય છે. છતાં, આ લૂંટવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”

 

                                                                                          હવે મનુને તેની વાતમાં થોડો રસ પડ્યો. સહદેવે બોલવાનું ચાલુ રાખ્યુ: “અમે રાષ્ટ્રવાદી છીએ. ‘ને મારૂ કામ છે સ્વતંત્રતાની લડત માટે યુવાનોને એકઠા કરવાનું અને એમને માર્ગદર્શન આપવાનું. અત્યાર સુધી એવું ચાલી રહ્યું હતું કે પુરુષો જ લૂટફાટમાં ભાગ ભજવતા આવ્યા છે. જો સ્ત્રીઓ પણ અમારી સાથે જોડાય તો એક મજબૂત સંગઠન ઊભુ થઈ શકે છે. આપણે આ અંગ્રેજોની આર્થિક વ્યવસ્થા પાડી દઇશું. જો એમ થશે તો આઝાદી ઝાઝી દૂર નથી...” તે બે ઘડી થંભયો.

 

                                                                                          મનુ તેની વાતમાં ઉતરી ચૂકી હતી. તે એની આંખોમાં જોઈ રહી. સહદેવ તેની નજીક આવ્યો, તેની આંખોમાં જોઈ રહ્યો. અન્ય કેદીઓ પોત-પોતાની કોટડીમાં ચાલ્યા ગયા હતા. એણે મનુનો હાથ પકડયો. બરડ થઈ ગયેલા તેના આંગળા પર સહદેવના નાજુક હાથના સ્પર્શથી તેના હ્રદયમાં થીજી ગયેલા સંવેદનો ઓગળ્યા હોય એમ ધમનીમાંનું રુધિર કંપી ઉઠ્યુ. એ બોલ્યો: “આ દેશને, આપણા લોકોને, આપણી સ્ત્રીઓને તારી જરૂર છે મનુ... હું તને મારી સાથે લઈ જવા માંગુ છુ...”

 

                                                                                          હવાલદારો તાળાં લગાવા આવી રહ્યા હતા. તેમના પગલાનો અવાજ સંભળાતા, પોતાની વાત પતાવતા સહદેવ બોલ્યો: “મેં જે કહ્યું એના વિષે ધ્યાનથી વિચારજે.” હળવેથી મનુનો હાથ દબાવી એણે છોડ્યો અને ઝડપથી પોતાની કોટડી તરફ ફર્યો. મનુ પણ વિચારોમાં વ્યસ્ત તેની કોટડી તરફ ભણી.

 

                                                                                          આ બધી મોટી વાતોમાં મનુને રસ ન હતો, તેના માટે તેનો ભાઈ અને તેનું ઘર તેની પ્રાથમિક અને અંતિમ જરૂરિયાત હતી. ઇબ્રાહિમ વકીલથી તેણે આશા છોડી દીધી હતી. અહીંથી નીકળવાની તક હવે તેને દેખાઈ રહી. અહીંથી નીકળવા સુધી તો તેણે સહદેવની વાત માનવી જ રહી. બીજા દિવસે ઉપાહારગૃહમાં તેણે સહદદેવને અન્યથી દૂર લઈ જઈ જણાવ્યુ પોતે તેની સાથે આવવા તૈયાર છે. સહદેવને તેનાથી વિશેષ આનંદ થયો.

અહીંથી નીકળીશું કેવી રીતે?” મનુએ પૂછ્યું.

નીકળવામાં વાર નહીં લાગે. જેલના અધિકારીઓમાંથી ઘણા આપણા માણસો છે, એક વાર ખાલી ઝારખંડથી સામાન આવી જાય પછી નીકળી જઈશું.”

સામાન આવતા કેટલો સમય થશે?”

૩ મહિના કદાચ.”

“શું છે એ સામાનમાં?”

સહદેવ બે ઘડી તેની સામે જોઈ રહ્યો, બાદ હળવુ હસ્યો, “એ સામાનમાં એવું કઈક છે જેનાથી આપણે બધા આઝાદ થઈ જઈશું. એ સામાન અંગ્રેજોને નહીં ગમે, કદાચ એનાથી એ લોકો ડરી જશે.”

અગાઉ નીકળી જઈએ તો ન ચાલે? નીકળ્યા પછી સામાનનો બંદોબસ્ત કરીએ તો?” મનુએ પૂછ્યું.

સામાન આવે એના પહેલા અહીંથી નીકળવું શક્ય નથી. ‘ને કદાચ જો નીકળી પણ જઈએ તો આટલા બધા માણસોને રાખવા ક્યાં? અહીં જે શસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ એ કઈ જગ્યાએ કરીશું? અહીંથી ભાગ્યા બાદ જ્યાં સુધી બ્રિટિશ સરકાર આપણને ઝડપી નહીં પાડે ત્યા સુધી આરામની ઊંઘ નહીં લે. માટે... સમજી?”

 

                                                                                          સહદેવને તેના સહકેદીઓ બોલાવી રહ્યા હતા. “હું પછી વાત કરુ તારી સાથે.” કહી તે જતો રહ્યો. મનુનો પિત્તો ગયો. અહીંથી નીકળવાનો એકમાત્ર માર્ગ મળ્યો હતો, એ પણ બંધ થઈ ગયો. તેણે નક્કી કરી લીધુ હતું ગમે તે કરી વહેલામાં વહેલી તકે તે જેલની બ્હાર નીકળી જશે.

 

*

 

                          રાધા રોજ મોહનની ખબર કાઢવા આવતી. તેને મળવાથી મોહન જલ્દી સાજો થઈ રહ્યો હતો. એક દિવસ બંને વાત કરી રહ્યા હતા.

“રાધા... મોહન... રાધામોહન... રાધા અને મોહન... રાધે-મોહન. તે બોલી અને હસવા લાગી. “આપણુ નામ ચેવુ મલે સે નૈ? રાધેમોહન. ભગવાનની જેમ.”

“હા.”

“પણ રાધા અને મોહન તો એમ કહેવાય સે કે બે શરીર અને એક જાન સ અન આપણે બંને તો અલગ અલગ સીયે.”

“કુણે કીધુ આપણે અલગ સીયે? આપણે એક જ સીયે.” મોહન બોલ્યો.

“એમ? ચઈ રીતે?”

“આમ આવ બતાવું.” કહી તેણે રાધાને બાથમાં ભરી લીધી અને કહ્યું “હવે તો આપણુ શરીર એક થઈ જ્યુ ને?” કાઇપણ બોલ્યા વગર રાધા એ ક્ષણમાં ખોવાઈ ગઈ.

 

                                  મોહનની બધી કુટેવો છૂટી ગઈ હતી. હવે તે ફક્ત રાધામય બની રહેવા માંગતો હતો. આ વાત તેના મિત્રોને ગમે એવી ન હતી. દારૂ-ચીલમ તો મળતી બંધ થઈ જ ચૂકી હતી અને સાકેત બંધ કરાવ્યા બાદ દાણચોરી પણ. હવે, આ મુશ્કેલીનું નિવારણ એમણે વિચારવા લાગ્યા. મોહને સાકેતમાં જ્યાં તબેલાની જગ્યા હતી ત્યાં સમારકામ કરી ૧ થી ૪ ધોરણ માટે નાની નિશાળ બંધાવી.

 

                                  દિવસે-દિવસે મોહનની તબિયત સુધરી રહી હતી. આવતા વર્ષના ભાદરવા મહિનાનું લગ્નનું મુહૂર્ત આવ્યું. હજુ ૯ મહિનાની વાર હતી. મોહન સાજો થયા પછી એક નવો જ માણસ બની ગયો હતો. નશાથી તેને હવે દૂરના સબંધ પણ રહ્યા ન હતા. રાધા સિવાય અન્ય કોઈ સ્ત્રી પર તેની નજર ઠરતી નહીં. મોહન એને મેળવ્યા પછી પણ એને જોવાનું ચૂકતો નહીં. તે પાણી ભરવા ગઈ હોય ત્યારે તળાવે અને બજારમાં નીકળી હોય ત્યારે ચોકમાં તેને નીરખી રહ્યો હોય. રાધાની બેનપણીઓ ક્યારેક તેને મેણું મારતી. રાધા ચૂપચાપ શરમાતી જતી રહેતી.

 

                                  જસવંત-ગિરિધરે મોહનને વિનંતી કરી સાકેત બંધ ન કરે પણ મોહને નિર્ણય કરી લીધો હતો. તેણે નિર્ણય બદલ્યો નહીં. રાધાએ સાકેતને બંધ રખાવા કહ્યું હતું. તેનું માનવુ હતું કે સાકેત બંધ રહેવાથી મોહનની જિંદગી બદલાઈ શકે તો ચોક્કસ તેના મિત્રો પણ સીધા પાટા પર આવી જાય. આ વાત તેણે મોહનને કહી ત્યારે મોહનને પણ એવું કરવુ યોગ્ય લાગ્યુ. માટે પોતાના મિત્રો માટે તેણે સાકેતને પૂર્ણાહુતિ આપી દીધી. આ તરફ એના મિત્રો ઊંધું વિચારી રહ્યા હતા. એક રાત જસવંત અને ગિરિધર તેના ઘરે દારૂ પીવા બેઠા:

“હાળો, બૈરી ઘેલો થઈ જ્યો સ, પૈણ્યા પેલા જ.” જસવંત બોલ્યો.

“ઈ પેલી હરામજાદીએ બધુ કર્યું સ, મારી હારીએ હું મંતર માર્યુ સ ઈના પર કઈ ખબર નૈ પડતી.” ગિરિધર બોલ્યો અને દારૂનો ઘૂંટ માંડ્યો. થોડીવાર બાદ તે બોલ્યો: “હુ શું કવસુ, આપણે દાણા જોવરાવવા સ? મન લાગસ કે પેલીએ કઈક પીવરાઈ દીધુ સ આન.”

“પીવરાયુ-બિવરાયુ કઈ નહીં, પેલાના આંટા આઈ રયા સ. માર એનું કઈક કરવુ પડશે.”

“શું કરવુ પડશે એનું?”

“એ તું જો, (એક ઘૂંટ પીયને) જારે પેલી વિધવા રોણ્ડ નતી તાર પેલો આપણી ભેગો હતોન?”

“હોવ, હોવ.”

“તો જારે હવે ઈ નય હોય તારે પાસો ઈ આપણી ભેગો થઈ જવાનો.”

“તું હું કેવા માંગસ?”

“ગિરિયા... હુ હું કેવા માંગુ સુ અન હું કરવા માંગુસુ એ તું હારી પેટે જાણસ. બસ તું જોતો જા.” ગિરિધર તેને સાંભળી રહ્યો અને જસવંત કાવતરું જણાવતો રહ્યો.

 

*

 

                                                                                          એ દિવસે મનુની સામેની કોટડીમાં બનાસકાંઠાના ૪ બહારવટિયા આવ્યા હતા. આખો દિવસ ટોળકીનો બબડાટ ચાલતો રહેતો. એક-બીજાને એમની ભાષામાં ચિડાવતા, ગાળો બોલતા અને ક્યારેક ટોળું વળી કઈક સંદિગ્ધ ચર્ચા કરતાં. પોતાની ભાષામાં વાતચીત કરવાનો લાભ એમને એ જણાયો કે તેઓ જે વાત કરતાં હોય, તે અન્ય કોઈને ખબર પડશે નહીં. એકવાર ચારેય જુગુપ્સાપ્રેરક ચર્ચા કરી રહ્યા હતા, જે મનુના કાને પડી, તેના કાન સરવા થયા. મનુ બનાસકાંઠાના બિરસાંગત આદિવાસીઓની ભાષા સમજી શકતી હતી. તેની સામેની કોટડીના એક બહારવટિયાને બોલાવતા તેણે કહ્યું: “કેમ સો મોટા?”

એકદમ સરસ.” પોતાની ભાષા બોલતી સ્ત્રી સાથે વાત કરતાં તે હરખમાં આવી ગયો.

બિરસાંગત લાગો સો તમે.” મનુ એમની ભાષામાં બોલી.

આ સાંભળી તે વ્યવસ્થિત ઊભો રહ્યો અને બોલ્યો: “હઁ, તમન કુણે કીધુ?”

લાયગુ મને.”

એમ, તમેય બિરસાંગત સો કે હું?”

નહીં તો, મારી ફઈ બિરસાંગતને પૈણેલી.”

બરાબર.” કિશને કહ્યું. અન્ય બહારવટિયા ચૂપચાપ બંનેને સાંભળતા રહ્યા.

“આયાં હું કરતાં આયવા?” પરસોત્તમમે પૂછ્યું.

માર ધણીનું કાસર કાયઢી નાયખુ, ફાટી મૂઓ રોજ પીય’ન ફજેતી કરતો’તો.” મનુ જુઠ્ઠું બોલી.

ઓહ...” લાંબા ઉદગાર સાથે પરસોત્તમ કઈક વિચારમાં ખોવાઈ ગયો.

તમે આયાં કેમના?” મનુએ પૂછ્યું.

ઇણે ઈના બનેવીનું માથુ ફાયડી નાયખુ!” એની બાજુમાં ઉભેલો ચરણ બોલ્યો ’ને જોરથી હસવા લાગ્યો. બીજા બેય પણ હસવા લાગ્યા.

રે...રે, એવું તે કરાતું હશે ભઈ.” મનુ બોલી.

બોણ્ઠોક હતો મૂઓ, દર વખતે ઓસો ભાયગ આલ્તો’તો. તે આ વખતે પીવરાઈ દીધું સેલ્લી વારનું પોણી.” સ્વચ્છતા આપતા કિશને કહ્યું.

રે...રે, શિવ, શિવ, શિવ.” નિ:શ્વાસ નાખી મનુ બોલી. ચારેય બબડાટ કરતાં પોતાની મસ્તીમાં વ્યસ્ત થયા.

 

                                                                                          જ્યારે કિશનના બનેવીએ માલનો વધુ ભાગ ન આપતા કિશને એને મારી નાખ્યો; ત્યારબાદ તેના સાથીદારો સાથે મળી માલને યોગ્ય જગ્યાએ છુપાવી દીધો. તેના બનેવીની લાશનો નિકાલ કરતાં ચારેય પોલીસના હાથે પકડાઈ ગયા હતા. આ વાત જાણી મનુએ વિચાર કર્યો, આ લોકોની મદદથી તે અહીંથી બ્હાર નીકળી શકે છે.

 

                                                                                          પોતાના પર તેને વિશ્વાસ ન હતો આવતો, આવા હલકટ માણસોને તે સાથીદાર બનાવા જઈ રહી હતી. બે દિવસ તેણે ચારેય સાથે મૈત્રી કેળવવામાં પસાર કર્યા. ચરણ, નરેશ, પરસોત્તમ અને કિશન. ચારેય પાક્કા ધાડપાડુ હતા. છતાં, એમની એકબીજા માટેની વફાદારી દેખીતી રીતે શુંદ્ધ સોના જેવી પ્રસ્તુત હતી.

 

                                                                                          ચારેય અહીંથી નીકળવાની ફિરાકમાં હતા. મનુની ગણતરી બરાબર હતી. તે આ ચારેયની મદદથી બ્હાર નીકળી શકે એમ હતી. આ ચારેય ભયાનક અને શઠ હતા માટે જ તે એકેય પર વિશ્વાસ કરી રહી ન હતી. ચારમાંથી બેની નજર મનુ પર બગડી હતી. એ ઓળખતા તેને વાર ન લાગી. ઘણી સ્ત્રીઓમાં અજબની આત્મશક્તિ હોય છે. કયો પુરુષ કઈ નજરથી તેને જોઈ રહ્યો છે, તે કુશળતાથી પારખી શકતી. મનુમાં પણ એ આત્મશક્તિ હતી. તેથી તે ચેતીને ચાલી રહી હતી અને આ વાતનો ફાયદો પણ ઉઠાવી રહી હતી.

 

                                                                                          કિશન તેની ટોળકીનો સરદાર હતો. તે જાણતો હતો મનુને પણ જેલની બ્હાર નીકળવુ છે માટે તે એમનામાં રસ લઈ રહી હતી. પરસોત્તમ પણ કેટલાક અંશે આ વાત સમજી ચૂક્યો હતો. માટે તે બંને થઈ શકે એટલો મનુનો જેલમાં ઉપયોગ કરી નાખવા માંગતા હતા. ચરણ-નરેશ અહીંથી ભાગવાની વાતમાં ઝાઝો રસ લેતા ન હતા. એમને ગાંજો મળી રહે એટલે બસ. ગાંજા માટે બંને કાઇપણ કરવા તૈયાર હતા માટે જ એમની જેવા જેલમાં બીજા સાથીઓ મળી ગયા હતા. એમની સાથે ગાંજો ફૂંકી બંને મનુ સાથે પોત-પોતાની અલગ જ દુનિયામાં રાચ્યા રહેતા.

 

                                                                                          જ્યારે ચારેયે જેલમાંથી ભાગવાની યોજના ઘડવાની શરૂ કરી(જેનો ખ્યાલ મનુને મોડા આવ્યો) ત્યારે પ્રથમ નિવેદન તેણે ચરણને કર્યું. ચરણે તેના સાથીદારોને મનુને તેમની યોજનામાં સાથીદાર બનાવા પ્રસ્તાવ મૂક્યો. કિશન-પરસોત્તમ જાણતા હતા, મનુને ક્રાંતિકારીઓ સાથે સારા સબંધ છે માટે તેમણે મનુને યોજનામાં સામેલ કરી. તેમણે મનુને કામ સોપયુ. ક્રાંતિકારીઓ પાસેથી થઈ શકે એટલી જેલની માહિતી મેળવી લાવે, તેમની પાસેથી થોડા શસ્ત્રો લઈ આવે અને કેવી રીતે ૪૦ ક્રાંતિકારીઓ જેલમાંથી ભાગવાના છે. તે જાણી લાવે. આ કામ માટે તેમણે મનુને ત્રણ દિવસનો સમય આપ્યો.

 

                                                                                          મનુને જેલથી નીકળવા માટે સાથીદારો મળી ગયા હતા. હવે, તેને સહદેવ પાસેથી માહિતી જાણી લાવવાની હતી. જેથી, તે કિશન અને ટોળકીને જણાવી જેલની બ્હાર નીકળી શકે. સહદેવ મનુમાં વિશેષ રસ લઈ રહ્યો હતો. મનુ તે જાણતી હતી માટે માહિતી મેળવવાનું કામ તેના માટે એટલુ અઘરુ ન હતું.

 

                                                                                          પહેલા બે દિવસ વ્યર્થ ગયા. સહદેવ સાથે તે અંગત રીતે વાત કરી શકી નહીં. અન્ય ક્રાંતિકારીઓ સાથે જાત-જાતની ચર્ચાઓમાં તે વ્યસ્ત રહેતો. અંતે ત્રીજા દિવસે તે દબાણ કરી સહદેવને અનાજના કોઠારમાં ખેંચી લાવી. બપોરનો સમય હતો. જમવાનું ચાલી રહ્યું હતું. મનુ કેમ તેને એકાંતમાં ખેંચી લાવી સહદેવ સમજી ન શક્યો. મનુએ જેલ અંગે પૂછ્યું, સહદેવે કહ્યું: “તને ખબર છે આ જેલ કેટલી મોટી છે?”

ના.”

સારું, આ જેલમાં કુલ ત્રણ બ્લોક્સ છે, ત્રણ ઇમારત છે. આપણે કયા બ્લોકમાં છીએ તને ખબર છે?” મોઢું નકારી તેણીએ ના પાડી. સહદેવે આગળ બોલવાનું ચાલુ રાખ્યુ.

“આપણે બ્લોક ત્રણમાં છીએ, અંતિમ ઇમારતમાં. આપણી બાજુમાં ઉપાહારગૃહ છે અને બાજુમાં ખુલ્લુ મેદાન છે, જ્યાં આત્મરક્ષણની તાલીમ થાય છે. મેદાનનો એટલે કે ઉપાહારગૃહ અને આપણો બ્લોક, બ્લોક ૩નો રસ્તો એક જ છે. બ્લોક ૩માં જતો માર્ગ બ્લોક ૧માંથી નીકળે છે અને બ્લોક ૧નો બીજો માર્ગ બ્લોક ૨માં જાય છે. આખી સેન્ટ્રલ જેલમાં ફક્ત બ્લોક ૧ જ એક માળનો છે. બાકીના બંને બ્લોક બે માળના છે. જેમાં સૌથી વધારે ચોકિયાત એટલે કે વિંગ ઈન્સ્પેકટર બ્લોક ૨માં અને ૩માં વધુ છે.દરેક બ્લોકની કુલ મળાવીને ૨૦ હાર(ROW) થાય છે.

 

                                                                                          બ્લોક ૧માં ઓછા અપરાધવાળા અને ઓછી સજા વાળા કેદીઓને સમૂહમાં રાખવામા આવે છે. બ્લોક ૨ અને ૩માં જન્મટીપ અને લાંબી સજા વાળા કેદીઓને રાખવામા આવે છે. એ દરેકને અલગ-અલગ કોટડીઓમાં પુરવામાં આવે છે. ઉપાહારગૃહથી આગળ મેદાનના છેડે સ્નાઇપર ટાવર છે, તેની દક્ષિણ અને ઉત્તર છેડે પણ એક-એક સ્નાઇપર ટાવર ગોઠવેલા છે. ચોથો સ્નાઇપર ટાવર જેલના આગવા દરવાજે છે. જેના પર સાઇરેન લાઇટ્સ મૂકવામાં આવી છે. આગવા દરવાજાથી ૧૫ કદમ આગળ રેલિંગવાળી મોટી જાળી આવે છે. ત્યાંથી ૭૦મીટરના અંતરે આગળ આર્મ્ડ ક્વાટર્સ છે, ત્યાં લશ્કરના અમલદારો રહે છે. તેની બાજુની ઇમારતમાં લશ્કરના દારૂગોળા અને લોડેડ હથિયારો રાખેલા છે.

 

                                                                                          આપણા બ્લોક-ઉપાહારગૃહની પાછળ કોટ જેવી દીવાલ છે જેના પર વીજળીના તારની વાડ છે. જોજે ક્યારેય એ તારને ભૂલથી પણ અડતી નહીં, તે હાઇ વૉલ્ટેજ વાળા તાર છે. માણસને સીધા ઉપર પહોંચાડી દે એવી તાકાત છે. એની પાછળ મેદાન છે. જે દક્ષિણ તરફ જાય છે, જ્યાં બ્રિટિશ સર્વંટ્સ અને ફોજદારોની ડોરમિટરી છે. (બે ક્ષણ બાદ) માટે જો તું અહીંથી ભાગવાનું વિચારતી હોય તો ભૂલી જા.”

સહદેવની વાતોમાં મગ્ન મનુએ તેનું છેલ્લુ વાક્ય સાંભળી જાણે અચાનક સ્વપ્નમાંથી જાગી ઉઠી હોય એમ સ્તબ્ધ થઈ બોલી: “ના...ના, હું કેવી રીતે ભાગુ?”

સહદેવ હસ્યો: “મને ખબર છે, મજાક કરુ છુ. બસ, ખુશ? આ જ જાણવુ હતું ને તારે છેલ્લા બે દિવસથી?” માથુ હંકારી મનુએ હા પાડી.

આમ, તો આ માહિતી કોઈને અપાય એમ છે નહીં પણ આ તો તું છુ એટલે... અને તને પણ આ જેલ વિષે ખબર હોવી જોઈએ માટે મેં તને કહ્યું.”

 “અહીંથી બ્હાર કેવી રીતે નીકળીશું?” મનુએ પૂછ્યું.

સહદેવે હજુ સુધી કોઈને બ્હાર નીકળવાની યોજના જણાવી ન હતી. કારણ વાત બ્હાર ફેલાઈ જવાની શક્યતા હતી પણ મનુ પર તેને વિશ્વાસ હતો તે કોઈને નહીં જણાવે માટે મનુ સાથે યોજના ચર્ચવામાં તેને જોખમ લાગ્યુ નહીં.

તે અમલદાર ગાયકવાડને જોયા હશે, જ્યારે ઝારખંડથી સામાન આવશે ત્યારે એમણે આપણા સુધી સામાન પહોંચતો કરશે.”

કયો સામાન આવવાનો છે ઝારખંડથી?” વ્યગ્રમય બની મનુએ પૂછ્યું.

હથિયારો... દેશી તમંચા, રાઇફલ અને ગ્રીનેડ્સ.” સહદેવ ધીમા સ્વરે બોલી તેની મૂછો મરકાવા લાગ્યો.

સૌપ્રથમ વીંકલરને રસ્તામાંથી હટાવવો પડશે. એ કામ હથિયાર આવવાના બે દિવસ પહેલા કરવુ પડશે. જેથી તાબડતોબ બ્રિટિશરો જેલની સુરક્ષા મજબૂત કરશે.”

એવું કરવાથી તો નીકળવુ વધારે મુશ્કેલ બની જશે.” મનુ મુંજવાઈ.

સહદેવ હસ્યો: “એ જ તો યોજના છે, તને શું લાગે આખા દેશમાં અમે આટલા ૪૦ જ ક્રાંતિકારીઓ છીએ? ઝારખંડથી જે સામાન આવવાનો છે, એમાં ફક્ત હથિયારો જ નહીં ૬૦ થી ૭૦ જેટલા ક્રાંતિકારીઓની ફૌજ આવવાની છે. વીંકલરને અગાઉથી હટાવી દેવાનો ફાયદો એ રહેશે કે યેરવડા અને કરાચી જેલમાંથી બ્રિટિશ અમલદારોને અહીં ફરજ પર મૂકવામાં આવશે. હુમલાના દિવસે ગાયકવાડ અમારા સુધી રાઈફ્લ્સ, ગ્રીનેડ્સ અને એમોઝ પહોંચતા કરશે. મારી ઈચ્છા આ કામ દિવસના અજવાળામાં કરવાની હતી પરંતું દિવસે અમારા સુધી હથિયાર પહોંચાડવામાં જોખમ રહે અને બીજા કેદીઓ પણ બ્હાર ફરતા હોય તો એમની જાનનું પણ જોખમ રહે. દિવસના અજવાળામાં હાજર અમલદારો ચેતી જાય, એમના માટે પણ ગોળીબારી કરવી અને બચાવ કરવો સરળ થઈ જાય‘ને અમારી એક-એક ગોળી અંગ્રેજોના લોહી માટે બની છે. એક પણ ગોળી વ્યર્થ જાય એ મને પોસાય એમ નથી.

 

                                                                                          રાતનો પહેલો ફાયદો સ્નાઈપર્સને થશે. સ્નાઈપર્સ બહારી પહેરેદારો, ટાવરના સ્નાઈપર્સ અને સાઇરેન લાઇટ્સ નોક ડાઉન કરી દેશે. ત્યાં સુધીમાં આપણા ક્રાંતિકારીઓ પોત-પોતાની જગ્યાએ આવી જશે. જેલના દરવાજાએ, આર્મ્ડ અને સરવન્ટ ક્વાટર્ઝ બાજુ ગોઠવાઈ જશે. એ પછી કોઈ એક હવાલદાર અલાર્મ વગાડશે. અલાર્મ સાંભળી ક્વાટર્સ અને ડોરમિટરીમાંથી ફોજદારો અને લશ્કરના અમલદારો બ્હાર આવશે. જેવા એ બ્હાર આવશે એવા તરત આપણા ક્રાંતિકારીઓ મુખ્ય માર્ગના દરવાજાથી, ડોરમિટરીના આગળના મેદાનમાંથી ફાયરિંગ શરૂ કરશે.

 

                                                                                          જ્યારે જેલના તમામ અધિકારીઓ અને ફોજદારો સતેજ થઈ જશે, એ પછી આગળ વધવુ કપરુ થઈ જશે. કેટલાક સિપાહીઓ બંકરમાં છુપાયા હશે, એમનુ સ્પોટ અમને નથી ખબર, મને આશંકા છે આ સાલા અંગ્રેજોએ જેલના મેદાનમાં ક્યાંક માઇનસ લગાવી રાખી છે અને એમની પાસે એક મશીન ગન પણ છે. એવી બાતમી મળી છે. જો એમની પાસે મશીન ગન હશે તો મુશ્કેલી ઊભી થશે જ. જ્યારે ત્રણેય બ્લોકના જેલરો અને ચોકિયાતો બ્હાર જતાં રહેશે એ પછી આપણે બ્હાર નીકળીશું.

 

                                                                                          મારી સાથે અત્યારે જેલમાં જેટલા યુવાનો છે, એ કોઈ લશ્કરી તૈનાત સૈનિક નથી. સામાન્ય યુવાનો છે. જેમને આ દેશ માટે કઈક કરવુ છે. આઝાદી માટે, વતન માટે જાન આપવા તત્પર થયા છે. તેમના આ જુનુંનમાં હથિયારોની કુશળતા જરૂરી છે. માટે એમને પૂરતી તાલીમ મળવી જોઈએ. જેથી આગળ જતાં અંગ્રેજોનો સફાયો કરી શકે.” તે બે ક્ષણ થંભયો. મનુ ગળાડૂબ વિચારોમાં ખોવાઈ ગઈ. તેની ગરદન પર હાથ મૂકી સહદેવ બોલ્યો: “ફક્ત ત્રણ મહિના રાહ જોઈ લે મનુ, લઈ જઈશ હું, તને મારી સાથે.” સહદેવે આજીજી કરી, મનુ વિવસ નજરે તેની સામે જોઈ રહી. બે ઘડી સહદેવ મનુની આંખોમાં જોઈ રહ્યો, બાદ ચાલ્યો ગયો.

 

                                                                                          મનુની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. તેના માનસપટ પર તેનો ભાઈ, ઘર, બળદ, ઇબ્રાહિમ વકીલ, તેજસ ઉપાધ્યાય, સહદેવ, કિશન-ટોળકી ચલચિત્રની જેમ તરી આવ્યા. તે સહદેવને છોડવા ન હતી માંગતી પણ તેના માટે તેના ભાઈને મળવુ એથી પણ વિશેષ હતું. તેણીએ અહીં નિર્ણય લેવાનો હતો. આગળ શું કરવું? કોના પક્ષે જવું જોઈએ? કિશન-ટોળકી કે પછી સહદેવ-ક્રાંતિકારીઓ? અત્યારે આ બધા ભાવુક વિચારોમાં વધારે મગ્ન થાય એ પહેલા જ તેના મગજે પરિસ્થિતીયોગ્ય પ્રશ્ન લાવી મૂક્યો. કિશન-ટોળકીને શું જવાબ આપવો? તેને આપવામાં આવેલા સમયનો આજે છેલ્લો દિવસ હતો. સહદેવે જણાવેલી તમામ વાત કિશન-ટોળકી માટે અસંગત અને બિનઉપયોગી હતી, જેથી યોજના જણાવાનો કોઈ તૂક બેસતો ન હતો. માટે ઉત્તર તરીકે મૌન લઈ તે એમની સમક્ષ ઊભી રહી ગઈ.

ક્રાંતિકારીઓએ યોજના જણાવાની ના પાડી મને.” મનુએ કહ્યું.

તને અમારી હારે લઈ જાવી કે નય એ તને હું ચમનો જણાવુ?” કિશન બોલ્યો.

પણ હું તમારા કામમાં આવી શકુ સુ. મારી પાહે જેલની માહિતી સે, એકાદ-બે હથિયાર હું લાવી આ...”

મારી પાંહે બધ્ધી માહિતી સે ‘ને હથિયાર બી સે અમારી પાંહે.” વાત કાપતા કિશન બોલ્યો.

હવે તે નિરુત્તર બની ઊભી રહી ગઈ. થોડી ક્ષણો બાદ ચરણ બોલ્યો: “પણ ઇને હારે લઈ જાવામાં વાંધો હું સે?”

હો, એમ પણ આપણે ચાર સીએ, એક જણ વધસે તો હું ખાટુ મોરું થઈ જાવાનું?” નરેશે ઉમેર્યુ.

તમારા બેયના આંટા ઢીલા થઈ ગ્યા સે કે હું? એકપણ...” કિશન બોલી રહ્યો હતો, અધવચ્ચે પરસોત્તમ અટકાવી તેને બાજુમાં લઈ ગયો અને હળવેથી બોલ્યો:

 “કિશના, પે’લી વાતતો એ કે આપણે આપણા પરગણાની હમજીને એન બા’ર હુધી લઈ જવા હા પાડી. અમ, જો એન ના પાડીશુંન તો એ કોઈક્ન કહીયાવ તો આપણા માથે ઉપાધિ વધશે. ઈના કરતાં ભલેન આવતી.” પરસોત્તમે સમજાવ્યુ. દરમિયાન ચરણ બંનેની ચર્ચા સાંભળવા આવી ચઢ્યો. “અન આ બંને પણ ઇન લીધા વગર મોનવાના નહીં, પેલીએ કીધુ તો સ કે’ ઇ હથિયાર લાવી આલવાની સ તો ભલેન લાવી આલતી.” બીજી થોડી ચર્ચા કરી ત્રણેય પાછા ફર્યા.

રોણી જેવી લાગુ સુ તું મને મનુ...” નરેશ મનુને જોઈ બોલ્યો અને તેના દેહને આવરણ વિના કલ્પવા લાગ્યો. એટલામાં ત્રણેય આવ્યા અને મનુને અંતિમ જવાબ આપી ચારેય પોતપોતાની કોટડી તરફ ભણ્યા.

 

*

 

                                                            રાધા-મોહનના લગ્નને વર્ષ કરતાં પણ ઓછો સમય બચ્યો હતો. માગસર આવ્યો અને આંગણિના વેઢે ગણાય એમ પસાર થઈ ગયો. પોષમાં ગરમી ચાલુ થઈ ગઈ અને મહામાં સુરજ તપવા લાગ્યો, કેરી ખાતા ફાગણ નીકળી ગયો અને ચૈત્રમાં ખેડૂતોએ વાવણી કરી નાખી. વૈશાખમાં મેઘરાજ વરષ્યા-વરસાવિત્રીના વ્રતો ચાલુ થયા. મોહને રાધા સાથે વ્રતો પૂરા કર્યા. એ પછી જેઠ આવ્યો અને મોહન-રાધાની કંકોત્રી લખાઈ. હવે, રાધા લગ્ન પહેલા મોહનને જોઈ શકે એમ ન હતી. જેનાથી મોહન થોડો ખિન્ન રહેતો. અષાઢમાં દિવસો નીકળવા બેઉ માટે કપરા થઈ ગયા કારણ આવતા મહિનાની ૧૮મીએ લગ્ન હતા. ૩૦-૩૦ કલાકનો એક-એક દિવસ હોય એમ અષાઢ પસાર થયો અને નમણો ભાદરવો આવ્યો.

 

                                                            બધાને કંકોત્રી વહેંચાઈ ગઈ. પૂર્વ-તૈયારીઓ પૂરી થઈ, ગણેશ સ્થાપના કરી દેવામાં આવી. મોહન માટે સમય પસાર કરવો કપરો થઈ ગયો. છતાં, લગ્નવાળુ ઘર હતું માટે અન્ય પ્રવૃતિઓમાં તે જોડાયેલો રહેતો. ગિરિધર અને જસવંત ૨૪ કલાક મોહન સાથે જ રહેતા. મોહનની ક્ષણે ક્ષણની હિલચાલની ખબર બંનેને હતી. જસવંત-ગિરિધર રાધાના દૂરના સગા થતા હતા. માટે ગિરિધર રાધા-મોહનના સંદેશાવાહકનું કામ કરતો અને જસવંત બંને પક્ષના લગ્નની તૈયારીમાં પણ જોડાતો.

 

(લગ્નની આગલી રાતે)

 

                                                            લગ્નની આગલી રાતે જસવંતે સંદેશાવાહકની ભૂમિકા પૂરી કરી. તે રાત રાધાના ઘરે જસવંત રોકાયો. મોહને જસવંતને પાસે રહેવાનો આગ્રહ કર્યો હતો પણ તેણે કહ્યુ: “અરે હવે તમે અમારા જમાઈ થવાના. મારે જાન લઈ અમારી દીકરીના ઘેર નો અવાય.” એમ કહી તે નીકળી ગયો.

 

(લગ્નના દિવસે)

 

                                                            આ આંગણે રાધા બીજી વાર વિદાય લેવા જઈ રહી હતી. માટે તે થોડી ભાવુક થઈ ચૂકી હતી, આજે પણ તે તેના પૂર્વ પતિને યાદ કરી રહી હતી, વિચારતી હતી કે શું તે આ જોઈ ખુશ થશે કે હુ બીજાની સાથે પરણી રહી છું, કે પસંદ નહી પડે? આવા વિચારોમાં તે મગ્ન હતી. તેને યાદ આવ્યું, આજે તેણે લગ્નની ચોરીમાં પહોંચતા પહેલા તળાવ પાસે આવેલા મા દુર્ગાના મંદિરે દર્શન કરવાના હતા. જસવંતે રાત્રે કહ્યુ હતું કે મોહનની ઈચ્છા છે કે તે મા દુર્ગાને પગે લાગી ચોરી પર આવે. રાધા જાણતી મોહન મા દુર્ગાનો પરમ ભક્ત હતો માટે તેની આ વાંછના પૂરી કરવા તે તેની માસીની દીકરી સાથે મંદિર ગઈ. સુંદર લગ્નના પાનેતરમાં તેના શરીરનું લાલિત્ય અજબ આકાર લઈ રહ્યું હતું. તેની કાયા મોહક લાગી રહી હતી. રાધા તેની માસીની દીકરી મિરું સાથે મંદિર જવા નીકળી.

અત્યારે નેકરવુ જરૂરી હતું?” રસ્તામાં મિરું પૂછ્યુ.

તારા જીજુની ઈચ્છા હતી કે માને દીવો કરી ચોરીમાં આવવુ, માટે.”

 

                                                            બંને મંદિર પહોંચ્યા. માના પગ આગળ રાધાએ દીવો કર્યો અને પ્રાર્થના કરી: બધાના દુખ હરવાવાળી મારી મા... તે મારૂ દુખ હરી લઈ, આજે મને નવુ જીવનદાન આપ્યુ છે, જે માટે હુ હંમેશા તારી ઋણી રહીશ. મારા ઉજ્જડ થઈ ગયેલા બાગમાં આજ તારે કારણે પ્રેમની કૂંપણ ફૂટી છે. એ માટે હુ જુગજુગ સુધી તને હમેશને નમુ છુ. મા તારો ઉપકાર માનુ એટલો ઓછો છે. બસ, એક પાપની લાગણી મને સતાવી રહી છે. જયંતીના પછી ફરી કોઈકના નામનું સિંદુર ભરવા જઈ રહી છુ. મને એમ થાય હું આ ખોટુ કરી રહી છુ?(તેની આંખો ભીની થઈ) જ્યાં સુધી હું વિચારી શકુ છુ, સમજી શકુ છુ. મને એવુ નથી લાગતું. કદાચ જો જયંતી પણ મને ક્યાંકથી જોતો હશે તો જરૂર એ ખુશ થતો હશે, મા... એણે કહ્યુ હતું કે મારી દરેક ખુશીમાં એ સહભાગી રહેશે. તો હેં મા, આજ મારી ખુશીમાં એ ખુશ હશે ને? બસ આ જ એક પ્રશ્નનો ઉકેલ નથી મળતો મને. પણ હુ જાણુ છુ તું બધા સારાવાના કરી દઇશ. પ્રણામ મા.” મંદિરની પ્રતિમાને નતમસ્તક કરી તે ઊભી થવા જઈ રહી હતી ત્યાં પાછળથી કોઇકે તેના માથે લાકડાનુ ખપાટિયુ માર્યુ. તેની મીંઢળ તૂટીને નીચે પડી. તેને ચક્કર આવી ગયા. રાધા જમીન પર ઢળી પડી.

 

*

 

                                                                                          રાત્રે સૂતા પહેલા નીકળવાની આખરી યોજના જણાવતા પરસોત્તમે ત્રણેયને કહ્યું: “આવતી કાલે જેલર વીંકલર અન બીજા અધિકારીઓ જુનાગઢ જવાના સ. એથી આપણને ભાગવામાં ઝાઝી તકલીફ નૈ પડે. રાતે જ્યારે બધા હુઈ જહે ત્યાર હૌથી પે’લા આપણી વિંગના ચોકિયાત પાંહેથી આપણે કોટડીની ચાવી કાઢવી પડશે. એ માટે કિશના તારે કાઇપણ કરી ચોકિયાત પાંહે તારી કોટડી ખોલાવી એન બેભોન કરવો પડશે. ઇ પસી તાર અમારી બધાની કોટડીઓ ખોલવાની, પસી ચોકિયાતને પાસો ઇ જ્યાં બેહ સ. તઈ ઈની ખુરસીમાં બેહાડી સેલ્લી હરોળ બાજુ જાવાનું, તઈ જે ચોકિયાત બેહ સ, ઈનું ધ્યાન ખેંચી પાસુ તાર તારી કોટડીમાં આઈ જવાનું સ. હું ત્યાં હુધીમાં મનુની કોટડીમાં જતો રઈશ. તારી કોટડીની જારી ખુલ્લી રાખી તું દીવાલ બાજુ ફરી જમીન પર હુઈ જજે. બીજો ચોકિયાત પે’લા ચોકીયાતન ખુરસી પર હુતેલો હમજશે. તારી કોટડીની જારી ખુલ્લી જોઈ ઇ આ બાજુ આવશે. તારી જારી આગર જેવો ઇ આવશે એવો તરત હું એના પર હમલો કરી દઇશ. ઇ પસી કિસનો અન નરીયો બંને ચોકિયાતની વરધી ઉતારી પે’રી લે’શે. પસી આપણે પોંચેય પગથિયાં આગર જઈશું. કિસનો અન નરીયો નીચેના મજલે જે ચોકિયાત ઊભા હશે ઈમન પાડી દે’શે. ત્યાંથી આપડે બા’ર નેકરીશું.

 

                                                                                          આપણા વિભાગથી હૌથી નજીક ચોગાન સ, ઈની બાજુમાં જમણવારનું સ, તઈ ઉપર એક જણો બુરજ પર ચોકી કરતો ઊભો હશે. ઈની પાંહે મોટી બંધુક સ. દૂર હુંધી નેહાનો જાય એવી. એ હુતો જ હશે. નરીયો ઉપર સીડી ચઢી એન માર નાખશે. ઇ ઉપર ચઢ તઈ હુધી કિસનો નીચે હંતાઈન એના પર નેહાન તાકી રાખસે. ત્યાર પહી નરીયો ઉપરથી બધા ચોકિયાતો અન બુરજ પર ઉભેલા બધા ઠોલાઓન ગોળીએ દેશે. ઇ પહી વચમાં કોઈ આયુન હમ સ મા બહુચરાવાળીની હેકે હેકને ભડાકે દઇશ!” પરસોત્તમ બોલ્યો. ત્રણેય ધ્યાનથી એને સાંભળી રહ્યા હતા. તાંહી આપણે બધા પે’લા દરવાજે જઇશું, ન્યાં બોમ્બ ફોડી જારી તોડીશું. તાંહી આગર વાંધો નય આવ.” પરસોત્તમે જણાવ્યુ. અંતમાં કર્તવ્યો અને પોતપોતાની ભૂમિકા નક્કી કરી ચારેય સુવા પામ્યા.

 

                                                                                          સવારે મનુ કામે લાગી ગઈ. તે રસોઈનું કામ સંભાળતી માટે છૂટથી હરીફરી શક્તી. આ છૂટનો તેણે ફાયદો ઉઠાવ્યો. ક્રાંતિકારીઓ તાલીમના હથિયારો ગુપ્ત જગ્યાએ રાખતા. સહદેવે તે જગા વિશ્વાસથી મનુને કહી હતી. બપોરના ભોજન સમયે ચુપકીથી મનુ અનાજ કોઠારના અંતિમ વિભાગમાંથી બે રાઇફલ અને એક રિવોલ્વર ઉઠાવી કિશનની કોટડીમાં મૂકી આવી. એ પછી તેણે વિચારમંથન ચાલુ કર્યું. તેને હવે ચિંતા બ્હાર નીકળવા કરતાં નીકળ્યા પછીની હતી. ચાર નક્ટા ધાડપાડુઓ જોડે તે જઈ રહી હતી. ચરણ-નરેશની મંચ્છાથી તે વાકેફ હતી. તે બંને મનુ સાથે શરીરી સુખ માણવા માંગતા હતા. ચારેય તેની સાથે કઈક અયોગ્ય કરી બેસશે તો? એ વાતની ચિંતા હેરાન કરી રહી હતી. છતાં, પોતાના ભાઈ માટે તે આ જોખમ વહોરવા તૈયાર થઈ.

 

                                                                                          આ તરફ સહદેવ મનુને શોધી રહ્યો હતો. મનુને કેદખાના તરફથી આવતા જોઈ સહદેવને જિજ્ઞાસા જાગી અત્યારે તે કેદખાના તરફ કેમ ગઈ હશે? પણ એવી પંચાત કરવી જરૂરી ના લાગી. ભોજન બાદ સહદેવે મનુને આમંત્રણ આપ્યું:“આજે ઝારખંડથી અમલદાર ગાયકવાડ આવવાના છે. સાંજે બધા સાથે બેઠક છે. તું હાજર રહેજે. તારા વિષે ઉદઘોષણા કરવાનો છું હું.”

કેવી ઉદઘોષણા?” તેણીએ પૂછ્યું.

તને લીડર બનાવાની ઉદઘોષણા.” સહદેવ બોલ્યો. મનુ ગભરાઈ, પોતે ધાડપાડુઓ સાથે નીકળવાની ફિરાકમાં હતી અને સહદેવ તેને લઈને અલગ યુક્તિ ધરાવતો હતો. તે સહદેવને દુખ પહોંચાડવા ન હતી માંગતી.

“અરે, ના એવું નથી કરવું.” તે બોલી.

“કેમ?”

“ના, એની જરૂર નથી.”

“કહેવું પડે મનુ. સૌને ખ્યાલ આવે કે સ્ત્રીઓ પણ આપણી સાથે છે. તું સમજ.”

“ના, ના. મારે નથી આવવું તો. મારૂ નામ લીધું તો હું નહીં આવું તમારી સાથે.”

“મનુ યાર સમજને.” કહેતા સહદેવે તેનો હાથ પકડ્યો. જ્યારે-જ્યારે સહદેવ મનુનો હાથ પકડતો તે અલગ જ સંવેદન અનુભવતી. તેને સહદેવ પ્રત્યે આકર્ષણ થઈ આવતું. ઉપરાંત, તે અત્યારે સહદેવને દગો દેવાની સ્થિતિમાં હતી અને સહદેવ તેને આગેવાન બનાવા માંગતો હતો. સહદેવ મનુની કાળજી લેતો, તેને મનુ પસંદ પડી ગઈ હતી. આ બાબત મનુ જાણતી હતી, એથી જ અત્યારે મનુ કપરી પરિસ્થિતિમાં હતી. તે સહદેવને દુખી કરવા ન હતી માંગતી પણ સહદેવ એ પથ પર આગળ નીકળી ગયો હતો. મનુ ના પાડતી રહી પણ સહદેવ એકનો બે ના થયો.

 

                                                                                          સાંજે પરસાળમાં સૌ ક્રાંતિકારીઓ ભેગા થયા. મનુ પણ હાજર થઈ હતી. પ્રથમ અમલદાર ગાયકવાડે પ્રબોધન આપ્યુ: “હે ભારતપુત્રો... તમને તમારી મા માટે આવી લગનથી મહેનત કરતાં જાઉં છુ તો મનેય વધારે કામ કરવાનું પ્રોત્સાહન મળે છે. (સહદેવના ચહેરા પર સ્મિત આવ્યું) આજે મને સહદેવે જણાવ્યુ કે કેવી ધગસથી તમે સૌ તાલીમ લઈ રહ્યા છો અને એમાં નિપુણ પણ થઈ રહ્યા છો. આજે આ જોઈ મને ખૂબ જ આનંદ થાય છે. માટે હું આપ સૌ નૌજુવાનો માટે બે ખુશ ખબર લાવ્યો છુ. કોઈ અનુમાન લગાવશે શું છે ખુશ ખબર?”

મિશાઈલ લોન્ચર હાથમાં આવી ગયુ કે શું” ટોળામાંથી કોઈક બોલ્યુ.

બહિષ્કાર માટે વધારે ભંડોળ ભેગુ થયુ?” બીજુ કોઈક બોલ્યુ. સહદેવના હોઠ પર હાસ્ય રમી રહ્યું હતું.

બાપુએ બંદૂક ઉઠાવી લીધી કે શું?” ત્રીજુ કોઈક બોલ્યુ અને બધા હસવા લાગ્યા. મનુ પણ હસી પડી. સહદેવ ગંભીર થઈ આગળ આવી બોલ્યો:”લિમિટ!”

ગાયકવાડે આગળ સંબોધવાનું ચાલુ રાખ્યુ: “આવતા મહિને ઝારખંડથી સલિમ મેમણ અને આપણી સેના ગુજરાત આવી રહી છે.” બધા આનંદથી શોરબકોર કરવા લાગ્યા. દરમિયાન એક માણસે સહદેવને કાનમાં કઈક કહ્યું. પછી તે એ માણસ સાથે બ્હાર ગયો. અમલદાર ગાયકવાડે પોતાનું ભાષણ પતાવ્યુ. અંદર આવવાના માર્ગથી સહદેવ, હવાલદાર તેજસ ઉપાધ્યાય, ઇબ્રાહિમ વકીલ અને આની બે ક્રાંતિકારીઓ આવ્યા. સૌનું ધ્યાન તેમના પર ગયું. મનુએ ઇબ્રાહિમ વકીલને જોયા અને આઘાત પામી. સહદેવ આગળ આવ્યો અને બધાની વચ્ચે ઉદઘોષણા કરી કે મનુ તેમની સાથે જોડાવાની છે. સૌ ક્રાંતિકારીઓએ તાળી પાડી તેનું અભિવાદન કર્યું. સહદેવે મનુને અમલદાર ગાયકવાડ સાથે મળાવી.

 

                                                                                          મનુ ફાટી નજરે વકીલને જોઈ રહી, તેનો ચહેરો ઉતરી ગયો. થોડી ક્ષણો પહેલા જે જરાક સ્મિત હતું એ મટી ગયુ. આટલા સમયનો તમામ ગુસ્સો, ચિંતા, નિરર્થકતા, આક્રમકતા અને કરુણતા તેના ચહેરા પર સર્જાઈ. આંખોમાં એટલો ક્રોધ ભરાઈ ઊઠયો હતો કે તેની સામે ગુસ્સો પ્રસ્તુત કરે એટલી લાયકાતમાંથી પણ વકીલ ઉતરી ચૂક્યો હતો. આ ક્ષણે એ કેવી બની ગઈ છે અને એ પળે તે કેવી હતી. જે પોતાના બળદના મરવાના દુખમાં ગાંડિતુંર બની રોડના છેડે રડી રહી હતી. મનુ વિચારવા લાગી. તેનું વ્યક્તિત્વ જાણે પલટાઈ ગયુ હતું આ દસ મહિનામાં. કેટલી બધી લાગણીઓ જોડાઈ હતી. બળદથી, કેટકેટલુ બદલાઈ ગયુ એના જીવનમાં એ બળદથી. ‘ને એના મૃત્યુથી સંડોવાઇ વકીલના પ્રપંચમાં. તેની આંખો ઉભરાઇ ગઈ. વકીલે જે કર્યું હતું માટે નહીં પણ પોતે જે બની ચૂકી હતી માટે. સહદેવ વકીલને મળાવા મનુ પાસે લઈ આવ્યો. આંખ ફરક્યાં વગર મનુ વકીલને જોઈ રહી અને જેવો તે નજીક આવ્યો મનુએ વકીલની ફેંટ પકડી એને ધક્કો માર્યો. અચાનક ધક્કો વાગવાની વકીલને કલ્પના નહીં હોય માટે તે ત્રણ કદમ પાછળ ધકેલાયા, ઊભા રહેવાનો નિરર્થક પ્રયાસ કરતાં ગોથુ ખાઈ પડી ગયા.

“મનુ!” ગુસ્સાથી સહદેવે બૂમ પાડી, વકીલની મદદે ગયો. મનુ એક ક્ષણ પણ ઊભી ન રહી અને ચાલવા લાગી. જાણે નાટકનું દ્રશ્ય જોતાં હોય એમ સૌ જોઈ રહ્યા. કોઈના સમજમાં કઈ ન આવ્યું શું ચાલી રહ્યું હતું? કેમ મનુએ વકીલને ધક્કો મારી પાડી દીધા? સહદેવ પણ અજાણ હતો મનુના આ કૃત્ય પાછળના તાત્પર્યથી. તેણે વકીલને ઊભા કર્યા:

“આપ ઠીક હૈ?”

હાં, મેં ઠીક હૂઁ.” કહી ઇબ્રાહિમ વકીલ ઊભા થયા અને પોતાના કપડા સાફ કરવા લાગ્યા.

સહદેવના ગુસ્સાનો પાર ના રહ્યો, મનુને જતાં જોઈ એની પાછળ ગયો: “મનુ...!”

 

                          તે ઊભી ન રહી. સહદેવ ઝડપથી એની પાસે ગયો, કડકાઇથી એનો હાથ પકડી પોતાના તરફ ફેરવી. મનુની ગોળ મોટી આંખો પ્રચંડ બની ગઈ હતી. ત્રણ કલાક પહેલા જે વ્હાલથી સહદેવે મનુની હથેળી પકડી હતી એ ક્ષણ તેને યાદ આવી ગઈ. અત્યારે શખ્તતાથી સહદેવે તેનો હાથ પકડ્યો. આ બંને પરિસ્થિતીનો ભેદ મનુ વિચારવા લાગી અને વધુ ક્રોધિત થઈ ગઈ. અત્યાર સુધી જે પીડા વેઠી એ તો ખરી જ, ઉપરથી સહદેવ વાત જાણ્યા વગર તેની સાથે કઠોરતાથી વર્તી રહ્યો હતો. આ સૌમાં મનુને વધુ દુખ તેણે હાથ કડકાઇથી પકડ્યો એનું થઈ રહ્યું હતું. તેની જિંદગીમાં તે એક જ બાબત મનોહર હતી, સહદેવનું પ્રેમથી તેના હાથને સ્પર્શ કરવો અને આજે એ સંવેદન પણ વકીલના કારણે બદલાઈ ગયું.

જતો રે’ તું અહીંથી!” ચપટી વગાડી તેણે સહદેવને કહ્યું.

ભાન બાન છે તને? તે અત્યારે શું કર્યું? કોણ છે એ માણસ? ખબર છે તને કઈ?” સહદેવ તાડૂકયો.

બધી ખબર છે મને, મને એ ન’તી ખબર કે તું પણ એના જેવો હલકો હઈશ.” મનુ બોલી અને પોતાનો હાથ છોડાવ્યો.

કોણ... શું થયુ છે તને? કેમ આવું બોલે છે?” તેણે પૂછ્યું.

તું જાને, પડ્યો રે’ એના ટાંટિયા હેઠે.” મનુ બોલી અને પોતાની કોટડી તરફ ચાલવા લાગી. તે આંસુ સારતી જતી રહી, સહદેવ અસમંજસમાં તેને જતાં જોઈ રહ્યો.

 

*

 

                                  જાન રાધાના આંગણે આવી ગઈ હતી. કાળી ઘોડી પર મોહન શેરવાનીમાં સજ્જ માથે લાલ સાફામાં મહારાજા જેવો લાગી રહ્યો હતો. રાધાની માએ પુજા કરી જમાઈરાજા અને જાનૈયાઓનું સ્વાગત કર્યું. ઘરમાં રાધાની શોધખોળ ચાલતી હતી. ચોરીમાં મોહન બિરાજમાન થયો. પંડીતે વિધિ શરૂ કરી દીધી હતી. વિધિ દરમિયાન બે વાર પંડીતે બૂમ પાડી પૂછ્યું હતું. કન્યા તૈયાર? જેનો કોઈ પ્રતિઉત્તર આવ્યો નહીં. દલસુખ, ગોવર્ધનરામ અને અન્ય કુટુંબજનો અરસપરસ શોધખોળ કરી રહ્યા હતા. મોહને એક બાબતની નોંધ કરી જાન નીકળી એ પછીથી તેણે ગિરિધરને જોયો ન હતો. અહીં પણ ક્યાંય જસવંત દેખાઈ રહ્યો ન હતો.

 

                                   રાધાની માસીની બીજી દીકરીએ દલસુખને જણાવ્યુ કે “કાલ રાતે દીદી કેતીતી કે એન જીજુએ મા દુર્ગાને દીવો કરવાનું કહ્યુંતું અન પસી જ ચોરીમાં આવવાનું કીધેલુ, માટે દીદી અને મિરુ પાદરે મા દુર્ગાના મંદિરે દીવો કરવા ગયા સ.” દલસુખે તેના કાકાના છોકરા હીરૂને તળાવ બાજુ મોકલ્યો: “હીરૂ, ફટાફટ ઘોડો લઈ ત્યાં જા અન બેનન લેતો આય. મોડુ ના કરતો જા ઝટ.” હીરૂ રમરમાટ ઘોડા પર સવાર થઈ ગયો.

“અરે કન્યા તૈયાર સે કે નહીં?” રાડ નાખી પંડીતે કહ્યું.

“હા, આવે સે થોડીવારમાં!” રાડ નાખી દલસુખે જવાબ આપ્યો. રાડા-રાડ સાંભળી બધા એને જોઈ રહ્યા. બે ક્ષણ રહી શાંતિથી ચોખવટ આપતા તે બોલ્યો: “અમારા લાડલા જીજાજીએ બેનને તળાવ વારા અંબેમાએ દીવો કરવાનું કહ્યું સે તો તે ત્યાં ગયા છ.”

મોહનના ચહેરા પર સ્મિતની અનુપસ્થિતિ છવાઈ: “મેં એને નથી ચ્યાય જવા કહ્યું.”

દલસુખ પણ ગંભીર થઈ ગયો. તેણે ચકુને બોલાવી. બધાની સામે પુછ્યુ: “ચકુ, દીદીને પાદરે દીવો કરવાનું કુણે કીધુતું?”

“જીજાજીએ.” સ્મિત સાથે તેણે જવાબ આપ્યો. સૌ કોઈ મોહનને જોઈ રહ્યા.

“કોણે આ વાત કીધી તને?” દલસુખે પૂછ્યું.

“કાલે જસુકાકા દીદીને કેતાતા કે જીજાજીએ કેવરાવ્યુ સે કે પાદરે દીવો કરતાં આવ.” ચકુ બોલી. બધા મોહનને તાકી રહ્યા. મોહનને સમજાયું નહીં શું ચાલી રહ્યું હતું. “ક્યાં સે જસુ, કાલ રાતનો અહીંયા પડી રહ્યોતોને?” ગુસ્સામાં મોહન બોલ્યો. એટલામાં હીરૂ પાછો આવ્યો. તેણે દલસુખને કાનમાં સમાચાર આપ્યા: “નથી ત્યાં કોઈ.” મોહન ચોરીમાંથી ઊભો થઈ ગયો.

 

                                  મોહન, દલસુખ, હીરૂ અને બીજા ત્રણ જણા ઘોડા લઈ તળાવ તરફ ગયા. ત્યાં તેઓએ તપાસ માંડી. એટલામાં ક્યાંય તેમને યોગ્ય પગેરૂ મળ્યુ નહીં. મા દુર્ગાની નાનકડી મેડી હતી. જમીનથી ચાર ફૂટ ઉપર ચણવામાં આવી હતી. માટે ઉપર ચઢવા/ઉતરવા મોટો પથરો આગળ મૂક્યો હતો. તેની વચ્ચેની સાંકડી જગ્યામાં મોહને જોયુ, એક મીંઢળ પડી હતી. પથરો હટાવી એણે મીંઢળ કાઢી. જેના પર નામ કોતર્યુ હતું મોહન. મોહને વિચાયું મીંઢળ આમ કેવી રીતે પડી હશે? અને મોહન લખેલી મીંઢળ એક જ વ્યક્તિની હોય શકે. તેનું હ્રદય થડકી ઉઠ્યુ. શોધખોળ કરતાં તેઓ બધી દિશા ફરી વળ્યા. તળાવથી આગળ, સીમમાં, ગામ તરફ, અંતે સ્મશાન તરફ તપાસ કરવા બધા ગયા. સાકેત આગળ પહોંચતા દલસુખે ઘોડો ધીમો પાડ્યો. દલસુખને ઉભેલો જોઈ મોહને બૂમ નાખી: “હાલો... ફટાફટ.”

“કુમાર!” દલસુખે બૂમ પાડી. મોહને સાંભળી નહીં. તેણે મોહન પાછળ ઘોડો દોડાવી ફરી બૂમ નાખી: “ઑ કુમાર!” આ વખતે તેણે સાંભળ્યુ. તેણે ઘોડો વળાવ્યો.

“અત્યાર હવેલીમાં કુણ સ?”

“કઈ હવેલીમાં?” ઘોડેસવાર મોહને મોટેથી પૂછ્યું.

“આ, સાકેતમાં.”

“સાકેતમાં ! કોઈ નય. ચાવી તો ઘેર પડી સ.”

 

                                  આ સાંભળી દલસુખે ઝડપથી સાકેટ તરફ ઘોડો દોડાવ્યો. મોહન પણ એની પાછળ દોડ્યો અને પૂછ્યું: “કાં? હું થ્યું?” મોહનના મનમાં ફફડાટ પેસી ગયો.

“અંદરનો કમાડ ખુલ્લો સ.” કહેતા ઝડપથી દલસુખ પ્રાંગણમાં પ્રવેશ્યો.

 

                                  ફટાફટ ઘોડા પરથી ઉતરી તે અંદર પેસ્યો. તેની પાછળ મોહન આવ્યો અને પછી અન્ય કુટુંબીજનો આવ્યા. મોહનનું હ્રદય જોરથી ધબકી રહ્યું હતું. તે નીચે ઉતર્યો અને મુખ્ય દરવાજા આગળ આવ્યો. એટલી વારમાં દલસુખ દોડતો બ્હાર આવ્યો અને ઓકવા લાગ્યો. આ જોઈ મોહન થથરી ઉઠ્યો: “હુ થયુ દલસુખભઈ?” દલસુખ બે ક્ષણ માટે બોલી ન શક્યો. મોહને તેના વાંસે હાથ ફેરવ્યો. તેણે ફરી પૂછ્યું: “હું થયુ દલસુખભઈ?” દલસુખની છાતી ફાટુ-ફાટુ થઈ રહી હતી. દોડવાના કારણે તે હાંફી રહ્યો હતો.

 

*

 

                                                                                          સહદેવ મનુને જતાં જોઈ વિચારવા લાગ્યો શું ચાલી રહ્યું હતું. ઇબ્રાહિમ વકીલ પાછળથી આવ્યા. “સહદેવ ઉસ લડકી કો કોન્સી વીંગ મેં રખા હૈ?” સહદેવે રસ્તો બતાવ્યો અને બંને ચાલતા ચર્ચા કરવા લાગ્યા. મનુ તેની કોટડીમાં બેઠી બેઠી ગુસ્સાથી તપી રહી હતી. ઉપાધ્યાય આવ્યો અને મનુને બોલવા લાગ્યો: “બે તને ખબર પડે છે તે શું કર્યું? કોની સામે તું ઊભી છે , કોની સાથે તું વાત કરી રહી છે. સીધો એમ તું ધક્કો મારે છે. સમજે છે તું શું પોતાને?”

જો તારે જેટલા ચાટવા હોય ને એટલા એની સામે તળિયા ચાટજે. અહીંયા ભાષણ ઠોકવાની જરૂર નથી. જતો રે’ અહીંથી!” તેની જીભમાંથી જાણે લાવા ઝરતો હોય.

 

                                                                                          ઇબ્રાહિમ વકીલ તેની કોટડી આગળ આવી ઊભા. મનુનો ગુસ્સો શાંત ન હતો થયો. તે ઊભી થઈ અને વકીલનું ગળુ પકડી લીધુ. ઉપાધ્યાય અને સહદેવ છોડાવા આવ્યા વકીલે બંનેને પાછા જવા કહ્યું. વકીલ તેની સામે જોઈ રહ્યા. બે ક્ષણ એમ જ કશું પણ બોલ્યા વગર એની સામે જોઈ રહ્યા. તે પણ મૌન રહી વકીલનું ગળુ દાબી રહી. વકીલના ચહેરા પર જરાક પણ તણાવ ન હતો. શાંતિથી તે બોલ્યા:

“બડી તાકતવાર બન ગઈ હૈ લડકી તું તો.” દસ મહિને તે આ પ્રલોભનકારી અવાજ સાંભળી રહી હતી. એનો અવાજ સાંભળી તેને વધુ ગુસ્સો આવી રહ્યો હતો પરંતું વકીલના ચહેરા પર જે નિખાલસતા હતી. એ જોઈ તેનો આવેશ ઓગળી રહ્યો હતો. વકીલે બોલવાનું ચાલુ રાખ્યુ:

કિસ બાતસે તું નારાઝ હૈ? ક્યા હુઆ ઐસા?”

તું નથી જાણતો શું થયુ છે?” એને ઢંઢોળી, તેણે પકડ હળવી કરી.

નહીં જાનતા મેં, આજ હી તો ઝારખંડ સે મેં ઇધર આયા હૂ.”

જુઠ્ઠું બોલીને ફસાવી મને, અહીંયા.” મનુનો અવાજ ગળગળો થઈ ગયો.

માફ કરના લડકી, મુજે નહીં પતા થા કી ઇતના વક્ત લગ જાયેગા. મુજે ઓર ભી કામ સંભાલને થે. ઇસ લિયે મેં આ નહીં પાયા.”

જૂઠો છે તું એક નંબરનો.” મનુ બોલી, એનું ગળુ છોડી દીધુ. ઊંધી ફરી પોતાની આંખો લૂછવા લાગી. તે તેની કોટડીમાં ચાલી ગઈ. વકીલને આગળ કશું કહેવું જરૂરી ના લાગ્યું. તે, ઉપાધ્યાય અને સહદેવ પાછા ફર્યા. થોડીવાર બાદ ઉપાધ્યાય પાછો આવ્યો:

તને સાહેબે બોલાવી છે, ચલ.”

ક્યાં?

જેલરની ઓફિસમાં.”

શું કામ છે?”

તું જાતે પૂછી લે. મને નથી ખબર.” ઉપાધ્યાયે કહ્યું.

 

                                                                                          જેલરની કેબિન બ્હાર સહદેવ અને વકીલ ઊભા હતા. વકીલે મનુને કહ્યું: “ચલ, લડકી તુંજે તેરે ઘર છોડ દેતા હું.” મનુ ચૂપચાપ એને જોઈ રહી. ”યે રહે તેરે કપડે. જલ્દી સે બદલ લે.” વકીલે કહ્યું અને હવલદારે તેને કપડાનું પોટલુ આપ્યુ. મનુ પોટલુ લઈ કપડા બદલવા જતી રહી. તે પાછી આવી ત્યારે સૌ ક્રાંતિકારીઓ તેને વિદાય આપવા ઊભા હતા. સહદેવ તેને જોઈ રહ્યો. તે એની પાસે આવી.

 

બસ, આટલે સુધી જ સાથ આપવો છે?” સહદેવે બોલ્યો.

આપણે બેઉ અલગ છીએ સહદેવ.”

કીધુ કેમ નહીં એકવાર પણ તે મને?”

શું થાત કહેવાથી? તું મને તાલીમ આપત જાણ્યા પછી?”

યાર, હું બધી માહિતી લઈ આપત તારા ઘર વિષે, તારા ભાઈ વિષે અને જો યોગ્ય બેશત તો તને તારા ભાઈ સાથે મળાવી પણ દેત. (મનુ તેને જોઈ રહી) પણ તે ઇબ્રાહિમ સાહેબ સાથે જે કર્યું એ બહુ જ ખરાબ કર્યું છે. એ કેટલા અહંશૂન્ય છે તું જોઈ રહી છું? હજુ પણ તને ઘરે મૂકવા પોતે આવી રહ્યા છે.”

મને સરખી રીતે વિદાય નહીં આપે તું?” મનુ આજીજી કરી.

કેટલી હદે તું જુઠ્ઠુ બોલી મનુ યાર... બ્હાર નીકળવા માટે મારી સાથે જોડાવાનું નાટક કર્યું તે.” સહદેવનો અવાજ તૂટું-તૂટું થઈ રહ્યો હતો.

મને માફ કરજે, પણ હું આવીશ તારી પાસે હંમેશ...” મનુ ગળગળી થઈ બોલી રહી હતી, અધવચ્ચે સહદેવ ત્યાંથી જતો રહ્યો.

 

                                                                                          મનુ ચૂપચાપ જેલરની કેબિન તરફ ફરી. અન્ય ક્રાંતીકારીઓને મળી આગળ વધી. કિશન-ટોળકી દૂર પરસાળની પાળીએથી તેને જોઈ રહ્યા હતા. પરસોત્તમે સ્મિત આપી, હાથ હલાવી “આવજો”નો ઇશોરો કર્યો. મનુએ હોઠ મમળાવી આવજો કહ્યું. મનુએ વિદાય લીધી. દસ મહિને તે જેલની બ્હાર નીકળી હતી. વકીલનો ટાઈપિસ્ટ તેમની ગાડી જોડે ઊભો હતો. એ જ જગ્યાએ ગાડી ઊભી હતી, જ્યાં મનુ વકીલને મળી હતી. એ જ બધા સ્મરણો જીવંત થઈ ગયા. વકીલે મનુ માટે દરવાજો ખોલ્યો, મનુ બેસી અને વકીલ પણ પણ પોતાની સીટ પર બિરાજમાન થયા. ડ્રાઇવરે ગાડી ઉપાડી.

 

*

 

“અંદર... (ચાર ક્ષણ બાદ) તું અંદર જા!” દલસુખે મોહનને કહ્યું.

“થયુ હું?”

“જા ને અંદર, બેયના પંડે કપડુ મેલ!” રાડ નાખી મોહનને અંદર ધસેલતા દલસુખ બોલ્યો. બ્હાર દલસુખના પરિવારના બીજા આદમીઓ ઊભા હતા. એમણે પૂછ્યું: અંદર હું સે?” દલસુખ ઘૂંટણે હાથ ટેકવી આંસુ સારી રહ્યો. એક પરિવારજન અંદર જતો હતો. ત્યાં દલસુખે એને રોક્યો: “પેલાને ઉપર કપડુ ઢાંકી લેવા દે.” આ વાક્ય સાંભળતા તેના પરિવારવાળા થરથરી ઉઠ્યા.

 

                                  મોહને અંદર જઈ જોયુ. માથા પરથી સાફો ઉતાર્યો, અંદરનું દ્રશ્ય જોઈ તે થથરી ઉઠ્યો. ફરસ ઉપર નગ્ન અવસ્થામાં બે કાયા પડેલી દેખાઈ. ફરસ પર લોહીના દાગ દેખાયા. મોહન આગળ ચાલ્યો અને બંને શરીરને ઓળખ્યા. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. બંનેના માથે કશીક ભારેખમ વસ્તુથી માર મારવામાં આવ્યો હતો. ઘણુ લોહી નીકળી ગયુ હતું. ગળા પર પર તીક્ષ્ણ વસ્તુથી કાપા મારવામાં આવ્યા હોય એવું લાગતું હતું. અંદરના કમાડના છેડે પાનેતર રક્ત અને ધૂળથી મેલુ પડ્યું હતું. ૧૫ વર્ષની મિરૂના કપડાં અણઘડપણે ફાડવામાં આવ્યા હતા. તેની કમરે અને ખભા પર નખના ઉઝરડા દેખાઈ રહ્યા હતા. મોહન સાંવેદનીક પ્રતિક્રિયા આપે એ પહેલા તેણે બારીઓના પડદા ઉતાર્યા અને બંનેના પંડ પર ઢાંક્યા. દલસુખ અને બીજા કુટુંબવાળા અંદર આવ્યા. કુટુંબના એક આદમી એ જોડે આવેલા કિશોરને ઘરે સંદેશો મોકલવા પાછો વાળ્યો.

 

                                  દલસુખ હૈયાફાટ રૂદને એક પછી એક બંને બહેનો પાસે આવી રડી પડ્યો. તેના રુદનની કિકિયારીના પડઘાથી આખો ખંડેર અશાંત થઈ ગયો. હાજર એક કુટુંબીજન ખંડેરનું અને શબની આસપાસ નિરીક્ષણ કરવા લાગ્યો. અન્ય બે દલસુખને સાંત્વન આપી રહ્યા, મોહન શૂન્યમનસ્ક થઈ રાધાનો મૃત ચહેરો જોઈ રહ્યો. કશી પ્રતિક્રિયા નહીં, તે કઈ ન બોલ્યો. તે જમીન પર ફસડાઈ પડ્યો અને રાધાના મીંઢળને જોઈ રહ્યો. જેના પર લખ્યું હતું: “મોહન.”

 

                                  થોડીવારમાં ગ્રામજનો અને લગ્ન પ્રસંગે આવેલા સૌ લોકો સાકેત આવી પહોંચ્યા પરંતું કોઈને અંદર ન જવા દેવામાં આવ્યા. બધાને બ્હાર ઊભા રાખ્યા. પોલીસ આવી અને આગળની કાર્યવાહી શરૂ કરી. બ્હાર રોકકળ ચાલુ થઈ ગઈ હતી. મોહનની આંખોમાંથી આંસુ ટપકયા હતા અને ચહેરા પર શોકભાવ વર્તાઇ રહ્યો હતો. પોલીસે પૂછપરછ શરૂ કરી.

“આ હવેલીની ચાવી તમારી પાસે રહે છે મોહનભાઇ. તો અહીં કોણ આવ્યું, તમને કોના પર શંકા છે?”

“બે આદમી. ગિરધર અને જસવંત.” મોહન બોલ્યો. હજુ તેની નજરો શૂન્યમનસ્ક હતી. તેના હાથમાં રાધાનું મીંઢળ હતું.

“આવુ કરવાના કોઈ કારણ અંગે તમે અંદાજો લગાવી શકો છો?” પોલીસ અફસરે પૂછ્યું.

બીજી પળોજણમાં પડ્યા કરતાં મોહને સાફ-સાફ કહ્યું:

“આ કોઈ બે જણનું કોમ નહીં. આ કરવા પાસર ચારથી પોંચ જણ હોવા જોઈએ. બે નામ મેં તમોન આલી દીધા. બીજા તમે હોધી પાડજો... જો પાડી હકો તો. ચમકે મારા હાથમાં આ એકેય આવશેન પહી તમાર એકેય નામ હોધવાની તસ્દી નય લેવી પડ.” આટલું કહી મોહન ત્યાંથી ચાલ્યો ગયો.

 

                          આખુ ગામ શોકમાં ડૂબી ગયુ. હરજીવનરામની આબરૂના કારણે લોકોએ માન ખાતર એ દિવસે બજારની સૌ દુકાનો અને રેંકડીઓ બંધ રાખી. મોહન તાબડતોબ જસવંતના ઘરે ગયો. ત્યાં તાળુ લગાવેલુ હતું. એ પછી ગિરિધરના ત્યાં ગયો. એનું ઘર પણ બંધ હતું. મોહન જાણતો હતો એવી બધી જગ્યાએ અને આખા ગામમાં ફરી વળ્યો હતો પણ તેને જસવંત કે ગિરિધરનું ઠેકાણુ મળ્યુ નહીં. બે દિવસ અન્નનો એકેય કોળિયો કે પાણીનું એક ટીપુ તેના ગળા હેઠે ઉતર્યુ નહીં. તેણે તેના સૌ માણસોને શોધખોળ પાછળ લગાવી દીધા. તદુપરાંત પોલીસ પણ શક્ય એટલી ઝડપી તલાશ કરી રહી હતી. બીજા દિવસે દવાખાનાથી શબ પાછા આવ્યા. રડી રડીને સ્ત્રીઓની આંખો સોજાઈ ગઈ. હૈયાફાટ મરસિયા ગાઈ કંઠપેટીને ખોખરી કરી નાખી અને વિધિવત રીતે બંને દીકરીઓને કમને અશ્રુભીની વિદાય આપી. તેમની અંતિમક્રિયામાં ગામના વડીલો સહિત આજુબાજુના ગામના સરપંચો, પોલીસ અધિકારીઓ, કલેક્ટર અને ગામ આખું હાજર રહ્યું હતું. સમગ્ર તાલુકો એમના દુખમાં ભાગીદાર બન્યું.

 

*

 

                                                                                          મનુ ખુશ હતી અને વકીલ સાથે દુર્વ્યવહાર કર્યો એનો રંજ પણ થયો. તે ગાડીની બારીમાંથી બ્હારનું દ્રશ્ય જોઈ રહી. વર્ષો પછી જાણે પવનની લહેર એના ગાલે અડી રહી હોય એમ એણે અનુભવ્યુ. વકીલ તેની બાજુમાં બેઠા હતા. પોતાની બ્રીફકેસમાંથી એક થેલી આપતા કહ્યું: “લડકી યે તેરી લોન કે કાગજ હૈ ઔર કુછ પૈસે હૈ.” મનુએ કાગળ સામે જોયુ.

તું બતા રહી થી તેરી લોન કે પૈસે બાકી હૈ, મેંને જબ તેરી લોન કે કાગજ દેખે તો ઉસ મેં સારે હફ્તે હો ચૂકે થે.” વકીલે જણાવ્યુ. મનુ મૂંઝાઇ.

એવું કેમ બને?” તેણે પૂછ્યું.

“તેરી ૨૫૦૦ રૂપે કી લોનથી. ઉસકા આખરી હફ્તા જીસ મહિને તું યહાં આઈથી ઉસી મહિને ખતમ હો ચુકા થા.”

પણ મને તો શમા બાપુએ કીધુ’તું અરધી લોનના પૈસા બાકી છે. લોન તો ૫૫૦૦ની હતી ને?”

તું જબ યહાં આઈ ઉસકે અગલે દીન મેં તેરે ગાંવ ગયા થા, ઓર જીસસે તુંને લોન કરાઇ થી, ક્યાં નામ... શમા બાપુ. મેં ઉસસે મિલા થા. ઉસસે મૈને લોન કી બાત કી ઓર કાગજ માંગે. ઉસમે સાફ સાફ લીખા થા કી ૨૫૦૦રૂ. તેરી લોન કે હૈ ઓર ૫૦૦રૂ. ડિપોઝિટ ભરી હૈ. બાદ મેં મૈને લોન કે કાગજ લીએ ઓર તેરે ભાઈ કો ડી.કે ઊંચડીવાલા હોસ્ટેલમેં દાખિલ કરવા દીયા. ઇસ થેલીમેં તેરે ઘર કી ચાબી, થોડે પૈસે ઓર લોન કે કાગજ હૈ.” વકીલે કહ્યું.

મનુએ થેલીમાં પૈસાની એક ગડી વાળેલી જોઈ. તેણે પૂછ્યું: “આ શેના પૈસા છે?”

તું રખ વો પૈસે. તેરી કમાઈ કે હે વો. તું જીતને દીન ઝ્યાદા જેલમેં રહી ઓર તુંને હમારી મદદ કી વો સબ મિલા કે તુંજે દીએ હૈ, ઔર ફિર ભી કમ લગે તો બેજીજક માંગ લેના.”

 

                          બે ઘડી શાંતિ જળવાઈ રહી. મનુ વિચારતી રહી કેવી રીતે શમાજીએ તેની સાથે છેતરપિંડી કરી વધુ પૈસા પડાવાનો પ્રયત્ન કર્યો. “૨૫૦૦ રૂપિયાની લોન કરાઇ, મને ૫૫૦૦ રૂપિયા કીધા. ભારે હલકો માણસ નીકળ્યો શમો ડોહો! અને હું ગાંડી એમ વિચારતી રહી પોલીસ જેલમાં પૂરી દેશે. એમ માનીને જાતે જ જેલમાં ગરી ગઈ, લેવાદેવા વગર દસ મહિના જેલમાં રહી. સાચે જ હું ડફોળ છું.” મનુ અફસોસ કરી રહી. પોતાને કોસતી રહી. દસ મહિનાથી આદત પડી ગઈ હતી. એવા વિચારમાંથી બ્હાર આવી તેણે વકીલને કહ્યું: “મારે મારા ભાઈને મળવુ છે.”

વો બરોડા મેં હૈ, રવિવાર કો તું મિલને જાના ઉસે. ઉસ દીન ઉસકી છુટ્ટી હોગી.”

સારું.”

 

                                                                                          અરધો કલાક બાદ તેઓ ગામ પહોંચી ગયા. ગામમાં દાખલ થવાનો એક જ માર્ગ હતો. માટે રસ્તામાં ગાડી આવતી જોઈ બધા ઘરની બ્હાર આવ્યા. રસ્તા પર, પોતાના ઘરથી, અગાસી પરથી જોવા લાગ્યા. દરેક ગલીઓ અને ડેલીઓમાં વાયરાની માફક વાત પહોંચી ગઈ. ગામમાં ચાર પૈડાવાળી ગાડી આવી છે. એની અંદર કોણ બેઠુ છે. તે ઓળખવામાં ઘણા સફળ થયા પણ નિજની નજરો પર વિશ્વાસ ન હતો બેસતો કે મનુ પોતે તે ગાડીમાં બેઠી હતી. એ મનુ જે ગામલોકોના ઘરનું વાસણ-પોતું કરતી, એ મનુડી જે ગુજરાન ચલાવવા છાણાં વેચતી. હા, એ જ મનુડી ગાડીમાં બેઠી હતી અને વાયુવેગે તેના આગમનના સમાચાર ગામમાં પ્રસરી ગયા. ચાર-પાંચ નાના છોકરાઓ ગાડીની પાછળ દોડી રહ્યા. ગામમાં બે દીકરીઓ મૃત્યુ પામી હતી, તેનો શોક હતો પણ લોકોને ગાડી જોવાની કુતૂહલવૃત્તિ જાગી હતી. નાના છોકરાઓ તો ઠીક મોટી ઉંમરના લોકો પણ ગાડી ક્યાં જઈ રહી છે એ જોવા પાછળ દોડ્યા. અચાનક મનુ ગામની ઇજ્જતદાર માણસોમાંની એક બની ગઈ, કીર્તિમાન વ્યક્તિમાંની એક બની ગઈ. તેના ઘર આંગળે ગાડી ઊભી રહી.

 

                                                                                          આખુ ગામ તેના આંગણે ભેગુ થઇ ગયુ. મનુ ગાડીમાંથી બ્હાર આવી. ઉતરતા સાથે ઊંડો શ્વાસ લીધો. એના આંગણાની સુગંધિત માટી નાકમાં પ્રસરતા એનાથી રહેવાયુ નહીં, તે નીચે બેશી ગઈ અને થોડી માટી હાથમાં લઈ સૂંઘવા લાગી. માટીની ફોરમે જાણે આટલા સમયથી તેની અચેતન આત્માને ઢંઢોળી નાખી હોય એમ તે પ્રફુલ્લિત થઈ ગઈ. તેની પાછળ ટોળુ ઊભુ હતું. આજુ-બાજુના મકાનોના ધાબા પરથી, આંગણાએ, બારીમાંથી અને રસ્તા પર લોકો ભેગા થઈ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. મનુ ઊભી થઈ તેના ઘર તરફ જોયુ. તેની છાતીમાં હરખ માંતો ન હતો. એના ચક્ષુઓએ તો ઝાકળ છલકાવી. ઘરના પ્રાંગણમાં ઊભી રહી અને સાષ્ટાંગ ઘરના દરવાજાને પગે લાગી. થેલીમાંથી ચાવી કાઢી, તેણે ઘર ઉઘાડયુ. આટલા મહિનાઓથી ઘર બંધ હતું, કમાડ ઊઘડતા જ અંદર ગોંધાઈ રહેલા પવનની લહેર તેના ચહેરાને સ્પર્શી. બંધ ઘરની અલગ સોડમ તેને મહેસુસ થઈ. મનુએ વકીલને અંદર બોલાવ્યા. તેઓ અંદર આવ્યા. સુરજ આઠમી રહ્યો હતો. ઘરમાં અંધારું પ્રસરી ગયું હતું. મનુએ ફાનસ સળગાવી. વકીલને ઉભેલા જોઈ તે બોલી:

ઊભા રહો, હુ ખુરશી લઈ આવુ.” કહી તે બ્હાર નીકળી. હજુ લોકો બ્હાર જ ઊભા હતા. પાડોશમાં રહેતી જાનકીના ઘરે તે ગઈ. બ્હાર ઓંસરીમાં બેઠેલા લવજીકાકાને દૂરથી પગે લાગી તે અંદર ગઈ. “એલિ જોનકી...” તેણે બૂમ પાડી. રસોડામાંથી જાનકી આવી. તેને જોઈ જાનકી પણ ખુશ થઈ ગઈ. બંને બેનપણિયોએ એકબીજાને બથ ભરી.

અલી મનુડી... ચમની શું તું? ચમ, આમ અચાનક જતી રઈતી હેં? અન હુ કર્યું આટલા દા’ડા?” જાનકીએ વ્હાલથી તેના ગાલે હાથ ફેરવતા એક જ શ્વાસે બધુ પૂછી લીધું.

કહું, કહું મારી મા બધુ જ કવસુ, પે’લા મને આ ખુરશી લઈ જવા દે, ઘેર પેલા વકીલ આયા’સ.” કહી તે પાછળના ઓરડામાંથી ખુરસી કાઢી લઈ ગઈ.

 

                          મનુએ વકીલને ખુરશી આપી, પોતે નીચે બેશી. તેણે ચાનું પૂછ્યું. વકીલે ના પાડી કહ્યું: “મુજે જાના પડેગા જલ્દી સે, મેં તુંજે ઈતના બોલને રુકા હું કી જો કુછ હુઆ ઉસ મેં મેરી સારી ગલતી નહીં હે. હાલત કુછ ઐસે હો ગએ થે કી મેં કુછ કર નહીં પાયા. ફીર ભી મે તુંજસે માફી માંગતા હુ.”

અરે નહીં. માફી મારે માંગવી જોઈએ તમારે નહીં.” માનપૂર્વક તેણે વકીલને કહ્યું.

અબ મૈને તુંજે જેલ સે છૂડવા લિયા હે, લેકિન તુંજે હર મહિને એક બાર અંગૂઠા લગાને જેલ આના પડેગા. જીસસે ઓર કોઈ મુસીબત ખડી ના હો. તું આએગી તો અચ્છા રહેગા હમારે લીએ.” વકીલે વિનંતી કરી.

હું આવીશ.” મનુએ વકીલની વાત માની.

તુંજે હર મહિને અંગૂઠા લગાને કે ૫૦૦રૂ. મિલેંગે.”

સારુ.” તેણે કહ્યું અને વકીલને વિદાય આપી.

 

*

 

                                  પછીના અઠવાડીયાથી બાજ નજરે મોહન દુશ્મન કરતાં પણ દુષ્ટ એવા તેના ભાઈબંધોને શોધી રહેલો. તે જાણતો હતો જસવંત-ગિરિધરને દાણચોરી સીવાય કઈ કામ આવડતું ન હતું, માટે એમનું પગેરૂ મેળવવા તે ના છૂટકે દાણચોરીના ધંધામાં પડ્યો. ચાર દિવસ બાદ જ્યારે બંનેને જાણ થઈ ત્યારે જસવંતે ગિરિધરને સાકેત પર મોકલ્યો વાત કરવા કે તે બંને ફરીથી મોહન સાથે સહભાગી બનવા માંગે છે. સાકેત પર મોહન એકલો હતો. સાંજે ગિરિધર શસ્ત્રસજ્જ થઈ આવ્યો. મોહનને મળી તે એને ગળે લાગ્યો.

“જોયુ, જસ્યો હાચુ કેતોતો કે તું લા બૈરી ઘેલો બની જયોતો તાણ વળી. આય જ્યોન પાસો અમારી લાઇનમાં!” કહી ગિરિધરે બીડી સળગાવી.

“હાચી વાત સે.” મોહન બોલ્યો.

“હોવ, એટલે હવ તું સ ન અમે કહી એમ કરજે અન પેલી રાધાનું માંઠું ના લગાડતો. એના જેવી તો આવતી જતી રે ભાઈબંધીમાં એવું બધુ યાદ નૈ રાખવાનું.”

 

                                  જેવુ ગિરિધરનું વાક્ય પત્યુ. એમ મોહને એની આંખ નીચે મુક્કો માર્યો. એનું જડબુ હલી ગયુ. મોઢામાંથી બીડી પડી ગઈ. તે બે ડગલાં પાછળ ફસડાયો. “બે બાપના.” કહી ગિરિધર ઉલળીને આવ્યો અને મોહનના નાક પર મુક્કો માર્યો. મોહન બે ડગલા પાછળ ખસયો. ગિરિધરે ખિસ્સામાંથી ચાકુ કાઢયુ. મોહન ઊભો રહી ગયો. ગિરિધર તેના પર ચાકુ હુલાવા વાર કરતો રહ્યો. કેમેય કરી મોહન ખસતો રહ્યો. આક્રોશમાં આવેલા ગિરિધરે ઝડપથી ૭-૮ વાર હવામાં ચાકુ હુલાવ્યુ. મોહન બચી નીકળ્યો. ગિરિધરને શ્વાસ ચઢ્યો પણ જાન પર આવી ગયેલા ગિરિધરે ચાકુ હુલાવાનું ચાલુ રાખ્યુ. તેનો વાર ધીમો પડયો. હવે મોહને એના હાથ પર લાત મારી ચાકુ ફંગોળી નાખ્યુ.

 

                                  ચાર મુક્કા તેણે ગિરિધરના નાક-હોઠ પર માર્યા. મોહનના હાથમાં અણીદાર હીરાવાળી વીંટી હતી એ ગિરિધરના નાક નીચે ખૂંચતા તેની આંખે પાણી આઈ ગયુ અને જડબાના પેઢામાં ભયંકર કળતર થવા લાગી. નાકોડી ફૂંટતા એની આંખે અંધારા આવી ગયા. તે નીચે પટકાયો. મોહને કઠેડા આગળ મોટો પથરો પડયો હતો, એ ઉપાડી ગિરિધરના મૂત્રાશય પર માર્યો. મરણતોલ ચીસ પાડી તે ફરસ પર કણસી ઉઠ્યો. ખંડેરમાં ક્યાંક લોખંડની ફૂકરણી પડી હતી. એ મોહન લઈ આવ્યો અને ગિરિધર જ્યાં પડયો હતો, ત્યાં આવી એની આંખમાં ફૂંકરણી ભોંકી દીધી. અતિશય વેદનાથી તે બરાડી ઉઠ્યો. ગિરિધર આમ-તેમ હાથ પગ મારી રહ્યો પણ જ્યાં સુધી આંખમાંથી લોહી નીકળવાનું ચાલુ ન થયુ ત્યાં સુધી મોહન અટક્યો નહીં.

 

                                  અંતે એનું શરીર સંવેદન કરતું બંધ થયુ. તે કોઈ હિલચાલ નથી કરી રહ્યો એનો અહેસાસ થતા, મોહને જોરથી દમ લગાવી ફૂકરણી અંદર ખોસી. અન્ય એક લોહીનો રેલો આંખમાંથી નીકળ્યો. મોહન તેના પરથી ઊભો થયો. પોતે જ્યાં દાણચોરી માટેનો સામાન રાખ્યો હતો. એમાંના એક પડિકામાંથી તેણે ચીલમ કાઢી બનાવી અને ગિરિધરના ગજવામાંથી બાકસ લઈ ચીલમ જલાવી. થોડીવાર બાદ તેણે પગ મારી ગિરિધરને ઢંઢોળ્યો અને બોલ્યો:

“ઉઠ...” કઈ પ્રતિક્રિયા ન આપતા તેણે ફરી લાત મારી. “ઉઠ એય... આમ આટલી જલ્દી થોડી મરવાનું સ તાર (થોડીવાર બાદ) મારા ઘરના ખોરાકની તો ઇજ્જત રાખ. આમ આટલામાં મરી જાયે તો મારી આબરૂ જાય. હાલ, હાલ મરદ બન. અહીં મરદાનગી દેખાડ તારી!” કહી તેણે એના પર પડેલા પથરા પર જોરથી પગ મૂક્યો.

“આંઆઆઆઆહહહહ!!!” ગિરિધર દર્દથી કંપી ઉઠ્યો.

“હા, હવે દેખાણી તારી મરદાનગી.” કહી મોહને તેના ગળા પર પગ મૂક્યો અને તેના પર જોર આપ્યુ. અર્ધસભાન અવસ્થામાંથી તે જાગી ગયો અને ઉહકારવા લાગ્યો. મોહનનો પગ હટાવા તેણે હાથનું જોર લગાવી જોયુ પણ તે અસમર્થ રહ્યો. તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યુ. મોહને પગ હટાવ્યો. બ્હારથી જાડુ દોરડુ લઈ આવ્યો અને અંદરથી એક ખુરશી લાવ્યો. ગિરિધર થરથરવા લાગ્યો હતો.

 

                                  મોહન હથોડો લઈ તેની પાસે આવ્યો. તેના પગની કટોરીઓ પર જોરથી ત્રણ-ત્રણ ફટકા માર્યા. તે દર્દથી ત્રાહિ મામ થઈ ગયો અને “ઓ બાપ રે... માડી રે... હે મા!” જેવી ચીસો પાડવા લાગ્યો. તેના બંને પગ હવે ન કામના થઈ ગયા. જેથી તે ભાગવાનો પ્રયત્ન નહીં કરી શકે. તેના મૂત્રાસય પરથી પથરો હટાવ્યો. ને તેને ઢસડીને ખુરશી પર બેસાડયો. જાડા દોરડા વડે તેને ખુરશીએ બાંધ્યો. ગાંઠ એવી સરસ રીતે મારી હતી કે શરીરનો કોઈ પણ ભાગ ૧ ફૂટથી વધારે ઉપર કે આગળ હલે તો ગોઠણ પરનું દોરડુ વધારે ખેંચાતું અને તેના મોઢામાંથી ચીસ નીકળી જતી. તેણે મોહનની માફી માંગવાની ચાલુ કરી.

“એ... મોહન મન માફ કર દે. ભૂલ થઈ જઈ મારી. કેતો હોય તો તારા પગે પડુ.”

“પગે પડીશ?” મોહન બોલ્યો અને બે ક્ષણ બાદ પગ આગળ ધર્યો: “લે... પડ પગે.”

 

                                  બ્હાર સાંજનું અજવાળુ મટી ગયુ હતું. આખી હવેલીમાં તેમના શ્વાસના હુંકારના પડઘા પડે એવી નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી. ગિરિધર હલી શકે એવી સ્થિતિમાં પણ ન હતો. તેને એમનો એમ બેઠેલો જોઈ. તે બરાડી ઉઠ્યો: “લાગ... પગે! પગે લાગ!” કહી તે ઝડપથી એની પાસે આવ્યો તેના વાળ ઝાલી તેને જમીન પર પછાડ્યો. ખુરશી સાથે તે નીચે પટકાયો. ઘૂંટણેથી લોહી વહેવા લાગ્યૂ. ગિરિધરે ભેકડો તાણ્યો. મોહને એને ઊભો કરી પાછો બેસાડયો.

“જસ્યો ચ્યાં સ?”

“મન...મને માફ કરી દે મોહન. ભૂલ થઈ જઈ મારી. મેરબાની કરી મને જવા દે.”

“મેં હું પુસયુ? જસ્યો ચ્યાંસ? ઇનો જવાબ આપ.”

“એ...એ બાજુના ગોમ શિલાજ સ, જ્યાં માધવરાવની મિલ સ ન ત્યાં, પણ તું ત્યાં ના જતો. એ ઈના મોમાનું ગોમ સ, ત્યાં બોવ બધા એનું ધ્યાન રાખ સ.”

“તું મારી ચેન્તા ના કર. તારી કર.”

“મન જવા દેન હવ...”

“જવા દઇશ, તને આયાં રાખી માર કઈ લઈ નૈ લેવાનું પન એક વાતનો જવાબ આલ, કોણ અડયુતું એને?”

“રાધા... મેં કઈ નતું કર્યું, રા...” એ બોલી રહ્યો હતો દરમિયાન મોહને હથોડો ઉપાડયો, એના જડબા પર ઠોક્યો. ખુરશી સાથે એ જમણી બાજુ પટકાયો.

“તારા મોઢેથી નામના નેકરવુ જોઈએ એનું.” ગરમ મિજાજે તે એના પર ત્રાટક્યો. બોલતા બોલતા હથોડો વાગ્યો, ગિરિધરની જીભ દાંત વચ્ચે આવતા ચિરાઈ. મોઢામાંથી લોહી નિકળ્યું. ફરીથી મોહને તેને ઊભો કરી બેશાડયો અને પૂછ્યું: કોણ અડયુ હતું એને?”

થથરતા તેણે જવાબ આપ્યો: “જશોહ... મા કતમ, હુ નથો અદયો.” જીભ કચડાતા તેનામાં તોતડાપણુ આવી ગયુ.

“ચેટલા જણ હતા, તમે?”

“હુ, જશોહ, લઘો(રઘો) એના ઘલ હામે લેસેને એ, અન પધિયાલ(પઢિયાર).

“હારુ.”

 

                                  મોહન રઘો અને પઢિયાર બંનેને જાણતો હતો. એને ન હતી ખબર કે તે જસવંતના સાથીદાર હશે. ત્રણેય ક્યાં છુપાઈ બેઠા હતા, એ તે જાણતો હતો. તે ઊભો થયો. માલમાંથી બે દેશી દારૂ અને એક અફીણનું પાકીટ લઈ આવ્યો. કશું મેળવ્યા વગર કાચે કાચો દારૂ તે ગિરિધરને પીવડાવવા લાગ્યો. ગિરિધરે મો નીચે કરી લીધુ. મોહને ઝબરદસ્તી વાળ ખેંચી તેના મોઢામાં બાટલી ભરાઈ દારૂ અંદર રેડવા લાગ્યો. બે બાટલી પીવડાવ્યા બાદ. તેણે એને આખા અફીણના પાકિટનો નશો કરાવ્યો. હવે એને ઘેન ચઢ્યુ. તેના મોઢે કાપડની પટ્ટી બાંધી તે બ્હાર નીકળ્યો.

 

                                  ખેતરેથી ચાર ભરવાડ ભાઈબંધોને સાથે લઈ તે શિલાજ આવવા નીકળ્યો. ધારિયા, લાકડી અને પિસ્તોલથી સજ્જ ટોળકી બાજુના ગામ પહોંચી. શિલાજમાં આવતા આગળ ભરવાડ વાસ આવતો. ગેલા ભરવાડ એક મોટું માથુ ગણાતું. બાજુના ગામના ભરવાડની ઓળખાણ નીકળી. હરજીવનદાસના નામથી કોઈ અજાણ ન હતું એટલે મોહનની પણ ગેલા ભરવાડ સાથે ઓળખાણ થઈ. ગેલા ભરવાડે ચા-પાણી માટે પોતાના ત્યાં રોક્યા અને અહીં આવવાનો હેતું પૂછ્યો. વાત જાણ્યા પછી ખબર પડી કે એમને ઠાકોર વાસમાં જવાનું હતું. જસુ નાતથી ઠાકોર હતો અને ત્યાંથી એને ઉપાડવો સરળ બાબત ન હતી. જો આ પાંચ એકલા જાય તો જાનનું જોખમ રહ્યું હતું.

 

                                  પહેલા ગેલા ભરવાડે બે માણસને દારૂ લેવા મોકલ્યા. ત્યાંથી પગેરૂ ઝડપાયું કે જસો અને એના માણસો સીમમાં દામા ઠાકોરના ખેતરે છે. બાતમી મળતા ગેલા ભરવાડ પોતે અને વાસના બીજા ૧૪ આદમીઓને સાથે આવવા કહ્યું. ૨૦ જણાની ટોળી ધારિયા, દાતરડા, પિસ્તોલ અને લાકડીઓથી સજ્જ થઈ. ૨૦ જણા ઘોડા પર સવાર ઘટનાને અંજામ આપવા નીકળી પડ્યા. ૧૨ કે ૧૩ ભરવાડોએ હાથમાં મશાલ સળગાવી હતી. સીમમાં પહોંચતા દરેક ઘોડા પરથી ઉતરી ચાલવા લાગ્યા. જેથી ઘોડાના પગલાના અવાજથી કોઈ સતેજ ન થઈ જાય. મોહને મોઢા પર બુકાની બાંધી હતી. તે, ગેલા ભરવાડ અને બીજા બે જણા સાથે ચાલી રહ્યા હતા. રખેપાતે ઊભા રહી ગેલા ભરવાડે બૂમ નાખી: “લ્યા ૪ બાટલી મલી રેશે?”

(રખેપાત એટલે પાકની રખેવાળી માટે ખેડૂતની સુવા માટેની ઓરડી. રખેપાતમાં અંદર આવવાનો એક દરવાજો હોય અને સામેની કોરથી ખેતર શરૂ થાય.)

રઘો રખેપાતમાંથી બ્હાર આવ્યો અને બોલ્યો: હા.”

“આ સે?” ગેલા ભરવાડે પૂછ્યું.

“હા.” મોહને જવાબ આપ્યો એ ભેગા જ ગેલાએ પેલાને ગળચીમાંથી દબાવી, બ્હાર ખેંચ્યો. માથે ધોલ મારી બેભાન કરી બાજુમાં નાખ્યો. ફરી બૂમ મારી: “લ્યા સે કે કોઈ?” બીજો એક અજાણ્યો માણસ બ્હાર આવ્યો. ગેલાએ પૂછ્યું: “આ સે?” બે ઘડી વિચાર્યા બાદ તે બોલ્યો: “ના. આ નહીં.”

 

                                  ગેલા ભરવાડે ધોતી સમી કરી જોરથી છાતી વચ્ચે લાત ઠોકી. પેલો રખેપાતની અંદર પ ફૂટ આગળ ફેંકાયો. પેલો જેવો ઊભો થવા ગયો એવો તરત મોહને એની છાતીમાં વચોવચ ત્રણ ગોળીઓ ઉતારી દીધી. ગોળીઓના અવાજથી જસો અને પઢિયાર જાગી ગયા. પઢિયાર દરવાજાના ટેકે સંતાઈ ગયો. જસાએ બાજુમાં રાઈફલ રાખી હતી. રાઇફલ હાથમાં લઈ અંધારામાં ગોળીબારી ચાલુ કરી. હજુ કોઈ અંદર આવ્યું ન હતું. ગેલાએ બ્હારથી અમથી બૂમ પાડી: “ઘાંસતેલ ચારેકોર રેડ્યુ ને?”

“હા બાપુ.” બીજાએ જવાબ આપ્યો. જસાએ તે સાંભળ્યુ.

 

                                  ત્યાર પછી સળગતી મશાલ ગેલા ભરવાડે રખેપાતમાં નાખી. મશાલ જોઈ જસો ગભરાયો. તેને લાગ્યું આ લોકો જીવતા સળગાવી દેશે. જશાએ બંદૂક બાજુમાં નાખી, અભરાઇ પર પડેલી પાણીની માટલી મશાલ પર રેડવા લાગ્યો. દરમિયાન ગેલા ભરવાડ, મોહન અને બીજા પાંચ જણ અંદર આવ્યા. જસો ચોંકી ઉઠ્યો. ગેલા ભરવાડ અંદર આવી જસા પર લાઠી વરસાવાં લાગ્યા. બીજા ૫ જણ પણ મંડી પડ્યા. પઢિયાર કમાડના પાછળ સંતાઈ રહ્યો હતો. ધીમે રહી દીવાલના ટેકે તે આગળ નીકળ્યો અને ખેતર બાજુ ભાગ્યો. ગેલાએ પઢિયારને ભાગતા જોયો. તેણે કમરમાં ભરાયેલુ દાતરડુ કાઢ્યું અને પઢિયાર તરફ છૂટ્ટુ ફેંકયું. દાતરડું સીધુ પઢિયારના બરડામાં ઘૂસી ગયું. પઢિયારે મોટી રાડ નાખી. આજુબાજુના ખેતરવાળા જાગી ગયા. એક જણો દામા ઠાકોરને ખબર આપવા ગયો કે સીમમાં ધિંગાણુ થયુ છે.

 

                                  બરાબરનો મેથીપાક ચખાડી જસવંત, પઢિયાર અને રઘો ત્રણેયને દોરડા વડે બાંધ્યા. ભરવાડે ત્રણેયના મો કાળા કર્યા અને બાંધેલું દોરડુ ગેલા ભરવાડે ખેંચી સરઘસ ગામ બાજુ દોરવ્યું. ત્રણેયને સૌથી આગળ રાખવામાં આવ્યા. જેવા એકેય ધીમા પડે એવા પાછળથી ગેલા ભરવાડ એમના નિતંબ પર “ભરવાડી ચપ્પાવાળી” લાકડી ખોસી દેતો. એમ કરતાં-કરતાં સરઘસ અરધે પહોંચ્યુ. ત્યાં સામે દામો ઠાકોર એના માણસો સાથે આવ્યો.

“આ હવે હદ થઈ જઈ ગેલા, મારા ઘરમાં ઘૂસીને એટલે મારા ખેતરમાં ઘૂસીને તું મારા ભોણાને મારે. અન આવી રીતે લઈ જાય સ. આ હદ થઈ હવે.”

“દામા આજ વચ્ચે ના પડ. આ ધરમનુ કોમ સ, જે યોગ્ય સ એનું કોમ સ.”

“યોગ્ય? તું યોગ્યતાની વાતું કરે? તું?”

“આપણા ઝઘડા અલગ સે અન આ સોકરાની વાત જુદી સ.”

“એ કાઇપણ હોય, આમ મારા ભોણાને હુ મારા ઘેરેથી ઉઠાવી લેવા દઉં તો ઠાકોરોનું નોમ ડૂબે.”

“આવા હલકાન ઘેર આશરો આપી તે પેલા જ ઠાકોરોનું નોમ ડૂબાડયુ સ. હવ ઇનાહી વધારે હું તું નામ ડૂબાડવાનો?”

“મોઢુ હંભાળજે ગેલા.” કડકાઈથી દામો બોલ્યો.

“આ સોકરાને જાવા દે દામા, આ તારા કપાતર ભોણાએ લગનના દાડે આની નવવધૂનો અન એની ૧૫ વરહની હાળીનો બલાત્કાર કરી બેયન મારી નાખી સ. (ચાર ક્ષણ બાદ) ને આવાને તે આશરો આપ્યો? ગોમનુ નહીં તો પોતાનું તો વિચાર. ઠાકોર થઈને આવા નઠારાને આશરો આપસ!” મૌન રહી દામો ઠાકોર સાંભળી રહ્યો.

“આન આશરો આપીન તે એક ભૂલ તો કરી સ દામા, હમ વચ્ચે પડી ઠાકોરોનું નોમ ના ડૂબાડતો.”

 

                                  ગેલા ભરવાડે સમજાવ્યુ, છતાં, પોતાની ભરવાડી લાકડી અને કેડે ભરાયેલી બંદૂક પર હાથ તૈયાર રાખ્યો. દામો મોઢું નીચું નાખી બે ઘડી ઊભો રહ્યો. સૌના હ્રદયના ધબકારા વધી ગયા. કોણ જાણે બીજી ક્ષણે જાણે શું બની બેશે? બંને પક્ષ શસ્ત્રો સાથે તૈયાર હતા. બસ, રાહ જોઈ રહ્યા હતા એક આદેશની અથવા તો સામેવાળાના એક વારની. ૧ મિનિટ આખી એમ જ શાંતિમાં નીકળી. મોહન તો જાણે ગાયબ જ થઈ ગયો હોય એમ ચૂપ થઈ ગયો હતો. તેને લાગ્યુ પારકા ગામમાં પોતે જીભ ના વાપરવી જોઈએ અને ગેલા ભરવાડ બેઠા તો હતા બોલવા માટે. માટે તે એ અંધારમાં જ ચૂપ રહ્યો. દામા ઠાકોરે પોતાની ઘોડી વળાવી, ગેલા ભરવાડનો રસ્તો છોડ્યો. બીજા ઠાકોરો પણ પાછા વળી ગયા.

“મોમા...” જસવંતે બૂમ પાડી. જે તેના મામાએ સાંભળીને પણ અવગણવું પડ્યું.

“ચૂપ. મોમાના હલકા!” કહી ગેલાએ નિતંબ પર લાકડી ખોસી. જસાએ રાડ નાખી. પઢિયાર, રઘો અને જસાના હાથમાં એક-એક મશાલ આપી સરઘસ આગળ નિકળ્યું.

 

                                  એ સમયે ગામડાના લોકો ૭:૩૦ કે ૮:૦૦ વાગ્યા સુધીમાં જમવાનું પરવારી સૂઈ જતાં. છતાં, આટલા મોડા લોકો ઊંઘમાંથી ઉઠી ઘરની બ્હાર આવી જોવા લાગ્યા. ૨૦ ઘોડેસવારો આગળ ૩ કાળમુખા ઇસમો મશાલ લઈ ચાલી રહ્યા હતા. સરઘસ ગામના દ્વારે પહોંચ્યુ. ગેલા ભરવાડે દોરડું મોહનના હવાલે કરી રજા માંગી. મોહને હાથ જોડી ગેલા ભરવાડનો હ્રદયથી આભાર માન્યો.

“ક્યારેય મના, કોઈ તકલીફ પડે તો યાદ રાખજે શિલાજમાં તારો આ કાકો બેઠો સ. બધુ ફોડી લયસુ આપડે, એકવાર યાદ કરજે મને.”

“ચોક્કસ કાકા.”

“અન આનું જોજે આ લાગતું નથી ઝાઝુ જીવી હક.” પઢિયારને ઉદ્દેશી ગેલા ભરવાડ બોલ્યા.

“માર ઝાઝો જિવાડવો પન નથી એન.” કહી મોહન હસ્યો. ગેલા ભરવાડ પણ મોટેથી હસ્યા અને મોહનને વિદાય આપી.

 

                                  મોહન લંગડા જસા, પઢિયાર અને રઘાને શિલાજથી સાકેત સુધી દોડાવતો લઈ આવ્યો. સાકેત પર પહોંચી તેણે ગામના ચારેય ભરવાડ મિત્રોનો આભાર માન્યો. ભરવાડ ભેગા મળી મોહને ગિરિધરની જેમ ત્રણેયના ઢીંચણની કટોરીઓ બટકાવી, ત્રણેયને ખુરશીએ બાંધી મોઢા પર પટ્ટી મારી દીધી. ગિરિધર નશામાં ધૂર્ત સૂઈ ગયો હતો. તેણે જયદીપ ભરવાડને કહ્યું: “આન, જગાડ.” ભરવાડ ગયો અને સટાસટ લાફા મારવા લાગ્યો. આ જોઈ મોહન બોલ્યો: “જયદીપ...એમ નય, એમ નય... એ નય ઊઠે. પોણી રેડ પેલા.” જયદીપ પાણી લેવા બ્હાર જવા લાગ્યો.

“ચ્યાં જાસ?” મોહને પૂછ્યું.

“તલાવ. પોણી લેવા.” સ્વેચ્છાઈથી તેણે કહ્યું.

“અય અંદર જો, મુ બેડુ ભરીન લાયોસુ.” મોહને કહ્યું.

 

                                           જયદીપે પાણી લઈ આવ્યો. ગિરિધરના મોઢાની પટ્ટી ખોલી મોઢા પર પાણી રેડયુ. ગિરિધર હજુ ઊંઘમાં જ હતો. મોહને કહ્યું: “હવ માર એન.” જયદીપ રાહ જ જોઈ રહ્યો હતો. તે સટાસટ મંડી પડ્યો. ગિરિધરના મોઢામાંથી અને આંખમાંથી લોહી નિકળ્યું હતું, ફીણ નિકળ્યું હતું, અત્યારે પાણી રેડયુ હતું. એના પર જયદીપના બરડ હાથના લાફા ત્વચાની અંદર સણકા પાડી રહ્યા હતા. તે બેય ગાલે એક પછી એક સીધાને ઉંધા હાથે ઠોકા ઠોક કરી રહ્યો હતો. દરમિયાન ગિરિધરના મોઢામાંથી થૂંક અને લોહી ઉડયુ, મોઢા પરના પાણીના ટીપાં ઊડ્યા. ત્યારે એ હોશમાં આવ્યો. હજુ પણ જયદીપ લાગેલો હતો. મોહને બૂમ પાડી એને થોભવા કહ્યું પણ એણે સાંભળ્યુ નહીં. એટલે તેણે કમા ભરવાડને જવા કહ્યું. કમો ગયો અને જયદીપને અળગો કરતાં બોલ્યો: “શાંત... શાંત... શાંત! ગજાધારી ભીમ ખમો.” ગિરિધરના ગાલ સોજાઈ ગયા. એકાદો દાંત પણ પડું-પડું થઈ રહ્યો હતો. ચારેયને મોહને ખુરશીમાં બાંધ્યા. ગિરધર હોશમાં આવ્યો એટલે મોહન બોલ્યો:

“હુ સે ને તમને ચારેયન મારવા નય માંગતો, કોઈ એકની જાન છોડી દયે. તો ઈના માટે. હુ એકે-એક કરી તમાર ચારેય પાંહે આયે અન પુસીસ. એ દાડે ખરેખરમાં હું થયુતું. તમાર મન કોનમાં કેવાનું સ.” કહી તે સૌથી પહેલા ગિરિધર પાસે ગયો. ગિરિધરે કહાની જણાવી.

“જો લાટે, જસાએ લાધાને કયુ કે ટે એન ટલાવવાલા મંદિલે દલ્છ્ન કલવા જવાનું કીધુ સ. ઇ પહી હવાલ લાધા દલ્છન કલવા આવી. પઢીયાલે એન માઠે લાકદાનું ખપાટીયુ માલયુ. એ બચાલી બેભોન ઠઈ જઈ. પઢીયાલે એને ટેલી સાકેટ લઈ આબ્યો. લઘાએ ઈની હાલે જે સોદી આઇટી એનું મુધું દબાઈ ઇન ઉસકી બંને જનાં અઈ લઈ આયા. એ પહી હું આયો. મેં અંદલ જોયુ ટો જસો લાધાને પકલીને ઊભો હટો, ઇ ઈના હાલે જબલદસ્ટી કર્ટોટો. પઢિયાલ એની સાલી ખેંચટો હટો. લઘો પેલી બીજી સોલી પલ ચલી બેઠોટો અન એના કપદા ફાલટોટો.

 

                                  મુ આયો'ન બોલ્યો: "જટ... કલો. જોન આવી ગય સ." એ પહી પઢીયાલ અંદલઠી લોખનની પાઇપ લેવા ગયો. લાધાની સાલી એના પગમાં ભલાટા અંદલના કમાલ હુધી સાલી ખેંસી જયો. બંને લાધા જોલે જબલદસ્ટી કલવા લાગ્યા. મુ માલી માના હમ ખવસુ, મેં એન હાથ પન નટો લગાયો. મેં અન લઘુ પેલી સોલીને કલટા'ટા. ઈમાં એ સોલી જાગી ગઈ, મન અન જસાન ઓલખી ગઈ. એ સોલીએ બછાવ માટે બૂમ પાલી: "જસાકાકા! મને બછાવો!" જસાએ હાંભલ્યુ એવો પાઇપ લઈ આયો અન ઈન માઠા પલ માલ્યુ. પેલી સોલી બેભોન થઈ જઈ. લાધા પન જાગી ગઈ. પઢીયાલે એનું મો દબાવેલુ, ટે ઊભી ઠવા ગઈ એવી જસાએ લોખનની પાઇપ એના ભોદામાં માલ દીધી. એ પસી જસો કે' બંને આપનને ઓલખી ગઈ સ. ટો ઇને ઈની ગુપટી વલે બેયના હાઠે અન ગલ્દને ગુપટી ફેલવી દીધી. મેં ના પાલી'ટી એન એમ ના કલ પન એ ના માન્યો." ગિરિધરે જણાવ્યુ. મોહને સાંભળી લીધું.

 

                                  મોહન પછી પઢિયાર પાસે ગયો અને પૂછ્યું. પઢિયારે પોતાનો હિસ્સો કહેતા જણાવ્યુ: "રાધા મંદિરે આવી. માતાજીન પગે લાગી રહી'તી, આ ગિરિયો અન રઘો બેય ગ્યાતા, રાધાન અન પેલી બીજી સોડીન ઉપાડી લાયા. મું ખાલી પેલી બીજી સોડીન જ અડયો તો, આ ગિરિયો અન જસ્યો રાધા હારે જબરદસ્તી કરતાં'તા. એટલામાં પેલી સોડી જાગી જઈ અન મારા ગરા પર નખોરિયા ભરવા લાગી. આ જોઈ જસ્યો આયો અન એના ભોડામાં પાઇપ મારી. પહી રાધા ઉઠીન તો ઇણે રાધાન માથે પાઇપ મારી. પેલા રઘાએ ગુપ્તી કાઢી અન બંનેના ગરા કાપી નાખ્યા."

 

                                  મોહન જસવંત પાસે આવ્યો. જસવંતે જણાવતા કહ્યું: "આ રઘો અન પઢિયાર રાધાન અન પેલી સોડીન ઉઠાય લાયા. બેય પેલ્લેહી જ બેભોન હતી, હું બ્હાર ઘોડા લેવા જયોતો અન આઇન જોયુ તો આ લોકોએ બેયન મારી નાખેલી.”

“પેલા બેય તો એમ કેસ કે તે બેયના મોથામાં કોસ મારીતી?”

“કોસ..! મું ચમનો કોસ મારૂ. મું તો હરખું હેંડીય નહીં હકતો.”

“સારુ.” કહી તે રઘા પાસે આવ્યો.

“મોહન, મું અન પઢિયાર મંદિરેથી બેયન ઉઠાય લાયાતા. મેં પેલી નાની સોડીન ઉઠાઈતી અન પઢિયારે રાધાન ઉઠાઈતી. અમે એન આયા લાયા. મું હાચું કવ સુ મે રાધાન હાથ નતો લગાડ્યો. પઢિયાર અન જસ્યો એની જોડ જબરદસ્તી કરતાંતા અન પેલી નાની સોડી અચાનક હોસમાં આઈ જયતી અન જસુકાકા બચાવો! એવી બૂમ પાડી, તે જસ્યાએ એન ભોડામાં પાઇપ મારીઅન પસી રાધાન પાઇપ મારી. રાધા અન પેલી નાની સોડી બેય જસ્યાન અન ગિરિયાન ઓળખી જયતી, એટલે જસ્યાએ બેયના ગરા કાપી નાખ્યા.”

 

                                  ચારેયની વાત સાંભળતા, બે જણની વાત સરખી મળી રહી હતી. કોની વાતનો વિશ્વાસ કરવો? કોણ કેટલુ સાચુ બોલી રહ્યું છે. એ બધુ વિચાર્યા બાદ મોહને આખરી ઠરાવ પ્રસ્તુત કરતાં કહ્યું:

“મન બે જણાની વાત હાચી લાગ સ, રઘો અન ગિરિયો બેય જણા એક હરખુ બોલ્યા સ. તો એ બંને હાચું બોલે સે એવું માની હકાય.”

 

                                  આ સાંભળી બંનેના ચહેરા પર સ્મિત આવ્યું. ગિરિધર બોલ્યો: “તો અમે જય....” તે વાક્ય પૂરું કરે એ પહેલા મોહને પિસ્તોલ કાઢી બે ગોળી તેના કપાળમાં ઉતારી દીધી અને પછી રઘાના માથામાં ગોળી મારી. આખો ખંડેર ગોળીઓના ભડાકાથી ગુંજી ઉઠ્યો. તે બંનેને માર્યા બાદ મોહન બોલ્યો:

“એ લોકો હાચું બોલ્યા એટલે એમન આસાન મોત.” કહી તે ચપ્પુ લઈ જસવંત પાસે આવ્યો.

“એ મોહન... મું હાચું બોલું સુ મેં હાથે નય લગાડીયો સોડીઓન...” જસવંત આજીજી કરતાં બોલ્યો.

“બોવ હાચુ બોલી લીધું તે! કમા મો ખોલ આનું...”

 

*

 

(અહીંથી આગળ સુધી જ્યાં * આવી ફુદેડી આવે છે ત્યાં સુધીનું લખાણ ખૂબ જ આકરું અને હિંસક છે. જો તમે અતીસંવેદનશીલ હોવ, જલ્દી મેંટલી ડિસ્ટર્બ થઈ જતાં વ્યક્તિ છો. તો આગળનું લખાણ છોડી, એના પછીની *ફુદેડીથી વાંચવાનું શરૂ કરો.)

 

                                  કમો આવ્યો અને જસવંતનું જડબુ ખોલ્યુ. મોહને એની જીભ ખેંચી ચપ્પાથી ચીરી નાખી. મોઢામાંથી લોહી નીકળવાનું ચાલુ થયુ. દર્દના કારણે જસો ઊંચો-નીચો થઈ ગયો. ગોઠણે બાંધેલુ દોરડું ખેંચાયુ પણ ત્યાના દર્દ કરતાં તેને મોઢામાં ભયંકરની પીડા થઈ રહી હતી. બે મિનિટ સુધી આમ-તેમ હાથ-પગ હલાવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેના મોઢામાંથી લોહી અટકતું બંધ ન હતું થઈ રહ્યું. તેના કપડા પર, ગળા પર અને જમીન પર લોહીના ડાઘા પડયા. બે મિનિટ તરફડયા માર્યા પછી તે બેભાન થઈ ગયો. મોહન પઢિયાર તરફ ફર્યો. પઢિયારે મોહનની આંખોમાં જોયું અને શાંશમી ઉઠ્યો. જસાની આવી હાલત જોઈ પઢિયાર ફફડી ઉઠ્યો: “નહીં... નહીં, નય...નય!”

“સુ...શ...શ...શ! અવાજ નહીં. જો એક શબ્દ પણ તારા મુઢામાંહી નેકરયો તો તારી જીભ પણ જસ્યા જેન નેકારી લઇશ. જસ્યા જેવી હાલત ના કરવી હોય તો ચૂપ રહેજે.” કહી તેણે ચપ્પાની અણી પઢિયારની છાતીએ અડાડી અને નીચેની બાજુ ચીરવા લાગ્યો. પઢિયાર ઉહકારવા લાગ્યો. મોહને તે જોયુ: “સુ...શ...શ...શ! બોલતો નય કાઇ.”

 

                                  પઢિયાર હોઠ દાબી દર્દ સહન કરતો રહ્યો. એ પછી મોહને તેની કોણીની ચામડીએ ચપ્પુ ભોંકયું અને નીચેની તરફ ચીરો કરવા લાગ્યો. પઢિયારના પગ આંચકા મારવા લાગ્યા. તેનું આખું શરીરી ધ્રુજી ઉઠ્યું. મોં બંધ રાખી નાકેથી હુંકારા કરતો તે દર્દ સહન કરતો રહ્યો. ચારેય ભરવાડો પણ તેના આત્મસંયમથી આશ્ચર્યચકિત થઈ ગયા. એ પછી મોહને તેના પગના અંગૂઠાના નખમાં અણી ખુપાવી. પઢિયારે મોં નકારી તેને એમ કરવા ના પાડી પણ મોહને તેના નખમાં એક ઇંચ જેટલી અણી ખોસી દીધી. નખમાંથી લોહી નીકળવા લાગ્યુ. પઢિયારે દાંતથી હોઠ દબાવી દર્દ સહન કર્યું, તેની આંખમાંથી પાણીનો રેલો નીકળ્યો પણ તે એક હરફ ન બોલ્યો. તેનો પગ એણે હલાવા પ્રયત્ન કરી જોયો, જેનાથી ગોઠણ પર બાંધેલુ દોરડુ ખેંચાયું અને અનંત પીડાની ઝણઝણાટી તેના શરીરમાં પ્રસરી ગઈ.

 

                                  તે મોં પહોળું કરી ઊંડા શ્વાસ બ્હાર કાઢવા લાગ્યો પણ કશો અવાજ ના નિકાળયો. પાછળ કમો એના એક ઉચ્ચારથી એનું જડબુ પકડવા તૈયાર ઊભો હતો. પઢિયારે મોઢુ બંધ કરી લીધુ. હોઠ જોરથી દાબી તે હથેળી મસળવા લાગ્યો. મોહને ચપ્પુ સહેજ ઉપર કર્યું, ડાબી બાજુ ખેંચી નાખ્યુ. નખથી ડાબી બાજુની ચામડી ચિરાઈ અને ત્યાંથી લોહી નીકળવાનું ચાલુ થયું. નખ ચિરાતાં દર્દથી તેના મગજની નસો ફાટવા લાગી, તેનું શરીર ઉંચુ-નીચુ થવા લાગ્યુ પણ તે મૂંગા મોંએ સહન કરતો રહ્યો. તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા પરંતું તે મૌન રહ્યો.

“વાહ... ગજબની શક્તિ સે હો આનામાં.” જયદીપ બોલ્યો, જે મોહનને પસંદ ન પડ્યુ. તેણે ચપ્પુ પ્રહાર કરવાની રીતે પકડ્યુ અને અણચિંતવ્યો હુમલો કરી દીધો. પઢિયારની જે આંખમાંથી પાણીનું ટીપુ પડવા જઈ રહ્યું હતું એ આંખમાં મોહને ચપ્પુ ભોંકી દીધું.

 

                                  અણચિંતવ્યા આ પ્રહાર માટે પઢિયાર સજ્જ ન હતો. તેના મોઢામાંથી પીડાના કારણે પ્રચંડ રાડ નીકળી ગઈ. પાછળ ઉભેલા કમાએ એનું જડબુ પકડ્યુ, મોહને આંખમાંથી ચપ્પુ નિકાળ્યુ અને પઢિયારની જીભ ખેંચી, જીભ ચીરી, નિચ્છેદન કરી નાખ્યુ. અનંત પીડાથી પઢિયાર કાનસવા ગયો. તે રાડો પાડવા પ્રયત્ન કરવા લાગ્યો. જેના કારણે તેના મોઢામાંથી નીકળતું લોહી ઉડયુ. મોહનના હાથ અને લૂઘડા પર રક્તના ફોરાં ઊડ્યા. કમાના હાથે રક્ત ચોંટતા તે પાછળ ખસ્યો. મોહન સામે ઊભો હતો. તેના ચહેરા પર સીધુ લોહી ઉડયુ. તે પણ પાછો ખસ્યો. પઢિયાર ઊભા થવા પ્રયત્ન કરી જોયો પણ તેના પગે દોરડું બાંધ્યું હતું એ ખેંચાતા ગોઠણેથી લોહી નીકળવા લાગ્યુ અને પગની કટોરીઓ આ લોકોએ ભાંગી નાખી હતી માટે ઊંચા થતાં તે જમીન પર પટકાયો અને દર્દના કારણે તરફડવા લાગ્યો. બેડોળ રીતે તે જમીન પર પડ્યો અને વિચિત્ર અવસ્થામાં ખુરસી પર તે તરફડયા મારતો રહ્યો.

 

                                  થોડીવાર બાદ તે બેભાન થઈ ગયો. એ પછી આખી રાત જેમ-જેમ બંને હોશમાં આવતા ગયા એમ-એમ મોહન વારાફરતી તેમની પાસે જતો અને એમના શરીર પર ચપ્પાથી કાપા મારતો, બંને પીડાતી ત્રાહિમામ થઈ ચીસો પાડતા, રડવા લાગતાં. લોહી વહી જતાં બંને બેભાન થઈ જતાં. જેવા થોડા ભાનમાં આવે એવા તરત મોહન એમના શરીરને ચીરવાનું ચાલુ કરી દેતો. આખી રાત કાપાકાપીનો ખેલ ચાલ્યો. લગભગ ૩ કે સવા ત્રણ વાગતા શરીરમાંથી વધારે લોહી વહી જતાં બંને મૃત્યુ પામ્યા. બંનેની ખુરશીઓ નીચે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. લાકડાની ખુરસી પર રક્ત ચોંટવાના કારણે લાકડાનો રંગ કાળો પડી ગયો.

 

*

 

                                  ચારેય ભરવાડ ત્યાં જ સૂઈ ગયા હતા. મોહનનું મન ભરાયુ ન હતું. તેણે કાપકૂપ સવાર સુધી ચાલુ રાખી. પરોઢના ૪ વાગતા જયદીપ ઉઠ્યો. મોહન પાસે જઈ તેને અટકાવતા બોલ્યો: “મરી જ્યા ચારેય. બસ કર હવે, હવાર પડી.” મોહને એક પછી એક ચારેય ખુરશીઓ પર પડેલી લાશ જોઈ. કમા,પકા અને જગા ત્રણેયને જયદીપે ઉઠાડયા. પછીતેની ડેલી પાછળ વરંડો હતો ત્યાં ચારેય પાવડથી ખાડો ખોદવા લાગ્યા. દોઢેક કલાક સુધી ખોદીને મોટો ખાડો કર્યો, જેમાં ચારેયને દાટી શકાય. બ્હાર સૂર્યનારાયણ ભગવાને ઉદયાગમન શરૂ કરી દીધુ હતું. ચારેય ભરવાડ અંદર આવ્યા, એક પછી એક રઘા, જસા, પઢિયાર અને ગિરિધરને ઊંચકી ખાડામાં નાખ્યા. ખાડામાં નાખી તેઓ દાટવા લાગ્યા.

 

                                  મોહન અંદર મુખ્ય કક્ષના પગથિયાંએ થાક્યો-હારયો બેઠો હતો. તેને રાધા યાદ આવી ગઈ. લોહીથી લથપથ પોતાના હાથ જોઈ તેની આંખો ભીની થઈ ગઈ. તે શું બની ગયો હતો? કેવા મુકામે આવી ગયો? પોતે કેટલો બેસહારા અને એકલો છે. એ જાણી તે રાધાને યાદ કરતો રહ્યો અને હૈયાફાટ રડવા લાગ્યો.

 

                                  આજે તે મન મૂકી ધ્રુશકે-ધ્રુશકે રડ્યો. આજે એનામાં કોઈ પ્રતિશોધ કે બદલાની ભાવના ન હતી. આજે તેનું મન ખાલી થઈ ગયુ હતું. હવે, અંદર કઈ ભરી રાખ્યુ ન હતું. ને જે અંદર હતું એ અશ્રુ બની બ્હાર આવી રહ્યું હતું. આજે રડવાનું કારણ એ હતું કે તે આ જગ્યામાં, સાકેતમાં રાધા સાથે પોતાનો સંસાર શરૂ કરવા માંગતો હતો અને શરૂ કરતાં પહેલા જ અહીં અંત થઈ ગયો. તે કેટલો ની:સહાય બની ગયો હતો કે પોતાની લાગણીઓને કોઈ રીતે દાટી શકે એમ ન હતો. અહીં અંત થયો તેના પ્રેમનો, અહીં જ અંત થયો તેની મિત્રતાનો અને આજ અહીં જ અંત થયો તેની આત્માનો.

 

*

 

                          મનુ ગામમાં બધાને મળી, ખબર-અંતર પૂછી આવી. ગામ લોકો અત્યારે જેને જોઈ રહ્યા હતા, એ મનુ પહેલા જેવી ન હતી. અત્યારે તેનામાં ચપળતા અને થોડો અહંભાવ લાગી રહ્યો હતો. કેવી રીતે તે આવી થઈ ચૂકી હતી, એ સમજાવવું કે સમજવુ મનુને ન ફાવયુ. બીજા દિવસે ગામનો આંટો મારી આવી. તેને તેની જિંદગી પાછી મળી ગઈ હતી. ત્રણ દિવસ એમ જ પસાર કર્યા બાદ રવિવારે તે એના ભાઈને મળવા છાત્રાલય ગઈ.

 

                          છાત્રાલય પહોંચતા પહેલા તે એના ભાઈ માટે તાજા ફળ અને ગુલવાદી અને વઘારેલો ચેવડો સાથે લઈ ગઈ. છાત્રાલયના સ્વાગત મેજ પર જઇ તેણે તેના ભાઇનું નામ જણાવ્યુ. હાજર અધિકારીએ ૫ મિનિટ રાહ જોવા કહ્યું, મનુ પ્રતીક્ષાલયમાં એક સોફા પર બેસી.

 

                          ૫ મિનિટ બાદ દેવો આવ્યો. તેના ભાઈએ શર્ટ પેન્ટમાં ટક કર્યો હતો.તેણે બુટ કટ પેન્ટ પહેર્યું હતું. એવું પેન્ટ મનુએ અત્યાર સુધી અંગ્રેજ અફસરોને જ પહેરેલું જોયું હતું. દેવાએ માથુ તીલ નાખી શીસ્તબદ્ધ ઓળયું હતું. મનુ તેને જોઈ બે ક્ષણ અવાક બની ગઈ. આ એ દેવો ન હતો જે મેલુ ખમીસ અને ઢીંચણ સુધીનો ચડો પહેરી ખેતરોમાં દાડિએ જતો હતો. આ દેવેન્દ્ર હતો. ધોરણ ૭માં ભણતો છાત્ર. શિસ્તબદ્ધ રહેતો. નિયમિત રહેણીકરણીની ઢબ તેનામાં દેખાઈ રહી હતી.

 

                          મનુ એને જોઈ તરત દોડી આવી અને તેના ભાઈને વળગી પડી. વ્હાલથી તેના માથે, ગાલે હાથ ફેરવ્યો. તેણે પહેરેલા ઇસ્ત્રી કરેલા શર્ટની બાંય પર હાથ ફેરવી કઈ ભાતનું કાપડ છે તે તપાસ્યુ, કાપડ પર સહેજ કરચલી પડી એટલે તેણે હાથ વતી સીધી કરવા લાગી. મનુમાં હરખ સમાતો ન હતો. તેનો ભાઈ અંગ્રેજ અફસર જેવો લાગતો હતો. ફરી તેણે દેવાને બાથ ભરી અને તેના ગાલ પર વ્હાલ વરસાવાં લાગી. હરખના આંસુ સાથે તેના ભાઈને તે વળગી રહી.

 

                          તે દેવાને પૂછવા લાગી. શું કર્યું આટલો સમય, અહીં રહેવાનું કેવું છે? મારી યાદ આવતી હતી? એવું બધુ. દેવો તેને બધુ જણાવા લાગ્યો. વાતોનો તો જાણે અંત જ આવવાનો ન હતો. દેવો મનુને નિશાળની લોનમાં લઈ ગયો. બંને બાકડા પર બેસી અલક-મલકની વાતો કરતાં રહ્યા. દેવાએ પછી તેને આખી નિશાળ બતાવી. નિશાળમાં બે મોટા મેદાન હતા. ક્રિકેટ અને ફૂટબોલના, ત્યાર પછી પુસ્તકાલય અને પ્રયોગશાળાની મુલાકાત અપાવી.

 

                          મનુ દેવાની જીવનશૈલી જોઈ ખૂબ જ ખુશ થઈ. તે પોતાના ભાઈને ભાગ્યશાળી માનતી હતી કે ગામડાની એ ધૂળમાંથી નીકળી તે અહીં એક નવી પ્રકારની જીવનશૈલી જીવી રહ્યો હતો. તે ખુશ હતી એના માટે. મુલાકાત બાદ મનુ દેવા માટે જે ભેટ લાવી હતી એ આપી અને વિદાય લીધી. જતાં-જતાં પોતાનું ધ્યાન રાખવા કહ્યું અને આવતા મહિને મળવા આવવાનો વાયદો આપ્યો.

 

*

 

                          મોહન સાકેતમાં નિરાધાર બની પડ્યો રહેતો. તેને રાધાના શબ્દો યાદ આવ્યા: “રાધેમોહન નામ ભલે બે છે, કાયા ભલે બે છે પણ આત્મા તો એક જ છે ને.” આજે તે પોતે મટી જવા માંગતો હતો. તે રાધાને જીવંત રાખવા માંગતો હતો. તે એની અને રાધાની આત્માને એક બનાવી દેવા માંગતો હતો. ગામના એક ભુવાને બોલાવી તેણે મા ચામુંડાની પ્રતિમા સાકેતમાં સ્થાપિત કરી. હવન કરાવ્યો અને મોહને પોતાના પુરુષત્વનું નિચ્છેદન કરી પોતાની અંદર રાધાને સમાવી લીધી. તેણે પોતાની અંદર મા અંબેને પોતાની કાયામાં અનુભવી.

 

                          તેની હથેળીમાં કંકુના કુંડાળાં, દૈત્યોની કંકાલભસ્મમાંથી બનેલુ આંખોમાં કાજળ, હોઠ પર રક્તરંગની લાલી અને એ જ રંગનો વિષ્મયકારક સફેદ ટીલડીવાળા સાડલામાં ત્રિશુંળધારી રાધા આજે દુર્ગાના રૂપમાં અવતરી હતી. આ અકલ્પનીય પ્રતિમાના દર્શન માટે ગામ આખુ સાકેતમાં ભેગુ થયુ અને માના આશીર્વાદ લેવા લાગ્યુ. ક્ષણોમાં વાત બધે પ્રસરી ગઈ. હવેથી એ વ્યક્તિત્વ ખુદ ઈશ્વરીય પ્રતિમા બની ચૂકી હતી. સાકેત રાધાનો આખરી વિસામો બની ચૂક્યો હતો. આજે ત્યાં રાધાના દર્શન કરવા ગામ પરગામથી લોકો આવતા.

 

                          રોજ રાતના ૩ વાગતા નિશાળમાંથી તે ઘંટ અને દસ્તો લઈ ગામમાં નીકળી પડતી અને “રાધે...રાધે” નાદથી વાતાવરણ ગુંજી ઊઠતું. ઘંટમાંથી નીકળતો ધ્વનિ અને “રાધે...રાધે” બોલવાની શૈલીમાં હિપ્નોટિક શક્તિ હતી, જાનવરોના કર્ણમાં“રાધે...રાધે” શબ્દ દાખલ થતાં તે મુગ્ધ બની જતાં, તેમના કાનને પૃષ્ટ અક્કડ થઈ જતાં. રાતે રાધા નીકળે ત્યારે તેની મોટી આંખો એકવાર પણ પલકારતી નહીં.

 

                          એવું મનાતું કે આ સમયગાળામાં જો કોઈ પુરુષ રાધાની નજરે ચઢતો તો તેનું અસ્તિત્વ આ લોકમાંથી વિસર્જિત થઈ જતું. જે કોઈ સ્ત્રીને કઈ સમસ્યા હોય, તે રાધા આગળ પોતાની મંચ્છા, તકલીફ કે માનતા દર્શાવે. જો રાધાને યોગ્ય લાગે તો એના ઉપાય માટે તેના ઘરે જતી. જે સ્ત્રીએ રાધા આગળ અરજ કરી હોય તેણે ત્યાર પછીથી આગલા અમાસ સુધી તેનો ઓરડો ખાલી રાખવો પડતો. તેના પતિએ કે અથવા ઘરના અન્ય પુરુષે એટલા દિવસ તે ઘર છોડી બીજે રહેવા જવું પડતું. કારણ કોઈ પણ રાતે રાધા આવી શકે. એ બંધ ઓરડામાં રાધા તેની સમસ્યાનું નિવારણ લાવી આપતી.

 

*

 

                          જેલથી છૂટી મનુએ પોતાની સેવા કરવા સીવાય બીજુ કઈ કામ બચ્યુ ન હતું. બે મહિના સુધી ઘર ચલાવી શકાય એટલા પૈસા હતા પણ એક ઇતિહાસ હતો તેનો આ જગા, કામવાળી તરીકેનો. જે લોકોના ઘરે વાસણ-પોતું કરતી. મોટા ઘરેથી અનાજ માંગી લાવતી. આ વિચાર તેને તેના અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો કરતો હતો. કોણ છે તે હવે? તેના જીવનના ચાલકબળ કયા? જે બધી ઘટના તેના જીવનમાં બની હતી, એનાથી તે પોતાના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવી રહી હતી. તેને કઈ સૂઝતું ન હતું કે શું કરવુ? સવાર-સાંજ ઘર આગળ ઓસરીમાં બેસી રહેતી, આવતા-જતાં ગ્રામજનોને જોઈ રહેતી. હા, તે સુવાનું કામ દિવસમાં ૨ વાર કરી રહી હતી. જમવાનું કરી, ઘરના નાના-મોટા કામ પતાવી, તેની પડોશણ જાનકીના ઘરે બેસવા જતી રહેતી. રીતે થોડા દિવસ પસાર થયા. એક બપોરે તે જાનકીના ઘર આંગણે બેઠી હતી. ત્રણ છોકરીઓ ફળિયામાં રમી રહી હતી. મનુએ તેમને રમતા જોઈ. તેણે સતીશની છોકરીને પાસે બોલાવી.

અંજુ, તમે બધીય ચમ આયાં સો? નેહાર નૈ જઈ?” મનુ પૂછ્યું.

માર તો પતી જઈ નેહાર... ચ્યારની.”

ચૈ રીતે? બીજા સોકરાઓન મું જોવસુન હવાર નેહાર જતાં, પેલો જીત્યો તારી ભેગો જ ભણતો’તોન?”

હા.”

એનય મેં હવાર દફ્તર લઈન જતાં જોયો’તો.”

પન એ તો બાજુના ગોમ જાય સ ભનવા. આપના ગોમમાં ચ્યાં ચોથા ધોરનથી આગર ભનાવ સ?”

તો તન ના મોકલી તાર બાપાએ?”

ના. બાજુન ગોમ આવવાના-જવાના પૈસા ના થાય?”

 

                          આ સાંભળી મનુ અચંબો પામી. જાનકી ઘરમાંથી તુંવાર ફોલવા લઈ આવી. અંજુ પાછી રમવા ચાલી ગઈ. જાનકી મનુ સાથે વાત કરી રહી હતી પણ તેનું મન વાતમાં ન પરોવાયુ. મનુ અંજુને જોઈ રહી હતી. અરધી મિનિટ પછી જાનકીને ખ્યાલ આવ્યો, મનુ બેધ્યાન છે. તેણે એને બોલાવી:

અલી ચ્યાં ગુમ થૈ જય?”

વિચારુસુ આ સોડીનું ભવેષ્ય હું થહે.”

હું થવાનું એટલે? આ હમડા ૫ વરહ થશે એટલે એન બાપો પૈણાઈ દેશે ઇન. ઘર માંડશે એ કો’કનું. મું વિચારું મારય એક સોડી હોત તો હારુ હતું, ઘરમાં હાથ તો મંડાવત...” કહેતા તે ક્યાંય આગળ વાત લઈ ગઈ. મનુ ચૂપચાપ અંજુને જોઈ રહી હતી. જાનકી અરધી એક મિનિટ સુધીમાં ઘણુ બોલી ગઈ. મનુને બેધ્યાન બનેલી જોઈ તે બોલી: “અલી ચમ ચૂપ સુ? કશુંક બોલ ક.”

હા...” મનુએ લાંબો ઉદગાર છોડ્યો અને જાનકીને જોઈ રહી. પાછી જાનકી બીજી વાતે ચઢી ગઈ. થોડીવાર બાદ મનુએ પૂછ્યું: “તે લી આ જીત્યાન બાજુન ગોમ ભણવા મેલ્યો, તે ચેટલા રૂપિયા થ્યા તા?”

અલી હા... એ વાત તો તન કે’વાની રય જ જય. હાંભર આ વૈશાખ બેઠોન તાર આપણાં વાહના બધા ભાયડા ભેગા થ્યા અન આપણી નાતના જેટલા સોકરા ચોથામાં આયાં ભણતા’તાન એમના નોમ બાજુન ગોમની નેહારમાં આગર ભણવા હાટુ લખાઈ દીધા. પેલા મૂળજીભઈ નૈ? ચારા વારા?” કહી તે બે ક્ષણ થોભી. મનુએ માથું હંકારી હા પાડી. પછી તેણે આગળ બોલવાનું શરૂ કર્યું.

 

                          “તો એ મૂળજી રોજ હવાર ચારો વેચવા બાજુન ગોમ નેહારના ટાણે જાય સ. તે આપણા ગોમના સોકરાઓન હારે લેતો જાય પણ એ ખાલી સવર્ણના સોકરાઓન જ હારે લઈ જતો’તો. આપણા સોકરાઓન ના પાડી. કે’તો તો કે આ ભાંગીયાવના સોકરાઓ અમન અભડાઈ મૂક. તો આપણા વાહના બધા આદમી ભેગા થૈ રાઘજી બાપુન કીધું, તો રાઘજી બાપુએ એમની મેડી આગર બધાન બોલાયા અન મૂળજીન કીધુ કે ગોમના બધા સોકરાઓન તાર નેહાર લય જવાના. તે બીજા દરબારુંઓ એ વાંધો ઊઠાયો કે આ નીકુ હાફ કરવા વારા, ઉકરડામાંહી ઉઠીન આઈ અમારા સોકરા હારે બેહ...! જરાય નય.

 

                          મૂળિયાએ પણ વાતમાં હા પુરાઈ. રાઘજી બાપુ બે ઘડી વેચારમાં પડ્યાં અન પહી જબાબ આલ્યો. મૂળજી આ સોકરાઓના નોમ નેહારમાં લખાઈ જ્યાસ, તઈ એમના નોમ બોલ સ. હવ સોકરાઓન લઈ જાવા પડ. તે પેલો મૂળિયો બોલ્યો કે પણ બાપુ... તે રાઘજી બાપુ હમજી જ્યાં ઈની વાત. તે બોલ્યા કે હારુ. આ બધા એમના સોકરામ્ન નેહાર મોકલવાના તન રોજ ૨-૨ આના આલશે બસ? આ સાંભળી બીજા દરબારું ભડકી ઉઠ્યા કે આવું તે ચમનુ થાય.

 

                          એનોય ઉકેલ બાપુએ આલ્યો અન કીધું કે આ એક વરહ સોકરાઓન ભણાઈ લેવાદ્યો. આવતા વરહથી ળ્યા તમાર સોકરોન નામ ઉતારાવડાઈ લેજો.” હરખાતા જાનકીએ આખી વાત કહી. મનુ સાંભળીને વિચારમગ્ન થઈ ગઈ. એ પછી ઉમેરતા જાનકી બોલી:“ચેવુ સરસ થૈ જ્યુ નૈ, ઓપણા અન દરબારૂના સોકરા હારે ભણવા જાય સ.” રાજી થતા જાનકી બોલી.

એમાં હું હરખાસ તે? સેલ્લુ વરહ સ સોકરાઓનું, પહી ચ્યાં ભણવા મોકલસો?” મનુ થોડી અકળાઈને બોલી.

તે નૈ ભણાઈએ આગર, એમ્ન ચ્યાં આપડે કલેકટર હોફિસર બનાવા સ. એ પસી એના બાપા ભેગુ દાડીએ લાગી જાહે.” તુંવેર ફોલતા જાનકી બોલી.

હું બોલ સ, ગોંડા જેવી હાવ.” કહેતા મનુ ઊભી થઈ અને ત્રણેય છોકરીઓ પાસે ગઈ. એમની સાથે કઈક વાત કરી. જાનકી બેઠા-બેઠા જોઈ રહી. થોડીવાર બાદ ત્રણેય છોકરીઓ ખુશ થઈ નાચવા લાગી અને અંજુએ મનુના ગાલે બચી કરી. મનુએ પણ તેને બચી કરી એના માથે હાથ ફેરવ્યો અને પાછી આવી.

હું કરવા જય’તી?” જાનકીએ પૂછ્યું.

સોડીયુની મરજી જાણવા.”

શેની મરજી?”

આગર ભણવું સ કે નય એની.”

હા...હા!! પસી?” વાત હળવામાં લેતા જાનકી બોલી.

એમના બાપાઓન વાત કરવી પડશે.” માનું બોલી અને બાળકીઓને રમતા જોઈ રહી.

 

*

 

                          સાંજના બધા આદમી અને બૈરાંઓને મનુએ પોતાના ત્યાં બોલાવ્યા. જમવાનું પરવારી સૌ તેના ત્યાં એકઠા થયા. જાનકી સિવાય કોઈને ચર્ચાના વિષય અંગે ખબર ન હતી. મનુ કામ પરવારી આવે ત્યાં સુધીમાં ફળિયાના ૩,૪ આદમી અને બૈરા આવી ગયા હતા. સૌ કોઈ અંદરો-અંદર ચર્ચા કરી રહ્યા હતા કે બધાને અહીં બોલવાનો હેતુ શું? જાનકીએ એની આદત મુજબ બધાને વાત જણાવી દીધી કે શેના માટે ભેગા થયા છીએ. તે બોલી રહી હતી એટલામાં મનુ અંદરથી પોતાની પથારી બિછાવી બ્હાર આંગણે આવી. ત્યાં સુધીમાં બીજા ચાર આદમી અને સ્ત્રીઓ આવી ગયા. બધા આવી ગયા એ પછી મનુએ વાત ચાલુ કરી.

તમારી સોડીયુન આગર ભણવુ સ તો તમે ચમ એમ્ન ભણવા નય મોકલતા?” જે તરફ આદમીઓ ઊભા હતા, એમને ઉદ્દેશી તે બોલી.

હવ સોડીયુન હું આગર ભણાવાની? ચાર ચોપડી ભણી એટલે બોવ.” સતીશ બોલ્યો.

આગર ભણાવા ગોમમાં નેહાર પણ હોવી જોય ક.” એક આદમી બોલ્યો.

બાજુના ગોમ જાય સ તો ખરી બીજાના સોકરા.” મનુ બોલી.

સોડીયુન એમ એકલા બાજુન ગોમ મોક્લાતી હશે!” બીજો એક આદમી તાડૂકયો.

તો, દરબારુંના સોકરાઓ જોયા સ તે? એકાદ સોડીન કઈક કર નાખ તો કુન કે’વા જવાના આપડે?”

તમારી સોડીયુ એકલી થોડી સ, દરબારુંની સોડીયુ ય જાય જ સ ન, એમની બેનપણીઓ હારે જ સ ન અન બધા હારે જ સૂટ સ, આપડા ફળિયાના સોકરાઓ હારે જ આવશેન.” મનુએ કહ્યું.

પન, આગર ભણાવાના પૈસા નો થાય?” બૈરાઓમાંથી કોઈક બોલ્યુ.

હા... રોજ-રોજ ચ્યાંહી લાવવા ચાર આના?” એક આદમી તમાકુ મસળતો બોલ્યો.

આખા મહિનાનો સવા એક રૂપિયો થાય મૂળજીન આલવાનો. તારી તમાકુના ૫ રૂપિયા થાતાં હશે અઠવાડીયાના. સોડી હાટું એક રૂપિયો ના નેકરે તારાહી?” મનુએ એને પૂછ્યું. થોડીવાર બાદ બધાને પૂછ્યું: “તમે બધા એટલા નમાલા થઈ જ્યાસો, તમારી સોડીયુ માટે મહિનાનો ૧ રૂપિયો ના નેકારી હકો?

 

                          બે ઘડી શાંતિ ઝળવાઈ રહી. એ પછી એક આદમી બોલ્યો: “સવાલ રૂપિયાનો નહીં, પણ આયાં ઘેર રે’તો ઘરના કોમ શીખ. જો ઘરના કોમ આવડશે તો કો’ક ઇનો બાપ ઇન માંગુ આલશેન.”

પણ એ તો નેહારેથી આયીન પણ શીખી હક સ ન...આમય ઈની નેહાર બપોરની સ. બપોર ઘોરયા હીવાય હું તે શીખવાડી દીધુ તાર સોડીન?” મનુ તાડૂકિ. બે ઘડી શાંતિ જળવાઈ રહી.

એ પછી એક બાઈ બોલી: “ઇ બધુ તો બરાબર પણ ઘેર રે’ તો શું કો’કના ખેતરે દાડીયાની જરૂર પડે તો ત્યાં જય હક ન. ત્યાંહી કમાઈન બે-પાંચ પૈસા ઘેર આલ.”

હોવ, અન ચ્યારેક તો કો’ક દરબારના ખેતરે જય હોય તો તાંહી શાક બી લઈ આવ.” કહી એક બૈરી સાડીથી ઢાંકેલા મોઢે હસવા લાગી.

સરસ... એમ જ હોય તો તારા સોકરાનય ઉતારી લેન નેહારમાંહી, હું કામ ઇનય ભણાવુસુ? બેયન લગાડી દે, દાડિએ...” મનુ રોષે ભરાઈ. થોડીવાર બાદ તે બોલી:

અન આ હાંભળી લેજો, જે દા’ડે તમારી સોડી દાડિએથી વધારે શાકભાજી કે વધારે દાડી લાવન, તો ખુશ થતાં પે’લા જોજો સોડી રાતે ખાવાનું માંગ સ કે નહીં જો ના માંગ અથવા ખાવા ના બેહ તો પેલા પૂરતી તપાસ કરજો કે એની હારે કઈ અજુગતું તો નહીં થયું ને.” બધા ક્ષોભમાં મુકાઇ ગયા અને બે-ત્રણ જણા ભૂતકાળમાં પણ ખોવાઈ ગયા કે આવુ એમની છોકરીઓએ કેટલી વાર કર્યું હતું.

 

                          સાડીના પાલવ નીચે ચૂપ થઈ ગયેલા બૈરાંના ડાચા અને આદમીઓના વિલા મોઢા જોઈ તે બોલી:“તમે, હાળાં ખાલી નામના મરદ સો, બસ રાતે બંધ કમાડ કરી જે કરો સો, ઇન મરદાનગી નો કે’વાય... કુણ હમડા બોલ્યુ’તું કે ‘દરબારુંના સોકરા કઈ કરી બેહ તો કુન કેવા જાવાના? આ તમારી ૧૨,૧૨ ‘ને ૧૪,૧૪ વરહની દીકરીયુ ઇ વાત જાણ સ કે આ મારો બાપ મૂંગા મોઢે બધુ જોઈ લે’શે કઈ કરી નહીં હકે, એટલે તમન કહી નય હકતી કે હું વેઠયું સ ઇમના પંડે.” તેની આંખો આક્રોશથી પ્રચંડ થઈ ગઈ.

 

                          આ સોડીયુન જો તમે ભણવા મેલી હોત તો, કાલ ચ્યાંક સરકારી હોફિસમાં મોટી મેમસાબ બની હક સ. હાળાં તમારા સોકરાઓન ભણાવાનો કોઈ ફાયદો સ નય. ઇમ્ન તમે ગારો દઈ દઈન નેહાર મોકલોસો, એન રસ સે જ નય ભણવામાં. પણ મુ એમ નય કે’તી કે એમ્ન ના ભણાવો. એનય ભણાવાનો અન આ સોડીયુન પણ ભણાવાની. આ સોડીયુન રસ સ ભણવામાં તો એ જરૂર આગર હારુ ભણશે‘ને તમારું નામ ઉજાળશે.” મનુએ સમજાવ્યુ. થોડીવાર શાંતિ જળવાઈ રહી પછી સતીશ બોલ્યો: “માર તો મારી અંજુન ભણાવી’તી આગર પણ આ વરહ આપણા જ સોકરાઓનું સેલ્લુ સ, ચમની સોડીયુન ભણાવવી?”

અલ્યા પણ, આ વરહે તો ભણવા મેલ. આગરનું પહી જોયસુ હું થાય સ.” મનુએ કહ્યું.

હવ, તો નેહારો ચાલુ થઈ જઈ. પતી જ્યુ હવ.” એક આદમી બોલ્યો.

તું તારી સોડીન મોકલવાનું કર્ન, બીજુ હું હંભાળી લઉ સુ.” મનુ આ બધાની પાંગળી દલીલો સાંભળી છેડાઈ ગઈ. સૌ કોઈ ચૂપ થઈ ગયા.

આવતી કાલ તમારી સોકરીયુંન તૈયાર કરી, એમના ગુણપત્રક હારે મારા ઘેર મોકલજો, હું કાલ નેહાર જઈન વાત કરીશ માસ્તરન.” મનુએ સૌને જણાવ્યુ.

મુ આવુ?” સતીશ બોલ્યો.

હા.” મનુએ સંમતિ આપી.

મારે પણ આવવુ સ, મુય આવુ?” બીજો એક આદમી બોલ્યો. પછી બીજી બે સ્ત્રીઓએ સાથે આવવા માંગ કરી. મનુએ બધાને હા પાડી. એ પછી સતીશે ઉમેર્યુ: “તમે બધા નાગજી, લાલા, શંભુ અન અર્જુન ઘેર હું કરવાના સો? હાલો તમે બધાય.”

 

                          મનુ સૌની સામે જોઈ રહી પણ કોઈ આદમી હરફ બોલ્યો નહીં. થોડીવાર બાદ એમના બૈરાં બોલ્યા: “ઇ અમે એમને મોકલી દઇશું સતીશભાઈ, તમે ચિંતા ના કરો.” બધા રાત્રે છૂટા પડી ઘરે ગયા અને ફળિયા આખામાં વાત પ્રસરી ગઈ. અરધી રાત સુધી ચોકમાં આદમીઓએ બેશી વાત કરી અને બૈરાંઓએ મંડળી યોજી.

 

                          બીજા દિવસે ફળીયાના લગભગ બધા આદમી અને સ્ત્રીઓ તેમની દીકરીઓ સાથે શાળાએ આવવા મનુના આંગણે આવી ગઈ. બીજી ૫,૬ દીકરીઓ જેમણે ચોથા ધોરણ પછી ભણવાનું છોડી દીધુ હતું, એ બધી પણ પોતાના મા અથવા બાપ સાથે નિશાળ જવા આવી હતી. તે લોકો બાજુના ગામ જવા નીકળ્યા ત્યાં સુધીમાં ગામમાં સૌ કોઈને ખબર પડી ગઈ કે વાલ્મીકિ વાસના સ્ત્રી-પુરુષો સંદિગ્ધ વિષયની ચર્ચા કરવા બાજુના ગામ ગયા છે.

 

                          નિશાળે પહોંચી મનુએ આચાર્ય સાહેબને વાત કરી અને પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. આચાર્ય સાહેબે છોકરીઓની ચોથા ધોરણનું પ્રગતિ-પત્રક જોયુ, ત્યારબાદ છોકરી સાથે વાતચીત કરી. પછી તેમણે અન્ય વિભાગના માસ્તર અને ધોરણ પાંચના શિક્ષકો સાથે ચર્ચા કરી. મનુને જણાવ્યુ તેમણે કન્યાઓને પ્રવેશ આપવા તૈયાર છે. બધા રાજી થઈ ગયા. દીકરીઓ પણ ખુશ થઈ ગઈ જાણીને કે હવે તેમના હાથમાં ખેતરના ઓજારના બદલે પેન-પેન્સિલ આવશે. આનંદ-કિલ્લોલથી સૌ પાછા આવ્યા. પાછા આવ્યા બાદ બીજી એક મુસીબત ઊભી થઈ ગઈ. તે બધા પાછા આવ્યા ત્યારે વડ પાસે ગામમાં સવર્ણ કહેવાતા લોકોએ એમને ઊભા રાખ્યા:

“સોડીયુને પાહી નેહાર મૂકી હું સાબિત કરવા માંગો સે?” એક દરબાર બોલ્યો. ડરથી બધા સ્ત્રી-પુરુષો ચૂપ થઈ ગયા.

કાંઈ નય બાપુ. આ તો સોડીયુએ જીદ કરી એટલે.” એક આદમી બોલ્યો. વાલ્મીકિ વાસના આદમીઓને હંમેશા બીચારા બનીને રહેવાની અને કરગરવાની આદત પડી ગઈ હતી, મનુ સમજી ગઈ હતી, તે બોલી: “અમારી સોડીયુ સ, અમે જે કરીએ એ તમારે ચેટલા?”

સામો જવાબ સાંભળવાની આદત ન હોવાથી સવર્ણોને વિશ્વાસ ન આવ્યો. તેમાંથી એક દરબાર આગળ આવી બોલ્યો: “જે કઈ હોય એ બંધ કરી દ્યો. બાકી હારાવટ નય રે.”

તમે બાપુને વાત કરી લ્યો. એમની હામુ તમારામાંહી કોય થાય એ મને નય લાગતું.” મનુએ ગપ્પું ઠોક્યુ.

એટલે તમન આવુ કરવાનું રાઘજી બાપુએ કહ્યું સ?” દરબારે પૂછ્યું.

તમન અમન રોકવાનું રાઘજી બાપુએ નથી કહ્યું?” એમ કહી મનુ એમને જોઈ રહી, ત્યાર પછી બે છોકરીઓના હાથ પકડી ત્યાંથી નીકળી ગઈ.

 

                          શેરીના બધા પુરુષોમાં ફફડાટ પેસી ગયો હતો પણ મનુએ જે રીતે એમની સાથે વર્તયુ તે ઘટના એમના માટે અકલ્પનીય હતી. એ પછી એક સ્ત્રીએ મનુને પૂછ્યું: “આપણને તો રાઘજી બાપુએ નથી કહ્યું, તો તે ચમ રાઘજી બાપુનું નોમ આલયુ?”

એ ના આલયુ હોત તો તારો ધણી અત્તાર આપડી હારે ના હોત.” મનુએ સફાઈ આપી. તે સ્ત્રી ચૂપ થઈ ગઈ. સૌ કોઈ મનુના ઘરે આવ્યા અને એક પ્રશ્ન સમૂહમાં પૂછ્યો:

હવ, આ સોકરીયુંન નેહાર ચમની મોકલસું?”

મન નૈ લાગતું મૂળજી આપડી સોડીયુન લઈ જાવા રાજી થશે.” એક આદમીએ ઉમેર્યુ.

 

                          મનુ તેના આંગણામાં ખાટ પાંથરી બેશી. એક સરપંચના ઘરે મેળાવડો થયો હોય એમ ભાયડા-બાયુ તેની સમક્ષ સમૂહમાં ઊભા હતા. કેટલાક તેની કરતાં વધારે ઉમર વાળા હતા. બે ક્ષણ મનુ બધાને જોઈ રહી, બાદ બોલી: “તમાર રાઘજીન વાત કરવી પડશે. સીધા મૂળિયા પાંહે જશો તો મેળ નય આવ.” સૌ કોઈ સહાયની નજરે મૌન બની તેની સામે જોઈ રહ્યા. મનુએ ચાર ક્ષણ બાદ અનુભવ્યુ સૌ ચૂપચાપ તેને જોઈ રહ્યા છે માટે તેણે પૂછ્યું: “હું...?”

તું હાલને વાત કરવા.” શંભુએ આજીજી કરી.

હોવ, તું હારે આયીસ તો હારુ રે’શે.” નાગજીએ ઉમેર્યુ. સૌની ઈચ્છા મનુને સાથે લઈ જવાની લાગી રહી હતી.

 

                          એક અઠવાડીયા પહેલા અચાનક પાછી પોતાના ઘરે આવી ચઢેલી મનુડી એક સામાન્ય કન્યા આજે જાણે આ અબુધ લોકોની આગેવાન બની ગઈ હતી. તેના ચહેરા પર હળવુ સ્મિત આવ્યું. સૌ કોઈ આશાભરી નજરે તેને જોઈ રહ્યા હતા, બે ઘડી વિચાર્યા બાદ તેણે સાથે આવવાનો નિર્ણય કર્યો. મનુએ કહ્યું કલાક બાદ સાથે રાઘજી બાપુના ત્યાં જઈશું. બધાએ તેની વાત માન્ય રાખી પોત-પોતાના ઘરે ગયા.

 

*

 

                          કલાક બાદ બધા મનુના આંગણે ઊભા થઈ ગયા. મનુ બ્હાર આવી અને રાઘજી સરપંચના ઘર તરફ સૌએ પ્રયાણ કર્યું. સરપંચના ત્યાં પહેલાથી સવર્ણોની ભીડ હતી. વાલ્મીકિ વાસના સ્ત્રી/પુરુષોને આવતા જોઈ વાટાઘાટો થોડી ઉગ્ર બની. રાઘજીના ખ્યાલમાં આ વાત ન હતી કે આ બધા દાવપેંચ મનુ લડાવી રહી છે, બાકી તો તે અત્યારથી જ ચેતી જાત. લોકોએ રાઘજીના ઘરની કેડી આગળ કોલાહલ મચાવી દીધો. બધાને શાંત પાડતા રાઘજીએ કહ્યું: “બધા એક-એક કરી બોલો.”

આ ભાંગીયાવો એમની સોડીયુન ભણવા મેલી આપડાહી ઊંચા દેખાવા માંગ સ.” એક દરબાર બોલ્યો. બધા સવર્ણો રાઘજીને જોઈ રહ્યા અને વાલ્મીકિ વાસના લોકો મનુને.

બરાબર...બરાબર...” કહેતા રાઘજી વાલ્મીકિ વાસના આદમીઓ સામે જોઈ રહ્યો. આદમીઓ બધા અનુત્તર બની મનુને જોઈ રહ્યા હતા. મનુએ જવાબ આપ્યો:

એમાં હું ઊંચા દેખાવાનું, બધાયના સોકરાઓ ભણ જ સ ન.”

અમારી સોડીયુ નહીં ભણતી.” બીજો દરબાર બોલ્યો. મનુ જવાબ વાળે એ પહેલા ત્રીજો એક દરબાર રાઘજીને બોલ્યો: “અન બાપુ તમે આ લોકોન પરવાનગી પણ આપી દીધી આવું કરવાની?” મનુને લાગ્યુ તેની પોલ ખૂલી જશે. રાઘજી કઈ સમજવા કે પૂછવા જાય એ પહેલા તે રાઘજીને ઉદ્દેશી બોલી: “હવ, અમે અમારા સોકરાઓન ભણાઈ પણ ના હકીએ બાપુ?”

સવાલ એનો નહીં મનુ, બેટા પણ તું જો તો ખરી આયા અમારી સોડીયુન ઘેર બેહાડી રાખીએ સીએ... અન તમારી સોડીયુ ભણ એ તો ચમનુ ચલાવી લેવાય?”

આ શમાજીની સોડી, દામા બાપુની બેય સોડીયુ અન નવઘણભા’ની સોડી પણ જાય જ સ ન નેહાર... અન અમે એમ નય કે’તા કે તમારી સોડીયુ જાય સ એટલે અમારી સોડીયુ પણ જવી જ જોઈએ, પણ બાપુ જોવો તો ખરી આ સોડીયુ ઘેર બેહી રહી કંટારી જાય સ, અન અમારા તો સોકરાઓ કરતાં સોડીયુન વધારે રસ સ ભણવામાં, તો જો થોડુ ભણસે તો કો’ક હારા ઘરનો મુરતિયો મળ બાપડીઓન.”

 

                          મનુને સાંભળી કોઇની પાસે સામી દલીલ કરવા બચી નહીં. બે ક્ષણ માહોલ શાંત રહ્યો. ત્યારબાદ મનુએ ઉમેર્યુ:“અત્યાર બાપુ, એટલે જ તમારા તઈ માર આવવુ પડ્યુ. તમે સ્તો પાલનહાર સો અમારા. દરબારોના ગોમમાં દરબારું હામા થઈ મરવું સ અમાર?  આ તો તમે કીધેલુ માટે અમે જ્યાં’તા નેહાર.” મીઠા શિરાની અંદર કડવુ કારેલુ મૂકી ખવડાયુ હોય એમ મનુએ વાત મૂકી અને તરત બીજુ ઉમેર્યુ: “માટે આ આખા ડેલાના આદમી અને બૈરાંઓન મું લઈ આયી તમન વિનંતી કરવા કે તમે મૂળજી’ભાન વાત કરો કે અમારી સોડીયુન નેહાર લઈ જાય.”

 

                          બધા લોકો સમક્ષ મનુના શબ્દોથી રાઘજી સર્વોચ્ચ સાબિત થયો અને બીજા દરબારોએ પણ ઠીક ઠીક માન અનુભવ્યુ, જેનાથી તેમની અંદર ઉકળી રહેલો ગુસ્સો ઠંડો પડવા લાગ્યો, પણ મૂળજીને આ નવી મુસીબત વહોરવી ન હતી. તે બોલ્યો: “બાપુ હવ આ વધરાવોની સોડીયુન પણ લઈ જાવાની મારે?”

મફત નહીં કોઈ લઈ જવાનું કે’તું તન.” તિરસ્કારથી મનુ બોલી. મૂળજીને પણ થોડી અપમાનની ભાવના જણાઈ. મનુએ પછી ઉમેર્યુ: “અમારી સોડીયુના પૈસા અમે અગાઉથી આપી દઇશું.”

મનુ, બેટા આ બધુ કરવાની કોઈ જરૂર સે નહીં, હું કામ આ બધુ કરું સુ તું? આ આમ પણ તમારા સોકરાઓ આવતા વરહથી ભણવા નય આવવાના.” રાઘજીએ કહ્યું.

હા બાપુ, ત્યારનું ત્યારે જોઈશું. પણ આ વરહ તો ભણવા દ્યો, આ સોડીયુન ઈસ્સા સ ભણવાની.” મનુ બોલી.

વારુ. મૂળજી લઈ જજે આમની સોડીયુન પણ.” રાઘજીએ જણાવ્યુ.

 

                          મૂળજી ચોંકી ઉઠ્યો, તેની જરાય ઈચ્છા ન હતી. વાલ્મીકિ વાસના છોકરા કે છોકરીઓને પોતાના ટ્રેકટરમાં બેસાડવાની. રાઘજીનું માન રાખવા તે એમના છોકરાઓને બેસાડવા રાજી થયો હતો પણ હવે આ છોકરીઓને લાવવાની અને લઈ જવાની નવી ઉપાધિમાં તે પડવા ન હતો માંગતો: “બાપુ ટ્રેક્ટરમાં જગા પણ હોવી જોઈએ ને? પાસર સોકરાઓ બેઠા જ હોય સ અને બાકીની બચેલી જગ્યામાં ચારો આવ સ.”

ને ચારો ચ્યાં મોટા સોનાની ખાણનો બનેલો સ, થોડુ આઘું પાસું કરી સોકરાઓ હમાઈ જશે એમાં. થોડા સોકરાઓન ટ્રેક્ટરમાં તમારી સીટ આગર બેહાડજો. સોડીયુન પાસર બેસાડજો.” મનુએ કહ્યું. બે ઘડી શાંતિ જળવાઈ રહી. કોઈ કઈ બોલ્યુ નહીં એટલે મનુએ ઉમેર્યુ: “એ હારુ, જો તમાર સોકરાઓન આગર બેહવાની બીક લાગતી હોય તો અમાર સોકરાઓન આગર બેહાડજો, ના હોય તો એકાદી સોડીન આગર બેહાડી દેજો બસ?”

ના...ના. અમારા સોકરા ના બીવ એમ આગર બેહતા. અમારા સોકરા આગર બેહસે, અન સોડીયુન પાસર બેહાડી દઈસુ.” પોતાના આત્મ સમ્માન પર વાત આવી પડી હોય એમ જાણી એક દરબાર બોલ્યો.

 

                          એવી રીતે આખી વાતનો ઉકેલ આવી ગયો. લગભગ બધાના મનમાં રાજીપો હતો. ખોટનો ધંધો કોઈને ન હતો થયો. મનુએ જે રીતે સવર્ણોને પોતાની વાતમાં મનાવી લીધા એથી ડેલાના આદમી-બૈરાઓને વિશ્વાસ ન હતો બેસતો. બધી છોકરીઓ અને એમના માતા-પિતા રાજી હતા. ત્રીજા દિવસથી વાલ્મીકિ વાસની છોકરીઓ નિશાળ જતી થઈ ગઈ. ફક્ત બે જ દિવસમાં મનુએ વાતનો છેડો લાવી દીધો હતો. રોજ નિશાળે જતાં અને આવતા બધી છોકરીઓ મનુને બોલાવતી, તેની તબિયત પૂછતી. મનુને પણ છોકરીઓને બોલાવવુ ગમતું, શાળાએથી આવ્યા બાદ છોકરીઓ તેના ઘરે આવતી અને આખા દિવસની વાતો કરતી.

 

*

 

                          એક મહિનો આ રીતે વીતી ગયો. બીજી તારીખે વકીલના કહેવા પ્રમાણે મનુ સેન્ટ્રલ જેલ અંગુઠો લગાવી આવી. વકીલે ૫૦૦રૂ. આપ્યા. ત્યાં જઈ મનુએ જાણ્યું કિશન-ટોળકી જેલમાંથી ભાગતા પકડાઈ ગઈ હતી. જે યોજના પરસોત્તમે જણાવી હતી એ મુજબ મુખ્ય દરવાજા સુધી એ લોકો આવી શક્યા, પણ ત્યાં બોમ્બ ફોડતા, આર્મ્ડ ક્વાટર્સના સૈનિકો જાગી ગયા હતા અને એમને બ્હાર નીકળતા સાથે ઠાર મારી નાખ્યા. એ રાતથી જેલની સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી. સહદેવ અને સેનાએ પણ આ હરકતના કારણે પોતાની યોજના પાછળ ઠરાવી પડી.

 

                          તેને સહદેવને મળવું હતું. તે જાણતી હતી સહદેવ તેનાથી નારાજ હશે માટે વાત કરવા માંગતી હતી. જેલમાં મનુ અને સહદેવ વચ્ચે શું સગપણ બંધાયું હતું, તેની માહિતી હતી વકીલને મળી ગઈ હતી. મનુએ જ્યારે સહદેવને મળવાની માંગ કરી ત્યારે વકીલે તેને એમ કરતાં રોકી અને કહ્યું: “ઉસે અપને હિસાબ સે જો કરના હે, વો કરને દે. બીચ મેં ટાંગ મત અડા. ખામખા, વો પ્યાર-વ્યાર કે ચક્કર મેં ગીરેગા તો આઝાદી કે પહેલે શહિદ હો જાયેગા.”

 

                          આ સાંભળી મનુ ભોંઠી પડી. તેને થયુ સહદેવને મળવાની માંગ ન હતી કરવા જેવી. તેણે વકીલ પાસે ૧૫૦૦રૂ. બીજા માંગતા કહ્યું: “હુ તમને ધીમે ધીમે પાછા આપી દઇશ. મારે બળદ લેવો છે અને બળદગાડુ કરવુ છે.”

વકીલે તેને પૈસા આપ્યા અને કહ્યું: “મુજે કુછ જલ્દી નહીં હે પૈસે કી, તુંજે જબ ઠીક લગે તબ વાપીસ કરના પર મેરી એક બાત ધ્યાન સે સુન મુજસે પૂછે બીના તું કભી સહદેવ સે બાત નહીં કરેગી. ચાહે કુછ ભી ક્યુ ના હો જાયે, અગર વો બોલે કી તું ઉસકે સાથ ચલ તો તું પહેલે મેરે સે બાત કરેગી. ખુદ સે કુછ ડીસીજન નહીં લેગી, ઠીક હે?”

 

                          મનુને થયુ વકીલ જાણે એનો બાપ હોય એમ હુકમ ઠોકતો હતો. તે એની સામે જોઈ રહી. વકીલે ઉમેર્યુ: “સુન, ઇતને વક્ત કે બાદ ભી અગર તું મુજપે યકીન કરતી હે તો એક બાત સમજલે મેં તુંજે કુછ કહે રહા હુ તો ઉસકે પીછે કોઈ વજાહ રહી હોગી.”

મારે એ વજાહ જાણવી છે.” મનુએ કહ્યું.

બે ક્ષણ વકીલ એને જોઈ રહ્યા અને પછી બોલ્યા: “તુંજે વક્ત આને પર પતા ચલેગા.”

 

                          બંને છૂટા પડ્યા. મનુ પાછી ઘરે આવી અને રવિવારે તેના ભાઈને બીકે ઊંચડીવાળા નિશાળમાં મળી આવી. એવી રીતે બીજો માસ પસાર થયો. વકીલે આપેલા પૈસાથી તેનું ઘર ચાલી જતું હતું. પોતાનેન વ્યસ્ત રાખવા અને ઇબ્રાહિમ વકીલ પાસેથી લીધેલ લોનની ભરપાઈ કરવા શ્રીમંત લોકોનું ઘરકામ કરતી. ત્યારબાદ તેણે બળદગાડુ બાંધ્યું અને ફેરા ચાલુ કરી આવક ભેગી કરવાની શરૂ કરી.

 

*

 

                          પછીના માસે તે જેલ અંગુઠો લગાવા ગઈ ત્યારે જોયુ આગલી રાતે ક્રાંતિકારીઓની સેનાએ જેલમાં હુમલો કર્યો હતો. સહદેવે જે યોજના જણાવી હતી, આબેહૂબ એ જ રીતે ઘટના ઘટી હતી. એ પછી પણ બ્રિટિશરોને ખ્યાલ આવી શકે એમ ન હતો કે ઇબ્રાહિમ વકીલની આમાં શું ભૂમિકા રહી હતી અને જેલની અંદરના બીજા કયા-કયા અધિકારીઓ તેમની સાથે સંડોવાયેલા હતા. જે જાણતા હતા કયા-કયા અંદરના માણસો ફૂટી ગયા છે એ જણાવા માટે કોઈ બ્રિટિશ જેલર, અફસર કે સૈન્યના વડા જીવતા રહ્યા ન હતા. માટે અંગ્રેજોએ ઇબ્રાહિમ વકીલની બાતમી માનવી જ રહી.

 

                          એ દિવસે બ્રિટિશરોનો મોટો કાફલો અને ફોજદારો સેન્ટ્રલ જેલ આવી ગયા હતા. મનુ જ્યારે અંગુઠો લગાવા આવતી ત્યારે બ્હાર જ ઇબ્રાહિમ વકીલ મળતા અને બ્હાર જ અંગુઠો લેવડાવી લેતા પણ આજે તે બ્હાર દેખાયા નહીં. તેમની ગાડી દેખાઈ પડતી હતી પણ અંદર કોઈ હતું નહીં માટે તે જેલની રેલિંગ વાળી મોટી જાળી આગળ જઈ ચોકિયાતને પૂછ્યું: “મારે ઇબ્રાહિમ સાહેબને મળવુ છે?”

કોઈ ઇબ્રાહિમ સાહેબ નથી અહિયાં, જતી રે’…” કશાક અણબનાવનો રોષ તે ચોકિયાતમાં દેખાઈ રહ્યો હતો. મનુ ત્યાંથી ચાલી ગઈ અને વકીલની ગાડી પાસે ઊભી રહી. કલાક-સવા કલાક બાદ ઇબ્રાહિમ વકીલ બ્હાર આવ્યા. તેમણે મનુને ઊભેલી જોઈ. તે પાસે આવ્યા એનો હાથ પકડી ગાડીમાં બેસાડી અને પછી પોતે બેસ્યા, બાદ તેઓ બોલ્યા: “મનુ તું ક્યાં કર રહી હે યહાં?”

અંગુઠો લગાવા આવી હુ.” તેણે જવાબ આપ્યો.

તુંજે પતા નહીં હે કલ રાત કો ક્યાં હુઆ ઇધર?”

હા. આ બધા ખટારા અને અંગ્રેજોની જીપુ જોઈને લાગ્યુ કે સહદેવે કઈક કર્યું હશે.”

સહી કહા, કલ રાત વો સબ ભાગ નીકલે જેલ સે. યે સબ અંગ્રેઝ મેરે પીછે પડે હે કી મેને પહેલે ઇસકે બારે મે આગાહ ક્યૂ નહીં કીયા ઓર ફીર સબ પૂછતાછ કર રહે થે હમ.”

 

                          મનુ સાંભળી રહી. વકીલે તેની બ્રીફકેસમાંથી ફાઇલ કાઢી અને એમાં મનુનો અંગુઠો લીધો. વકીલે તેને ૫૦૦રૂ. આપ્યા જેમાંથી મનુએ ૩૦૦ પાછા આપી કહ્યું, “આ મારા હપ્તાના.” પછી વકીલે કહ્યું, “મેરી ઓફિસ ચલ, તેરે સે કુછ બાત કરની હે.” કહેતા વકીલે પોતાની ઓફિસ તરફ ગાડી લેવડાવી.

તો એ લોકો ઝારખંડ જવા નીકળી ગયા?” મનુએ પૂછ્યું. તેને સેના વિષે જાણવામાં ઝાઝો રસ ન હતો પણ સહદેવના સમાચાર મેળવવા પૂછ્યું.

બે ક્ષણ બાદ વકીલે જણાવ્યુ: “અભી વો નીકલ નહીં પાયેંગે, ઉનકે નામ કા સર્ચ વોરંટ પૂરે દેશ મેં ફેલ ગયા હે. સારે ટોલબૂથ ઓર મહારાષ્ટ્ર, મધ્ય-પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ ઓર બિહાર કે સારે નેશનલ હાઇ-વે પે નાકાબંદી કર દી ગઈ હે. ઇસ લિયે વો સબ ૧ મહિને તક યહાં સે હીલ નહીં શકેંગે.”

મનુ સાંભળી રહી. ચાર ક્ષણ બાદ તેણે પૂછ્યું: “અત્યારે ક્યાં છે?”

વો મેં નહીં બતા શકતા.” વકીલે કહ્યું. ઇબ્રાહિમ વકીલ સમજી ગયા હતા મનુને કેમ જાણવું હતું.

 

                          મનુ ચૂપ થઈ ગઈ. તેઓ ઓફિસ પહોંચ્યા. ઇબ્રાહિમ વકીલ અને મનુ ટેબલની સામ-સામે બેસ્યા. વકીલે મનુને જણાવ્યુ: “મુજે ઓર આદમીઓ કી જરૂરત હે. યે લોગ જીતને જેલ સે ફરાર હુએ હે, વો અભી બિહાર વાપીસ નહીં જા પાયેંગે પર મુજે કુછ સામાન હે જો વાપીસ પહુંચાના હે. ઉસકે લીએ નયે લોગ ચાહીએ, ઐસે લોગ જીન પર અંગ્રેઝોકો શક ના હો.”

સામાન એટલે હથિયારોને?” મનુએ પૂછ્યું.

બે ક્ષણ વકીલ તેને જોઈ રહ્યા બાદ હળવુ સ્મિત આપ્યુ અને બોલ્યા: “દેખ, તેરે ગાંવકે આદમી અગર ઇસ કામમેં મદદ કરે તો મેં ઉનકો ઇતને પૈસે દૂંગા જીતના કમાતે ઉનહે દો સાલ લગ જાયેંગે. તુંજે આદમીઓ કો ઇધર લાના પડેગા. ફીર તેરે લીએભી મૈને કુછ સોચા હે...” વકીલે સિગરેટ સળગાવી.

મારા ગામની જો વાત કહું તો આ ગયા મહિને જ ભેદભાવ અને આભડછેટના લીધે અમારા વાસની છોકરીઓને ભણવા દેવામાં આવતી ન હતી...” એમ મનુએ આખી વાત જણાવી. સીગરેટના કસ લેતા-લેતા ઇબ્રાહિમ વકીલ મનુની વાત સાંભળી રહ્યા.

 

                          વાત જાણ્યા બાદ વકીલને ખ્યાલ આવી ગયો કે મનુના ગામ લોકો કેવી માનસિકતા ધરાવે છે પણ આવા લોકો જ તેમના કામમાં આવી શકશે. બે ક્ષણ વિચાર્યા બાદ વકીલ બોલ્યા: “એક કામ કર તું તેરે મોહલ્લે કે ૧૦,૧૨ આદમીઓ કો તૈયાર કર આને કે લીયે, વો વાપીસ આ જાયે ઉસકે બાદ મેં બતાતા હુ ક્યાં કરના હે.”

ઠીક.” મનુએ કહ્યું અને ત્યાંથી નીકળી ગઈ.

 

*

 

                                                                                                         ઘરે આવ્યા બાદ સાંજે મનુએ ફળિયાના સૌ પુરૂષોને ઘર આંગણે ભેગા કર્યા અને કામ અંગે જણાવ્યુ:

એક મોટા શે’રના વકિલનું કામ આયુ સ. એમન થોડો સામાન પરદેશ મોકલવાનો સ. તે ૧૫,૧૭ માણસો જોઈએ સ. તો એમણે મન કીધુ કે બ્હારના લોકો કમાય એના કરતાં આપડા ગોમના આદમી કમાય એમાં હુ ખોટું સ? તો તમાર કોઈન કામ કરવા જવુ હોય તો મન કે’જો.” પોતે જરાક ઓછો રસ હોય વાત જણાવામાં એમ મનુ બોલી.

 

                          મનુ જે રીતે ઉપર આવી હતી અને વગર મહેનતે કમાઈ રહી હતી. એ વાત પર ફળીયાના આદમીઓને થોડી શંકા ચોક્કસ હતી પણ ખ્યાલ ન હતો આવતો કે કેવી રીતે તે કમાઈ રહી હતી અને હવે જે તક આવી હતી પૈસા કમાવાની એનાથી એમને લાગ્યુ કે એ લોકો પણ મનુની જેમ ફટાફટ પૈસા કમાઈ શકશે માટે કામ માટે સૌ તરત રાજી થઈ ગયા, મનુ જાણતી હતી આ લોકો એની દેખાદેખી કરીને જ વાત માનશે એટલે પોતે એમને કામ અપાવમાં વધારે ઉત્સાહી ન હોય એ રીતે વાત જણાવી અને તેની આ યુક્તિ બરાબર ફળી. જિજ્ઞાસા હેતુ તેઓએ મનુને થોડા સવાલ પૂછ્યા.

કેટલા પૈસા આલશે?” એક આદમીએ પૂછ્યું.

૫૦૦રૂ.”

કેટલા દા’ડાનું કોમ સ?”

કદાચ ૧૫,૧૭ દિવસનું. બોવ બોવ તો વીસ દા’ડા એનાહી વધારે નય.” મનુએ જણાવ્યુ.

 

                          આટલા ઓછા સમયમાં ૫૦૦રૂ. કમાવાની તક જાણતા સૌએ જવા માટે હા પાડી. મનુને ખબર હતી કે આ લોકોને ૫૦૦રૂ. કમાતા ૩ મહિના ઓછામાં ઓછા લાગવાના હતા માટે તે એનાથી વધારે રકમ આપવા માંગતી ન હતી. અંતે મનુએ જણાવ્યુ: “જો હજી બીજા કોઈન આવવુ હોય તો મારી પાંહે મોકલજો.”

વારુ.” કહી સૌ છૂટા પડ્યા.

 

                          આગલી સવારે બીજા ૭ જણા કામ માટે તૈયાર થયા. એમ કુલ ૨૨ જણાની સંખ્યા તેની પાસે થઈ ગઈ. સતિશની છોકરી અંજુને પોતાના ઘરે બોલાવી તેણે બધાના નામ લખી એક યાદી બનાવડાવી. નવા આવેલા લોકોને પણ જણાવ્યુ કે હજુ પણ જો કોઈને આવવુ હોય તો સાંજ સુધીમાં નામ લખાવી જવા. સાંજ સુધી તેણે રાહ જોઈ. અંતે સાંજના બીજા બે માણસ નામ લખાવી ગયા.

 

                                                                                                         ત્રીજા દિવસે તે વકીલને યાદી આપવા નીકળી. નીકળતા પહેલા સવારમાં બીજા બે માણસો નામ લખાવી ગયા. એમ કુલ ૨૬ માણસોના નામની યાદી લઈ તે વકીલ પાસે પહોંચી. વકીલ યાદી જોઈ ખુશ થઈ ગયા. તેમને લાગતું ન હતું કે મનુ આટલા બધા લોકોને તૈયાર કરી શકે પણ તેણે કર્યા. વકીલે સલિમ સાથે વાત કરી, નીકળવાની તૈયારી શરૂ કરાવી. વકીલે મનુનો આભાર માન્યો અને તેને ઘરે જવા માટે પોતાની ગાડી મોકલાવી. નીકળતા પહેલા મનુએ વકીલને પૂછ્યું: “ક્યારે આ લોકોને લઈ જવાના છે?”

ચાર દિવસ બાદ.”

વારુ ‘ને એક આદમી દીઠ કેટલા પૈસા મળશે?

૫૦૦૦.” વકીલે જણાવ્યુ.

વારુ.” મનુએ કહ્યું અને ગાડીમાં બેશી. મનુ આશ્ચર્યચકિત થઈ ગઈ. પોતે અભણ હતી માટે જાણતી ન હતી કે તેને ૨૬ જણાના પાંચ હજાર કેટલા થાય અને પોતાને કેટલા મળવાના હતા. ગાડીમાં વકીલનો ટાયપિસ્ટ સાથે આવ્યો હતો મનુએ તેને પૂછ્યું.

હેં ભાઈ, એક જણાને ૫૦૦૦રૂ. મળે તો ૨૬ જણાને કેટલા મળે?

બે ક્ષણ ટાયપિસ્ટે વિચાર્યુ અને જણાવ્યુ: “એક લાખ ત્રીસ હજાર.”

આ સાંભળી મનુની આંખો પહોળી થઈ ગઈ. તે બોલી: “અન આમાંથી ૨૬ વાર ૫૦૦રૂ. ઓછા કરીએ તો કેટલા થાય?”

બે ક્ષણ ટાયપિસ્ટે વિચાર્યુ અને જણાવ્યુ: “એક લાખ સત્તર હજાર.”

 

                          આ સાંભળી મનુના મનમાં હરખ સમાયે સમાતો ન હતો. તે વિચારવા લાગી આટલા પૈસાનું શું કરવુ. પોણા કલાકમાં તેનું ઘર આવી ગયુ. તે લહેરાતા, ગીત ગુંજાવતા ઘરમાં આવી અને જમવાનું બનાવા લાગી. જમવાનું પરવારયા બાદ ફળિયાના આદમીઓ આવ્યા અને ક્યારે જવાનું છે, શું લઈ જવાનું છે તે અંગે સવાલ પૂછ્યા. મનુએ જણાવ્યુ.

ત્રણ દિ’ પહી તમાર લોકોએ નેકરવાનું સ, ક્યાં ભેગા થવાનું સ, ચમના જવાનું સ. એ બધુ હું તમન પહી જણાવીશ. અત્યાર ખાલી ૧૫-૨૦ દા’ડાની ગણતરી માંડીન કપડાં લે’જો. ખાવા-પીવાનું એ લોકો આલી દેશે તમન.”

 

                          નીકળવાના આગલા દિવસે વકીલ મનુના ઘરે આવ્યા. જે લોકોને આવવાનું હતું એ બધાને મનુએ અગાઉ ઘરે બોલાવી લીધા હતા. વકીલે આવીને સમજાવ્યુ: “આપ સબ સફાઈવાલે ઓર કેટરર્સ હો, સરકારી ઓફિસર્સ ઓર અંગ્રેજ અફસર જો બડી પાર્ટી ઓર પ્રોગ્રામ રખતે હે ઉસકે લિયે આપ લૉગ જા રહે હે. કોઈ ભી આપકો ટ્રેનમેં પૂછે કહા જા રહે હો તો યહી બતાના હે.”

ટ્રેનમાં જાવાનું સ?” એક આદમીએ તેના બાજુવાળાને પૂછ્યું.

મું તો ચ્યારેય ટ્રેનમાં નહીં બેઠો.” બીજાએ જવાબ આપ્યો. અંદરો અંદર ગુસપુસ ચાલુ થઈ ગઈ.

સ...શ...શ... પે’લા આમ્ન હાંભળી લો.” મનુએ બધાને શાંત પાડતા કહ્યું.

આપ લોગો કે પાસ પીછે લટકાને વાલા બેગ ઓર દો હેન્ડ બેગ હોંગે. મતલબ કી દો બેગ હાથ મેં પકડને વાલે હોંગે. આપ સબકો અપને અપને બેગ સંભાલ કે રખને હે, બેગ સંભાલ્ના આપકી જિમ્મેદારી રહેગી. આપકે સાથ હમારે ચાર આદમી રહેંગે વો જેસા આપકો બતાએ વેસા આપકો કરના હે. કોઈ સવાલ?”

ના... ના.”

ના.” બે આદમીઓએ જવાબ આપ્યો.

કલ આપ સબકો મેરી ઓફિસ આના હે.” વકીલે જણાવ્યુ.

હું તમને બધાને સાહેબની ઓફિસ લઈ જઈશ.” મનુએ જણાવ્યુ અને બધાને છૂટા કર્યા.

 

                          આદમીઓ વાટાઘાટ કરતાં ફળિયા તરફ જવા લાગ્યા. મનુ અને ઇબ્રાહિમ વકીલ ચર્ચા કરતાં ગાડી પાસે આવ્યા અને વકીલે મનુને એક વાત જણાવી. વકીલે જે વાત કહી તે એને અશક્ય લાગી રહી હતી, એમાં ઘણું જોખમ દેખાઈ પડતું હતું અને હવે, તે પાછી ખસી શકે એમ ન હતી. ફળિયાના આદમીઓને કહેવાઈ ગયું હતું. તેને થોડી ગભરાટ થઈ રહી હતી. વકીલે ત્યાંથી વિદાય લીધી. આખી રાત મનુ વકીલે કહેલી વાત વિષે વિચારતી રહી.

 

                          આગલા દિવસે સવારે બધા મનુના ત્યાં હાજર થઈ ગયા. ફળિયાના બૈરાંઓ તેમના આદમીઓને પાદર સુધી વળાવા આવી. મનુ બધા આદમીઓને વકીલની ઓફિસ લઈ ગઈ. ઓફિસની ઇમારત બહાર ટ્રક ઊભો હતો. સેનાના ક્રાંતિકારીઓએ થેલા તૈયાર રાખ્યા હતા. આદમીઓએ ટ્રકમાં ઠેલા ચડાવ્યા. મનુનું કામ અહીં પૂરું થયુ હતું. ટ્રક ઉપડયો. ફળિયાના આદમીઓ, સલિમ મેમણ, ઇબ્રાહિમ વકીલ અને સેનાના ચાર ક્રાંતિકારીઓ રેલ્વે સ્ટેશન આવ્યા.

 

                          મનુ ઇબ્રાહિમ વકીલની ઓફિસે હતી. આજે ત્રણ મહિના બાદ તેણે સહદેવને જોયો. તે વકીલની ઓફિસમાં બેઠો હતો. તેની સાથે સેનાના બે-ત્રણ માણસો પણ બેઠા હતા. મનુ અંદર આવી.

કેમ છે તું?” મનુએ પૂછ્યું.

મજામાં. તું કેમ છે?” સ્મિત સાથે સહદેવે કહ્યું.

ઠીક.” મનુએ કહ્યું. મેજથી છેટે સોફા જેવી પાટલી પર બેશી. થોડીવાર ઓરડામાં મૌન જળવાઈ રહ્યું. પછી એક ક્રાંતિકારીએ બીજા બંનેને કહ્યું: “હાલ બીડી પીયન આઇએ.” કહી ત્રણેય બ્હાર ચાલ્યા ગયા. સહદેવ વકીલની ખુરશીમાં બેઠો હતો. એણે મનુને પૂછ્યું: “તો, કેવુ ચાલે છે ઘરે? આટલા દિવસ...” તેને સૂઝ ન પડી આગળ વાક્ય ગોઠવવાની, તેથી વાક્ય અધૂરું છોડ્યુ.

સારું, ચાલે છે. બધા મજામાં.” હરખ સાથે મનુ બોલી.

ઓકે.” એકદમ હળવેથી તે બોલ્યો.

ચાર ક્ષણ શાંતિ જળવાઈ રહી, પછી તે બોલી: “તું ક્યારે પાછો જવાનો છે?”

આવતા મહિને (બે ક્ષણ બાદ) કેમ?” સહદેવે પૂછ્યું.

એમ જ... તું એ દિવસે જેલમાં મને સરખી રીતે મળ્યા વગર જતો રહ્યો, એ પછી મને બહુ દુખ થયુ, મને લાગ્યુ હવે કદાચ તું મને ક્યારેય નહીં મળે.” થોડા ઉદાસ સ્વરે તે બોલી.

અરે... એ તો ઇબ્રાહિમ અંકલ સાથે તે જે બિહેવ કર્યું એટલે મને થોડો ગુસ્સો આવ્યો હતો, અને પાછુ તે મારાથી તારા ઘરની વાત છુપાવી...”

એ વાતથી તું હજુ નારાજ છે મારાથી?”

ના હવે. પછી મને લાગ્યુ તે જે કર્યું એ બરાબર કર્યું.” સહદેવ બોલ્યો. થોડીવાર મનુ ચૂપ બેશી રહી. સહદેવ પણ ચૂપચાપ એને જોઈ રહ્યો. થોડીવાર બાદ સહદેવે પૂછ્યું: “તો તારે ગામ જ રહેવુ છે?”

હા. ત્યાં મારૂ ઘર છે.” મનુ બોલી. તેને લાગ્યુ સહદેવ પાછી જૂની વાતો ઉખેળશે. માટે તે ઊભી થઈ અને કહ્યું: “મારે હવે જાઉ જોઈએ…” કહી તે સહદેવને જોઈ રહી. સહદેવે ફક્ત મોઢું હંકાર્યુ.

તું આવને મારા ગામ. જતાં પહેલા એક વાર મને મળવા આવીશ?”

જોઈશ...” ફક્ત તે એટલુ જ બોલ્યો.

સારું. સમય હોય જો તારી પાસે મારા માટે, તો આવજે.” કહી મનુ નીકળી ગઈ. સહદેવ ક્ષુબ્ધ બની તેને જતાં જોઈ રહ્યો.

 

                          બ્હાર નીકળી ત્યાં સુધીમાં તેની આંખો ભરાઈ આવી. પોતાના મનની વાત સહદેવને જણાવી ન શકી કે તે એની સાથે રહેવા માંગે છે. આ તરફ સહદેવને પણ થઈ રહ્યું હતું કે મનુને પૂછી લે કે તે એની સાથે આવવા તૈયાર છે કે નહીં પણ મનુએ જે રીતે હાલ વર્ત્યુ એ પરથી એને લાગ્યુ મનુની ઈચ્છા કઈક બીજી હશે. મનુ તેના ઘરે જતી રહી. વકીલ અને સલિમ મેમણ ઓફિસ પાછા આવ્યા. સલીમ મેમણ, ઇબ્રાહિમ વકીલ અને સહદેવે બેશી આગળની યોજના બનાવી. સહદેવના વિચારોમાંથી મનુ ખસતી ન હતી. એને મળ્યા બાદ તે થોડો મુગ્ધ થઈ ગયો હતો અને સૂનમૂન લાગી રહ્યો હતો. રાત્રે તે તેના ક્રાંતિકારી મિત્રો સાથે બેઠો હતો ત્યારે મિત્રોએ એને પૂછ્યું.

બપોરનો આ કેમ શાંત થઈ ગયો છે?”

હા, પેલી છોકરીને મળ્યા પછી એકદમ ચૂપ થઈ ગયો છે એ.” સવારે મનુ આવી ત્યારે ઓફિસમાં જે હાજર હતા એમાંનો એક મિત્ર બોલ્યો.

એમ છે વાત?” બીજા એકે પૂછ્યું.

દોસ્તો, (આકાશમાં તારો ચીંધતા) એ પેલા ધ્રુવના તારા જેવી છે. જોઈ શકુ છું હુ એને... પણ મેળવી નથી શકતો.” કહેતા બીડીનો એક કશ લગાવ્યો.

 

*

 

                          પાછા આવી મનુએ ગાડુ કરી બે-ત્રણ ફેરા કર્યા અને આથમતા સૂર્યએ ઘર તરફ ભણી. તેને વકીલે જે વાત કહી હતી એના પર ગંભીર વિચાર કરી રહી હતી. સહદેવ અંગે પણ વિચાર આવી રહ્યા હતા કે આ બધુ છોડી એની પાસે જતી રહું? તેનું મન અંદરથી એને એમ કરતાં રોકી રહ્યું હતું. એક અજાણ્યો ડર તેને સહદેવ પાસે જતાં રોકી રહ્યો હતો. પાસે જઉ હતું પણ ચંચળ મન સંઘર્ષમાં હતું. મનુને તેણે બાંધેલી માન્યતા રોકી રહી હતી. આ ઘર, આ ગામ અને અહીંની જીવનશૈલીની માયા લાગી હતી. એની સામે સહદેવ હતો, તેનો સહવાસ હતો, એની લાગણીઓની હુંફ હતી. બસ, આ મનોસંઘર્ષમાંથી તે બ્હાર આવી શક્તી ન હતી અને આમ ને આમ બીજા પંદર દિવસ નીકળી ગયા.

 

*

 

                          એ દિવસે વકીલે મનુને લેવા ગાડી મોકલી. આજે બિહારથી ફળિયાના આદમીઓ પાછા આવવાના હતા. વગર કોઈ અવરોધે સામાન સલામત રીતે પહોંચાડી દેવામાં આવ્યો હતો. સ્ટેશને ક્રાંતિકારીઓ અને આદમીઓને લેવા માટે સેનાના માણસો, ઇબ્રાહિમ વકીલ અને મનુ આવી. સૌ પહેલા ફળિયાના આદમીઓને ઘરે છૂટા કર્યા. મનુએ ઘરે આવી પૈસા આપવા જણાવ્યુ. તેને થોડુ કામ છે કહી તે વકીલ સાથે ઓફિસ ગઈ.

મૈને તુંજે ૧૫ દિન પહેલે જો બાત બતાઈ થી, વો સોચા તુંને?” ગાડીમાં જતાં-જતાં વકીલે મનુને પૂછ્યું.

હા, પણ એવું મારા ગામમાં શક્ય નથી.” મનુએ જણાવ્યુ.

સબ કુછ શક્ય હે લડકી. તુંજે બસ થોડી હિમ્મત દિખાની પડેગી. ઝરા સોચ એક બાર જબ વો હો જાયેગા તબ તું તુંમ્હારે લોગો કે લીયે કિતના કુછ કર પાયેગી. સાથ મેં હમારા કામ ભી ઠીક સે હોતા રહેગા. ફીર ભી મે તુંજે ફોર્સ નહીં કરુંગા. તું ખુદ નક્કી કર તુંજે ક્યાં કરના હે.” ઓફિસ આવી ગઈ. ગાડીમાંથી ઉતરી વકીલ અને મનુ ઓફિસ આવ્યા. તેમણે મનુને પૈસાની બ્રીફકેશ આપી અને કહ્યું: “ઇધર સે તું ઓર ભી આગે જા શકેગી લડકી... મેને જો બોલા વો સોચના એક બાર.”

સારું. હું વિચારીને કહીશ.” અને તે ઘરે આવી.

 

                          મનુ ઘરે આવી. પૈસા લેવા માટે બધા આદમીઓ તેમના બૈરાંઓ સાથે આંગણે રાહ જોઈ ઊભા હતા. મનુએ એમને સાંજે આવવા કહ્યું. બપોરે તે સુવા માટે આડી પડી. તેનું મન ચકડોળે ચડ્યુ હતું. તેને હવે કઈ જોઈતું ન હતું. તેની પાસે જીવન-નિર્વાહ માટે પૂરતા પૈસા હતા, બળદગાડુ હતું, ઘર હતું, તેનો ભાઈ સારી જિંદગી જીવી રહ્યો હતો. તેની પાસે આખી જિંદગી આરામથી જીવી શકાય એવું બધુ જ હતું સિવાય કે સહદેવ પણ એની અને સહદેવની જીવનશૈલી અલગ હતી. મનુએ એને ઝંખવાની અપેક્ષા છોડી દીધી. બસ, વકીલે જે કર્તવ્ય તેને સોંપ્યુ હતું એ વિચાર તેને સતાવી રહ્યો હતો. આવા વિચારોના વંટોળે તે ઊંઘી ગઈ.

 

                          ૨ કલાક બાદ જાગી. વકીલ પાસેથી જે પૈસાની બ્રીફકેસ લાવી હતી એમાંથી ૨૬ પાંચસોની નોટ ગણી બ્હાર આવી. આંગણામાં ખાટ પાંથરી બેસી. સાંજના સૌ આદમી તેના આંગણે આવ્યા. મનુએ પાડોશમાં રહેતી નવ વર્ષની અંજુને પેન અને કાગળ લઈ બોલાવી અને જે-જે લોકો પૈસા લઈ ગયા એમના નામ નોંધ્યા. મનુએ વિતરણ કરતાં પહેલા કડક શબ્દોમાં સૂચના આપી: “તમે બધો જે કોમ માટે જ્યાં’તા એ કોમ વિષે તમાર કોઈન કઈ કે’વાનું નથી અન જો કોઈ પુસ તો એટલુ જ કે’વાનું કે અંગ્રેજોએ મોટા મોટા પ્રસંગ રાખ્યા’તા એમાં સાફ-સફાઈ અને ખાવાનું પીરસવા જ્યાં’તા. સમજાણુ?”

હા.” સમૂહમાં જવાબ આવ્યો. મનુએ અંજુ પાસે નામની યાદીમાં નોંધ કરાવી અને એક-એકને પૈસા આપી છૂટા કર્યા. આ કામ ચાલી રહ્યું દરમિયાન એક રબારીનો છોકરો મનુને બોલાવા આવ્યો:

એ મનુડી, તન રાઘજી બાપુએ બોલાઈશ. હાલ ઊભી થા!”

 

                          મનુ બે ઘડી વિચારમાં પડી રાઘજીએ શું કામ એને બોલાવી હશે? તેણે કહ્યું: “આટલુ કોમ પતાવી આવુ સુ.” કહી તેણે યાદીમાં જોયુ કેટલા નામ બાકી છે. થોડીવાર ઊભા રહ્યા બાદ મનુને લેવા આવેલો છોકરો અકળાયો. તેની વાતની અવગણના કરતાં તે રોષે ભરાયો: “હાળી ઊભી થાન એક વાર કીધુ એમાં ખબર નય પડતી.” એમ બોલી તે મનુની નજીક આવ્યો. મનુ ખાટ નીચે પડેલુ દાતરડુ ઉઠાયુ અને એક જાટકે ઊભી થઈ, છોકરાના ખમીસનો કાંઠલો પકડી દાતરડુ એના ગળા આગળ મૂકી દીધુ. દાંતરડા અને છોકરાની ગરદન વચ્ચે માથાના વાળ જેટલું સહેજ અંતર રહ્યું હતું. આજુ-બાજુ ઉભેલા લોકોને તો લાગ્યુ મનુએ ગળા પર દાતરડુ ફેરવી દીધુ. અચાનક થયેલા આવા વારથી એ છોકરો હચમચી ગયો. મનુ આવું પણ કરી શકે કોઈએ કલ્પના કરી ન હતી. મનુના આ પ્રહારથી છોકરો થરથર કંપી ઉઠ્યો પણ તેણે દાતરડુ એને અડાડયુ ન હતું. જાણે મા ચંડીનું રૂપ ધારણ કર્યું હોય એમ તે ગુસ્સાથી તપી ઉઠી હતી. તેના શ્વાસોના ધબકારા જાણે છાતી ફાટી બ્હાર આવી જવાના હોય એમ ફૂલી રહ્યા હતા. ચાર ક્ષણ તે એમ જ ઊભી રહી અને પછી બોલી: “ભેણબખત. કામ ચાલુ સ, હંભળાતું નહીં તન? કીધુંન આવું સુ!

મનુએ ચાર ક્ષણ દાતરડુ એના ગળાએ મૂકી રાખ્યુ અને પછી નીચે ફેંકી દીધુ. બધા આભા બની મનુને જોઈ રહ્યા. પછી તે તેની ખાટ પર બેશી ગઈ. બધા રાઘજીએ મોકલેલા છોકરા સામે જોઈ રહ્યા. છોકરાએ આજુ બાજુ જોયુ કે લોકોએ એના તરફ મીટ માંડી હતી. તે હજી મનુએ કરેલા પ્રહારના ડરમાં સમસમી રહ્યો હતો. અપમાન અને ડરનું સંવેદન તેને એકસાથે થઈ રહ્યું હતું, તે પાછો હઠયો અને પોતાના ઘોડા પર સવાર થઈ નીકળી ગયો.

 

                          ફળિયાના લોકો છોકરાને જતાં જોઈ રહ્યા અને વિચારવા લાગ્યા હવે મનુનું આવી બન્યું. મનુની બાજુમાં બેસેલી અંજુ પણ ડરથી ફફડી ઉઠી હતી. તે પૂતળાની માફક ચોંટી ગઈ. મનુએ એને પૂછ્યું: “ચેટલા નોમ બાકી રયા?”

સસ...સાત.” ડરતા-ડરતા તેણે જવાબ આપ્યો. ડરથી ગંભીર થઈ ગયેલો અંજુનો નિર્દોષ ચહેરો જોઈ મનુનો ગુસ્સો ઠંડો પડ્યો. આંગણે ઉભેલા આદમીઓ તેને સલાહ આપવા માંગતા હતા કે આવુ રબારીના છોકરા સાથે ન હતું કરવા જેવુ પણ મનુના ક્રોધનો એમને પણ ડર લાગી રહ્યો હતો માટે ચૂપ રહ્યા. મનુની પાસે બેસેલી અંજુ હજુ પણ ડરમાં હતી. તે યંત્રવત બની નામ આગળ જે વ્યક્તિ પૈસા લઈ જતી હતી એની નોંધ કરી રહી હતી. હિસાબ પતાવી દીધા બાદ સૌ પોતાના ઘર તરફ ભણ્યા. અંજુ ડરથી હલી પણ રહી ન હતી. તેને એમ ગંભીર બેઠેલી જોઈ મનુને એના પર વ્હાલ આવ્યું. તેણે એના માથે હાથ ફેરવી, ગાલે બચી કરી.

થોડીકવાર બેહ અંજુ. મું તારા માટે કઈક લાવીસુ.” કહી તે ઘરમાં ગઈ. અંજુ ચૂપચાપ સ્તબ્ધ બની બેશી રહી.

 

                          થોડીવાર બાદ મનુ આવી અને અંજુને પાંચ રૂપિયાની નોટ આપી. હળવેથી અંજુએ નોટ લીધી અને મૂઠી વાળી ધીમે ધીમે ચાલવા લાગી. મનુના આંગણેથી બ્હાર નીકળ્યા બાદ તે દોડતી તેના ઘરે જતી રહી, તેને એમ દોડતા જોઈ મનુ હસવા લાગી. પછી તે રાઘજીના ઘર તરફ ભણી. રાઘજીએ એને શું કામ બોલાવી હશે, એ તે ઓછા વત્તે અંશે અનુમાન લગાવી ચૂકી હતી માટે તૈયારી સાથે રાઘજીના ઘરે પહોંચી.

 

                          રાઘજીના ઘર આંગણે શમાજી, અરજણ અને બે આદમી ઊભા હતા. રબારીની સાથે એનો છોકરો પણ ઊભો હતો જે થોડી વાર પહેલા મનુ પર ધાક જમાવા આવ્યો હતો. મનુએ આવીને રાઘજીને અને બધાને પ્રણામ કર્યા. રાઘજી પૂછવાનું કે કઈ કહેવાનું ચાલુ કરે એની પહેલા રબારી બોલ્યો:

તે લી મારા સોકરાના ગરાએ દાતરડુ મેલ્યુ?”

ડોકુ ધૂણાવી મનુએ હા પાડી.

ચમ લી... એટલી બધી મોટી હમ્જ જ સ તું તારી જાતન... હાળી વાધરણ!” પોતાની લાકડી જમીન પર જોરથી પટકાવતાં રબારી બોલ્યો.

મારા ફળિયાના આદમીઓ હામે, મારા ઘરમાં મન તોછડાઈથી બોલાવા કોઈ આવ, તો મારે હું જવાબ આપવો?” મનુએ રબારીને પ્રશ્ન કર્યો. આ સાંભળી રબારી ચૂપ થઈ ગયો. એ પછી મનુએ ઉમેર્યુ: “ઇણે બધાની હામે... મું જે લોકોન દાડીએ રાખુ સુ એમની હામે મન ધમકાઈ અન મન મારવા આવતો’તો, હવ મારીય આબરૂ સ. મું જે આદમીઓન કોમે રાખુ એની હામે કોઈ મન દબડાઈ જાય...(તે રાઘજી તરફ ફરી) તો મું હું કરું રાઘજી બાપુ?”

નવઘણ... તારા સોકરાન થોડો દાબમાં રાખ, ગોમમાં ગમે ઈના ઘરે જઈ દાદાગીરી કરવા જાય ઇ નો હાલે. આ સોડીની વાત હાચી સ.” રાઘજીએ કહ્યું. હાજર ઉભેલા સૌને વિશ્વાસ ન હતો આવતો કે ન્યાય પછાત જાતિની છોકરીના પક્ષમાં ગયો પણ તાર્કિક રીતે અને સામાજિક રીતે મનુ સાચી હતી અને એક સરપંચના હોદ્દાથી જે નિર્ણય આવ્યો એને બધાએ સરમાન્ય રાખવો પડયો. પછી રાઘજીએ મનુને પૂછ્યું:

હું તે નવું માંડયુ સ વળી? આ તમાર ડેલાના આદમીઓન ચ્યાં મોકલ્યા’તા તે?”

બાપુ એ તો શે’રમાં અંગ્રેજોના કાર્યક્રમો હતા, ‘ને ત્યાં સાફ-સફાઈ અને જમવાનું પીરસવાવારાની જરૂર હતી. તે બધા આદમીઓ જ્યાં’તા.”

બે ઘડી રાઘજી એને જોઈ રહ્યો અને કહ્યું: “ ’ને આવી વાત મન કે’વી તન જરૂરી નો લાગી?” મનુ માથુ જુકાવી ઊભી રહી. તેની પાસે યોગ્ય જવાબ ન હતો એટલે રાઘજીએ આગળ બોલવાનું ચાલુ રાખ્યુ: “હાળીઓ જાત ભૂલી જ્યાં સો કે હું તમે, હે? જેમ મન ફાવે એમ કરવા લાગ્યા સો. તમાર સોકરાઓન ભણવાની પરવાનગી આલી એટલે તમન મન ફાવે એમ અમન પુસયા વગર બધુ કરશો... એમ?” રઘજી તાડૂકયો અને તેણે મનુને ઘણુ બધુ સંભળાવી દીધુ.

 

                          મનુ સંયમ રાખીને બધુ સાંભળી રહી. તે ચાહતી હોત તો હમણા આગળ વધી રાઘજીની ગળચી મરોડી શકત પણ તેને એમ કરવુ યોગ્ય ન લાગ્યુ. જેલમાં આત્મરક્ષણ અને ખુલ્લા હાથે કરવાની આક્રમણની મરણતોલ યુક્તિઓ તેને આવડતી હતી પણ અત્યારે એનો ઉપયોગ કરવાથી બહુ બધુ મુસીબત ઊભી થઈ શકે એમ હતી અને દરબારોની શેરીમાંથી સરપંચને સુવડાવ્યા બાદ પોતે સલામત નીકળી શકે એમ ન હતી માટે મૌન રહી રાઘજીના, શમાજી અને રબારીના તીક્ષ્ણ જાતિ અંગેના લાંછનો સાંભળી રહી.

 

                          મનુ મૂંગા મોઢ ઘરે આવી. ગુસ્સાથી તેના ભવા ચઢેલા હતા. રાત્રે સૂતા પહેલા તેણે સંકલ્પ લીધો કે આ અપમાનનો પ્રતિશોધ તે લેશે. આગલા દિવસે તે વકીલ પાસે ગઈ અને સાંજવાળી ઘટના તેમને જણાવી. મનુને વકીલે જે અશક્ય કામ સોપ્યુ હતું, તે કરવા રાજી થઈ. આ સાંભળી વકીલે તેને ઉપાય આપ્યો, મનુ અશક્ય લાગતાં એ કામ માટે તૈયાર થઈ અને વકીલે તેને કેવી રીતે શું કરવુ એની સંપૂર્ણ યોજના સમજાવી. ત્યારબાદ તેઓ તાલુકા ઓફિસ ગયા અને મનુનું સરપંચની ઉમેદવારીમાં નામ નોંધાવ્યુ.

 

*

 

(ચૂંટણીનો માહોલ)

૧૫ દિવસ બાકી

 

                          ગામ આખામાં ચૂંટણીનો રંગ જામી ગયો હતો. રાઘજી છેલાજી દેસાઇ અને શમાજી નરોત્તમસિંહ રાજપૂત ગામના બે મોટા માથા સરપંચની ચૂંટણી માટે સામ-સામે ઊભા હતા. રાઘજીએ ગયા ૫ વર્ષમાં ગણાવી શકાય એવા ઠીક ઠીક કામો કર્યા હતા, જેમાં રોજગાર આવી ગયો, બાજુના ગામમાં નિશાળે બાળકોને ભણવાની વ્યવસ્થા કરી આપી. વર્ણવ્યવસ્થાના કારણે તેણે પછાત વર્ગના બાળકોને સવર્ણો સાથે નિશાળ જવા પર રોક લગાવ્યો હતો પણ એ જાતિના લોકો માટે ટૂંકાગાળાના રોજગારની તકો પૂરી પાડી હતી. રાઘજીએ અંદરો-અંદર જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના ઝઘડાઓ અને વિખવાદોનો ઉભયસંતુંષ્ટ નિવેડો લાવી આપેલો. સમગ્ર રીતે આ પાંચ વર્ષના કાર્યકાળમાં રાઘજીએ ગામમાં લગભગ યોગ્ય શાસન કર્યું હતું.

 

                          આ તરફ શમાજી સરપંચ બનવા માટે અધીરા થઈ રહ્યા હતા. તેની પાસે માલ-મિલકત અને બાપ-દાદાની આબરૂ સિવાય કઈ ન હતું. એક સમયે એમના પરદાદાઓ રાજા અને શૂરવીર હતા. શાસન કરવુ એ શમાજીના વારસામાં હતું પણ કેવી રીતે શાસન કરવુ એ શમાજી ક્યારેય શીખી ન શક્યા. આ વાતની ઉણપ ગામ લોકો સમક્ષ છતી થઈ ચૂકી હતી માટે ગઈ વખતે રાઘજીના પક્ષમાં મતદાન લોકોએ કર્યું હતું. એટલે જ આ વખતે ચૂંટણી જીતવા માટે શમાજીએ કોઈ કસર બાકી રાખી ન હતી. જેટલા પૈસા જાય, એટલા તે ઉડાડવા તૈયાર હતા. એ માટે તેણે ઠાકોરોને દારૂની દાણચોરી કરવામાં ટેકો કરી આપ્યો. ગામના રબારી અને ભરવાડો જે વાસનાના ભૂખ્યા હતા એમના માટે પોતાના ખેતરોની રખેપાતોમાં ગણિકાઓની વ્યવસ્થા કરી આપી.

 

                          શમાજી અને રાઘજી બંનેએ એક સરખી ભૂલ એ કરી કે તેઓએ ફક્ત સવર્ણોને જ રીઝવવા માટે હાથપગ હલાવ્યા, સવર્ણોની જ સુવિધા વિષે વિચાર્યુ જ્યારે ગામમાં દલિતોની વસ્તી એમના કરતાં બે ગણી હતી. એની સામે મનુએ સ્વને ભૂલીને લોકોની મદદ કરી હતી. ઓછા સમયમાં શ્રમ વીના ફળિયાના લોકોને એટલા પૈસા કામવી આપ્યા, જે કમાવા જતાં તેમને ત્રણ મહિના થઈ જાત. જેમ વકીલે તેને સૂચવ્યું હતું એમ તેણે કોઈને જણાવ્યુ નહીં કે પોતે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.

 

(૧૪ દિવસ બાકી)

 

                          રવિવારે ફળિયાના સૌ આદમી-ઓરતો અને બાળકોને બોલાવી જાહેરાત કરી કે હવે બાળકોએ નિશાળ જવા માટે મૂળજીના ટ્રેકટર પર બેશી જવાનું નથી. તે પોતાનું બળદગાડુ બાળકોને લેવા-મૂકવા માટે રાખશે અને એક પૈસો પણ નહીં લે. સૌ કોઈ આભારદર્શક ભાવે તેને જોઈ રહ્યા અને તાળીઓથી વધાવી લીધી.

આવતી કાલથી આપણા ફળિયાના બધા સોકરાઓ મારા બરદગાડામાં નેહાર જશે.” મનુએ જાહેરાત કરી એ સાથે આનંદથી બધી બાળકીઓ ઝૂમી ઉઠી. આદમી અને બૈરાંઓ પણ ખુશ થઈ ગયા જાણીને કે આવતા વર્ષથી તેમના બાળકોનું શિક્ષણ નહીં અટકે. મનુની આ આપસૂઝથી લોકોમાં તેનું માન વધી ગયુ. તેણે ફળિયાના એક માણસને બળદગાડુ લઈ જવા અને લાવવા માટે સોંપ્યુ. વળતી વખતે તે ગામ બાજુ આવતા ઉતારુંઓને બેસાડી લેતો એટલે ફેરો ખાલી જતો નહીં. સવર્ણો સુધી આ વાત પહોંચી ગઈ પણ એનાથી એમને ખાસ કોઈ ફેર પડ્યો નહીં. ફટકો પડયો હતો મૂળજીને. તેની રોજીંદી આવક આવતી બંધ થઈ ગઈ.

 

(૭ દિવસ બાકી)

 

                          આજે તાલુકા આયોગ અધિકારીઓ ઉમેદવારો માટેના નિવેદન પત્ર પર અંગુઠો કરાવા આવ્યા હતા. આ નિવેદન પત્ર પ્રમાણે જ્યાં સુધી ચૂંટણી પતે નહીં ત્યાં સુધી ઉમેદવાર કોઈપણ જાતના પ્રલોભનો આપીને, મતદારને ધાક ધમકી આપી કે બળજબરી કરી મત મેળવવાનો પ્રયત્ન નહીં કરે અને જો એમ કરતાં જણાશે તો તેની ઉમેદવારી આગામી ૧૫ વર્ષ સુધી અમાન્ય ગણવામાં આવશે અને દંડ ભરવો પડશે. આ નિયમોની ચકાસણી હેતુ આયોગ અધિકારીઓ તપાસ કરવા આવ્યા હતા કે ઉમેદવારો સામાન્ય નાગરિકોને કોઈ જાતની જબરદસ્તી કે પ્રલોભનો આપી લલચાવી તો નથી રહ્યા ને. એ માટે પ્રથમ તેમણે ગામમાં બધી શેરીઓમાં જઈ મૌખિક મોજણી કરી. કોઈ ઉમેદવારે નિયમોનું ઉલ્લઘન કર્યું હોય એમ જણાયુ નહીં.

 

                          એ પછી આયોગ અધિકારીઓ શમાજી પાસે જઈ નિવેદન પત્ર પર અંગુઠો લેવડાવ્યો. ત્યારબાદ તેઓ રાઘજી પાસે ગયા. રાઘજી ઘરના મુખ્ય ઓરડામાં હીંચકા પર બેઠો હતો. નવઘણ રબારીનો પુત્ર જ્યોતિર્લીંગ પાસે ઊભો હતો. રાઘજીએ જ્યોતિર્લીંગને અધિકારીઓ માટે બેસવાની વ્યવસ્થા કરવા કહ્યું અને ચા-નાસ્તાનું પૂછ્યું. દરમિયાન રાઘજીના પત્ની મહેમાન માટે પાણી લઈ આવ્યા. ત્યારબાદ જ્યોતિર્લીંગ તેમને મદદ કરવા રસોડામાં ચાલ્યો ગયો. ચુનાવ આયોગ અધિકારીઓમાંથી એક જણ રાઘજીને ઓળખતો હતો. તેણે રાઘજીને કહ્યું:

બાપુ આ વખતે તો બોવ રસાકસી છે ને કાઇ ચૂંટણીમાં...”

હા, શમો ધમપસાડા કરી રહ્યો સ, ગામવાળાન એની તરફેણમાં કરવા હાટુ.” રાઘજીએ કહ્યું. તે અધિકારી ખડખડાટ હસ્યો અને બોલ્યો: “ના...ના, હુ એની વાત નથી કરતો, આ નવુ ઉમેદવાર કોણ ઉભુ થયુ છે ગામમાંથી?”

આ સાંભળી રાઘજી થોડો ગંભીર થયો. તેણે પૂછ્યું: “નવુ... કોણ?”

મનરાગીની નાથપૂજક. એવું નામ લખ્યુ છે.” અધિકારીએ જણાવ્યુ.

મન...રાગિની... આ નોમ મેં ચ્યારેય નહીં હાંભળ્યુ. (વિચારોમાં ગર્ત તે નીચે જોઈ રહ્યો, થોડીવાર બાદ) સરનામુ ક્યાંનું સ?”

દેવી-નિવાસ, નાથપૂજક વાસની ચાલી, નાની તલાવડી પાસે.” અધિકારીએ જણાવ્યુ.

રાઘજીની આંખો અધ્ધર થઈ ગઈ. જ્યોતિર્લીંગ બધા માટે ચા લઈ આવ્યો અને મેજ પર મૂકી. બે ક્ષણ રાઘજી અધિકારી સામે જોઈ રહ્યો અને વિસ્મયકારક ભાવે બોલ્યો: “આ ના બને...ના...ના...ના, આ હોય જ નૈ!” કહી તે ઊભો થઈ ગયો. ચુનાવ અધિકારીએ ચા લેવા હાથ લંબાવ્યો.

 

                          રાઘજી ઊભો થઈ બ્હાર નીકળી ગયો. તેની પાછળ જ્યોતિર્લીંગ ગયો. ત્રણેય અધિકારીઓએ ચા પડતી મૂકી અને બ્હાર દોડ્યા. રાઘજી તબેલામાંથી ઘોડા પર સવાર થઈ બ્હાર આવ્યો. જ્યોતિર્લીંગ એની પાછળ ગયો. રાઘજીને જતાં જોઈ પૂછ્યું: “ક્યાં જાવ સો બાપુ? હું થયુ?”

પેલી વધારણ એની જાત ભૂલી જઈ સ, એની જાત બતાવા જાઉ સુ.”

પે’લા આ નિવેદન પત્ર પર અંગુઠો મારી દ્યો એટલે અમે છૂટા થઈએ.” આયોગ અધિકારીએ કહ્યું અને એના કાગળના થેલામાંથી નિવેદન પત્ર કાઢ્યુ. ફટાફટ રાઘજીએ અંગુઠો લગાવ્યો અને હવા સાથે વાતો કરતો મનુના ઘર તરફ ભણ્યો.

 

                          મનુના આંગણે ઊભા રહી રાઘજીએ બૂમ પાડી: “મનુડી...(બે ક્ષણ બાદ કઈ પ્રતિસાદ ન આવતા) એ મનુડી...” પોતાના નામની રાડો સંભળાતા મનુ બ્હાર આવી. રાઘજી ઘોડાથી નીચે ઉતરી આંગણે આવ્યો:

તે ચુંટણીમાં નોમ લખાયુ સ?”

હોવ.” મનુએ જવાબ આપ્યો.

હાળી, તારી ઓકાત ભૂલી જયસુ તું? ઓલા દા’ડે એટલુ બોલ્યા, કઈ મગજમાં ના ઉતર્યુ તારા?” રાઘજી ત્રાટક્યો.

મનુએ આરામથી ઓસરીમાં ખાટ પાંથરી પગ પર પગ ચઢાવી બેશી અને બંને ઢીંચણે હાથ રાખી બોલી: “મારી ઓકાત મન ખબર પડી ગઇસ. હવ તન તારી ઓકાત બતાડવાની સ.” આ સાંભળી રાઘજી ગુસ્સાથી ઉશ્કેરાઇ ગયો અને બોલ્યો: “હરામજાદી, મુ સુ એટલે તમે બધા આ ગોમમાં જીવી હકો સો... નયતર ઉજાડી દીધી હોત આ વસ્તી ચ્યારની.”

એમ... તાકાત હોય તો ઉજાડીન બતાડ.” કહી હળવેથી ખાટ નીચે તેણે હાથ જવા દીધો.

મારી હામુ બોલ સ! નીસ ના પેટની!” કહી રાઘજી હાથ ઉગામવા આગળ આવ્યો.

 

                          જેવો તેનો હાથ મનુની નજીક આવ્યો. મનુ જમીન પર પડેલું દાતરડું ઉઠાયુ અને એક ઝાટકે ઊભી થઈ. ખાટ થોડી પાછળ ઢસડાઈ. રાઘજીના આંગળા મનુને અડે એ પહેલા તેણે એના ગળા પર દાતરડુ ફેરવી દીધુ. ગળુ ચીરાતા રક્તના છાંટા ઊડ્યાં અને દાતરડાની અણીએથી લોહીનો એક રેલો નીતર્યો. રાઘજીના ગળાથી લોહી તેની છાતી પર ઉતરવા લાગ્યુ. ગામના એકેય સવર્ણના અડવાથી હવે તે અભડાઇ જવા ન હતી માંગતી. રાઘજી હજુ પણ હાથ ઉગામવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મનુ એક ડગલુ પાછળ ખસી અને ઉપરા છાપરી પાંચ છ દાતરડાના ઘા એણે રાઘજીની છાતીમાં ઉતારી દીધા. છ ઘા પડ્યા બાદ રાઘજી બચાવ માટે અવળો ફરવા ગયો, દરમિયાન એક ઘા વિચિત્ર રીતે તેના ખભા અને બરડા પર વાગ્યો. એની સ્વરપેટીની નળીઓ કદાચ કપાઈ ગઈ હશે માટે તેના મોઢામાંથી અવાજ નીકળી રહ્યો ન હતો પણ તેના નાકમાંથી અને મોઢામાંથી નીકળતા શ્વાસના ડચકા તેની મરણતોલ પીડા દર્શાવી રહ્યા હતા. રાઘજી અવળો ફરી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ તે ભાન ગુમાવી રહ્યો હતો. લથડિયા ખાતા દિશાના ભાન વિના તે મનુના ઘર તરફ બે ડગલાં આગળ ચાલ્યો. મનુને એ દિવસના અપમાનના શબ્દો યાદ આવતા વધારે આક્રોશમાં આવી અને રાઘજીના બરડામાં દાતરડાના ઘા ઉતારવાના ચાલુ કરી દીધા. દર્દથી રાઘજી વિચિત્ર રીતે તરફડિયા મારી રહ્યો અને જમીન પર પટકાયો.

 

                          રાઘજીને મનુની સંપૂર્ણ રાજનીતિ હવે ખબર પડી. કેમ એણે એના ફળિયાના આદમીઓને રોજગાર અપાયો અને કેમ ફળિયાની છોકરીઓને નિશાળ ભણતી કરી. રાઘજી એ સમયે જ એને રોકી દીધી હોત તો અત્યારે આ સ્થિતિ ઊભી ન થાત. તે એ ક્ષણ યાદ કરી રહ્યો જ્યારે મનુ તેની ફળિયાની છોકરીઓને નિશાળ ભણવા માટેની આજીજી કરવા આવી હતી. રાઘજીએ ક્ષણે એને રોકી નહીં એ વાતનો અફસોસ કરતાં એને જોઈ રહ્યો. મનુના પંડ પર રાઘજીના લોહીના ફોરા ઉડયા હતા. અસૂરોનો વિનાશ કરતી મા કાલી જમીન પર ઉતરી હોય એમ મનુ રાઘજીની છાતી પર ચઢી બેશી અને એક છેલ્લો ઘા એના ગળા પર નાખી તેનું માથુ ધડથી અલગ કરી નાખ્યુ. રણચંડી જેવુ રૌદ્ર રૂપ તેણે ધારણ કર્યું હોય એમ વંટોળિયા શ્વાસે શ્વાસ ભરી રહી હતી અને તેની આંખોના ડોળા પ્રચંડ બની ગયા હતા.

 

                          ખરો બપોર હતો. આજુબાજુ કોઈ માણસ દેખાતું ન હતું. મનુએ આસપાસ નજર કરી, રસ્તા પર જોયુ પણ કોઈ દેખાયુ નહીં. ફળિયા બાજુ નજર કરતાં તેણે ભાળ્યુ દૂર ઊભેલી અંજુ મોઢામાં આંગળા નાખી આ દ્રશ્ય જોઈ રહી હતી. જેવુ મનુએ એની સામે જોયુ, તે ગભરાટથી દોડતી તેના ઘરે જતી રહી. કોઈ રાઘજીને હાલતમાં જોવે એ પહેલા મનુ એને ઢસડી અંદરના ઓરડામાં મૂકી આવી. બ્હાર ઓસરીમાં જમીન પર લોહીની સપાટી તરી આવી હતી. મનુએ પાણીથી પોતાનું પંડ સાફ કર્યું અને બ્હાર ફટાફટ પોતું માર્યુ. તે પોતું કરી રહી હતી દરમિયાન જાનકી આવી.

અલી મનુડી...” તેને પોતું મારતા જોઈ ચમકી ઉઠી: “ચમ આમ અર્ધી બપોરે પોતું કર સ?”

હવાર રય જ્યુ’તું.” તે બોલી જાનકીને ડોલમાં પાણી રાતા રંગનું દેખાઈ પડતું હતું. જાનકી આગળ બોલવા જાય એ પહેલા એણે કહ્યું: “ઓટલાની હેઠે ઉતર.”

હું ઢોળાયુ?” કહેતા તે ચાર ડગલા નીચે ઉતરી.

મટન બનાયુ’તું, તપેલું ગરમ હતું તે છટકી જ્યુ.” મનુએ જવાબ આપ્યો અને પૂછયુ એ શું કામ આવી હતી.

હાંજે લાકડા વેણવા જઇસુ આપડે. એ કે’વા આવી’તી.” જાનકી બોલી રહી અને ઓરડા તરફ જોઈ રહી.

હારુ.” મનુએ જોયુ જાનકી એ તરફ જોઈ રહી છે. તે ફટાફટ ઊભી થઈ, ઓરડાના કમાડ પર તાળુ માર્યુ અને ડોલ વાસણ માંજવાની પડાળીમાં ઢોળી અને પોતા પર ડોલ ઊંધી મૂકી દીધી. જાનકી તેને જોઈ રહી. મનુ પાછી આવી અને રાઘજીના ઘોડા પર સવાર થઈ.

આ કુનો ઘોડો સ?” જાનકીએ પૂછ્યું.

આવીને કવ.” મનુ બોલી અને પવનના સુસવાટાના સંગાથે નીકળી પડી.

અલી ચ્યાં જવ સુ?” જાનકીએ પૂછ્યું જે સાંભળવા મનુ રોકાઈ નહીં.

 

                          આ ગામમાં જ્યાં દલિતો અને શુદ્ર જાતિના લોકોને ઘોડા પર સવારી કરવાની પણ મનાઈ હતી. એક દિવસ શોભા માટે પણ ઘોડા પર બેશી વરઘોડો નીકાળી શકતા ન હતા, એ ગામમાં મનુ ઘોડો લઈ નીકળી પડી હતી. તેણે દાતરડું ધોઈને કમરે ભરાવ્યુ હતું. તેના ફળિયાનો માર્ગ વટી આગળ ગઈ. તે બજાર તરફ આવી. જો કોઈ સવર્ણ એને ઘોડા પર ફરવા માટે રોકે તો ગામમાં બીજો એક સવર્ણ ઓછો કરી દેવા તેણે દાતરડુ કાઢી હાથમાં પકડી લીધુ. ૪ મહિનાથી લોકો મનુના અવનવા કરતબો જોઈ રહ્યા હતા, માટે આ વાત એટલી વિશેષ લાગી નહીં પણ સવર્ણોને એ વાત ખૂંચી રહી હતી. તેના હાથમાં દાતરડુ જોઈ બધા અસમંજસમાં મુકાયા કે મનુ કેમ આમ ભાગી રહી હતી. આગળ કોઈ કઈ વિચારે એ પહેલા મનુ ઝડપથી પસાર થઈ ગઈ.

 

                          મનુએ જંગ છેડી દીધી હતી અને દુશ્મન બળવાન હતા. જે મર્યો એ નહીં પણ સવર્ણોની આખી કોમ. જેવા સમાચાર સવર્ણોને મળશે કે તેણે ચૂંટણી માટે નામ નોંધાવ્યુ છે એ જાણીને અને રાઘજીના મોતના સંદેશથી એ લોકો શું પ્રતિઉત્તર આપશે એનો ડર મનુને સતાવા લાગ્યો. તે ગામ વટી ગઈ. એ પછી તેણે ઘોડો થોડો ધીમો પાડ્યો અને આરામથી ઊંડો હાશકારો છોડ્યો. તે વકીલની ઓફિસ તરફ જઈ રહી હતી.

 

                          ઓફિસ પહોંચી તેણે ઇમારતની ડાબી બાજુ જ્યાં છાંયો હતા ત્યાં લોખંડની જાળીએ ઘોડાની લગામ બાંધી અને અંદર આવી. અચાનક મનુને જોતા વકીલ ચમકી ઉઠ્યા. સહદેવ પણ એમની સાથે બેઠો હતો. મનુ આવી એટલે વકીલે પૂછ્યું: “ક્યુ લડકી અચાનક કેસે આઈ?”

ઘોડા પર.” મનુ દોડતી આવી હતી માટે હાંફી રહી હતી અને પોતે જે કારનામુ કર્યું હતું એના કારણે હજુ તેની છાતી ફૂલી રહી હતી.

ઘોડે પે કેસે, તેરે પાસ કેસે ઘોડા આયા?” વકીલે પૂછ્યું. આડી અવળી વાતમાં સમય બગાડ્યા કરતાં મનુએ સીધે સીધુ જણાવ્યુ:

આજે મારા ગામનો સરપંચ મને મારવા આવ્યો’તો મેં ચુંટણીમાં નામ લખાયુ હતું ને એટલે... તો મેં એને આ દાતરડાથી મારી નાખ્યો.” કહી તેણે દાતરડું બતાવ્યુ.

 

                          વકીલ અને સહદેવ બંને ચોંકી ઉઠ્યા. વકીલ તેમની ખુરશીમાંથી ઉઠી તેની પાસે આવ્યા અને ફરીથી પૂછ્યું: “ક્યાં કીયા તુંને?” કહી દાતરડા સામે જોયું, દાતરડાના હાથા પર સહેજ લોહી ચોટેલુ લાગી રહ્યું હતું.

મેં રાઘજીન મારી નાખ્યો સ.” મનુ બોલી.

કેસે ઠીક સે બતા.” વકીલે પૂછ્યું.

 

                          મનુએ શરૂથી લઈને અંત સુધી પોતે શું કરીને આવી હતી એ જણાવ્યુ. વાત જાણ્યા બાદ વકીલે યોજના બનાવી. સહદેવને પણ યોજનામાં સામેલ થવુ હતું. માટે વકીલે એને પણ યોજનામાં સામેલ કર્યો. તેઓ બ્હાર આવ્યા. યોજના પ્રમાણે સહદેવને ઘોડા પર સવાર થયો, વકીલ અને મનુ ગાડીમાં નીકળ્યા. તેઓ ગામ તરફ આવી રહ્યા હતા. કલાક બાદ તેઓ ગામ પહોંચ્યા. મનુના ઘર આગળ લોકોનું ટોળુ ઉભુ હતું. મનુ ડરી ગઈ, લાશ પકડાઈ ગઈ કે શું? મનુને આવતા જોઈ બધા એ તરફ ફર્યા. સવર્ણો, ફળિયાના લોકો, ચુનાવ અધિકારીઓ, જ્યોતિર્લીંગ, અને શમાજી ઊભા હતા. મનુને આવતા જોઈ એક અધિકારીએ કહ્યું: “સારું થયુ તમે આવી ગયા, બાકી અમે નીકળી ગયા હોત.”

મારે થોડુ કામ હતું એટલે બ્હાર ગઈ’તી” મનુએ સ્વસ્થતાથી જણાવ્યુ.

 

                          મનુને અધિકારીઓને અંદર બોલાવ્યા. તે ઓસરીમાં ખાટ પર બેશી. અધિકારીઓ ઊભા રહ્યા અને એકે એના થેલામાંથી નિવેદન પત્ર કાઢી અંગુઠો લેવડાવ્યો. દરમિયાન વકીલ મનુની પાસે બેઠો. સહદેવ હજુ પણ ઘોડા પર ચડેલો હતો. બધાની નજર તેના પર હતી. કોઈ આ અજાણ્યા માણસને ઓળખતું ન હતું. સહદેવને ઘરની પાછળ વાડો દેખાઈ પડતો હતો. તે નીચે ઉતર્યો અને ઘોડાની લગામ પકડી મનુના વાડામાં ઘોડો મૂકી આવ્યો. મનુ પ્રથમવાર ચુંટણીમાં ઊભી રહી હતી માટે અધિકારીઓએ તેને નિયમો જણાવ્યા અને ચૂંટણીની પ્રક્રિયા સમજાવી. બ્હાર ઊભેલી લોકોની ભીડ અધિકારીઓના જવાની રાહ જોઈ રહી હતી. સહદેવ વાડામાં ઘોડો બાંધી આંગણે આવ્યો. અધિકારીઓ સાથે વાત પતી એટલે વકીલ એને કઈક સમજાવી રહ્યા હતા. જેવા અધિકારીઓ ત્યાંથી નીકળયા એવા ગામના બધા લોકો અંદર આવ્યા.

મનુડી તું ચુંટણીમાં ઊભી સુ?”

રાઘજી બાપુનો ઘોડો તારી પાહે ચમનો આયો?”

રાઘજી બાપુ ચ્યાં સ?” એક સાથે સૌએ સવાલ પૂછવાના ચાલુ કર્યા. શમાજી મનુને જોઈ રહ્યા અને બોલ્યા: “એ મનુડી, તે ચમ ચુંટણીમાં નોમ લખાયુ સ? નોમ પાસુ લઈ લે.”

નોમ પાસુ ખેંચવા નહીં લખાયુ.”

તારી જાત ભૂલી જય સુ કે હું?” શમાજી બોલ્યા.

ના, પણ તારી તાકાત નહીં આ ગોમન ચલાવાની!” મનુ બોલી.

શું બોલી હાલી વધારણ!” શમાજી ઉશ્કેરાઈને બોલ્યા.

તું તારા બાપ-દાદાની મિલકતના રોટલા તોડયા કર. ગામ હંભાળવુ તારું કોમ નહીં.” મનુએ શાંતિથી જવાબ આપ્યો.

જ્યોતિર્લીંગ વચ્ચે બોલ્યો: “રાઘજી બાપુનો ઘોડો તારી પાહે ચમનો આયો?”

એ ઘોડો રાઘજી બાપુનો સ?” મનુએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

હોવ.” જ્યોતિર્લીંગ બોલ્યો.

મન ન’તી ખબર” મનુએ કહ્યું.

ચ્યાં સ બાપુ?”

મન નય ખબર?

તો આ ઘોડો તારી પાંહે ચમનો આયો?”

મુ પાદરે મંદિરે જઈ’તી, ત્યાં મન મળ્યો’તો અન આ વીંટી મળી.” કહી તેણે વીંટી બતાવી.

આ તો બાપુની વીંટી સ.” જ્યોતિર્લીંગ બોલ્યો અને વીંટી તરફ જોઈ રહ્યો.

એ બધુ મેલ હમડા... મનુડી તારુ નામ પાસુ લઈ લે.” શમાજી મૂળ વાત પર આવ્યા.

આ જે કારા કોટમાં ભઈ બેઠો સ ન મારી બાજુમાં એ વકીલ સ. ચૂંટણીના નિયમો પ્રમાણે કોઈએ બળજબરી કરી તો એના પર આ વકીલ જોડે હુ કેસ ઠોકાવડાઈ દઈસ” મનુએ કહ્યું.

તારુ નામશેષ કરી નાખીશ આ ગામમાંથી, મનુડી તન આયા રે’વુ મુશ્કેલ થઈ જશે.” શમાજીએ ધમકી આપી. પાછળ ઉભેલા ગ્રામજનો, સવર્ણો, વકીલ અને સહદેવ આ સાંભળી રહ્યા.

તારી જાત ભૂલી જઇસુ... હરામજાદી!” કહી એક દરબાર લાકડી લઈ તેને મારવા આવ્યો.

 

                          સહદેવની નજર તેના પર પડી. સહદેવ એ આવી રહ્યો હતો એની ડાબી બાજુ ઊભો હતો. જેવો તે મનુની નજીક આવ્યો અને લાકડી ઉગામી તેવી સહદેવે એની કમર પર લાત મારી. દરબાર કાંટાવાળી જાડીજાંખરાની વાડમાં અવળો પડ્યો, બીજા બે દરબાર લાકડી લઈ આગળ આવ્યા. એક દરબાર લાકડી ઉગામી એને મારે એ પહેલા સહદેવે લાકડી પકડી એના નાક પર કોણી મારી અને પછી પેટમાં લાત મારી દૂર ફંગોળી દીધો. બીજો દરબાર આગળ આવ્યો. સહદેવે એની કમરમાંથી પિસ્તોલ કાઢી અને હવામાં ગોળી છોડી. બંદૂકના ધડાકાથી પાછળ ઉભેલા લોકો મનુના ઘરનો ઉંબરો ઉતરી ગયા. શમાજી અને બીજા ચાર દરબાર જોઈ રહ્યા. બે ક્ષણ એમ જ ઊભા રહ્યા બાદ વકીલ બોલ્યા: “તુંમ ઇતના ડરતે હો ઇસ લડકી સે? કી ચુનાવ કે પરિણામકે પહેલે ઇસસે ડર ગયે?”

હા...હાં આનાહી હું ડરવાનું?” શમાજી હસ્યો અને બોલ્યો: “આ વધારણન કુણ મત આલવાનું?

તો ક્યુ ઇતના ભડક રહા હે? જીત કે દીખા...” વકીલે કહ્યું.

 

                          આ સાંભળી શમાજી બે ઘડી વિચારમાં પડ્યો. જાડીજાંખરામાં પડેલો દરબાર ઊભો થયો, તેના મોઢા, ગળા, ખભા અને છાતીના ભાગ પર ઉઝરડા પડ્યા હતા. “...તારી જાતના...” કહી તે સહદેવને મારવા દોડ્યો. શમાજીએ એને રોક્યો કહ્યું: “જવા દે... પસી જોઈ લઇસુ.” કહી તે બધા ચાલ્યા ગયા. જ્યોતિર્લીંગ ઊભો ઊભો આ બધુ જોઈ રહ્યો હતો. એ બોલ્યો: “મુ બાપુનો ઘોડો લઈ જવ સુ...” કહી તે વાડા તરફ ચાલવા લાગ્યો. કશુંક યાદ આવતા પાછો ફર્યો: “બાપુની વીંટી આલ.”

હું સબૂત કે ઇ બાપુની વીંટી સ?” મનુએ કહ્યું.

મન ખબર સ ઇ બાપુની વીંટી સ!” રાડ નાખી જ્યોતિર્લીંગ બોલ્યો.

નય મલ.” મનુએ શાંતિથી જવાબ આપ્યો.

 

                          બે ક્ષણ આંખો જીણી કરી તે મનુને જોઈ રહ્યો અને પછી વાડામાં ઘોડો લેવા જતો રહ્યો. રાત થઈ ગઈ હતી, સાંજનું અજવાળુ વિસરાઈ ગયુ હતું. બધા ચાલ્યા ગયા બાદ વકીલ, સહદેવ અને મનુ અંદર ઘરમાં ગયા અને કમાડ વાંસી દીધુ. સહદેવે અને વકીલે રાઘજીની લાશ જોઈ. માંસના લોંદા પડ્યા હોય એમ તેની છાતી લાગી રહી હતી અને એનાથી પણ ભયજનક તેનું શીશ ધડથી છેટુ પડ્યુ હતું.

 

                          વકીલે બંનેને ફરી યોજના સમજાવી: “મનુ તું તેરે અડોસ-પડોશકે લોગો કો અભી યે બતાકે આ કી તેરી જાન કો યહાં ખતરા હૈ, ઇસ લીએ તું હમારે સાથ આયેગી ઓર ઉનહે બતાના કી યે બાત કીસી કો બતાયે નહીં. બાદમેં સહદેવ ઓર મેં પહેલે લાશ કો કીસી થેલી યા બડે કપડેમેં લપેટ કે પીછે તબેલેમેં લે આયેંગે. તબ તક ઘરમેં જો કોઈ ભી કીમતી સામાન હે ઉસે પેક કર કે તું બેલગાડીમેં રખેગી. તુંને ઇસકી બોડી કો અંદર ઘસીટકે લાઇ પર બ્હાર કુછ જગાહ ખૂન કે દાગ હે ઓર અંદર ભી યહાં પે ખૂન કે દાગ ફૈલે હુએ હે. ઇસ લીએ લાશ એક બાર હટ જાય, તું અપના સામાન લે લેગી ઉસકે બાદ ઘરકે અંદર જીતનેભી કંબલ યા ચટાઈ હે, ઓર જો કપડે ઇસ્તેમાલમેં નહીં હે ઉસે હર જગાહ ફૈલા દેને હે. તબેલેમેં સે ઘાંસ લેકે અંદર આયેગી પીછે કે દરવાજે સે ઘાંસ ફેલાતે હુએ આના હે. પીછે કે દરવાજેસે થોડા બ્હાર તક તું ઘાંસ ફેલાયેગી. ઉસકે બાદ તું પૂરે ઘરમેં કેરોસીન ડાલ દેગી. બ્હાર જો લકડીયા હે ઉસે અંદર સબ જગા રખ દેગી. હમ લાશ કો ઓર તેરા થોડા સામાન બેલગાડીમેં રખેંગે. બાકી કા સામાન મેરી ગાડીમેં રખેંગે. મેં મેરી ગાડી લેકે પહેલે નીકલ જાઉંગા. તું ઓર સહદેવ બેલગાડીમેં આઓગે. જબ તુંમ દોનો નીક્લોગે તબ સબ લૉગ તુંમ્હે જાતે દેખે વેસે કુછ આવાઝ કર કે નિકલના હે. મેં ગાંવ કે પીછે, તાલાબ કે પાસ ગાડી લેકે ખડા રહુંગા. તુંમ દોનો લાશ કો બેલગાડીમેં લેકે મેરે પાસ આ જાના. યે સબ જલ્દી કરના પડેગા ક્યુંકી વો લડકા ઘોડા લેકે ગયા હે, ઓર મનુને બતાયા થા કી ઘોડા ઉસે તાલાબ કે પાસ મીલા. તો હમે ઉનસે પહેલે વહાં જાના પડેગા ઓર જલ્દી સે નિકલના પડેગા. ઇસ લીએ જલ્દીસે કામ પે લગો.” વકીલે સમજાવ્યુ અને ત્રણેય નક્કી કરેલા પોતાના કર્તવ્યો કરવા લાગ્યા.

 

                          મનુ સૌપ્રથમ જાનકીના ઘરે ગઈ અને કહી આવી પોતે જઈ રહી છે. ત્યાં સુધી સહદેવે અને વકીલે લાશને બે ગોદડામાં લપેટી પાછળના દરવાજેથી બળદગાડામાં મૂકી આવ્યા. મનુ પોતાનો સામાન થેલાઓમાં ભરવા લાગી. દરમિયાન સહદેવ ઘાંસ લઈ આવ્યો અને વકીલ તબેલાની વાડ બાજુથી જાડીજાંખરા ખેંચી લાવ્યા અને પાછળના ઓરડામાં ફેલાવી દીધા. મનુએ તેનો સામાન ગાડામાં ચઢાવી દીધો પછી ન કામના કપડાં અને ગોદડા જમીન પર પાંથરી દીધા. ત્યારબાદ તે આંગણામાંથી લાકડા લઈ આવી અને ઓરડામાં બિછાવી દીધા. વકીલ ત્યાંથી પછી ગાડીમાં જતાં રહ્યા મનુએ બંને ઓરડામાં ઘાંસતેલ રેડ્યુ, રેડતા-રેડતા તે પાછળ વાડા સુધી આવી અને કમાડ આગળ ઘાંસતેલનું ડબલુ ઉંધુ વાળી દીધુ.

 

                          તે અને સહદેવ ગાડામાં બેસી બ્હાર નીકળ્યા. વકીલે કહ્યું એમ તે બળદને જાકારો કરતાં નીકળી એટલે થોડા લોકોનું ધ્યાન તેમના પર ગયુ. તેઓ પાદર બાજુ વળ્યા. વકીલે તળાવ નજીક મા દુર્ગાના મંદિર આગળ ગાડી ઊભી રાખી હતી. બ્હાર ગાડીને ટેકો દઈ સિગારેટ પી રહ્યા હતા. થોડીવાર બાદ મનુ બળદગાડુ લઈ આવી.

અબ ઇસ લાશ કો પાનીમેં ફેંક દેતે હે, સહદેવ હાથ બટા...” વકીલે કહ્યું.

બે ક્ષણ બાદ મનુ બોલી: “નહીં...” વકીલ અને સહદેવ ઊભા રહી ગયા. મનુને જોઈ રહ્યા.

“આ અમારા પીવાનું પાણી છે. આ પાણી ખરાબ ના કરાય.”

તો તું બતા ? લાશ કા ક્યાં કરના હે?” વકીલે પૂછ્યું. મનુ વિચારવા લાગી.

ચાર ક્ષણ પછી વકીલે કહ્યું: “જલ્દી બતા ટાઈમ નહીં હે હમારે પાસ!”

મનુ આજુબાજુ જોવા લાગી. અચાનક તેની નજર સાકેત પર ઠરી. તે તરત બોલી:

પેલા... પેલા ખંડેર આગળ મૂકી આવો.”

 

                          આટલા વર્ષો પછી સાકેતની હાલત ખંડેરથી પણ વધારે બૂરી થઈ ગઈ હતી. તેની આસપાસ આડા-અવળા બાવળીયા અને પીપળા ઉગયા હતા. સાકેત અવાવરુ જગ્યા થઈ ગઈ હતી. ત્યાંથી ૧૫૦ મીટર છેટે સ્મશાન હતું એટલે આખા વિસ્તારમાં કોઈ જાતની ચહેલપહેલ ન હતી. વકીલ અને સહદેવ લાશ ઉઠાવી એ બાજુ લઈ ગયા. સાકેતમાંથી કોઈક મોટેથી મંત્રોચ્ચાર કરી રહ્યું હતું, એનો અવાજ બંનેને સંભળાયો. સહદેવ તે અંગે કઈ પૂછે એ પહેલા ૧૦,૧૨ જણાનું ટોળું ગામથી એમની બાજુ આવી રહ્યું હોય એમ લાગ્યુ.

 

                          મશાલોની દીપ્તિ ધીમે ધીમે વધી રહી હતી. મનુએ બૂમ પાડી કહ્યું “એ...જલ્દી હાલો.... પેલા લોકો આવ્યા.” સહદેવ અને વકીલે એના શબ્દો સાંભળ્યા. તે બંનેએ રાઘજીની લાશ સાકેતની પાળીના કઠેડા તરફ નાખી અને ગોદડા લઈ દોડ્યા. સાકેતના પહેલા મજલેથી બારીમાંથી કોઇકે એ બંનેને લાશ નાખતા જોયા. મનુએ ગાડુ ભગાવ્યુ. વકીલ અને સહદેવ ફટાફટ ગાડીમાં બેઠા અને વકીલે જોરથી એક્સિલેટર પર પગ દાબી ગાડી ભગાવી, ધૂળ ઊડી અને રમરમાટ કરતી ગાડી શિલાજ તરફ ભાગી.

 

                          ટોળુ ત્રણ રસ્તે આવી ઉભુ. તે લોકોએ ગાડી કે મનુનું બળદગાડુ ન હતું જોયુ. ત્યાં ઊભા રહી ચર્ચા કરવા લાગ્યા કે રાઘજીની શોધ કઈ બાજુથી ચાલુ કરવી. સાકેતમાં થતો મંત્રોચારનો અવાજ ક્યારનો બંધ થઈ ગયો હતો. વકીલ અને સહદેવ રાઘજીની લાશ કઠેડા આગળ મૂકી રહ્યા હતા ત્યારે પહેલા મજલેથી રાધા એમને જોઈ ગઈ હતી. આ તરફ ત્રણ રસ્તે ટોળુ દેખાતા રાધા નીચે આવી. તેના હાથમાં જાડુ ખંજર હતું. ટોળાએ સ્મશાન તરફ જવાનો નિર્ણય કર્યો. તે લોકો સાકેત નજીક આવ્યા.

 

                          રાધા એક હાથમાં કંકુ અને એક હાથમાં ખંજર લઈ મુખ્ય દરવાજા તરફ આવવા લાગી. તેના પગની જાંજરનો અને હાથની કાચની બંગડીઓનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાતો હતો. ટોળાના બધા આદમીઓએ અવાજ સાંભળ્યો. રાધા મુખ્ય દરવાજાની જાળી પાછળ ઊભી રહી. અંધારુ સખત હતું. ટોળાએ જે મશાલો સળગાવી હતી એના પ્રકાશે મુખ્ય જાળીની પાછળ ફક્ત એક કાયા દેખાઈ. એ જગ્યાનું રહેવાસી કોણ હતું તે ગામ જાણતું હતું, એટલે ત્યાંથી લોકો પાછા વળી ગયા અને સીમ બાજુ ચાલ્યા ગયા. રાધા બ્હાર નીકળી અને લાશ પાસે ગઈ. ત્યાં મડદાને ઓળખવા બાજુમાં પડેલું મસ્તક ઉઠાયુ અને ઓળખ્યું કોણ હતું. બાદ જેમ હતું એમ મૂકી દઈ તે પાછી સાકેતમાં જતી રહી.

 

                          દોઢ કલાક સીમ બાજુ તપાસ કરતાં ટોળાંના હાથમાં બંધ પડી ગયેલી મશાલો સિવાય કઈ ન આવ્યું. હિમ્મત કરી સૌ હવે સ્મશાન બાજુ જવાનો નિર્ણય કર્યો. મા દુર્ગાના મંદિરે ઊભા રહી પહેલા જોયુ કે રાધા બ્હાર તો નથી ને. વાતાવરણ નિર્જીવ લાગી રહ્યું હતું. સાકેતમાં કોઈ સંચાર દેખાઈ પડતો ન હતો. ધીમે ધીમે ટોળુ સ્મશાન તરફ જવા લાગ્યુ. સ્મશાનની અંદર જઈ લોકોએ તપાસ કરી પણ કઈ હાથ લાગ્યુ નહીં. પાછા વળતી વખતે સાકેત નજીકના જાડી ઝાંખરાં આગળ લોકો નજર કરતાં રહ્યા અને એક જણને પાળીના ખૂણાના કઠેડા પર મડદું પડેલુ દેખાયુ. તે મશાલ થોડી નજીક લઈ ગયો અને ધડ પર માથુ ન ભાળતા, ગળા ફાડ ચીસ પાડી, તેના હાથમાંથી મશાલ પડી ગઈ. તે મંદિર તરફ દોડ્યો. મશાલ રગડીને રાઘજીના ચહેરા નજીક સ્થિર થઈ. ટોળાંના લોકોએ મશાલ તરફ જોયુ. જેના અજવાળે મૃત રાઘજીનું લોહીથી લથપથ મસ્તક દેખાઈ પડતું હતું.

 

*

 

                          લાંબો ચક્કર મારીને વકીલ અને મનુ શિલાજ વટી પાછા મનુના ગામ વાળા મુખ્ય માર્ગ પર આવ્યા. થોડે દૂર બાજુમાં વકીલે ગાડી ઊભી રાખી. મનુએ પણ ગાડુ બાજુમાં કર્યું. જે ગોદડામાં રાઘજીની લાશ લપેટી હતી, એ ગોદડા એક બાજુ ખૂણામાં મૂકી સળગાવી નાખ્યા અને વકીલે સિગારેટ સળગાવી.

સહદેવ, તું રાત કો વાપીસ જાયેગા મનુ કે ઘર. વહાં પે જાકે પીછે કે દરવાજે પે ઘાંસતેલ જહાં ગીરાયા હે વહાં આગ લગાકે વાપીસ આ જાના હે. મનુ કુછ દિન હમારે વહાં રૂકને વાલી હે.” વકીલે કહ્યું. મનુ સાંભળી રહી. ત્યારબાદ તેઓએ ઇબ્રાહિમ વકીલના ઘર તરફ પ્રયાણ કર્યું.

 

                          વકીલનું ઘર હોટલ જેવુ વિશાળ હતું. સેનાના ક્રાંતિકારીઓ બધા ત્યાં જ રોકાયા હતા. મનુ બધાને મળી. જેલમાં જે બધા સાથે હતા એમની સાથે વાત કરી. આવીને સૌ પહેલા તેમણે જમવાને ન્યાય આપ્યો. ત્યારબાદ વકીલે તેને તેનો અલગ ઓરડો બતાવ્યો. સહદેવ ૩ કલાક બાદ નીકળવાનો હતો. અત્યારે રાતના સાડા દસ વાગી રહ્યા હતા. જમ્યા બાદ મનુ તેને મળવા ગઈ. તે બ્હાર પ્રાંગણમાં તેના મિત્રો સાથે ઊભો હતો. મનુને વાત કરવી હતી માટે બંને બાજુમાં એકાંતમાં આવી ઊભા.

તું અત્યારે નિકળીશ તો સારું રહેશે.” મનુએ કહ્યું. સહદેવને બીજી જ કોઈ વાતની અપેક્ષા હતી માટે આ પ્રશ્ન અંગે તેણે કોઈ તૈયારી કરી ન હતી. બે ક્ષણ એને જોઈ રહ્યા બાદ તે બોલ્યો: “કેમ?”

તને અહીંથી મારા ગામ પહોંચતા કલાક થશે માટે કહુ છુ. તારે ત્રણ વાગતા પહેલા ગમે એ કરી પાછા આવી જાઉ પડશે.”

કેમ?”

કારણ... (બે ઘડી અટક્યાં બાદ) કારણ કે ૩ વાગ્યાનો સમય એવો છે કે ગામમાં હરતા ફરતા કોઇ પણ માણસનું આવી બને છે.

હંહ...” કહી તે હસ્યો.

સહદેવ ૩વાગે રાધાબાનો સમય આવે છે, એ સમયે ફરવુ બહુ જોખમી છે.”

કોણ રાધા બા?” તેણે પૂછ્યું.

સહદેવ એ બધુ જણાવાનો સમય નથી અત્યારે, તું નીકળને અત્યારે...”

અરે પણ શું થઈ જવાનું હમણાં જઈશ તો?”

એક વાત સમજને તું. એ પછી જોખમ વધારે છે ત્યાં જાઉ. મારી વાત માનને. મને તારી ચિંતા થાય છે. તું જા અત્યારે....” કહી મનુએ એના હાથ પર હાથ મૂક્યો અને ત્યાંથી ચાલી ગઈ.

 

                          મનુ આટલુ દબાણ આપી કહી રહી હતી માટે સહદેવને અત્યારે નીકળવુ ઠીક લાગ્યુ. તે અને તેનો એક મિત્ર મોટરસાઇકલ લઈ નીકળ્યા. તદ્દન ગામડાનો પહેરવેશ લાગે એ માટે બંનેએ શાલ ઓઢી લીધી હતી અને મોઢે ટુવાલ વીંટાળ્યો હતો જેથી ઠંડી ઓછી લાગે.

 

*

 

                          આ તરફ રાઘજીના ઘરે માણાં ભેગુ થયુ હતું અને રોકકળ ચાલી રહી હતી. ગામના બધા સવર્ણો તેના ઘરે ભેગા થયા હતા. ગામમાં પસાર થતા સહદેવે રાઘજીના ઘરે રોકકળ જોઈ અને બોલ્યો: “લોકોને ભગવાન શું કામ પોતાની પાસે બોલાવતો હશે? ભગવાન સૌનું ભલું કરે... ૐ શાંતિ:” તેનો મિત્ર અચંબાથી એને જોઈ રહ્યો. આણે થોડા સમય પહેલા તો એની લાશ ઠેકાણે કરી હતી અને હવે આવું બોલે છે? પણ તે સમજી ગયો હતો સહદેવ કટાક્ષ કરી રહ્યો હતો.

 

                          સહદેવે મનુના ઘરથી થોડા આગળ મોટરસાઇકલ ઊભી રાખી અને બંને ભાઈબંધે બીડી સળગાવી. ચાલતા-ચાલતા બંને મનુના વાડા તરફ આવ્યા, સહદેવ વાડામાં આવ્યો. ત્યાં સુધી આવતા બીડી પતી ગઈ. તેણે પતી ગયેલી બીડી ઘાંસ પર નાખી. સહેજ અમથુ લાલ સળગતું બીડીનું ટપકુ દેખાઈ રહ્યું. સહદેવ રાહ જોઈ રહ્યો કે ક્યારે તે ટપકુ આગ પકડે, પણ થોડીવાર બાદ તે હોલવાઈ ગયુ. સહદેવે નિસાસો નાખ્યો અને બાકસ નીકાળી બીજી બીડી સળગાવી અને માચીસની સળી ઘાંસ પર ચાંપી. ઘાંસતેલના કારણે તરત આગ પકડાઈ ગઈ અને દરવાજા સુધી અગ્નિ પ્રસરી ગઈ. ત્યારબાદ સહદેવ બીડીના દમ લેતો લેતો બ્હાર આવ્યો. તેનો ભાઈબંધ બંધ મોટરસાઇકલને ધક્કો મારી આગળ દોડાવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં ધુમાડો છવાયો. થોડીવાર હળવેથી ચાલ્યા બાદ સહદેવ ભાગ્યો. તેનો ભાઈબંધ બંધ મોટરસાઇકલ દોડાવી રહ્યો હતો અને વેગ પકડતા ચાલતી મોટરસાઈકલે તેના પર બેસી કીક મારી, મોટરસાઇકલ ચાલુ થઈ. સહદેવ દોડતો આવી ચાલુ મોટરસાઈકલ પર બેઠો અને તેઓ પાદરેથી ગામ બ્હાર નીકળી ગયા.

 

                          થોડીવાર બાદ સળગવાની ગંધ આવતા ફળિયામાં બે જણ બેઠા હતા. મનુના ઘરમાં આગ લાગેલી જોઈ બંને જણાએ બૂમાબૂમ કરી મૂકી અને દોડતા એ બાજુ ગયા. થોડીક જ વારમાં બધા ઘરની બ્હાર આવી ગયા અને આગ હોલવવા પ્રયત્ન કરવા લાગ્યા. સૌને એમ હતું કે મનુ ઘરમાં હશે માટે બે જણ એને નીકાળવા દરવાજો તોડી અંદર કુદયા. જાનકી બ્હાર આવી અને સૌને જણાયુ કે મનુ અંદર નથી પણ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ગયુ હતું.

 

                          ઘરના પહેલા ઓરડામાં જમીન પર ગોદડા અને ચટાઈ સળગી રહી હતી માટે પગ મૂકવાની જગ્યા ન હતી. તેથી એક જણ બીકથી બ્હાર આવી ગયો પણ બીજો વ્યક્તિ મનુને બચાવા અંદર દોડ્યો. રસોડામાં લાકડાની અભરાઇ સળગવા લાગી હતી. ઓરડાની દીવાલ ઉપર લાંબી લાકડાની પટ્ટી પર થાળી-વાટકા-ગ્લાસ સજાવી મૂક્યા હતા. તે લાકડું સળગી ઉઠ્યું હતું. ઉપર વીજળીનો ગોળો હતો. જે છાપરાના ટેકે રાખેલા લાકડા પર બાંધ્યો હતો. ગોળાનો તાર દીવાલથી મીટર સુધી જોડ્યો હતા. ત્યાં આગ પહોંચી જતાં શૉટ-સર્કિટ થયુ અને બ્હાર મીટરમાં મોટો ધડાકો થયો. બ્હાર ઉભેલા બૈરાં-છોકરાઓના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. છાપરાના લાકડાના પાયા સળગવા મંડ્યા અને એક-એક કરી છાપરાના નળિયા નીચે પડવા લાગ્યા.

 

                          બીજા ઓરડામાં જ્યાં સેટી અને કબાટ હતો ત્યાં બળીને બધુ ખાક થઈ ગયુ હતું મનુને બચાવા આવેલા માણસના પગે આગ ચોંટી હતી. તેણે ધ્યાનથી બંને ઓરડામાં જોયુ, ક્યાંય તેને મનુ ન દેખાતા પાછળના કમાડેથી બ્હાર નીકળ્યો. આગ પ્રસરતી તેની કમર સુધી પહોંચી, બ્હાર વાડામાં આવી તે જમીન પર પડ્યો અને બળવાના કારણે દર્દથી આળોટવા લાગ્યો. પાછળ વાડામાં ઉભેલા લોકોએ તેના પર ધાબળો નાખી આગ હોલવી. એ માણસનો જમણી બાજુનો પગ બળી ગયો. તેને દવાખાને મોકલવા બે માણસ ગયા અને બાકીના પાણી અને રેતી નાખી આગ હોલવવાનો પ્રયત્ન કરતાં રહ્યા. ચાર કલાકે એની મેળે આગ હોલવાઈ. કાળા પડી ગયેલા લોઢાના, પિત્તળના વાસણો સીવાય બધુ રાખના ટુકડા બની ગયુ.

 

                          એક જ દિવસે ગામમાં બે આપત્તિજનક ઘટના બની હતી. આ બંને ઘટનાને ગ્રામજનો ભલીભાતી રીતે એક તાંતણે જોડી રહ્યા હતા. મનુએ ચુંટણીમાં નામ લખાવ્યુ માટે શમાજીએ મનુનું ઘર સળગાવી નાખ્યુ. વકીલે આવી જ કઈક યુક્તિ વિચારી હતી, જે બરાબર ફળી હતી. સૌ કોઈને મનુ માટે સહાનુંભૂતિ થઈ રહી હતી. રાઘજી આ રમતમાંથી બાકાત થઈ ગયો હતો માટે આગળ દાવ નાખવો મનુ માટે સરળ થઈ ગયો. રાઘજીના ઘરે રોકકળ ચાલી રહી હતી માટે રાઘજીએ મનુના ઘરે આગ લગાડી હોય એવી શંકાને સ્થાન ઓછુ હતું પણ શમાજીએ સાંજે જ મનુને ધમકી આપી હતી કે તારુ આ ગામમાં રહેવુ મુશ્કેલ થઈ જશે. આ ધમકી ઉભેલા બધા લોકોએ સાંભળી હતી માટે ગામ માટે શમાજી અધમ બની ગયો.

 

*

 

                          આગલા દિવસે સવારે રાઘજી છેલાજી દેસાઈની અંતિમ યાત્રા નીકળી. સવર્ણોથી લઈને દલિતો સૌ કોઈ તેમાં જોડાયા હતા અને એમના દુખમાં ભાગીદાર બન્યા. ગામની બધી સ્ત્રીઓ હૈયાફાટ રડી હતી. બધાએ એક વાત સ્વીકારી લીધી કે રાધા બાએ રાઘજીનું શિરચ્છેદ કર્યું હતું પણ આવી બેરહમીથી છાતી અને વાંસા પર ઘા બાએ માર્યા હોય એ માનવુ થોડું કઠિન હતું. છતાં એક વાત તો ગ્રામજનોએ માન્ય રાખી જ કે સાકેત આગળ રાધા બાના ઘર પાસે રાઘજીની લાશ મળી હતી અને રાઘજીને શોધવા નીકળેલા લોકોએ રાધાબાના હાથમાં ખંજર જોયુ હતું. જેથી એ પુરવાર થયુ કે રાધા બાએ રાઘજીને શરીરરૂપી બંધનમાંથી મુક્તિ આપી. રાધાને ગામની દેવી માનવામાં આવતી હતી. તેના નામના નિવેજ થતા હતા, તેની પુજા થતી હતી અને રાધા બા સૌની માનતા પૂરી કરતાં માટે માતાને ગમ્યુ એ ખરુ માની રાઘજીનું મૃત્યુ મૂંગામોઢ ગામ આખાએ સ્વીકાર્યુ.

 

                          અંતિમ યાત્રાની વિધિ પતાવ્યા બાદ મનુના ફળિયાના બધા માણસો ભેગા થઈ શમાજી પર પોલીસ કેસ કરી આવ્યા અને સાક્ષી તરીકે ફક્ત વાલ્મીકિ વાસના લોકો જ નહીં પણ આવી હલકી કરતૂત કરવા બદલ એક-બે સવર્ણોએ પણ સાક્ષી પુરાવી કે શમાજીએ મનુને ધમકી આપી હતી. ૨૫ જણા એક વ્યક્તિની ફરિયાદ લખાવા આવ્યા હતા, એટલે પોલીસે વગર આળસ કરે એના પર પગલા લેવા પડ્યા. શમાજીની ધરપકડ કરી લેવામાં આવી. મામલો એટલો ગંભીર હતો અને એટલા લોકોએ સાક્ષી પુરાવી હતી કે પૈસાના જોરથી પણ શમાજીને જામીન મળી શકે એમ ન હતી.

 

*

 

(૫ દિવસ બાકી)

 

                          બે દિવસ રોકાયા બાદ મનુ પાછી પોતાના ગામ આવી રહી હતી. ઇબ્રાહિમ વકીલ તેને મૂકવા આવી રહ્યા હતા. આ બે દિવસ તેણે સહદેવ સાથે ખુશીથી ગાળ્યા હતા. જતાં પહેલા તે સહદેવને મળી. સહદેવ તેને રોકવા માંગતો હતો. ફરીથી તે એનાથી છૂટો થવા ન હતો માંગતો.

મનુ ત્યાં કાઇ નથી હવે, તારું ઘર ખાક થઈ ગયુ છે. કોઈ નથી તારુ ત્યાં...” સહદેવે કહ્યું.

પણ મારે જાવું પડશેને.”

કેમ પણ?”

કેમ એટલે? મારૂ ઘર છે ત્યાં, મારૂ ગામ છે એ.” મનુએ જણાવ્યુ.

તારુ ઘર બળીને ખાક થઈ ગયુ છે, મેં મારા હાથે સળગાવ્યુ હતું.”

સહદેવ વાત એ નથી, આટલે સુધી આવ્યા પછી હું અચાનક બધુ ના મૂકી શકુ ને... (બે ક્ષણ બાદ) ઇબ્રાહિમ સાહેબે કેટલી મહેનત કરી છે, મેં કેટલુ વેઠયુ છે આના માટે.”

છોડ ને યાર આ બધુ. મારી સાથે ચાલને. આપણે અલગથી નવી જિંદગી શરૂ કરીએ.”

મનુ થોડી વાર ચૂપ રહી. તેણે સહદેવને સાફસાફ જણાવી દીધુ: “સહદેવ વ્યક્તિને હંમેશા તેનું મન કશુંક કરવા કહેતું હોય છે, મારૂ મન મને કહી રહ્યું છે કે મારે રોકાવું જોઈએ. મને નથી એવું સંવેદન થઈ રહ્યું કે મારે તારી સાથે આવવું જોઈએ.”

 

                          આ સાંભળી સહદેવના મનમાં ફાળ પડી. તેણે મોઢું હંકાર્યુ, પછી નકાર્યુ અને બોલ્યો: “ઠીક છે. આ ચહેરો તું જિંદગીમાં ક્યારેય નહીં જોવ હવે.” કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. સહદેવ મનુનું ગાડુ લઈ આવવાનો હતો. વકીલને લાગતું જ હતું કે તે આવા કઈક ધતિંગ કરશે માટે એમણે બીજો માણસ તૈયાર રાખ્યો હતો. મનુને આવા કડવા વેણ ન હતા બોલવા પણ જો એણે એમ ન કહ્યું હોત તો સહદેવ એને જવા ન દેત. ભીની નજરે તે ગાડીમાં બેશી અને સહદેવને ગુમાવવા બદલ પોતાને કોસવા લાગી. બીજો ક્રાંતિકારી બળદગાડુ લઈ તેમની પાછળ આવી રહ્યો હતો.

સહી ડીસીજન લીયા તુંને લડકી.” વકીલે કહ્યું અને ગાડી ચાલુ કરી. મનુ ડૂસકા ભરી રડવા લાગી. વકીલ ચૂપચાપ ગાડી ચલાવી રહ્યા. દસેક એક મિનિટ બાદ વકીલ બોલ્યા: “આજ કા પ્લાન મેં અભી તુંજે બતા રહા હું... ધ્યાન સે સુન, અભી ઘર જા કે...” વકીલ બોલી રહ્યા હતા, વચમાં રડતાં-રડતાં મનુ બોલી: “રડી લઉં હું મારા દુખનું થોડીવાર?” આંસુ ભરી નજરે તે વકીલને જોઈ રહી. બે ઘડી વકીલ તેને જોઈ રહ્યા:

મુજે લગા તુંને રો લીયા ઉસકે નામ કા...” મનુ થોડા અણગમા સાથે વકીલ સામે જોઈ રહી.

મતલબ ઉસકે સાથ જો હુઆ ઉસકા...” કહી તે ચૂપ થઈ ગયા.

 

                          આ વિયોગથી પોતે પણ ખુશ ન હતી. તે શું ચાહતી હતી? શેનું ઘેલું લાગ્યુ હતું એને? એ તે જાણતી ન હતી. કેમ આ બધુ કરી રહી હતી? એ તે સમજી શક્તિ ન હતી. ક્યાંય સુધી પોતાના અસ્તિત્વ પર તે પ્રશ્ન ઉઠાવતી રહી કોણ હતી તે અને શું બની ગઈ હતી? એમ બીજા બહુ બધા વિચારો સાથે આંખોને ઓગાળતી રહી. ૨૦ મિનિટ જેટલું અંતર બાકી હતું. હવે વકીલે કડકાઈથી કીધુ:

એ લડકી...અબ રોનાધોના બંધ કર. તેરા ગાંવ આ ગયા હે. અબ સુન મેરી બાત પહેલે હમ તેરે ઘર જાયેંગે. વહાં સે ફીર પુલિસ સ્ટેશન જાયેંગે ઓર હો શકે તો નીડર બન. યે રોનાધોના છોડ દે. અબ યે ગાંવ તેરી ઊંગલી કે નીચે આને વાલા હે, તું ઐસે રોયેગી તો લોગોકા તેરે પે સે ભરોસા ઉઠ જાયેગા.”

 

                          મનુએ રૂમાલથી આંખો લૂછી. થોડું પાણી પીધુ. અને રિયર-વ્યૂ અરિસામાં જોઈ વાળ સરખા કર્યા. તેના ઘર આગળ ગાડી ઊભી રાખી. તે નીચે ઉતરી અને કાળા કોલસાની ખાણ સામે ઊભી હોય એમ એના ઘર તરફ જોઈ રહી. તેનું ઘર ખાખ થઈ ગયુ હતું. ઘરની આગળનો ટેકરો ચઢવા પ્રયત્નો કર્યો પણ ૩૫ વર્ષથી જે ઘરમાં મોટી થઈ હતી, રહી હતી, જે લાગણીઓ અને ભવ્ય ભૂતકાળ જોડાયો હતો આ ઘરથી એ બળીને ખાક થઈ ગયો હતો, આ દુષ્કૃત્યના ભારે એના પગ ઉપડવા ન દીધા. તે નીચે ઢીંચણથી બેશી ગઈ અને જમીન પર માથુ રાખી રડવા લાગી. તેણે એક જ દિવસમાં પોતે કેટલું બધુ ગુમાવ્યુ હતું. જેલમાંથી આ ઘરમાં આવવા કેટકેટલા વલખાં માર્યા હતા અને આજે આ જ ઘરને તેણે સળગાવી મૂક્યુ. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, મનુને જોઈ રહ્યા હતા. જાનકી તેની પાસે આવી અને તેની પીઠ પર હાથ મૂકી વ્હાલથી બોલી: “મનુ...”

 

                          તેને વકીલની વાત યાદ આવી. જો એ નબળી પડી તો તેનું વ્યક્તિત્વ બગડી જશે. હવે તેણે હિમ્મતથી કામ લેવાનું હતું. જેટલા આંસુ સારવાના હતા એટલા સારી લીધા. હવે, જવાબદારી સ્વીકારવાનો સમય આવી ગયો હતો. નાનું બાળક બાંયથી મોઢું લુછે એમ મનુએ પોતાના ખભાથી આંખો સાફ કરી અને ઊભી થઈ. મનુની આ અવસ્થા જોઈ જાનકી રડી રહી હતી, તેણે જાનકીને ગળે લગાવી અને શાંત પાડી. ગામના સવર્ણો અને દલિતો બધા ત્યાં ભેગા થઈ ગયા હતા. મનુ લોકો સમક્ષ આગળ ઊભી રહી અને તીક્ષ્ણ નજરે જોઈ રહી, બાદ બોલી: “મારૂ ઘર હવે આ ગોમ સ, તો આ ગોમના બધા લોકો મારા ઘરના સ. હવેહી તમે મને માનો કે ના માનો પણ આજથી તમે બધા મારો પરિવાર સો... મારી પાંહે ગુમાવા માટે કશું રહ્યું નહીં સીવાય કે તમે બધા... દુનિયા મોણસને તરસોડે તો ય મોણસ જીવી જાય, પણ જો એના ઘરના એને તરસોડેને તો ઇ ક્યાંયનો નો રેય બાપ!” કહી મનુએ બે હાથ જોડી સૌને નમસ્કાર કર્યા અને પાછી ગાડીમાં બેશી ગઈ. જતાં-જતાં તેણે જાનકીને કહ્યું: “મારો સામાન તારા ત્યાં ઉતારાવડાઈ લેન.” કહી તેણે બળદગડા પર સવાર સેનાનીને સામાન ઉતારવા ઈશારો કર્યો.

 

                          બધા હેતથી અને માનપૂર્વક મનુને જોઈ રહ્યા. મનુ આજુબાજુ નજર નાખ્યા વીના ગંભીર મુદ્રામાં સામે જોઈ રહી. વકીલે ગાડી પોલીસ સ્ટેશન લીધી. પોલીસ સ્ટેશન જઈ તેણે પોલીસરક્ષકને કહ્યું:

સાહેબ...સાહેબ મારા ઘરમાં આગ લાગી જઈ હતી સાહેબ. મુ એની રીપોટ લખાવા આઇસુ.”

ખુરશીમાં બેઠેલો અધિકારી બોલ્યો: “તમારી ફરિયાદ બે દિવસ પહેલા જ લખાઈ ગઈ છે અને અમે ગુનેગારને જેલમાં નાખી દીધો છે.”

કોને સાહેબ?” જિજ્ઞાસા સાથે તે બોલી.

શમાજી બાપુને.” અધિકારીએ જણાવ્યુ.

પણ... શમાજી આવુ ના કરે સાહેબ, આવુ હલકુ કૃત્ય એ કદી ના કરે સાહેબ.”

અધિકારી સ્તબ્ધ થઈ ગયો: “તો તમે એમ કહેવા માંગો છો કે અમે ભૂલ કરી છે શમાજીને પકડીને?”

ચોક્કસ. સાહેબ, મુ એમના ઘરે વાસણ, કચરો-પોતું કરવા જતી’તી. મન તો એ એમની દીકરીની જેમ રાખ સ. એ આવુ નો કરે ક્યારે.”

શું બોલી રહ્યા છો તમે?’ આશ્ચર્ય સાથે પોલીસ અધિકારી બોલ્યો.

સાહેબ. એમન છોડી દો.”

ઑ...મનરાગીનીબેન ૨૫ જણાએ જુબાની આપી છે કે શમાજીએ તમારું ઘર સળગાવ્યુ.”

સાહેબ મારૂ ઘર સ, મારી જુબાની હાંભળો. ઘાંસતેલ ઢળી જવાના કારણે મારા ઘરમાં આગ લાગી’તી.”

ચાર ક્ષણ આશ્ચર્યથી પોલીસ અધિકારી એને જોઈ રહ્યો અને બોલ્યો: “સારું. જો તમે જ કબુલ કરી રહ્યા છો તો છોડી દવ છુ હું એમને.”

 

                          પોલીસે શમાજીને છોડી મૂક્યા. બ્હાર મનુ વકીલ સાથે ગાડી જોડે ઊભી હતી. શમાજી પાસે આવ્યા: “તે મન સોડાયો એટલે એમ ના હમજીસ કે મારા પર બોવ મોટો ઉપકાર કર્યો સ. ભૂલીસ નય એક ટાઈમ હતો જ્યારે મે તન મદદ કરી હતી. તન લોન કરાઇ આલી’તી.”

ના... ના, ભૂલાતું હશે. ૨૫૦૦ની લોનના ૫૫૦૦રૂ. લેવા વાળા ઉપકારી માણસને ભૂલતું હશે કોઈ?” મનુ બોલી. શમાજી ભોંઠા પડી એને જોઈ રહ્યા.

તમને બ્હાર કાઢવાનું કારણ એક જ કે તમે તમારી નજરે જોઈ હકો આ ગામમાં એક વાલ્મીકિ સ્ત્રીન સરપંચ બનતા.” મનુએ વટથી કહ્યું.

શમાજી ખડખડાટ હસવા લાગ્યો: “હાળી, બે-પાંચ પૈસા હું કમાઈ લીધા તન લાગસ તું દરબારું ઉપર રાજ કરે?”

તું તારી નજરે જોઈશ.”

હવ જોયા, જોયા... આવી મોટી.” શમાજી બોલ્યા.

બે ઘડી તે શમાજીને જોઈ રહી પછી: “તાકાત હોય તો જીતીન બતાડ.” મનુએ કહ્યું અને સ્મિત આપ્યુ. શમાજી ડોળા કાઢી એને જોઈ રહ્યો અને બોલ્યો: “તમન તમારી ઓકાત બતાવાનો વારો આઇ જયો સ... જો તું ખાલી.” કહી શમાજી ત્યાંથી ચાલ્યા ગયા.

 

                          મનુ પાછી તેના ફળિયામાં આવી. તેના ઘરની જમણી બાજુએ એટલે કે રોડના બીજા છેડે ગંભીરભાઇના ચાર-પાંચ મકાન હતા. જેમાંથી એક મકાન મનુને રહેવા માટે આપ્યુ. મનુએ તેનો સામાન મકાનમાં ઉતાર્યો. એ મકાન પણ મનુના મકાન જેવુ જ હતું. બસ ખાલી આગળ ઓટલો ન હતો. આગળ અને પાછળ એક-એક દરવાજો હતો. નવેસરથી તેનું ઘર ઊભુ થાય ત્યાં સુધી તેને અહીંયાં જ રહેવાનું હતું.

વકીલે તેને એક યોજના આપી કે: “લડકી મેં તેરે કો એક નઇ ગાડી દે દેતા હું... ઓર તું લોગોમેં કુછ પૈસે બાટ દે. તો લૉગ તેરે સાથ ખડે હો જાયેંગે.”

તો મારામાં અને બીજામાં શું અંતર રહી જશે સાહેબ? મારી જાત મહેનતથી જ જીતીશ. આટલું બધુ થયા પછી પણ જો લોકો મને સ્વીકારવા ના માંગતા હોય તો મારે એમના નથી થવું. ખોટું કરીને જીતવા કરતાં હાર કબુલ છે મને.” મનુએ કહ્યું. વકીલ તેને જોઈ રહ્યા.

 

                          મનુની જાન પર કેટલી મોટી આફત હતી, વકીલ જાણી ગયા હતા માટે તેમણે પોલીસ પાસેથી સુરક્ષા માંગી. મનુએ એના માટે પણ આનાકાની કરી પણ વકીલે એક ના સાંભળી. વકીલે બે પોલીસ અધિકારીઓ મનુના ઘર આગળ તૈનાત કરાવ્યા અને પછી વકીલે રજા લીધી. બંને પોલીસ અફસર આગલા અને પાછળના દરવાજે ખડે પગ થઈ ગયા. બેઉ સારા ઓફિસર હતા. એક અફસરનું નામ હતું વસંત જાડેજા. વસંત જાડેજા તેની નોકરીથી ખૂબ જ વફાદાર હતો. પોતાના ૨ વર્ષના કાર્યકાળમાં ૧૦ વાર તેને તબદીલ કરવામાં આવ્યો હતો. કારણ કે જે વિસ્તારમાં તેની નિમણૂક થતી ત્યાં ડાંડાઇ કરતાં લોકો કે ગેરકાયદેસર કામ કરતાં માણસોને તે સીધા દોર કરી નાખતો. સ્વાભાવિક વાત છે ઈમાનદારી એ એવું ઘી છે જે દરેક કુતરાને હજમ થતું હોતું નથી. માટે વારંવાર તેને દરેક જગ્યાએથી સ્થળાંતર કરવુ પડતું. ઈમાનદારી તેના લહુમાં હતી પણ તેની સાથે ઈમાનદારી થઈ ન હતી. તેણે પ્રેમલગ્ન કર્યા હતા. સમાજથી, પોતાના પરિવારથી બધાથી લડીને તે પોતાના પ્રિયપાત્રને પરણ્યો હતો પણ પરણ્યાના ૭ મહિના બાદ તેની પત્ની બીજા વ્યક્તિ સાથે ભાગી ગઈ. એ દિવસથી વસંત એકલો પડી ગયો હતો અને ઉદાસ રહ્યા કરતો હતો. તે ભગવાન શંકરનો ભક્તો હતો, જેમ દેવી પાર્વતિને મૂકી ભોળાનાથ ગિરનાર આવી જઈ સોમરસથી કાળજાની આગને હોલવવાનો પ્રયત્ન કરતાં હતા એમ વસંત પણ તેની પત્નીના વિરહમાં સોમરસની પ્રસાદ સવાર-સાંજ લીધા કરતો.

 

                          રાત્રે સૂતા પહેલા મનુને રાધાબાની પરિક્રમા યાદ આવતા બંને પોલીસ અફસરોને ચેતવી દીધા કે ૩થી૪માં રાધા બા પસાર થતા હોય છે. માટે એ સમયે સંતાઈ જઉ. ઘંટનો અવાજ સાંભળી સામે જઉ નહીં. બંને અફસર સમજી ગયા. પછીતે ચોકી કરી રહેલો અફસર એમ પણ ૧૨ વાગ્યા પછી સૂઈ જતો માટે તેને આ ચેતવણીથી ઝાઝો ફેર ન પડ્યો. વસંતે આ વાતનું ધ્યાન રાખી. ૩થી૪ એક કલાક તે જીપમાં લપાઈ જતો.

 

*

 

(૨ દિવસ બાકી)

 

                          ત્રણ દિવસથી શમાજી વિચારી રહ્યા હતા કે કેમ કરી મનુને ચૂંટણી લડતા રોકવી. પહેલા તો વિચાર આવ્યો ભલે તે ચૂંટણી લડતી. ગામનુ કોઈ તેને મત નહીં આપે પણ પછી જે ઘટનાઓ થઈ એ પરથી એમને લાગ્યુ બાજી એમના હાથમાંથી બાજી લસરી રહી હતી. રાધાના પિતા ગોવર્ધનરામ શમાજીના મિત્ર હતા. મિત્રતાના ભાગરૂપે તેમણે ગોવર્ધનરામને અરજ કરી કે તે રાધાને કહે કે મનુ તેનું નામ પાછુ ખેંચી લે. આખા ગામમાં રાધા જ એક એવી વ્યક્તિ હતી જેની વાત કોઈ અવગણી શકે એમ ન હતું. ગોવર્ધનરામે મિત્રતાની શરમભરી રાધાને મનુ સાથે વાત કરવા કહ્યું. રાધાએ એ કાર્ય માટે હા પાડી.

 

*

 

Final Chapter: THE DEVI

 

 

 

                          મનુ તેના નવા મકાનમાં સામાન ગોઠવતી અને સરખો કર્યા કરતી. તેને ઘરની બ્હાર નીકળવાની મનાઈ હતી. બંને પોલીસ અફસર જણાવતા કે તેની જાનને બ્હાર ખતરો છે માટે તે ઘરમાં જ બેશી રહેતી. સમય મળે જાનકી તેને મળવા આવતી. તેની પણ અફસર ચકાસણી કરતાં સાથે હથિયાર લઈને આવી નથી. મનુને આ બધુ ન હતું પસંદ પણ તે જરૂરી હતું. માટે સહન કરી રહી હતી. જાનકી આજે તેને મળવા આવી હતી. વાતમાંથી વાત નીકળતા મનુએ જણાવ્યુ: “જોનકી... માર રાધાબાન મલવું સ.”

ચમ?”

બધા લોકો ખોટે ખોટું ઇમનુ નોમ આલ સ કે એમણે રાઘજીન મારયો.”

તે એ તો હાચી જ વાત સ ન, બાએ જ રાઘજીન મારયો. ઇણે કઈક કર્યું હશે એટલે બાકી રાધા બા કારણ વગર એવું ના કરે.” જાનકી બોલી. મનુ તેને જોઈ રહી.

આ ચૂંટણી પતેને એટલે આપણે એમન મળવા જયસુ.” મનુએ જણાવ્યુ.

 

                          બંને બહેનપણીઓ છૂટી પડી. મનુને રાત્રે સૂતી વેળાએ રાધા બાના વિચાર આવી રહ્યા હતા. તે એમને મળવા માંગતી હતી અને પૂછવા માંગતી હતી પોતાની અંદર ભરી રાખેલા ઢગલો પ્રશ્નો કે પોતે શું કરવુ જોઈએ આગળ. અત્યારે તો ફક્ત વિચારણા જ તે કરી શકે એમ હતી. ચૂંટણી પત્યા બાદ તે રાધાબાને મળી પૂછવાની હતી કે તેણે શું કરવુ. એમ આડા-અવળા વિચારોમાં ગોથા ખાતા, તે ઊંઘી ગઈ.

 

                          તે ન હતી જાણતી કે રાધા આજે તેને મળવા આવવાની હતી પણ જો રાત્રે તે મનુને મળવા આવી તો મનુએ રાધા જે કહે એ વાત સ્વીકાર્ય કરવાની રહેશે. મનુને રાધામાં શ્રદ્ધા હતી માટે જ રાધાબાના દરેક નિર્ણયને તે સરમાન્ય રાખવા તૈયાર હતી. મુખ્ય વાત એ હતી કે શમાજીએ મનુ પોતાનું નામ પાછું ખેંચાવી લે એના માટે રાધાને મોકલી હતી અને રાધા એ કામ કરવા રાજી થઈ હતી. માટે આજની રાત શમાજી આરામની નીંદરમાં પોંઢી ગયા.

 

                          બરાબર ત્રણ વાગે રાત્રે રાધા ઘંટ અને દસ્તો લઈ પોતાના નિયમિત ક્રમ મુજબ ગામમાં ‘રાધે... રાધે’નો નાદ કરતી નીકળી પડી. ટન...ટન... ઘંટના ગહન ધ્વનિથી વિસ્તાર આખો ગુંજી ઉઠ્યો, એમાં પાછળ રાધે... રાધે નાદ વાતાવરણને નિસ્તેજ કરી રહ્યું હતું. આજે રાધા મનુના આંગણે ઊભી રહી ઘંટનાદ કરી રહી હતી. ઘંટનાદ અને રાધેરાધેનો અવાજ સ્પષ્ટ થતા મનુ જાગી ગઈ, તેના હ્રદયના ધબકારા વધવા લાગ્યા. તેણે ડરતા-ડરતા કમાડ ઉઘાડયુ. બ્હાર લાલ વસ્ત્રોમાં સજ્જ માથે લાલ ટીકો અને એવો જ રક્ત રંગની લાલી હોઠે લગાવી હતી. તેની પાયલ, ચાંદીનું માદળિયુ અને તેનો શૃંગાર સાક્ષાત મા ભવાનીના દર્શન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.

 

                          મનુના મનમાં જે ડર હતો એ રાધા બાને જોતાં મટી ગયો. આટલા વર્ષોથી જે લોકગથા સાંભળી હતી કે રાધા બા રાત્રે આવે ત્યારે દૈવી શક્તિઓથી પાપીઓનો સંહાર કરે છે માટે મનુને તેના રૌદ્ર રૂપથી ડર લાગી રહ્યો હતો પણ જ્યારે કમાડ ઉઘાડી સામે જોયુ તો રાધા બા ઊભા હતા. નિખાલસ અને કોમળ. એમને જોઈ મનુને સારું લાગ્યુ, તેણે એમને અંદર બોલાવ્યા. તે બાને પગે લાગી અને ખાટ પર બેસાડયા અને પોતે જમીન પર બેશી.

બા...મુ હોંજે જ તમન યાદ કરતી’તી કે મારે તમન મલવા આવવુ’તું.” મનુએ કહ્યું.

મનોરમા...તું જે કરી રહી સુ તે બરાબર કરી રહી સુ.” આજે પ્રથમવાર મનુને કોઈએ મનોરમા નામથી સંબોધી.

બા... રાઘજીને...”

તે મારયો સ, મુ જાણું સુ.” રાધાએ સ્મિતથી કહ્યું. મનુએ તેમની સામે બે હાથ જોડ્યા.

બા, બોવ બધા પ્રશ્નો થાય સ મન. મન જવાબ આલોન.”

અત્યારે એના માટે સમય નથી. તને મુ એટલું જ જણાવા આયીસુ કે... તું જે કરી રહી સુ ચાલુ રાખ, એ મુક્તિ નય. મા ભવાની તારી હારે સ.” રાધાએ કહ્યું. બાદ રાધાએ મનુનાં હોઠ પર હોઠ મૂકી આશીર્વાદ આપ્યા અને ઊભી થઈ.

 

                          મનુ બાના ચરણોમાં પડી ગઈ અને તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. બાએ તેને ઊભી કરી માથે ચુંબન આપી કહ્યું: “તથાસ્તુ.” બાદ એ દૈદીપ્યમાન પ્રતિભા ત્યાંથી લુપ્ત થઈ ગઈ. મનુને ઉત્તર મળી ગયો હતો. તે સાચા પથ પર જઇ રહી હતી.

 

*

 

(છેલ્લો એક દિવસ બાકી)

 

                          સવારે રાધા શમાજીના ઘરે ગઈ. શમાજીએ ખુશીથી રાધાને કમરેથી પકડી સ્વાગત કર્યું અને અંદર બોલાવી. અંદર આવતા-આવતા રાધાએ જણાવ્યુ: “શમા, એ સોડીન ના રોકીસ. એ નય રોકાય. તાર તારી આબરૂ બચાઈ રાખવી હોય તો તારું નોમ પાસું ખેંચી લે ચૂંટણીમાંહી.” રાધાએ જણાવ્યુ.

તે એન હું કીધું?” શમાજીએ પૂછ્યું.

મે કીધુ નોમ ના ખેંચીસ પાસું, તું લડ તમતાર.”

 

                          આ સાંભળી શમાજીનો પિત્તો ગયો. એણે રાધાનો હાથ પકડી એને બ્હાર ખેંચી લાવ્યા અને લાત મારી, ઘરની બ્હાર કાઢી મૂકી: “ભેનબખત હારી હિજરી...કોમ બગાડ્યુ મારૂ!” કહી તે અંદર જતો રહ્યો. રાધા ઊભી થઈ અને કપડાં સાફ કરી પોતાના ઘર તરફ ભણી. શમાજી અંદર આવી પાટ પર બેઠા. પભો ઊભો હતો એણે પૂછ્યું શું થયુ. શમાજીએ આખી વાત જણાવી. બધુ સમજ્યા પછી પભાએ છેલ્લો એક ઉપાય આપ્યો. એના માટે એમણે અરજણને અને ભિખાને બોલાવ્યો. ભીખો દરબાર એ જેને સહદેવે લાત મારી જાડીજાંખરામાં ફેંકી દીધો હતો. પભાએ બંનેને એક છેલ્લુ કામ સોપ્યું. ચારેય જણ ૨ કલાક સુધી બેસી આખી યોજના બનાવી અને આજ રાત્રે બધો ખેલ સમેટી લેવાની તૈયારી શરૂ કરી.

 

                          મનુને વસંત સાથે વાત કરવુ ગમતું હતું. તે નિખાલસ અને પોતાની જવાબદારીથી વફાદાર હતો. મનુ જાણતી હતી વસંતની પત્ની એને તરછોડી ગઈ હતી એટલે તે નશામાં ગળાડૂબ રહ્યા કરતો હતો પણ આજે તે સ્વસ્થ હતો, કોઈપણ જાતના નશા વગર તે આવ્યો હતો. મનુએ તેની પત્ની અંગે વાત કરી. જવાબમાં તેણે જણાવ્યુ: “મનુબેન તમને ખબર છે, ઇનો ભાઈ મને મારવા આવ્યો હતો ત્યારે એ વચ્ચે ચપ્પુ પોતાની હથેળી પર રાખી ઊભી રહી ગઈ અને કહ્યું કે વસંતને કોઈએ જો હાથ લગાડ્યો તો તે પોતાની નસ કાપી નાખશે. આ હદ સુધી એણે મારા માટે કર્યું હતું. મેં પણ મારા પરિવારને તરછોડી દીધુ એના માટે, છતાં અંતે તે ભાગી ગઈ... અને એ પણ એવા વ્યક્તિ સાથે જેને બાપના પૈસે આખી જિંદગી જીવ્યા કરવુ હતું, પૈસા રળવાનું કોઈ કામ એને ન હતું કરવુ.”

તમે કેમ હંમેશા એને જ કોસી રહ્યા છો કે એણે તમારી હારે ખોટું કર્યું?”

ના...ના હું મને પણ કોસું છુ કે મેં એને કેમ એટલો બધો પ્રેમ કર્યો.”

હા, એટલે વાત એક જ થઈ ને... એની નજરથી જોવાનો પ્રયત્ન કરી જોવોને, જો એ તમને મૂકીને ચાલી ગઈ છે. તો એવા તો શું કારણ રહ્યા હતા કે જે માણસ માટે પોતાના ઘરનાની સામે થઈ જનાર વ્યક્તિ કોઈ બીજા જોડે ભાગી જાય?” મનુએ સમજાવ્યુ. આ સાંભળી વસંત વિચારમાં પડ્યો. મનુએ ઉમેર્યુ:

ચોક્કસ તો ના કહી શકુ પણ એક સ્ત્રી તરીકે મને એમ લાગે છે કે તમારી આ ઈમાનદારી તમને નડી છે.”

એટલે?”

એક સ્ત્રીને શું જોઈએ પરણ્યા પછી? એક ઘર, પોતાને સમય આપે એવો પતિ અને બાળકો. તમે એને શું આપી શક્યા? (બે ક્ષણ બાદ) ચોક્કસ તમે એને પ્રેમ આપ્યો હશે, રહેવા માટે ઘર આપ્યુ હશે પણ એક જગ્યાએ ક્યાંય થાળે પડ્યા?”

એટલે?” વસંત સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો.

મને આખી વાત જાણતા એમ લાગે છે કે મહિને ૨ મહિને થતા તમારા સ્થળાંતરથી તમારી પત્ની કંટાળી ગઈ હશે અને કદાચ આવું પગલું ભર્યુ હોય.” મનુને પોતે જે અનુભવી રહી હતી એ વાત જણાવી દીધી. તે સભાન થઈ, તે ઘરમાં ચાલી ગઈ.

 

                          આટલા સમયથી પોતાની પત્નીને દોષ આપી રહેલા વસંતને આજ પોતાની ભૂલ સમજાઈ અને હતાશાના ગર્તમાં ખોવાઈ ગયો. અંદર મનુ પણ પોતાની જાતને સંતાપતી પોતે લીધેલા નિર્ણય અંગે દુખી થઈ રહી હતી. સહદેવનું જીવન એવું જ રહેવાનું હતું આ રાજ્યથી પેલા રાજ્ય. તે ક્યારેય એક જગ્યાએ ટકીને ઘર માંડવાનો ન હતો. મનુ આ વાતના લીધે જ તેની પાસે ન હતી ગઈ અને આખી જિંદગી હવે અહીં એકલા એને વિતાવવાનો વખત આવ્યો.

 

                          સાંજે વસંતે હદ બ્હારનો દારૂ ઢીંચ્યો હતો. અત્યાર સુધી ફક્ત તે તેની પૂર્વપત્નીને કોસતો હતો, આજે પોતાની જાતની નિંદા કરવા લાગ્યો કે પોતે કેટલો બધો ખોટો હતો અને પોતાની મિથ્યાની અગ્નિમાં મદિરાના ઘૂટ માંડી રહ્યો હતો. બ્હાર આગલા દરવાજે તે પીયને જમીન પર ઢળી પડ્યો હતો. સાંજ ઢળી ચૂકી હતી માટે ઝાઝું અજવાળુ હતું નહીં. મનુ પણ વહેલાસર જમીને ઊંઘી ગઈ.

 

                          રોજ મનુ આગળ અને પાછળના બંને કમાડ વાસી દેતી પણ આજે તે પછીતેનો કમાડ બંધ કરવાનું ભૂલી ગઈ હતી. મધ્યાન રાત્રિ થઈ ગઈ હતી. આગલા દિવસે મતદાન થવાનું હતું. આ જંગમાં મનુએ પોતાનું સર્વસ્વ લગાવી દીધુ હતું. છતાં, જે અસ્તિત્વ હતું તેનું, જે કોમમાં તેણે જનમ લીધો હતો. જેના પર પોતે પસંદગી કરી શકે એમ ન હતી કે પોતે કયા કુળમાં જન્મ લેવો. બસ, એક આ અસમર્થતાના કારણે તેને ડર હતો કે પોતાની જ્ઞાતીના કારણે ક્યાંક હારી ન જાય. આવા વિચારો તેને સૂતા સૂતા આવી રહ્યા હતા. તે પાણી પીવા ઉઠી.

 

                          પછીતેના દરવાજે કઈક સંચાર થયો હોય એવું તેણે અનુભવ્યુ. મનુએ પાછળના દરવાજે જોયુ અને પાછી પોતાની જગ્યાએ સૂઈ ગઈ. પછીતે ચોકી કરી રહેલા પોલીસ અફસર પર બે બુકાનીધારી માણસોએ હુમલો કર્યો. તે અફસર સૂઈ રહ્યો હતો એનું મોઢું દબાવી બીજાએ ગળા પર ચપ્પુ ફેરવી દીધુ. આગળનો અફસર નશામાં ધૂર્ત હતો એટલે બુકાનીધારીઓને એની ચિંતા ન હતી. તેમને એમ હતું કે મનુએ અંદરથી કમાડ બંધ કર્યું હશે. માટે બંને હળવેથી કમાડની કુંડી ફેરવી રહ્યા હતા. દરમિયાન મનુ પાણીપીવા ઊભી થઈ અને આ સંચાર અનુભવ્યો. તે પાછી પોતાની જગ્યાએ સૂતી ત્યારે અચાનક તેને યાદ આવ્યું કે પોતે દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. પછીતેનો દરવાજો ઉઘડ્યો.

 

                          અફસરને પતાવી દીધા બાદ બંનેએ પોતાની બુકાની ઉતારી નાખી. મશાલ હાથમાં લઈ બંને પાછળના ઓરડામાં મનુની શોધ કરવા લાગ્યા. બંને મશાલધારી આગળના ઓરડામાં આવી ગયા. જ્યાં મનુએ પથારી કરી હતી ત્યાં એક જણો ઓશિકા પર ચપ્પાના ઘા મારવા લાગ્યો. મનુ ઊભી થઈ દીવાલના ટેકે સંતાઈ ગઈ હતી. મનુ હળવેથી આગળના દરવાજા તરફ ચાલી. મશાલનો પ્રકાશ મનુએ જોયો અને તે આગળના દરવાજાની દીવાલે ઊભી રહી અવાજ કર્યા વિના કુંડી ઉઘાડવાનો પ્રયત્ન કરી રહી. ઓશિકા પર ઘા મારતા આદમીને જોઈ મનુ વિચારવા લાગી જો તે ત્યાં સૂઈ રહી હોત તો શું થાત? કમાડની કુંડી ખૂલી ગઈ. મનુ ડઘાઈ ગઈ હતી. ઝડપથી કમાડ ઉઘાડયુ અને બૂમ પાડી: “વસંત!”

 

                          બીજો જે માણસ ઊભો હતો એણે મશાલનો પ્રકાશ મનુએ જે તરફ બૂમ પાડી એ તરફ નાખ્યો. તેણે મનુને બ્હાર ભાગતા જોઈ. તે એની પાછળ ગયો, તેના હાથમાંથી મશાલ નીચે પડી. મનુની પાછળ જઈ આદમીએ મનુનો ચોટલો ખેંચ્યો. મનુ ભાગી રહી હતી. એના વાળ ખેંચાતા, ભયંકરનો આંચકો એના માથામાં લાગ્યો અને તે પાછળ ઢસડાઈ. પેલો માણસ એના વાળ પકડી અંદર લઈ આવ્યો અને ચોટલો ખેંચી મનુને દીવાલ તરફ ફેંકી. તેનું માથુ દીવાલ સાથે ભટકાયુ. નીચે ગોદડા પર મશાલ પડી હતી, ગોદડું સળગતા બીજા માણસે મશાલ ઉપાડી લીધી અને બાજુમાં જ્યાં ફાનસ હતી એમાં દીવો કર્યો. આખા ઓરડામાં અજવાળુ પ્રસર્યું.

 

                          મનુએ તે બંને માણસને ઓળખ્યા. જેણે ફાનસ સળગાવી એ ભીખો હતો અને જેણે વાળ ખેંચ્યા એ અરજણ હતો. મનુનું જ્યાં માથું ભટકાયુ હતું ત્યાં તે પડી રહી. ભિખાએ અરજણને ચપ્પુ આપતા કહ્યું “લે પતાઈ નાખ એને...”

હમડા ઉભો રે’, મારી હાળી... જાત ભૂલી જઈ’તી એની, આને તો...”કહેતા તેણે મનુને બોચીમાંથી પકડી ઊભી કરી અને દીવાલ તરફ જે કબાટ હતો એ તરફ ફેંકી: “એવી મારીશન હું આજે... બધા હલકાઓના સોકરાના સોકરા યાદ રાખસે, એમની ઓકાત શું હતી.” કહી તેણે મનુની બોચી પકડી અભરાઇ પર મોઢું ઘસેડયુ. વાસણો સાથે મનુનું મોઢું ખરાબ રીતે ભટકાયું. વાસણો નીચે પડ્યા અને તેનો અવાજ ગુંજી ઉઠ્યો. લોખંડની અણીદાર પટ્ટીના ટેકે અભરાઇ લટકેલી હતી.

 

                          અરજણે જે જંગલીપણે મનુને ઢસડી હતી, અભરાઇ નીચે પડી ગઈ. ભીખો શાંતિથી અદબ વાળી આ જોઈ રહ્યો હતો. મનુ દીવાલના ખૂણામાં લોહીલુહાણ પડી હતી. તેના પર અભરાઇ પડી હતી. લોખંડની અણીદાર પટ્ટી તેના હાથ નજીક પડી હતી. મનુની માંડ એક આંખ અરધી ખૂલતી હતી. મનુએ પટ્ટી જોઈ, ત્યાં હાથ લંબાવ્યો. આક્રોશમાં આવેલા અરજણને તે દેખાયુ નહીં. તેણે અભરાઇ આઘી કરી મનુને ઊભી કરી. મનુના હાથમાં લોખંડની પટ્ટી હતી. અરજણ બોલ્યો: “અત્યાર તો જીવ બચાવા ચેવા ફડફડિયા મારી રઈસ. તે હાળી રાઘજીન ચમનો મારયો...?”

આવી રીતે.” મનુ બોલી અને લોખંડની પટ્ટી બે હાથે પકડી અરજણની છાતીમાં ભોંકી દીધી અને નીચેની તરફ ખેંચી.” અરજણની છાતી ચિરાઈ. તેની ફાટી આંખોમાં લોહી તરી આવ્યું. લોહી નીકળવા લાગ્યું. અરજણ જ્યાં ગોદડું સળગી રહ્યું હતું એના પર ફસડાઈ પડ્યો. ભિખાએ આ જોયુ બે ક્ષણ બાદ: “તારી જાતની...” બોલી તે ચપ્પુ લઈ મનુને મારવા આવ્યો. મનુ બે ડગલાં પાછળ ખસી.

 

                          અંદર ચાલી રહેલા કોલાહલથી વસંત થોડો ભાનમાં આવ્યો. તે લથડિયા ખાઈ રહ્યો હતો. તે અર્ધસભાન અવસ્થામાં લાગતો હતો. તે લથડાતો દરવાજા આગળ ગયો. ભિખાએ મનુ પર ચપ્પુ ફેરવ્યુ, વચ્ચે અરજણનું મડદું આવતા તે થોડો લથડાયો અને સરખું સંતુંલન ન આવતા મનુની આંખ પર ચપ્પાની ધાર ઉલળી. મનુએ બે હાથથી મોઢું ઢાંકી લીધું. મોઢાની ચામડી ચિરાતા તે રાડ પાડી ઉઠી. લોહીનો એક લીટો દીવાલે ચોંટયો અને મનુ બેભાન થઈ જમીન પર ફસડાઈ પડી. વસંત અર્ધબેભાન અવસ્થામાં અંદર આવ્યો અને તેને ભિખાના હાથમાં ચપ્પુ દેખાયુ. વસંતે તેની બંદૂક કાઢી અને ભિખાની છાતીમાં બે ગોળીઓ ઉતારી દીધી. છતાં, તે મનુ પર વાર કરવા આગળ આવી રહ્યો હતો. વસંતે એની છાતીમાં લાત મારી. તે જ્યાં ગોદડુ સળગતું હતું એના પર જઈ પડ્યો.

 

                          વસંત મનુને ઊંચકી બ્હાર લઈ આવ્યો અને તાબડતોબ જીપમાં બેસાડી. તે પાછળ ચોકી કરતાં અફસરને ઉઠાડવા ગયો. તેને મૃત જોઈ. પાછો આવ્યો અને બે-ત્રણ ડોલ પાણી બંનેની લાશ પર નાખ્યુ અને આગ હોલવવા પ્રયત્ન કર્યો. તે હજુ પણ નશાની હાલતમાં હતો. તે બ્હાર ટાંકીએ જઈ એક ડોલ પાણી ભરી, એમાં મો નાખી દીધુ. અરધી મિનિટ પછી મોઢું બ્હાર કાઢયું, ત્યારે થોડો નશો ઉતર્યો. મનુ ગાડીમાં બેભાન બેઠું હતી. વસંતે જીપ ચાલુ કરી દવાખાનના રસ્તે લીધી.

 

                          તબીબોએ તેની સારવાર ચાલુ કરી. તેને કપાળે ચીરો પડ્યો હતો, માથા પર ભટકાવના લીધે બાહરથી ઇજા થઈ હતી. આમ, સામાન્ય હતું પણ તે ભાનમાં આવી ન હતી રહી.

 

*

 

                          સવારે મતદાન શરૂ થઈ ગયુ. મનુના ઘરમાં ત્રણ લાશ પડી હતી. વહેલી સવારે પોલીસે આવીને તપાસ શરૂ કરી દીધી. અંદર બે આદમીઓના મડદા સળગી ગયા હતા. જેમાંથી એકની ઓળખાણ થઈ શકી હતી પણ બીજા એકનું કમરથી ઉપર સુધીનું શરીર બળી ગયુ હતું માટે તેની ઓળખ થઈ શકી નહીં. મનુ પર હુમલા કરવામાં જે એક માણસને ઓળખી શક્યા પોલીસે એનું નામ જાહેર કર્યું ભીખુભા દરબાર. ગામ લોકોની સીધી નજર શમાજી પર પડી. કારણ તે શમાજીનો માણસ હતો. પોલીસે શમાજીને પૂછપરછ કરી. જવાબમાં શમાજીએ જણાવ્યુ તેમણે આ વિષયમાં કઈ ખબર ન હતી.

એક વાર મનુબેન હોશમાં આવી ગયા પછી ખબર પડી જશે કે તમને આ વિષયમાં ખબર હતી કે નહીં.” વસંતે જણાવ્યુ.

 

                          શમાજી પોતે મહાન દુખના પહાડ નીચે દબાઈ ગયા હોય એમ લાગી રહ્યા હતા. તેમનુ મોઢુ પડી ગયુ હતું. જીવન જાણે નીરસ બની ગયુ હોય એમ તે ઢગલો થઈ સવારના એક જ જગ્યાએ બેસી રહ્યા હતા. પભાએ આવી પૂછ્યું: “બાપુ, હોય હવે આવતી ચુંટણીમાં મે’નત કરીશું. આમ ભાઇડા થઈ ઢીલા નો પડાય.”

વાત નહીં પભા...” દીર્ઘ અફસોસ સાથે શમાજી બોલ્યા.

તો?”

અરજણ... મારો.” કહી તેમણે ઊંડો શ્વાસ લીધો.

અરે બાપુ, એવા તો ડેલાના દહ સોકરા તમાર માટે ઊભા થઈ જાય. તમે જાકારો કરો ખાલી...”

કેમનો તન હમજાવુ પભા...” શમાજી બોલ્યા અને પભો ચૂપ થઈ એમની સામે જોઈ રહ્યો.

૨૫ વરહ પે’લા યાદ સ, પેલો ખીમજી આયાં રે’વા આયો’તો(માથું હંકારી પભાએ હા પાડી) ઇણે નવુ નવુ ઘર માંડ્યુ’તું. પસી એની ભરતી સેનામાં થઈ’તી. એની નવવધૂ ત્યારે એકલી રે’તી’તી ઘરમાં. ત્યારે હું એના ત્યાં બેહવા જતો’તો...(થોડીવાર બાદ) અન એવું થયુ’તું.”

એટલે બાપુ, એ તમારો....” પભો બોલ્યો અને શમાજી રડી પડ્યા.

માર ન’તો મોકલવાનો એન ત્યાં...” કહી રડતાં રહ્યા અને પોતે લીધેલા નિર્ણય અંગે રંજ કરતાં રહ્યા.

 

 

 

                          બપોરના ૧ વાગ્યા સુધીમાં અરધુ મતદાન થઈ ગયુ હતું, બે કલાક બાદ મનુને ભાન આવ્યું. તેને બાટલો ચઢાવામાં આવ્યો હતો. તેને બ્હાર જઈ ગામ લોકો સાથે વાત કરવી હતી. તબીબે તેની સાથે એક પરિચારિકા મોકલી. મનુ મતદાન કેન્દ્ર પર આવી રહી છે એવા સમાચાર દવાખાનેથી નીકળતા પહેલા તેણે ગામમાં સતિશ જોડે પહોંચતા કર્યા. આ વાત ગામમાં પ્રસરી જતાં ગામ આખું મનુને જોવા, તેને સાંભળવા મતદાન કેન્દ્ર પર આવી ગયુ.

 

                          મનુ પોલીસ અધિકારીની જીપમાંથી ઉતરી. ગામના મોટાભાગના લોકો તેને સાંભળવા આવ્યા હતા, જેમાં સવર્ણો પણ બાકાત રહ્યા ન હતા. “આ શ્વાસ હજી ચાલુ સ...” તે બોલી અને ભેગી થયેલી ભીડને જોઈ રહી. સૌ કોઈ હેતથી તેની સામે જોઈ રહ્યા હતા. મતદાન કેન્દ્ર, પાણીની ટાંકી, બળદગાડા અને માર્ગ પર લોકોની ભીડ ઉમટી હતી. સૌ મનુને જોવા અને તેને સાંભળવા આવ્યા હતા. મનુને જીવતી જોઈ બધાને સારું લાગી રહ્યું હતું.

“અને હજુ પણ કોઈને મને મારવાની ઈસ્સા હોય તો આવી જાય. આ ઊભી હું.(કહી તેણે હાથ લંબાવ્યા, પરિચારિકાએ જે હાથે બાટલાની નળી ભરાવી હતી એ હાથ પકડી સરખો રાખ્યો) મનુએ આગળ કહ્યું: “આ ગોમ માટે મુ લડી રયસુ, અન આ ગોમ માટે કોઈ મન મારી નાખસે તોય હું માર જાતન નશીબદાર હમજીસ. ભારત માતા કી...!મનુ બોલી.

“જય!” એકસાથે ભીડનો અવાજ ગુંજ્યો. મનુએ હાથ જોડી સૌને પ્રણામ કર્યા, પાછી જિપમાં બેસી જતી રહી.

 

                          પોલીસે એ પછી તેનું બયાન લીધું અને, બીજો જે માણસ ઓળખી શકયો ન હતો, તે કોણ હતું એ પૂછ્યું. મનુએ સાચી ઓળખ આપી. ત્યારબાદ પોલીસે પૂછ્યું: “તમારા પર હુમલો કરાવ્યો હોય એવા કોઈ માણસ પર તમને શક છે?”

ના.” મનુએ જણાવ્યુ. જાનકી તેની બાજુમાં ઊભી હતી તે એને વઢી: “તે ના ચમ પાડી?”

છોડ યાર.... ક્યાં હુંધી નફરત હારે લઈને ફરીસુ. આજે એક વાલ્મીકિ કન્યાના કારણે એક દરબાર જેલમાં ગયો, એ પછી ફરી એક દરબાર ઊભો થશે અને એક વાલ્મીકિ કન્યાને હેરાન કરશે. આ દેખાદેખી, આ વિરોધ-પ્રતિશોધના ચક્રવ્યૂહમાં વર્ષોથી આપણી માનવ જાતિ ફસાઈ ગઈ સ. માર હવ આગર આ ગોમમાં એવું નય થવા દેવુ. આજે એક દરબારને એક વાલ્મીકિ કન્યાએ જીવદયા આપી.” મનુએ સમજાવ્યું.

 

*

 

(પરિણામનો દિવસ)

 

                          મનુની તબિયત થોડી સુધરી હતી. ભીખાએ જે ઘા કપાળે માર્યો હતો એ હંમેશ માટે દેખાઈ રહેવાનો હતો. આજે પરિણામ આવવાનું હતું માટે વકીલ તેને મળવા આવ્યા હતા. મનુને હરવા-ફરવાની પરવાનગી હતી પણ તે પરિણામ જાણવા બ્હાર જવા માંગતી ન હતી. તે અંદર જ બેશી રહી. જાનકી તેની સાથે રહી. વકીલ અને ફળિયાના લોકો સહિત ગામ લોકો મતદાન કેન્દ્રએ પહોંચી ગયા હતા. વકીલે જોયુ શમાજી પણ ત્યાં હાજર ન હતા. શમાજી અઠવાડીયાથી અરજણના મૃત્યુનો શોક પાળી રહ્યા હતા.

 

                          ચુનાવ આયોગ અધિકારીઓએ પરિણામ જાહેર કર્યું. મનરાગીની નાથપૂજક પૂર્ણબહુમતથી તાલુકાનાં પેટા સરપંચ તરીકે ચૂંટાયા છે. સૌ લોકોએ ખુશીથી તાળીઓથી અભિવાદન કર્યું. વકીલ ઝડપથી પોતાની ગાડીમાં મનુના ઘર તરફ ગયા. વકીલની ગાડી પાછળ નાના છોકરાઓ દોડી રહ્યા હતા. એમની પાછળ ફળિયાના લોકો મનુને મળવા ઉત્સાહથી આવી રહ્યા હતા. વકીલે ઘરે આવી મનુને સમાચાર આપ્યા. વકીલ પહેલા જ પરિણામ એક કાનેથી બીજા કાને પહોંચતા પહોંચતા મનુ સુધી પહોંચી ગયું હતું. મનુ રાજીની રેડ થઈ ગઈ અને વકીલને પગે લાગી. કારણ વકીલની યોજના વગર આ ગામમાં મનુનું જીતવુ અશક્ય હતું. બ્હાર લોકો મનુને મળવા આવ્યા હતા. વકીલે તેને બ્હાર આવી લોકોનો આભાર માનવા કહ્યું.

 

                          મનુએ બ્હાર આવી સૌનો આભાર માન્યો. સૌએ તેને અભિવાદન કર્યું. મનુ સૌને પ્રણામ કરી અંદર આવી. તે આજે ખુશ હતી. આજે તેના ગામે તે જે હતી એમ, જેવી હતી એવી, એની જ્ઞાતિ અને જાતિ સાથે સ્વીકારી હતી. સાંજે રાઘજીની પત્ની તેને મળવા આવી. સાથે જ્યોતિર્લીંગ પણ આવ્યો હતો.

એ મનુડી... તે મારા ધણીને માર્યો સ...તું જિંદગીમાં ચ્યારેય સુખી નય થઉં... તન મારી મેલડી નય મૂકે... તારું નખ્ખોદ જવાનું!” આવું બધુ રાઘજીની પત્ની બ્હાર ઊભી ઊભી બોલી રહી હતી. મનુ અંદર હતી. બ્હાર કકળાટ સાંભળતા તે બ્હાર આવી.

એય... હું સ?” મનુએ પૂછ્યું.

મારા ધણીન મારીન મન પુસસ હું સ, હાળી વધારણ!”

કુણે કીધું મેં તારા ધણીન માર્યો?” મનુ એના વેણ સાંખી રહી.

તો... તારી પાંહે બાપુની વીંટી ચ્યાંહી આયી? અન બાપુનો ઘોડો તારી પાહે ચમનો આયો?” જ્યોતિર્લિંગે પૂછ્યું.

મન રાધા બાએ વીંટી આલી’તી અન ઘોડો લઈ જવા કીધુ’તું.” મનુએ કીધુ. આજુબાજુ માણાં ભેગુ થઈ ગયુ અને માર્ગ પર આવતા જતાં લોકો ઊભા રહી જોઈ રહ્યા.

જૂઠું...જૂઠું બોલ સ મારી બેટી હલકી!” રાઘજીની પત્ની બોલી. હવે મનુને ગુસ્સો આવ્યો. તે બોલી: “તન...હું ધણીની કમી થવા લાગી સ? આ નવઘણનો જુવાનજોધ સોકરો પડ્યો’તો રે’ સ તારા ઘરમાં દિવસ-રાત!”

 

                          મનુ જે બોલી એ બધાએ સાંભળ્યુ અને લોકો સ્તબ્ધ થઈ ગયા અને ગુસપુસ કરવા લાગ્યા. રાઘજીની પત્નીને આ સાંભળી ફાળ પડી. તે શરમથી ત્યાંથી ચાલવા લાગી. જ્યોતિર્લીંગ પણ ભોંઠો પડી જતો રહ્યો.

 

*

 

                          આ તરફ શમાજીને આઘાત પર આઘાત પડી રહ્યા હતા. અરજણને તો ગુમાવ્યો અને ચૂંટણી પણ હારી ગયા. ચૂંટણી હારવાની નાલેશી તેમનાથી સહન થઈ રહી ન હતી. ૧૫ દિવસથી, જ્યારથી અરજણના સમાચાર મળ્યા ત્યારથી ઘરમાં સૂનમૂન પડ્યા રહેતા અને ચૂંટણીનાં પરિણામથી વધારે નાસીપાસ થઈ ગયા હતા. એક દિવસ પોતાના ઓરડામાં ગયા અને તિજોરીમાંથી તેમના પિતાની અમુલ્ય યાદગીરીની ચીજો નીકાળી. ઘણા સમયથી તેમણે પિતાની વિરાસતની ચીજો ફંફોળી ન હતી. શમાજીના પિતા પાસે એક ચાંદીની બંદૂક હતી. જેની નળી પર અને હાથા પર સુંદર કોતરણી કામ કર્યું હતું. તેની ગોળીની કારટીઝ પણ શાહી કુટુંબની લાગી રહી હતી. શમાજીએ એમાં ગોળીઓ ભરી. પોતાના પલંગ પર બેઠા અને બારીની બ્હાર જોઈ રહ્યા.

 

                          સાંજ ઢળવા આવી હતી, પક્ષીઓ પોતાના ઘર તરફ વળ્યા હતા. ગામમાં લોકોના ઘરના ચૂલહા ધમધમી ઉઠ્યા હતા. શમાજીની બારીમાંથી એક ચમકારો થતો દેખાયો અને એની સાથે બંદુકનોક ધડાકો થયો. બ્હાર આંગળે લીમડાના જા પરથી પક્ષી ઊડી ગયા.

 

*

 

                          મનુએ નવેસરથી ઘરનું સમારકામ ચાલુ કરાવ્યુ હતું. તેના ઘરની જગ્યાએ વિશાળ હવેલી બનાવડાવી રહી હતી. દરમિયાન ફરીથી વકીલને સામાનની ફેરબદલ માટે લોકોની જરૂર પડી હતી. તેમણે મનુને ફક્ત આંકડો જણાવ્યો. મનુએ એટલા માણસ હાજર કરી દીધા. આ વખતના ફેરામાં મનુએ પોતે ઓછો હિસ્સો લીધો અને ગ્રામના લોકોને ૨૦૦રૂ. વધારે આપ્યા.

 

                          બીજા વખતના ફેરામાં સહદેવ ન હતો. એ દિવસે સહદેવે જે કહ્યુ હતું એ પછી ક્યારેય તે મનુની સામે ન આવ્યો. મનુએ વકીલને પૂછ્યુ કે એમણે જે કરી રહ્યા છે એ અને આઝાદીની ચળવળ એકબીજા સાથે કેવી રીતે સંલગ્ન છે. વકીલે ગોળગોળ જવાબ આપી, વાત બદલી નાખી. વકીલ જે કઇપણ કરી રહ્યા હતા, એ કામ અને આઝાદીની ચળવળને કઈ લેવાદેવા ન હતા. મનુને મોડાથી સમજાયુ અને હવે તે વકીલ સાથે કોઈ રીતેની ભાગીદારી રાખવા માંગતી ન હતી. એ દિવસ પછી તેણે વકીલ સાથેની બધી લેણી-દેણી બંધ કરી અને વકીલને પોતાના ત્યાં ન આવવા કહી દીધું. અહીથી તેણે વકીલ સાથેનો સંબંધ વિરમ્યો. સહદેવ પણ વકીલની સાથે આ બધી લૂટફાટમાં અવ્વલ ભૂમિકા ભજવતો હતો પણ મનુ જીવી ત્યાં સુધી તેને દેશની આઝાદી માટે લડતા એક ક્રાંતિકારી તરીકે જ જોઈ રહી. કારણ તે કદી મનુની સામે આવ્યો નહીં. આ લોકો જે લૂટફાટ કરતા હતા, એ દેશ આઝાદ થયા પછી પણ લૂંટફાટ બંધ કરી નહીં. નિર્દોષ તરુણોને ઘટનાઓનો અર્થ બદલીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. સરકાર વિરુદ્ધ ભડકાવી રેલ્વે અને બેન્ક લૂંટતા રહ્યા. કેટલાક એમાંના બાગી બની ડાકુઓની ટોળકીમાં જોડાયા. જે મધ્ય પ્રદેશ અને બિહારના જંગલોમાં વિલીન થઈ ગયા. દેશ માટે લડતા એ યુવાનો ક્યારે નક્સલી બની ગયા, કેવી રીતે એક ઉદાર વકીલ પણ એ ચક્રવ્યૂહમાં સંડોવાયો તે કોઈ જાણી શક્યુ નહીં. માટે જ આજે ઈતિહાસમાં અંગ્રેજોની પજવણી કરવા વાળા આ નક્સલીઓને કોઈ યાદ નથી કરતુ.

 

                          મનુએ ગ્રામજનોને બીજી રીતે સમજાયુ કે હવે પછીના કામમાં જોખમ વધારે રહેશે. માટે તેણે બધાને એ કામ કરવા માટે ના પાડી. હવેથી આપણાં ગામમાંથી કોઈ વકીલના કામ માટે નહીં જાય. તેણે ઠરાવ આપ્યો. ઘણા લોકોએ મનુની વાત માની લીધી પણ કેટલાકને જલ્દી જલ્દી પૈસા કમાવાનો ચસ્કો લાગ્યો હતો. ત્રીજા વખતના ફેરામાં ૧૦ જેટલા ગ્રામજનો અને બીજા ૧૨ ક્રાંતિકારીઓ સામાન લઈ જતાં હતા. ઝારખંડ નજીક એક નાના સ્ટેશન પર રેલ્વે ઊભી રહી. અંગ્રેજોએ તેમને પકડી પાડ્યા. ક્રાંતિકારીઓએ સામે ગોળીબાર કર્યો. ગ્રામજનો જે એમની સાથે જોડાયેલા હતા. એમને હથિયાર ચલાવતા આવડતા ન હતા. બ્રિટિશરો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. તેમણે બધા ક્રાંતિકારીઓ અને એમની સાથે સંડોવાયેલા બધા ૧૦ ગ્રામજનોને ગોળીબારીમાં મારી નાખ્યા.

 

                          સાથે ગામની ૧૦ સ્ત્રીઓ વિધવા થઈ ગઈ. એમાંની કેટલીક મનુને દોષ આપી રહી હતી કે આ બધુ મનુના લીધે થયુ હતું. મનુએ તે લોકો સાથે ઓળખાણ કરાવી હતી. મનુને એમના દોષ સામે કોઈ ચોખવટ કરવાનુ મન ના થયુ. ગામની બીજી બાયુએ એમને જણાવ્યુ: “મનુએ ના પાડી દીધી હતી કે હવે ત્યાં જવામાં સાર નથી પણ તમારા ધણીન પૈસા કમાવાની લાલચ હતી એટલે આવું થ્યું.”

 

                          એ પછી ગામના ઠાકોરો સાથે મળી તેણે દારૂ અને અફીણની દાણચોરી કરવાનુ ચાલુ કર્યુ. જેમાં પોલીસનો હપ્તો રહેતો, મનુ પોતાનો ભાગ લેતી. ૧ વર્ષ સરળતાથી બધુ ચાલ્યું પણ બાદમાં બ્હારની પોલીસ આમાં પગ પેસારવાનો પ્રયત્ન કરવા લાગી માટે મનુ આ કામમાંથી છૂટી થઈ ગઈ અને ગામના ઠાકોરોને ચેતવી દીધા કે આ ધંધા બંધ કરે પણ ઠાકોરોએ એની વાત માની નહીં. ધીમે-ધીમે દારૂનુ વ્યસન ઘરે-ઘરે વધવા લાગ્યું હતું. ઘરેલુ હિંસા અને અત્યાચારના કિસ્સા વધી રહ્યા હતા. મનુએ ઠાકોરોને છેલ્લી ચેતવણી આપી કે દારૂનુ વેચાણ બંધ કરે છતાં, ઠાકોરોએ વાત કાને ન ધરી. છેવટે મનુએ યોજના બનાવી અને એવી રીતે ગોઠવ્યુ કે દારૂ વેચતા ઠાકોરોનો દારૂનો સંપૂર્ણ જથ્થો અને રોકડ રકમ એ લોકો ભેગી કરી નાખે. બ્હાર ગામથી એક વ્યક્તિને ૩ ખટારા ભરી દારૂ જોઈતો હતો. એ માટે એક બ્રીફકેસ ભરી માણસ મોકલ્યો.

 

                          બુટલેગરોની ટોળકીએ ડાહ્યા થઈ બાજુના ગામથી પણ દારૂ મંગાવી લીધો. ૩૫ જણાની પોલીસની ફોજ આવી અને દરોડો પાડ્યો. ૧૭ જેટલા બુટલેગર અને બીજા ખરીદનારોને પોલીસે ઝડપી પાડ્યા અને માલ અને રોકડ કિમત જમા કરી લીધી. આ રીતે ગામમાં થતો દારૂનો ગોરખધંધો બંધ થયો અને ઘરેલુ અત્યાચારના કિસ્સા ઓછા થયા.

 

                          ધારોડીથી આગળ કેનાલનુ કામ ચાલતુ હતું, મનુએ તાલુકા પંચાયતમાં વાત કરી તેમના ગામ સુધી ખેતરોમાં પાણી આવે એની વ્યવસ્થા કરાવી આપી, જેના કારણે ખેડૂતોના માથેથી બહુ મોટો બોજ હળવો થઈ ગયો. ચાર વર્ષ આમ નીકળી ગયા. તેની હવેલી તૈયાર થઈ ગઈ હતી. ત્યાં પુજા કરાવી ગૃહ પ્રવેશ કર્યો. એ પછી પણ મનુ પાસે પૈસાની બહુ મોટી રકમ બચી હતી. તેના ભાઇનુ ભણતર પણ પૂરું થઈ ગયુ હતું. તે છાત્રાલયથી પાછો તેના ઘરે રહેવા આવી ગયો. મનુએ એ સમયમાં ખેતીલાયક જમીન ખરીદી હતી. જેમાંથી થોડી જમીન પર તેનો ભાઈ ખેતી કરતો અને બીજી જમીન ભાડે આપી દીધી.

 

                          પાંચ વર્ષ બાદ ફરીથી મનુ સરપંચ તરીકે ચૂંટાઈ. ગામમાંથી આ વખતે બીજા કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી માટે તે ફરી સરપંચ બની. મનુને ગામમાં ચોથા ધોરણથી આગળ નિશાળ શરૂ કરાવી હતી. તે માટે તાલુકામાં, અમદાવાદ, ગાંધીનગર બધે ધક્કા ખાતી થઈ ગઈ. બે વર્ષના અંતે તેને સરકાર પાસેથી નિશાળ બનાવા માટે અનુદાન મળ્યુ અને બીજા બે વર્ષમાં નિશાળ તૈયાર પણ થઈ ગઈ. ગામના બાળકોનું બાજુના ગામ ભણવા માટે જવાનુ બંધ થયુ. મનુએ ગામની દરેક બાળકીઓને ફરજિયાત નિશાળમાં દાખલો અપાવ્યો અને ખેતરમાં કરવી પડતી કાળી મજૂરીથી છુટકારો અપાવ્યો. નિશાળમાં ની:શુલ્ક મધ્યાહન ભોજન મળતું એનાથી શ્રમજીવી વાલીઓને એક પ્રકારની નિરાંત થઈ ગઈ. પહેલા જ્યારે પતિ-પત્ની મજૂરી કરવા જાય ત્યારે બાળકોને સાથે લઈ જવા પડતાં, આખો દિવસ બાળકોનું ધ્યાન રાખવું પડતું અને એમના માટે જમવાનું પણ બનાવવું પડતું. હવે બાળકો નિશાળ જતાં. જેનાથી સાચવવાની અને જમવાની નિરાંત થઈ. બીજા પાંચ વર્ષ આ રીતે પસાર થયા.

 

*

 

 

                          એના પછી તે ફરીથી સરપંચ તરીકે ચૂંટાઈ. સાલ ચાલતી હતી ૧૯૪૨. મહાત્મા ગાંધી બાપુએ વિદેશી કપડાંની હોળી કરી સ્વદેશી કપડાં બનાવાનુ અભિયાન ખેડયુ હતું. એને સમર્થન આપવા મનુએ ૭૦,૦૦૦ના ખર્ચે ગામમાં સુતરાવ કાપડની મિલ નાખી. જેમાં એમના ગામની અને આજુબાજુના ગામની ૩૦૦ સ્ત્રીઓને રોજગાર મળતો શરૂ થયો. આ જ સમયગાળામાં મનુએ ગામની દીકરિયુને સીવણકામ શીખવવા વર્ગો ચાલુ કર્યા. મિલમાં શહેરથી કાપડનો વેપાર કરતી સ્ત્રીઓ વ્યવસાય હેતુ આવતી થઈ. જે સીવણકામમાં માર્ગદર્શન અને તાલીમ આપતી. મિલમાં ‘ઘડપણની લાકડી, મારી લાડકી’ નામનું ડોનેશન બોક્સ મૂકવામાં આવ્યું. આ બોક્સમાં સ્ત્રીઓના વેતનમાંથી એક નાની રકમ અહી મૂકવામાં આવતી. જેમાં કન્યાઓને આગળ ભણવા કે અન્ય કોઈ સહાય જોઈતી હોય તે માટે ભંડોળ ભેગું કરવામાં આવતું.

 

*

 

 

                          ૧૯૪૭માં દેશ આઝાદ થયો, સાથે મનુ ફરીથી સરપંચ બની અને તેણે સ્ત્રી-સશક્તિકરણનુ અભિયાન ચલાવ્યુ. દરેક કન્યાને મેટ્રિક પછી આગળ ભણવા માટે શહેરમાં મહાવિદ્યાલયમાં દાખલો અપાવ્યો. ‘ઘડપણની લાકડી, મારી લાડકી’માં જે ભંડોળ ભેગું થતું હતું એમાંથી સેમેસ્ટર ફી, હોસ્ટેલ ખર્ચ અને મહિનાના ૨૦૦રૂ. જેટલો ખર્ચ કન્યાઓને મળતો. તેમ છતાં ઘણી મોટી રકમ ભંડોળમાં જમા થયેલી રહેતી. મનુએ ત્યારબાદ ગામના છોકરાઓ જેમને આગળ ભણવું હોય અને પૈસે ટકે સક્ષમ ન હોય એમને પણ ભંડોળમાંથી સહાય આપવાની શરૂ કરી. મનુની હવેલી પાછળ જે વાડો હતો ત્યાં ગામમાં ૧૨ વર્ષથી મોટી કન્યાઓને આત્મરક્ષણની તાલીમ અને સ્વ-બચાવના આક્રમણ અંગેની તાલીમ આપવામાં આવતી. એના માટે શહેરથી બે પ્રશિક્ષિકા આવતી, જે તાલીમ આપતી. મનુનાં ઘરમાં સતત ભીડ રહેતી. સવારથી બપોર સુધી ગામના કામો અને તાલુકાનાં માણસો આવતા, મિલના કામ માટે માણસો આવતા, આત્મરક્ષણની તાલીમ લેવા આવતી કન્યાઓ તેને મળીને જ જતી, મનુ સાથે વાત કરતી, સાંજે ફળિયાની છોકરીઓ લેશન કરવા તેના ત્યાં આવતી, આંગણામાં રમતી. મનુ કન્યાઓ સાથે બેસી વાતો કરતી અને એમની દિનચર્યાનો અહેવાલ જાણતી. જાનકી પણ આ બધામાં તેની સાથોસાથ રહેતી. આખો દિવસ આ બધામાં પસાર થતો.

 

                          તે ક્યારેક કન્યાઓ સાથે બે-બે હાથ લડાવતી તો ક્યારેક નાની બાળકીઓ સાથે આંગણામાં રમતી. ઘરે આવતી બાળકીઓએ મનુને લખતા-વાંચતાં શીખવાડયું. એમાં પણ એને ખાસો સમય લાગ્યો પણ કન્યાઓ ધીરજથી કામ લઈ તેને શીખવાડતી. મનુ સ્ત્રીઓને માનસિક મૂંઝવણોનો ઉકેલ લાવી આપતી. માટે તરુણાવસ્થામાં પ્રવેશતી કન્યાઓ ખુલ્લા મનથી તેને બધુ પૂછતી. મનુને પણ તેમની સાથે બેસવું, વાતો કરવું ગમતું.

 

                          એક દિવસ મિલમાં અચાનક છાતીમાં તેને ભયંકર દુખાવો ઉપડયો. ભાન ગુમાવતાં તે નીચે ઢળી પડી. તેને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવી. તબીબોને ખાસ કઈ ધ્યાનમાં ન આવ્યું. બ્લડ પ્રેશર ઓછું થવાના કારણે આવું થયું છે. એમ જણાવી દવા આપી રજા આપી. ત્રણ વર્ષ બાદ ફરી એવો જ દુખાવો ઉપડયો. આ વખતે શહેરના મોટા અસ્પતાલમાં લઈ જવામાં આવી. ત્યાં તપાસમાં તબીબોને જાણવા મળ્યું કે તેને છાતીમાં કેન્સર છે. આ સમાચારથી ગામમાં ખળભળાટ મચી ગયો. ગામની અને મિલમાંથી સ્ત્રીઓ છકડા ભરી ભરી તેની ખબર કાઢવા શહેર આવી. જાનકી સાથે ગામની ઘણી કન્યાઓ તેની કાળજી લેતી. સતત ૧૫દિવસ જાનકી અથવા બીજી સ્ત્રીઓ હોસ્પિટલ પર ૨૪કલાક તેની સાથે રહેતી. ૧૫દિવસ તેને અસ્પતાલ રાખવામા આવી પણ જે ભાગ્યમાં લખ્યું હતું એ થઈ ને જ રહ્યું.

 

                          મનુએ ગામમાંથી થઈ શકે એટલા દૂષણો દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. તે હરહમેશ દરેક સ્ત્રી અને દીકરીને મદદ કરવા તત્પર રહેતી. ગામની સ્ત્રીઓ માટે હંમેશા તેના ઘરના દરવાજા ખુલ્લા રહેતા. ગામમાં સ્ત્રીઓ પ્રતિનિધિત્વ કેળવતી થઈ. ગામમાં મહિલાઓનો સાક્ષરતા દર વધ્યો હતો. જેની નોંધ મેયર સાહેબે લીધી અને આજુબાજુના ગામના સરપંચોને મનુ પાસેથી શીખવા કહ્યું હતું. ગામની સ્ત્રીઓ ધંધા-રોજગારમાં આગેવાની લેતી થઈ. રૂઢીબધ્ધ માન્યતા અને દેખીતી અસમાનતામાંથી બ્હાર આવી સ્ત્રીઓ છૂટથી હરતી ફરતી થઈ અને જે-તે ક્ષેત્રમાં તેઓએ કરિયર બનાવ્યું. સામાજિક ગેરમાન્યતા અને સ્ત્રીઓ પ્રત્યેના દૂષણો દૂર થઈ ગયા હતા. સતિશની દીકરી અંજુને પોલીસ અફસર બનવુ હતું એના માટે મનુએ એને દરેક જાતની મદદ કરી. ઘણી દીકરીઓના મનુએ કન્યાદાન પણ કર્યા.

 

                          તેણે એ ગામના લોકોને સંદેશ આપ્યો હતો, તમારી જ્ઞાતિ કે જાતિથી તમારી મહાનતા નક્કી નથી થતી. જ્યાં પુરુષાર્થ છે ત્યાં મનુષ્ય એક જ દિશામાં જઈ શકે છે અને એ છે સફળતા. હું ભલે જે જ્ઞાતિમાં જન્મી, ભલે હું મરી ત્યાં સુધી કહેવાતા કેટલાક સવર્ણો આટલા વર્ષમાં એકવાર પણ સરપંચ માની મારા ઉંબરે આવ્યા નહીં. પણ મેં આ ગામની સ્ત્રીઓને સશક્ત બનાવી છે, આત્મનિર્ભર બનાવી છે. તેમને રોજગાર મેળવતી કરી છે. એમાં સવર્ણ કન્યાઓ પણ બાકાત રહી નથી. મારી મિલમાં, મારી નિશાળમાં તે લોકોએ શિક્ષણ અને વેતન મેળવ્યું છે. એ વસ્તુનો મને આનંદ છે કે ભણવા અથવા રોજગારની જગ્યાએ તે લોકો જ્ઞાતિવાદ ન લાવ્યા. મારી જ્ઞાતિ શરીરની ખોડખાપણ જેમ મારા ચરિત્ર સાથે બંધાઈ ગઈ. ભલે હું તેને મારાથી અલગ ન કરી શકી પણ તેની સામે લડવાનો મે પ્રયન્ત કર્યો છે, ‘ને એમાં હું સફળ પણ થઈ છું.

 

                          આ ગામે કે આખા બરોડા જીલ્લામાં કોઈએ કલ્પ્યું નહીં હોય કે એક સ્ત્રી ગામની સરપંચ બની શકે. શાસન કરી શકે. પણ તે બધી ભ્રમણાઓ/ ગેરમાન્યતાની સાંકળો તોડી મેં પુરવાર કર્યું છે કે મારી જાતિથી મારા કામોની સીમા નક્કી ન થઈ શકે. શાસન કોઈપણ કરી શકે છે, એમાં કોઈ જાતિ કે જ્ઞાતિની સીમા નથી. સવર્ણોએ ભલે મને સ્વીકારી નહીં પણ તેમની સ્ત્રીઓને મારી મિલમાં મોકલી, તેમની દીકરીઓને મારી નિશાળમાં ભણવા મોકલી પુરવાર કર્યું કે હું અનુચિત નથી. મારા કારણે તેમની દીકરીઓ આગળ ભણતી થઈ, તેમની સ્ત્રીઓ નોકરી કરવાનું સ્વાતંત્ર મેળવતી થઈ એનો મને રાજીપો છે. પોતાના પરિવાર માટે રળતી દરેક સ્ત્રીઓ અને પોતાના માટે ભણતી દરેક કન્યાઓ પર મને ગર્વ છે.

 

*

 

તા.૨૯/૦૭/૧૯૫૧,

 

                          મનરાગિનીએ અંત સુધી ગામની સ્ત્રીઓને સધ્ધર અને આત્મ-નિર્ભર બનાવા પ્રયત્ન કર્યા. એક વર્ષ બાદ એ કારમી બીમારીના કારણે તે નશ્વર રીતે આ જગતમાંથી દૂર થઈ. તેણે ગામની સ્ત્રીઓ માટે જેટલું કર્યુ, એટલુ કદાચ સરકાર કે કોઈ રાજાધિરાજે પણ નહી કર્યું હોય. માટે જ તેને એક સ્ત્રી તરીકે સંબોધવી ગામ લોકોને યોગ્ય ન લાગ્યું. કોઈ મહાપુરુષની જેમ એના નામના રસ્તા બનાવી કે પૂતળા બનાવી એક વ્યક્તિની પ્રતિભામાં તેને ઢાંકી શકાય એમ ન હતી. માટે જ્યારે મનરાગિનીએ દેહરૂપી વિદાય લીધી, એ પછી નિરાધાર બનેલુ ગામ રાધા બા પાસે ગયુ અને પુછ્યુ કેવી રીતે મનરાગિની નાથપૂજકને આપણી સાથે રાખી શકાય. રાધા બાએ જવાબ આપ્યો. એક દેવી તરીકે... તેણે મા સરસ્વતી જેમ શિક્ષણ પૂરું પાડ્યું, મા લક્ષ્મી જેમ ધન મેળવવાની સવલતો આપી, દુર્ગાની જેમ દૈત્યોનો નાશ કરવા આત્મ રક્ષણની પ્રયુક્તિઓ આપી. જેમ ઈશ્વર કદી કોઈ મનુષ્યમાં જાતિગત કે જ્ઞાતિના ભેદ નથી જોતાં એમ મનરાગિનીએ પણ ક્યારેય કોઈના માટે એવા ભેદ નથી રાખ્યા, સૌનો તેણે સ્વીકાર કર્યો ભલે કેટલાકે ન કર્યો. જો ઈશ્વરમાં પણ લોકો નાસ્તિકતાનો ભાવ ધરાવતા હોય તો આ તો મનુષ્ય હતી, પણ કોઈ દેવી કરતાં ઓછી નહીં. માટે મને લાગે છે આપણે તેને યાદ રાખવી જોઈએ એક દેવી તરીકે...

 

                          રાધા બાની વાત સૌને યોગ્ય લાગી. ગામ આખાએ ગામના પ્રવેશ પાસે મંદિર બનાવ્યુ. તેમાં મનરાગિનીની પ્રતિમા મુકાવી. મંદિર પર નામ લખવાનો વારો આવ્યો ત્યારે બધા ગૂંચવાયા કે નામ શુ આપવુ. અંજુએ ગામની બે-ત્રણ છોકરીઓને રાધા બાને બોલાવા મોકલી. એટલામાં સામેથી રાધા બા ચાલતા આવ્યા પગથિયાં ઉતરી અંજુ અને બીજી ચાર-પાંચ કન્યાઓ રાધા બા પાસે આવી અને પુછ્યુ કે બા મંદિર પર શુ નામ લખાવવુ છે. રાધા મંદિરની ધજા પર લખેલા ''ને જોઈ રહ્યા. બે ઘડી એ તરફ જોઈ રહી તેમણે જવાબ આપ્યો: "મનોરમા દેવી..."

 

સમાપ્ત




-કીર્તિદેવ

Comments